You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં હિંદુ સંત શ્રીપરમ હંસજીની સમાધિ પર ટોળાનો હુમલો
- લેેખક, શુમાઈલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદથી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના કરક જિલ્લામાં હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજની ઐતિહાસિક સમાધિને સ્થાનિક લોકોના એક નારાજ ટોળાએ તોડી નાખી છે.
પોલીસે જણાવ્યું કે કરક જિલ્લાના એક નાના ગામ ટેરીમાં ટોળું એ વાતે નારાજ હતું કે એક હિંદુ નેતા ઘર બનાવી રહ્યા હતા અને એ ઘર આ સમાધિથી જોડાયેલું હતું.
કરક જિલ્લા પોલીસ અધિકારી ઇરફાનુલ્લાહ મારવાતે બીબીસીના સ્થાનિક પ્રતિનિધિ સિરાજુદ્દીનને જણાવ્યું કે એ વિસ્તારમાં કોઈ હિંદુ વસતી રહેતી નથી. સ્થાનિક લોકો એ વાતથી નારાજ હતા કે જે જગ્યાએ આ નિર્માણકાર્ય થઈ રહ્યું છે, તેને તેઓ આ સમાધિસ્થળનો હિસ્સો જ સમજતા હતા.
તેઓએ જણાવ્યું કે પોલીસે લોકોના વિરોધની જાણકારી આપી હતી અને ત્યાં સુરક્ષાની વ્યવસ્થા પણ કરાઈ હતી.
ઇરફાનુલ્લાહ મારવાતે જણાવ્યું, "અમને વિરોધપ્રદર્શનની જાણકારી હતી, પણ અમને કહેવાયું હતું આ શાંતિપૂર્ણ રહેશે. જોકે એક મૌલવીએ ભડકાઉ ભાષણ આપીને સ્થિતિને બગાડી નાખી. ટોળું એટલું મોટું હતું કે ત્યાં પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ. જોકે આ ઘટનામાં ત્યાં કોઈને કશું નુકસાન થયું નથી."
જિલ્લા પોલીસ અધિકારીએ કહ્યું કે ત્યાં સ્થિતિ નિયંત્રણમાં છે, પણ ક્ષેત્રમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી, પણ જે કોઈ પણ આ માટે જવાબદાર હશે તેની સામે જલદી એફઆરઆઈ નોંધાશે.
આવી સ્થિતિ કેમ પેદા થઈ?
હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજની સમાધિ પર વિવાદ કોઈ નવી વાત નથી.
આ વિસ્તારના રૂઢિવાદી લોકો આ સમાધિસ્થળનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 1997માં આ સમાધિ પર પહેલી વાર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. હાલમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ખૈબર પખ્તૂનખ્વાહની પ્રાંતીય સરકારે તેનું પુનર્નિમાણ કરાવ્યું હતું.
સરકારનું સમર્થન અને કોર્ટના નિર્ણય બાદ પણ ટેરીમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી.
સમાધિના પુનર્નિમાણ શરૂ કરતાં પહેલાં સ્થાનિક પ્રશાસને ટેરી કટ્ટરપંથી લોકો સાથે લાંબી વાતચીત કરી હતી.
વર્ષ 2015માં ખૈબર પખ્તૂનખ્વાહના એડિશનલ ઍડવૉકેટ જનરલ વકાર અહમદ ખાને સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટમાં કહેવાયું હતું કે હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો પાંચ શરતો પર તૈયાર થયા હતા અને એ બાદ જ સમાધિના પુનર્નિમાણની મંજૂરી અપાઈ હતી.
એવું કહેવાય છે કે આ સમજૂતીની એક શરત એ પણ હતી કે હિંદુ સમુદાયના લોકો ટેરીમાં પોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર નહીં કરે. તેઓ ત્યાં માત્ર પોતાની ધાર્મિક પ્રાર્થના જ કશે.
સમાધિ પર ન તો મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની પરવાની હશે કે ન તો સમાધિસ્થળ પર કોઈ મોટા નિર્માણકાર્યને મંજૂરી અપાશે. આ ઉપરાંત ક્ષેત્રમાં હિંદુ સમુદાયના લોકો જમીન પણ નહીં ખરીદી શકે અને તેમનો હક માત્ર સમાધિસ્થળ પૂરતો જ સિમિત હશે.
આ સમાધિ એક સરકારી ટ્રસ્ટની સંપત્તિ છે. આનું નિર્માણ એ જગ્યા પર કરાયું છે જ્યાં હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજનું નિધન થયું હતું. વર્ષ 1919માં અહીં જ તેમના અંતિમસંસ્કાર કરાયા હતા.
તેમના અનુયાયીઓ અહીં પૂજાપાઠ માટે આવતા હતા. વર્ષ 1997માં આ પરંપરા ત્યારે અટકી ગઈ જ્યારે મંદિર તોડી પડાયું.
એ બાદ હિંદુ સંત શ્રીપરમ હંસજી મહારાજના અનુયાયીઓએ મંદિરના પુનર્નિર્માણના પ્રયાસો કર્યા હતા.
હિંદુ સમુદાયનો આરોપ હતો કે એક સ્થાનિક મૌલવીએ સરકારી ટ્રસ્ટની સંપત્તિ હોવા છતાં આના પર કબજો કરી લીધો હતો.
જિલ્લાના પોલીસ અધિકારી ઈરફાનુલ્લાહ મારવાતનું કહેવું છે કે હિંદુ સમુદાયના લોકો પણ પાકિસ્તાનના નાગરિક છે અને તેમને પણ દેશમાં બીજા લોકોની માફક ક્યાંય પણ સંપત્તિ ખરીદવાનો અધિકાર છે.
જોકે, જિલ્લામાં હિંદુઓની વસતી નથી એટલે સ્થાનિક લોકોને આ મંદિરના વિસ્તારને લઈને આશંકાઓ હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો