You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડા લિટ્ટોન : અતિશય ગરમીને લીધે દાવાનળ ભભૂક્યો, એક ગામ રાખ
અમેરિકા અને કૅનેડામાં આ વખતે તાપમાન ખૂબ જ ઊંચું નોંધાઈ રહ્યું છે. કૅનેડામાં જ્યાં રૅકર્ડ બ્રેક તાપમાન નોંધાયું તે ગામ દાવાનળને 90 ટકા બળીને રાખ થઈ ગયું.
સ્થાનિક સાસંદ બ્રાડ વિસે કહ્યું કે આગના લીધો લિટ્ટોન ગામને ખૂબ જ નુકસાન થયું. આ ગામ બ્રિટિશ કોલંબિયામાં આવેલું છે.
લિટ્ટોનના મેયર જેન પોલ્ડરમેને બીબીસીને જણાવ્યું કે, તેઓ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા તેથી ખુદ ભાગ્યશાળી ગણે છે.
તેમણે કહ્યું, "લિટ્ટોનમાં હવે કંઈ બચ્યું નહીં હોય કેમ કે બધે જ આગ પ્રસરી ગઈ હતી."
પોલ્ડરમેને બીબીસી ન્યૂઝઅવર પ્રોગ્રામમાં કહ્યું કે તેમનું ગામ આગમાં હોમાઈ ચૂક્યું છે.
તેમણે શરૂઆતમાં જ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધાં હતાં. ગામમાં માત્ર 15 મિનિટમાં આગ બધે જ પ્રસરી ગઈ હતી.
ગામમાં મહત્તમ તાપમાન 49.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ કૅનેડામાં અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન છે. આટલું ઊંચુ તાપમાન મોટાભાગે ઉત્તર અમેરિકાની ગામોમાં તાપમાન નોંધાતું હોય છે.
પશ્ચિમ કૅનેડામાં બ્રિટિશ કોલંબિયામા માત્ર પાંચ દિવસમાં 486 લોકો મૃત્યુ પામ્યાં છે. જોકે, સામાન્ય દિવસોમાં આ સરેરાશ 165 લોકોનાં મૃત્યુ થતાં હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીફ કોરોનેર લીસા લેપૉઇન્ટે વધારે મૃત્યુ અતિશય તીવ્ર વાતાવરણને કારણે ગણાવે છે. પશ્ચિમ પ્રાંતમાં છેલ્લા 3થી 5 વર્ષોમાં ગરમીને લીધે માત્ર 3 લોકો મૃત્યુ પામ્યાં હતા પણ આ વખતે સ્થિતિ અલગ છે.
તેમણે કહ્યું કે, જે લોકો મૃત્યુ પામ્યાં છે તેમાં મોટાભાગનાં હવાઉજાસ ન હોય તેવા ઘરોમાં એકલા રહેતા હતા.
હવે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઘટી રહ્યું છે પરંતુ મેદાની વિસ્તારોમાં હજુ પણ ગરમી છે.
લિટ્ટોનમાં શું થયું હતું?
બુધવારે ગામની ફરતે ધુમાડો દેખાયો આથી ગામવાસીઓ ઘરવખરી છોડીને જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયા. લિટ્ટોન ઉત્તર-પૂર્વ વૅનકુવરથી 260 કિલોમિટર દૂર વસેલું છે અને ત્યાં લગભગ 250 લોકો રહે છે.
મેયર પોલ્ડરમેને બીબીસીને કહ્યું, "માત્ર 15 મિનિટમાં જ ગામ આગમાં સપડાઈ ગયું. લોકો પોતે પાળેલા પ્રાણીઓને લઈને કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયાં."
સીબીસીના હવામાનશાસ્ત્રી જોહાન્ના વેગસ્ટાફ અનુસાર વળી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન આગને સાંજે ગામ તરફ જ ધકેલી રહ્યો હતો. આગ 10 અથવા 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી હતી.
ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં એમપી બ્રાડ વિસે કહ્યું હતું કે, તેઓ આ ઇમરજન્સીને લીધે કૅનેડા દિવસની તૈયારીઓમાં ભાગ નહીં લે. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટનાને પગલે કેટલાક ઘાયલ પણ થયાં છે.
ગામવાસીઓને નજીકના સામુદાયિક કેન્દ્રોમાં આશરો આપવામાં આવ્યો છે.
લિટ્ટોનથી માત્ર 15 કિમી દૂર આવેલા સ્થળે રહેતા જીન મૅક કે તેમની 22 વર્ષની દીકરી સાથે જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા હતા.
તેમણે સીબીસી સાથે તેમના અનુભવ શૅર કર્યાં. તેમણે કહ્યું, "હું રડતો હતો. મારી દીકરી પણ રડતી હતી. તેણે કહ્યું કે મને નથી ખબર કે મેં ઘરની ચાવી શું કામ લીધી? કેમ કે આપણું ઘર તો રહેવાનું નથી હવે. મેં તને કહ્યું હા ઘર નથી રહેવાનું. આપણે સાથે છીએ અને જીવિત છીએ તે મહત્ત્વનું છે. પ્રાર્થના કરીએ કે ઘર સલામત રહે."
જીવ બચાવવા સ્થળાંતર કરનાર એડિથ લોરિંગ-કાહાંગાએ સીબીએસ રેડિયોને કહ્યું કે, તમે કલ્પના પણ ન કરી શકો એવો દાવાનળ છે.
અન્ય જગ્યાઓએ કેવી સ્થિતિ છે?
બ્રિટિશ કોલંબિયાનના વેનકૂવરમાં શુક્રવાર સુધી ગરમીને લીધે કૂલ 65 લોકો મૃત્યુ પામ્યાં છે.
તે બ્રિટિશ કોલંબિયાનું સૌથી મોટું શહેર છે. અહીં લોકો માટે 25 કૂલિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા છે. તેઓ અહીં જ રહે છે અને કામ પણ અહીંથી કરે છે.
લોઉ નામની મહિલાએ સામાચાર સંસ્થા એએફપીને કહ્યું, "મારી પાસે પંખો છે અને એસી નથી. આથી હું અહીં કામ કરવા આવું છે."
બીજી તરફ અમેરિકાના ઑરિગોનમાં પણ ગરમીને લીધે 60 લોકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે વૉશિંગ્ટનમાં 20 લોકો મૃત્યુ પામ્યાં છે.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો અને અમેરિકી પ્રમુખ જો બાઇડને દાવાનળ મામલે ચેતવણી આપી છે.
શું આ ગરમીને ક્લાઇમેટ ચેન્જ સાથે સંબંધ છે?
મેટ મૅકગ્રેથ, પર્યાવરણ સંવાદદાતાનું આકલન :
મને વૈજ્ઞાનિકો તરફથી જાણવા મળ્યું છે કે માત્ર ગણતરીના દિવસોમાં જ તેઓ એ જાણી શકશે કે શું આ ક્લાઇમેટ ચેલેન્જને લીધે થયું છે કે કેમ.
એક પુરાવો એ છે કે રાત્રે જે રાહત મળતી હોય છે તે મળી નથી રહી. રાત્રે પણ ગરમી યથાવત રહે છે.
ગત વર્ષે પ્રકાશિત એક અભ્યાસમાં કહેવાયું હતું કે સંશોધકો અનુસાર દિવસ-રાતના તાપમાનની બાબત ગંભીર છે.
સ્થાનિક દરિયાઈ પવનો તાપમાનમાં રાહત લાવવા મદદ કરે છે. છતાં વૈશ્વિક તાપમાનની અસર પણ જોવા મળી રહી છે.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીના ડૉ. ફ્રેડરીક ઓટ્ટોએ કહ્યું, "આજે તમામ ગરમીનું કારણ માનવસર્જિત છે. ક્લાઇમેટ ચેન્જની અસર પણ એક કારણ છે જ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો