અફઘાનિસ્તાનના બગરામથી અમેરિકન સેનાની અંતિમ ટુકડી પરત ફરી, કેમ અગત્યનું છે આ ઍરબેઝ?

અફઘાનિસ્તાનના બગરામ ઍરબેઝથી અમેરિકા અને નૅટોના સૈનિકોની આખરી ટુકડી સ્વદેશ જવા માટે રવાના થઈ ગઈ છે.

આ બાબતે રક્ષા અધિકારીઓએ માહિતી આપી હતી.

છેલ્લા કેટલાક સમયથી તબક્કા વાર અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાન છોડીને પોતાના દેશ પરત ફરી રહ્યા છે, પરંતુ બગરામથી અમેરિકાની સેનાનું જવું એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

આ વિસ્તાર 20 વર્ષથી ચરમપંથીઓની સામે લડાઈનું કેન્દ્ર રહ્યો છે. અમેરિકા અને નૅટોની સેનાનું અહીંથી નીકળવું એ બતાવે છે કે જલદી અફઘાનિસ્તાનથી વિદેશી સૈનિકોનું કામ પૂરું થવા જઈ રહ્યું છે.

પરંતુ રાજધાની કાબુલના ઉત્તરમાં મોટા પાયે ફેલાયેલા આ સૈનિકઅડ્ડા પરથી વિદેશી સેનાના હઠવાથી તાલિબાનને અફઘાનિસ્તાનના બીજા ભાગોમાં વર્ચસ્વ વધારવાનો મોકો મળી શકે છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે અમેરિકાની સેના 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનથી પાછી ફરી જશે. 11 સપ્ટેમ્બરના જ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાની વરસી છે. આ હુમલામાં લગભગ ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ હુમલો ચરમપંથી સંગઠન અલ-કાયદાએ કરાવ્યો હતો. અલ-કાયદા તાલિબાનની મદદથી અફઘાનિસ્તાનમાં સક્રિય હતું.

અનુમાન મુજબ અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં 2,500થી 3,000 અમેરિકન સૈનિકો હાજર છે.

તેઓ સાત હજાર નૅટો સૈનિકોની સાથે અહીંથી જવાના છે, ત્યારપછી અફઘાનિસ્તાનમાં 650 જેટલા વિદેશ સૈનિકો રહી જશે.

આ દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે.

વિદેશી સેનાઓના પરત ફરવાથી ઉત્સાહિત તાલિબાને કેટલાક જિલ્લાઓમાં કબજો કરી લીધો છે, જેને કારણે દેશમાં ગૃહયુદ્ધની આશંકા પેદા થઈ ગઈ છે.

આ ઍરબેઝ 1980માં સોવિયત સંઘના કબજા દરમિયાન બન્યું હતું. આનું નામ તેની પાસે આવેલા એક ગામના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ જગ્યા રાજધાની કાબુલથી ઉત્તરમાં 40 કિલોમિટર દૂર આવેલી છે.

અમેરિકાના નેતૃત્વવાળી સેનાઓ અહીં વર્ષ 2001માં પ્રવેશ કર્યો હતો. તેને એક મોટા ઍરબેઝની જેમ વિકસાવવામાં આવ્યું હતું, જ્યાં એકસાથે દસ હજાર સૈનિકો રહી શકે.

આમાં બે રનવે છે અને હાલમાં જ બનેલો રનવે 3.6 કિલોમિટર લાંબો છે. અહીં મોટા કાર્ગો અને ઍરક્રાફ્ટ ઊતરી શકે છે.

અમેરિકાની ન્યૂઝ એજન્સી ઍસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ, આ ઍરબેઝ પર ઍરક્રાફ્ટ માટે પાર્કિંગની 110 જગ્યાઓ છે, જે વિસ્ફોટકથી સુરક્ષિત દીવાલોથી ઘેરાયેલી છે. અહીંયાં 50 બેડવાળી હૉસ્પિટલ છે, ત્રણ થિયેટર અને દાંતનું એક આધુનિક ક્લિનિક છે.

અહીં બનેલી ઇમારતોમાં એક જેલ પણ છે, જેમાં સંઘર્ષ વધુ થવાની સ્થિતિમાં અટકાયતમાં લેવાયેલા લોકોને રાખવામાં આવે છે. આ જેલ અફઘાનિસ્તાનની ગુઆન્તનામો કહેવાય છે, જે ક્યુબામાં આવેલી અમેરિકાની એક કુખ્યાત જેલ છે.

બગરામ એ જગ્યા છે જેનો ઉલ્લેખ અલ-કાયદાના સંદિગ્ધો સાથેની પૂછપરછ પર આવેલા અમેરિકન સૅનેટના રિપોર્ટમાં થયો હતો. આમાં અટકાયત કેન્દ્રોમાં કેદીઓના શોષણનો પણ ઉલ્લેખ છે.

ભારતમાં કોરોના મૃતકોનો આંક ચાર લાખને પાર, ગુજરાતમાં 10 હજાર મૃત્યુ

ભારતમાં કોરોનાને લીધે થયેલા મૃત્યનો આંકડો 4 લાખને પાર થઈ ગયો છે. અને કૂલ કેસની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ છે.

ભારત અને ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર દેશમાં સૌથી વધારે, મહારાષ્ટ્રમાં 1.25 લાખ લોકો મૃત્યુ પામ્યાં જ્યારે ગુજરાતમાં ગુજરાતમાં કુલ 10 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો કુલ 46 હજાર કેસ નોંધાયા છે. જેમાં કેરળ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં દરરોજ 10 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.

કેરળ, અરુણાચલ, ઓડિશા, ત્રિપુરા, છત્તીસગઢ અને મણિપુરમાં કેસોનું પ્રમાણ વધ્યું છે આથી ત્યાં કેન્દ્રની ટીમો મોકલવામાં આવી છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કૂલ 84 કેસ નોંધાયા છે અને 3 લોકો મૃત્યુ પામ્યાં છે. આમાંથી બે મૃત્યુ અમદાવાદ શહેર તથા જિલ્લામાં થયાં જ્યારે એક મૃત્યુ સુરત શહેરમાં નોંધાયું છે.

સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની લીધે કુલ 853 લોકો મૃત્યુ પામ્યાં છે. કર્ણાટકમાં અત્યાર સુધી કુલ 35 હજાર અને તામિલનાડુમાં કુલ 32 હજાર લોકો મૃત્યુ પામ્યાં છે.

ગુજરાતમાં રસીકરણની વાત લઈએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2 લાખથી 84 હજાર લોકોનું રસીકરણ કરાયું છે. અને રાજ્યમાં કોવિડથી સાજા થવાનો દર 98.44 ટકા થયો છે.

જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન ડ્રૉન દેખાયુ

તાજેતરમાં જ જમ્મુમાં ઍરફૉર્સ સ્ટેશન પર ડ્રૉન હુમલા બાદ વિસ્તારમાં ડ્રૉન દેખાવાની ઘટનાઓ વધી છે.

'ધ હિંદુ' અખબારના અહેવાલ મુજબ અત્યાર સુધી ત્રણ વખત ડ્રૉન દેખાઈ ચૂક્યા છે. પરંતુ ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ડ્રૉન દેખાયા હોવાનું અહેવાલમાં કહેવાયું છે.

અહેવામાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે પાકિસ્તાની ડ્રૉન દેખાતા બીએસએફ દળે ગોળીબાર પણ કર્યો હતો. અને ડ્રૉન જાસૂસી માટે આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જોકે ગોળીબાર બાદ ડ્રૉન સરહદ પાર પરત ફરી ગયું હતું. બનાવને પગલે ફરી ઍલર્ટ પણ જારી કરાયું હતું.

અમારી વૅક્સિન ડેલ્ટા વેરિયન્ટ સામે અસરકારક, 8 મહિના સુરક્ષા આપશે - જ્હોન્સન ઍન્ડ જ્હોન્સન

'હિંદુસ્તાન ટાઇમ્સ' અખબારના એક રિપોર્ટ અનુસાર જ્હોન્સન ઍન્ડ જ્હોન્સનનું કહેવું છે કે તેમને ટ્રાયલમાં રસી મામલે સારું પરિણામ પ્રાપ્ત થયું છે.

કંપનીએ કહ્યું કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ સામે રસી અસરકારક રહી છે. અને સૌથી મહત્ત્વની બાબત એ રહી કે તે આઠ મહિના સુધી સુરક્ષા આપે છે.

કંપનીએ આ મામલે બે અભ્યાસ હાથ ધર્યાં હતા અને તેનો ડેટા જર્નલમાં પ્રકાશિત માટે પણ સુપરત કરાયો છે.

અમેરિકી કંપની જ્હોન્સન ઍન્ડ જ્હોન્સનનું કહેવું છે કે તેમની રસીનો માત્ર એક ડોઝ આઠ મહિના સુધી કોરોના સામે રક્ષણ આપશે.

અમદાવાદમાં મહિલાએ પતિ સામે ત્રણ તલાક મામલે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં એક મહિલાએ પતિ સામે ત્રણ તલાક મામલે ફરિયાદ નોંધાવી છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ મહિલાએ પતિ પર શોષણ અને માનસિક ત્રાસ સહિતનાં આરોપો લગાવ્યાં છે.

મહિલાની ફરિયાદને પગલે પોલીસે વ્યક્તિ સામે મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મૅરેજ) ઍક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.

ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 લોકો જુગાર કેસમાં ઝડપાયાં

ગુજરાતમાં જુગાર પ્રતિબંધિત છે ત્યારે પંચમહાલના શિવરાજપુરના એક રિસોર્ટમાંથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 લોકો ઝડપાયાં છે.

26 લોકોમાં સાત મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અંગે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પંચમહાલમાં બીબીસીના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા મુજબ પોલીસે પાડેલા દરોડામાં પોણા ચાર લાખ રૂપિયાની રોકડ, 1 કરોડ 11 લાખની કિંમતના 8 વાહનો અને એક થેલો જુગાર રમવા માટેનાં સિક્કાઓ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ગુરુવારે રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને શુક્રવારે વહેલી સવારે આ અંગે ફરિયાદ દાખલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે આ કેસની ફરિયાદમાં આરોપી ક્રમાંક 18 તરીકે દર્શાવવામાં આવેલા કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી ભાજપના ખેડા-માતર વિધાનસભાના ધારાસભ્ય છે.

ધારાસભ્ય કેસરીસિંહે મીડિયાને કહ્યું કે, તેઓ મંદિર દર્શન કરવા આવ્યા હતા અને દારૂ કદી નથી પીતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો