SBI સહિતની બૅન્ક તથા Income tax અંગેના આ નિયમો બદલાયા, તમારા ખીસાને થશે અસર

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુરુવારે વર્ષનો નવો છ માસિક ગાળો શરૂ થયો, ત્યારથી આર્થિકક્ષેત્રે કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે, જે બૅન્કના ખાતાધારક તરીકે તમારે જાણવા જોઈએ.

આ સિવાય આવકવેરાની કેટલીક જોગવાઈઓમાં પણ ફેરફાર થઈ રહ્યા છે, જેના કારણે વહીવટી જવાબદારી વધી શકે છે અથવા તો વધુ કર ચૂકવવો પડી શકે છે.

જેમાં IFSC કોડમાં ફેરફાર, જૂની ચેક-બૂક અમાન્ય થવી, ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે.

SBIના ગ્રાહકો માટે

દેશની સૌથી મોટી સરકારી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના બેઝિક સેવિંગ બૅન્ક ડિપૉઝિટ ખાતેદારો મહિનામાં ચાર વખત એટીએમમાંથી નિઃશુલ્ક પૈસા ઉપાડી શકશે. એ પછી નાણાં ઉપાડવા પર રૂપિયા 15નો ચાર્જ ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે.

આ પ્રકારના ખાતેદારોને નાણાકીય વર્ષ દરમિયાન 10 પત્તાંવાળી ચેક-બુક ફ્રીમાં મળશે તે પછી 10 અને 25 પત્તાંવાળી ચેક-બુક માટે અનુક્રમે 40 અને 75 રૂપિયા ચૂકવવા પડશે, જેની પર જીએસટી પણ લાગશે.

TDS/TCS નિયમો

TDS (ટૅક્સ ડિડક્ટૅડ ઍટ સૉર્સ) તથા TCS (ટૅક્સ કલેક્ટૅડ ઍટ સૉર્સ) સંબંધિત નિયમોમાં ફેરફાર થયો છે.

જે વ્યક્તિ આવકવેરો નથી ભરી રહી, પરંતુ TDS/TCSના પેટે ગત બે વર્ષ દરમિયાન દરેક વર્ષે રૂ. 50 હજાર કે તેથી વધુ રકમ મેળવી હોય, તેમણે TDS/TCS પેટે જોગવાઈ કરતાં બમણી અથવા પાંચ ટકા લેખે રકમ ચૂકવવી પડશે.

ઉલ્લેખની છે કે ફિક્સ ડિપૉઝિટ પર વ્યાજ, રૂપિયા પાંચ હજારથી વધુનું ડિવિડન્ડ, રૂપિયા 30 હજારથી વધુ મૂલ્યના કૉન્ટ્રાક્ટ કે પ્રૉફેશનલ/ટેકનિકલ સેવાઓ રૂપિયા 50 લાખથી વધુ કિંમતના જમીન-મકાનના સોદા પર ટીડીએસ લાગે છે.

આંધ્ર અને કૉર્પોરેશન બૅન્કના ગ્રાહકો માટે

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સાહસની બૅન્કોનું મૅગામર્જર હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન આંધ્ર બૅન્ક તથા કૉર્પોરેશન બૅન્કનું મર્જર યુનિયન બૅન્ક સાથે કરવામાં આવ્યું હતું.

પહેલી એપ્રિલથી વિલીનીકરણ થઈ ગયું હતું, છતાં જૂની ચેક-બુક સ્વીકાર્ય હતી. હવે અગાઉની આંધ્ર તથા કૉર્પોરેશન બૅન્કના ગ્રાહકોને નવી ચેક-બુક મળશે, જેમાં અદ્યતન સુરક્ષા ફીચર્સ હશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં બંને બૅન્કોએ યુનિયન બૅન્ક સાથે કોર-બૅન્કિંગ સૉલ્યુશનની કામગીરી પૂર્ણ કરી હતી.

સિન્ડિકૅટ બૅન્કના ગ્રાહકો માટે

મૅગામર્જર દરમિયાન સિન્ડિકેટ બૅન્કનું મર્જર કૅનરા બૅન્ક સાથે થયું હતું. હવે સિન્ડિકેટ બૅન્કની બ્રાન્ચ માટે નવા IFSC (ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ)માં ફેરફાર થશે.

IFSCએ આલ્ફા-ન્યૂમેરિક કોડ હોય છે, જેની NEFT (નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર) માટે જરૂર પડે છે.

અટલ પેન્શન યોજના હેઠળ જે લોકો દર મહિને પૈસા કપાવતા હતા, તેમાં પેન્શન ફંડ રૅગ્યુલેટરી ઍન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીએ 30મી જૂન સુધી આ યોજના હેઠળ પૈસાને ઑટોમૅટિક ડેબિટ કરવા પર નિષેધ મૂક્યો હતો.

આનો અર્થ છે કે જુલાઈ મહિનાથી પેન્શન ફંડ માટેના પૈસા ખાતામાંથી આપોઆપ કપાઈ જશે.

આ સિવાય દર મહિનાની પહેલી તારીખે ઑઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ)ના સિલિન્ડરના ભાવ નિર્ધારિત કરવામાં આવતા હોય છે. હજુ સુધી આ અંગે કંપનીઓ દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ તેમાં વૃદ્ધિ થઈ શકે છે, એવું નિષ્ણાતોનું માનવું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો