પાકિસ્તાન : હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન કેમ નથી અટકી રહ્યું?

    • લેેખક, શુમાયલા જાફરી
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ

ગીતા કુમારી (નામ બદલ્યું છે) બે મહિનાથી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પોતાના પૈતૃક ગામમાં કાકા સાથે રહે છે. આ પહેલાં તેઓ સિંધના એક અન્ય શહેર, હૈદરાબાદમાં પોતાના ઘરમાં રહેતાં હતાં.

ગીતાને અહીં મોકલવામાં આવ્યાં હતા જેથી તેઓ સુરક્ષિત અનુભવે અને પોતાના દુખમાંથી ઉગરી શકે. ગીતાનો દાવો છે કે તેમનું અપહરણ કરીને બે વર્ષ સુધી કેદ રાખવામાં આવ્યા હતાં.

તેમનાં ઘૂંઘટથી ગીતાનો ચહેરો સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો. તેમણે કાળા રંગની કમીઝ પહેરી હતી જેના પર ફૂલ બન્યા હતા. તેમની ચાલ ઝડપી હતી પરંતુ બોલતી વખતે થોડા અટકી રહ્યાં હતાં.

ગીતાનો દાવો છે કે જ્યારે તેઓ ઘરેથી કામ પર જઈ રહ્યાં હતા ત્યારે એક મુસલમાન રિક્ષા ડ્રાઇવરે લગભગ ત્રણ વર્ષ પહેલાં તેમનું અપહરણ કર્યું હતું. તેમને બેભાન કરવા દવાઓ આપવામાં આવી હતી અને બેભાન અવસ્થામાં કેટલાક કાગળો પર તેમના અંગૂઠાનું નિશાન લઈ લેવામાં આવ્યું હતું.

તેઓ જણાવે છે, “રિક્ષામાં બે લોકો હતા જેમણે મને દવાઓ આપી હતી. મને નથી ખબર તેણે મારી સાથે લગ્ન કર્યાં કે નહીં પણ બાદમાં જ્યારે મને ભાન આવ્યું તો તેમણે મને મારા પરિવારને મારવાની ધમકી આપી અને મને પોતાના સમર્થનમાં નિવેદન આપવા કહેવામાંઆવ્યું.“

“હું ડરેલી હતી આથી મેં કોર્ટમાં એવું જ જણાવ્યું જેવું એણે મને કહ્યું હતું,મેં ઇસ્લામ કબૂલ નહોતો કર્યો. મને કલમા પણ નથી આવડતો. પછી ઇસ્લામ કબૂલ કરવાની વાત કેવી રીતે સાચી હોઈ શકે છે.”

ગીતાને ત્યાંથી ભાગવામાં બે વર્ષ લાગ્યાં. તે એ જગ્યાને અપહરણ કરનારની જેલ જણાવે છે. એ વ્યક્તિએ બાદમાં ખુદને ગીતાનો પતિ ગણાવી ગીતાની કસ્ટડી માગી. પરંતુ હૈદરાબાદ (સિંધ)ની કોર્ટે કસ્ટડી ગીતાનાં માતા-પિતાને આપી હતી.

બળજબરી અને અનૈતિક

પાકિસ્તાનમાં યુવતીઓ ખાસ કરીને હિંદુ અને ખ્રિસ્તી સમુદાયની યુવતીઓનાં બળજબરીથી ધર્મપરિવર્તનના કેટલાક કથિત મામલા પ્રકાશમાં આવ્યા છે. આ મામલે એક દાયકાથી વિશ્વભરના માનવાધિકાર સંગઠન પાકિસ્તાનની નિંદા કરે છે.

બળજબરીથી ધર્મપરિવર્તન કેટલું વ્યાપક છે, તેનો કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી પરંતુ લાહોરના સેન્ટર ફૉર સોશિયલ જસ્ટિસ અનુસાર તેમની પાસે કથિત ધર્મપરિવર્તન અને લઘુમતી સમુદાયની બાળકીઓ સાથે અપરાધ સંબંધિત 246 કેસોની જાણકારી છે.

સીએજેના પીટર જૈકબ સહિત કેટલાક સામાજિક કાર્યકર્તા માને છે કે આ આંકડા વાસ્તવિકતાની આસપાસ પણ નથી અને મોટાભાગના મામલા તો પ્રકાશમાં પણ નથી આવતા. એટલું જ નહીં ધર્મપરિવર્તન કરવાની રીતોના કારણે પાકિસ્તાનના એ હિંદુ જેઓ રોજા રાખે છે તેનાથી સાબિત કરવું મુશ્કેલ હોય છે કે એ બળજબરીથી અથવા ગેરકાનૂની રીતે કે પછી સ્વેચ્છાએ કરવામાં આવ્યું છે.

પ્રલોભન આપીને પણ ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે

પીટરનું કહેવું છે કે લઘુમતી સમુદાયોની મોટાભાગની ઓછી ઉંમરની યુવતીઓને લાલચ આપીને અથવા બળજબરીથી ધર્મપરિવર્તન માટે મજબૂર કરવામાં આવે છે.

ઓછી આવક ધરાવતા પરિવારની યુવતીઓ પણ મોટાભાગે આનો શિકાર બને છે. વળી જ્યારે તેમને અદાલતમાં હાજર કરવામાં આવે છે તો તેઓ મોટાભાગે મુસ્લિમ મર્દોથી ઘેરાયેલી હોય છે. આથી તેઓ તેમના વિરોધમાં નિવેદન નથી આપતી.

પોતાનાં પરિવારમાં પરત જવાનો નિર્ણય કરવાનો મતલબ છે ધર્મત્યાગ અને પાકિસ્તાની સમાજમાં ધર્મત્યાગ કરવાનો મતલબ જીવ જોખમમાં નાખવા બરાબર છે.

રોબિન ડેનિયલ રાષ્ટ્રીય લઘુમતી ગઠબંધન માટે કામ કરે છે. તેઓ વિવિધ ખ્રિસ્તી પરિવારોની મદદ કરે છે, જેઓ અદાલતોમાં પોતાની દીકરીઓનાં કથિત અનૈતિક ધર્માંતરણને લઈને લડાઈ લડે છે.

સિસ્ટમમાં રહેલી ખામી

રોબિન માને છે કે આખી સિસ્ટમ લઘુમતી યુવતીઓની વિરુદ્ધમાં છે. કાનૂનમાં કેટલીક ખામીઓ પણ છે. જેનો ફાયદો ઉઠાવીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે અને અપરાધી બચી જાય છે.

તેઓ કહે છે, “અપહરણકર્તાની જાળમાંથી નીકળ્યા બાદ યુવતીની કસ્ટડી મામલે કાનૂન કંઈ નથી કરતો. અમારી યુવતીઓને મોટાભાગે આશ્રય ગૃહમાં મોકલી દેવાય છે.”

“જ્યારે કોઈ ચોરીની ગાડી પકડાય છે, તેમાં પણ તેના માલિકની શોધ કરવામાં આવે છે અને તેને તેના માલિકને પહોંચાડવામાં આવે છે. પરંતુ કાનૂની સિસ્ટમ એવી છે કે જો છોકરીઓ જેમને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવાય છે, તેમને આશ્રય ગૃહ મોકલી દેવાય છે.”

“જો છોકરી વયસ્ક છે અને તેણે પોતાની મરજીથી ધર્મ નથી બદલ્યો, તો તેને બાકીના જીવન માટે પરિવાર સાથે કેમ મળવાં નથી દેવામાં આવતી.”

સામાજિક કાર્યકર્તા પીટર જેકબ માને છે કે મોટાભાગના ધર્મપરિવર્તન, ધર્મના નામ પર અપરાધ મામલે કરવામાં આવે છે. તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી હોતો.

તેઓ કહે છે,“જો કોઈ વિસ્તારમાં ધર્મપરિવર્તન થાય છે, તો અપરાધી યુવતીને તે વિસ્તાર બહારના પોલીસ સ્ટેશનમાં લઈ જવાય છે. અથવા તેને કોઈ બીજા શહેર અથવા રાજ્યની કોર્ટમાં હાજર રાખવામાં આવે છે. એનાથી શું સમજમાં આવે છે. જો જન્મ પ્રમાણપત્ર અને લગ્નના સર્ટિફિકેટ સાથે છેડખાની કરવામાં આવે છે તો ,આ અપરાધ નથી તો શું છે?”

પીટર કહે છે,“દરેક ધર્મ અને કાનૂન પુરુષો તથા મહિલાઓને પોતાની મરજીથી લગ્ન કરવાની મંજૂરી આપે છે. કોઈ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી અને ત્યજી શકે એના પર કોઈ રોકટોક ન હોવી જોઈએ. પરંતુ જો આવું કોઈ વાંધાજનક સ્થિતિમાં, દબાણમાં અથવા એ યુવતીઓ જેમની ઉંમર ઓછી છે તેમની સાથે થઈ રહ્યું હોય તો તે અનૈતિક છે અને એના પર સવાલ ઉઠાવવો જોઈએ.”

ધાર્મિક સંસ્થાઓનું કનેક્શન

મોટાભાગના ધર્મપરિવર્તનના મામલા સિંધ અને પંજાબ પ્રાંતમાં પ્રકાશમાં આવી રહ્યા છે. સિંધમાં મોટાભાગની યુવતીઓ હિંદુ પરિવારની હોય છે અને પંજાબમાં ખ્રિસ્તી સમુદાયના મામલા વધુ છે.

સિંધના દૂર્ગમ વિસ્તારોમાં ધાર્મિક સંસ્થાઓ દાવો કરે છે કે તેમણે સંખ્યાબંધ હિંદુ મહિલાઓને ઇસ્લામ કબૂલ કરાવ્યો છે. તેમાં મોટાભાગની યુવતીઓ ભીલ, મેઘવાર અને કોહલી સહિતની નાની જાતિઓમાંથી આવે છે.

લઘુમતી અધિકારો માટે કરતા સંગઠન અને હિંદુ સમુદાયનો દાવો છે કે ધર્મપરિવર્તન બળજબરીથી કરાવવામાં આવે છે અથવા એ યુવતીઓનું ધર્મપરિવર્તન થાય છે જેઓ મુસ્લિમ યુવકો સાથે જતી રહે છે.

લઘુમતીઓની સુરક્ષા

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઘણી વાર એ વાત પર ભાર મૂક્યો છે કે લઘુમતીની સુરક્ષા માટે તેઓ કટિબદ્ધ છે અને દેશમાં તમામને સમાન અધિકાર છે.

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ધર્મપરિવર્તનના આરોપોને નકાર્યાં છે. તેમનું કહેવું છે કે આ બધુ પાકિસ્તાનની છબિ ખરાબ કરવા ભારત દ્વારા થતાં દુષ્પ્રચારના કારણે થઈ રહ્યું છે. પરંતુ બળજબરીથી ધર્મપરિવર્તનના કેટલાક મામલામાં મીડિયામાં આવ્યા પછી પણ સરકાર તરફથી કોઈ ડેટાબેઝ નથી બનાવાયો. જો એવું થાય તો તેની વ્યાપકતા વિશે ખબર પડી શકે છે.

માનવાધિકાર મામલાના સંસદીય સેક્રેટરી લાલ ચંદ માલ્હી કહે છે કે કે આવો ડેટા બેઝ બનાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

“મને જાણકારી છે કે બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વાં, ગિલગિટ બાલ્ટિસ્તાન અને કાશ્મીરમાં આવા મામલા નથી. તે માત્ર સિંધ અને પંજાબમાં છે. આથી સવાલ ઉઠે છે કે આ રાજ્યોની સરકાર ગેરાકાનૂની ધર્માંતરણ ન થાય તે માટે શું પગલાં ઉઠાવી રહી છે?”

માલ્હીએ બીબીસીને જણાવ્યું કે ઇમરાન ખાનના નેતૃત્ત્વવાળી પીટીઆઈ સરકાર આ સમસ્યાના ઉકેલ માટે કાનૂન બનાવવાની પ્રક્રિયામાં છે. ભલામણો માટે એક સંસદીય કમિટી બનાવાઈ હતી. કમિટીએ પોતાની ભલામણો કરી છે અને તે સંબંધિત મંત્રાયલ એક ડ્રાફ્ટ બિલ બનાવવા કામ કરી રહ્યું છે.

તેમનું કહેવું છે કે કમિટીમાં એ મામલે સંમતિ છે કે ધર્માંતરણ કોઈ પણ વયસ્કનો અધિકાર છે, પરંતુ ઓછી ઉંમરના લોકો સાથે આવું ન થવું જોઈએ અને ધર્માંતરણ માટે એક સરકારી તંત્ર હોવું જોઈએ અને તેના દ્વારા જ ધર્માંતરણને માન્યતા મળવી જોઈએ. બીજા લાકો અથવા સંસ્થાઓને ધર્મ પરિવર્તન કરાવવાનો અધિકાર ન હોવો જોઈએ.

માલ્હીને આશા છે કે ટૂંક સમયમાં જ આ બિલ પાસ થતા કાનૂનનું સ્વરૂપ લેશે. તેમણે એમ પણ કહ્યું કે કમિટીએ દેશમાં ધર્મ પરિવર્તન માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ કરવાની ભલામણ કરી છે.

પહેલાં પણ કાનૂન બનાવાવની કોશિશ થઈ હતી

ભૂતકાળમાં પણ સિંધ વિધાનસભાએ ધર્માંતરણ માટે ન્યૂનતમ ઉંમર પર કાનૂન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ કટ્ટરપંથીઓનો મજબૂત વિરોધ થયો હતો.

વર્ષ 2016માં સર્વસંમતિથી બિલ પસાર કરાયું પરંતુ ધાર્મિક સમૂહોએ તેને ઇસ્લામવિરોધી ગણાવી ધર્માંતરણની ઉંમરની મર્યાદા પર વાંધો વ્યક્ત કર્યો અને રાજ્યપાલ ખરડા પર હસ્તાક્ષર ન કરે તેથી રોકવા વિધાનસભાના ઘેરાવની ધમકી પણ આપી હતી.

વર્ષ 2019માં લઘુમતી સંરક્ષણ ખરડામાં સુધારો કરીને નવું સ્વરૂપ સિંધ વિધાનસભામાં એક હિંદુ સભ્ય નંદ કુમાર દ્વારા રજૂ કરાયું. ફરીથી ધાર્મિક અને રાજકીય દળોએ વિરોધપ્રદર્શન કર્યાં.

તેમણે એક તર્ક આપ્યો કે સરકાર લઘુમતીની રક્ષાના નામે એ લોકો સામે અવરોધ પેદા કરે છે જે ધર્મપરિવર્તનની ઇચ્છા રાખે છે.

લાલ માલ્હી જેઓ ખુદ એક સિંધી હિંદુ છે તેઓ કહે છે, ધર્માંતરણ માટે ન્યૂનતમ વયમર્યાદાનો કાનૂન એક આદર્શ સમાધાન છે. પરંતુ તેમને પણ ડર છે કે તેમાં અવરોધો આવશે.

“ભૂતકાળને જોતા હું માત્ર એ કહી શકું છું કે કંઈ નહીં કરતાં કંઈક હોવું સારુ રહેશે. આથી ભલે સમાધાન આવે કે ન આવે. પ્રસ્તાવિત કાનૂન ઓછી ઉંમરની લઘુમતી યુવતીનાં અપહરણ રોકવા માટે એક તંત્ર સ્થાપિત કરશે.”

માનવાધિકારના સંસદીય સચિવનું કહેવું છે કે બળજબરીથી ધર્માંતરણના કેસ ઓછા રિપોર્ટ કરવામાં આવે છે અને ન્યાય મેળવવાની પ્રક્રિયા એટલી મોંઘી છે કે પાકિસ્તાનમાં સામાન્યપણે ગરીબી રેખા નીચે જીવતા મોટાભાગના હિંદુ અને ખ્રિસ્તી પરિવાર તેનો ખર્ચ નથી કરી શકતા.

સેન્ટર ફૉર સોશિયલ જસ્ટિસના ડાયરેક્ટર પીટર જેકબનું કહેવું છે કે આ મુદ્દા પર ન્યાયિક અને તપાસ અધિકારીઓને સંવેદનશીલ બનાવવાની જરૂરત છે.

“નાગરિકતામાં અસમાનતા વર્ષોથી ચાલતી આવી રહી નીતિઓનું પરિણામ છે. તે લઘુમતીઓના શોષણનું કારણ છે. બહુમતી અને લઘુમતીઓ વચ્ચે સામાજિક, રાજકીય અને આર્થિક અસમાનતા ઓછી કરવાની જરૂર છે. નહીં તો દેશ આગામી કેટલાક દાયકાઓમાં પોતાની ધાર્મિક વિવિધતા સંપૂર્ણ રીતે ગુમાવી દેશે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો