You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સરકારી બૅન્કોમાં હડતાલ : ખાનગીકરણથી સમસ્યાઓ ઉકેલાઈ જશે, એ તર્કમાં કેટલો દમ?
- લેેખક, આલોક જોશી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
સોમવાર અને મંગળવારે દેશની સરકારી બૅન્કોના કર્મચારીઓ હડતાલ પાળશે. દેશના સૌથી મોટા બૅન્ક કર્મચારી સંગઠન 'યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ'એ આ હડતાલનું આહ્વાન કર્યું છે.
આ ફોરમમાં ભારતની સરકારી બૅન્કો અને કર્મચારીઓના નવ સંગઠન સામેલ છે. સરકાર દ્વારા આઈ.ડી.બી.આઈ. સિવાયની બે બૅન્કોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ કર્મચારી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે.
કર્મચારી સંગઠનોનું કહેવું છે કે દેશના અર્થતંત્રને પાટા ઉપર લાવવા માટે સરકારી બૅન્કોને સબળ કરવાની જરૂરિયાત છે ત્યારે સરકારે ખાનગીકરણનો તદ્દન ઉલ્ટો માર્ગ પકડ્યો છે.
બજેટ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન બે સરકારી બૅન્ક તથા એક જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીનું ખાનગીકરણ કરાશે.
આ સિવાય ગત બજેટભાષણમાં સીતારમણે જીવન વીમા નિગમનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય આઈ.ડી.બી.આઈ. (ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બૅન્ક)ના ખાનગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખાનગીકરણની વાત 'ખાનગી'
સરકારે બે બૅન્કોનાં ખાનગીકરણની વાત કહી છે. પરંતુ કઈ-કઈ બૅન્કોને સંપૂર્ણપણે વેંચી દેવાશે અથવા તો કેટલો હિસ્સો વેંચાશે તેના અંગે સરકારે હજુ સ્પષ્ટતા નથી કરી.
આ યાદીમાં ચાર બૅન્કના નામ ચર્ચાઈ રહ્યા છે. જેમાં સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઑવરસિઝ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર તથા બૅન્ક ઑફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
આ નામની ઔપચારિક રીતે પુષ્ટિ કરવામાં નથી આવી. આ બૅન્કો સાથે જોડાયેલા લગભગ એક લાખ 30 હજાર કર્મચારી પોતાના ભાવિ અંગે ચિંતિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય અન્ય સરકારી બૅન્કોના કર્મચારીઓમાં પણ ખાનગીકરણ મુદ્દે ચિંતા પ્રવર્તી રહી છે.
રાષ્ટ્રીયકરણ અને ખાનગીકરણ
વર્ષ 1969માં ઇન્દિરા ગાંધીની સરકારે 14 બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. આ બૅન્કો ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે દેશના તમામ ક્ષેત્રોનો વિકાસ થાય તે માટેની સામાજિક જવાબદારી બૅન્કોએ નિભાવી નથી અને બૅન્કો તેમના શેઠની કઠપૂતળી બની ગઈ છે. આ સાથે જ બૅન્કોના રાષ્ટ્રીયકરણનો માર્ગ મોકળો થયો.
આ પહેલાં 1955માં સરકારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને પોતાને આધીન લીધી હતી. 1980માં મોરારજી દેસાઈની જનતા પાર્ટી સરકારે પણ છ ખાનગી બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું.
રાષ્ટ્રીયકરણના 52 વર્ષ બાદ સરકાર આ પૈડું ફરીથી ઉલ્ટી દિશામાં ફેરવી રહી છે. 1991ના આર્થિક સુધાર બાદથી જ વારંવાર કહેવાયું છે કે 'સરકારનું કામ વેપાર કરવાનું નથી.'
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભારપૂર્વક આ વાતનો પુનર્રોચ્ચાર કર્યો હતો. સ્પષ્ટ છે કે સરકાર તમામ ક્ષેત્રોમાં મોટાપાયે ખાનગીકરણ અથવા તો ભાગીદારી વેચવાની કામગીરી ઉપર મોટાપાયે કામગીરી કરવા માગે છે.
સરકાર એટલે સુધી કહી ચૂકી છે કે તે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો (સ્ટ્રૅટજિક સૅક્ટર)ની કંપનીઓની માલિકી પોતાની પાસે રાખવા માટે બહુ તત્પર નથી.
નોટ, વોટ અને ખોટ
સરકારી બૅન્કોની મોટી સમસ્યા છે કે ગત તમામ સરકારોએ જનતાને આકર્ષવા કે વોટ મેળવવા માટે એવી જાહેરાતો કરતી હતી કે જેનો બોજ સરકારી બૅન્કો ઉપર પડતો. દેવું માફ કરવાની યોજના તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
આ પછી જ્યારે સરકારી બૅન્કોની સ્થિતિ કથળે, ત્યારે સરકાર તેમાં મૂડી નાખીને તેને બેઠી કરતી. રાષ્ટ્રીયકરણ પછી તમામ પ્રકારના સુધાર તથા અનેક વખત સરકાર દ્વારા મૂડીમાં વૃદ્ધિ કરવા છતાં પણ સરકારી બૅન્કોની સમસ્યા સંપૂર્ણપણે નાબૂદ નથી થઈ.
ખાનગી તથા વિદેશી બૅન્કોની સરખામણીમાં ડિપૉઝિટ તથા ક્રૅડિટના મામલે તેઓ પાછળ જ રહેવા પામે છે. આ સિવાય ડૂબી ગયેલી લૉન તથા બોજા હેઠળની લૉનની બાબતમાં ખાનગી અને વિદેશી બૅન્કો કરતાં આગળ જણાય છે.
ગત ત્રણ વર્ષ દરમિયાન સરકારે સરકારી બૅન્કોમાં દોઢ લાખ કરોડની મૂડી ઉમેરી છે. આ સિવાય એક લાખ કરોડથી વધુની રકમ બૅન્ક રિકૅપિટલાઇઝેશન બૉન્ડ દ્વારા પણ આપવામાં આવી છે.
સરકારી બૅન્કોની સંખ્યાને 28થી ઘટાડીને 12 કરી દેવામાં આવી. આમ સ્પષ્ટ છે કે સરકાર લાંબાગાળાથી આ યોજના ઉપર કામ કરી રહી હતી ને તે પોતાની મંછા સ્પષ્ટ હતી.
સરકાર આ સંખ્યાને પણ ઘટાડવા માગે છે. નબળી બૅન્કોને મોટી બૅન્કો સાથે જોડી દેવામાં આવે તથા અન્ય બૅન્કોને વેચી નાખવાની ફૉર્મ્યુલા ઉપર સરકાર કામ કરી રહી હોય તેમ જણાય છે.
વિચાર, આચાર અને વેપાર
ખાનગીકરણ કરવાથી વારંવાર બૅન્કોને મૂડી આપીને તેમની સ્થિતિ સુધારવાની ઝંઝટમાંથી સરકારને મુક્તિ મળી જશે.
જોકે આવો વિચાર પહેલી વખત આવ્યો છે, એવું પણ નથી. ગત 20 વર્ષ દરમિયાન આ મુદ્દે અનેક વખત તેની ઉપર ચર્ચા થઈ છે.
જોકે, ખાનગીકરણની તરફેણ તથા વિરોધના તર્કને કારણે આ મામલે અવારનવાર લટકી ગયો છે.
દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર વાય. વી. રેડ્ડીના કહેવા પ્રમાણે, બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવું એ રાજકીય પગલું હતું. હવે તેના ખાનગીકરણનું પગલું પણ રાજકીય નિર્ણયથી જ લઈ શકાશે.
લાગે છે કે સરકારે રાજકીય નિર્ણય લઈ લીધો છે. ભારતની સરકારી તથા ખાનગી બૅન્કોની સરખામણી કરીએ તો સ્પષ્ટ રીતે માલૂમ પડે છે કે લગભગ દરેક બાબતમાં પ્રાઇવેટ બૅન્કો આગળ છે.
આના કારણો સરકારી બૅન્કોની અંદર તથા બૅન્કો સાથે સરકારના સંબંધમાં પણ જોવા મળે છે. ખાનગીકરણથી તકલીફ થવી સ્વાભાવિક છે, પરંતુ તેનાથી આ બૅન્કોને પોતાની રીતે કામ કરવાની સ્વતંત્રતા પણ મળશે. પરંતુ કર્મચારી તથા અધિકારીઓ આ તર્કને નકારે છે.
ખાનગી બૅન્કો અને ખાનગીકરણ
ખાનગી બૅન્કો ઉપર અર્થતંત્રના તમામ સૅક્ટરને સમાન રીતે લૉન નહીં આપવાનો આરોપ છે.
સરકારી બૅન્કોના કર્મચારીઓ અને અધિકારીઓનું કહેવું છે કે જ્યારે બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ત્યારે જ સ્પષ્ટ હતું કે ખાનગી બૅન્કોના માલિકોને દેશના હિતની ચિંતા નથી હોતી, પરંતુ તેઓ માત્ર માલિકના હિતની પરવાહ કરે છે.
આથી આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ દેશને માટે પણ જોખમી સાબિત તશે.
ગત વર્ષો દરમિયાન આઈ.સી.આઈ.સી.આઈ. બૅન્ક, યસ બૅન્ક, એક્સિસ બૅન્ક તથા લક્ષ્મીવિલાસ બૅન્કમાં આર્થિક ગોટાળા બહાર આવ્યા છે. આથી ખાનગી બૅન્કોમાં સરકારી બૅન્કોની સરખામણીએ વધુ સારી રીતે કામ થાય છે તે વાતનો છેદ ઊડી જાય છે.
જ્યારે કોઈ ખાનગી બૅન્ક ડૂબવાની આરે આવી જાય છે ત્યારે સરકારે જ તેને બચાવવા માટે આગળ આવવું પડે છે અને આ જવાબદારી મહદઅંશે સરકરી બૅન્કોના માથે જ થોપી દેવામાં આવે છે.
સરકારી બૅન્કોને કારણે જ આઝાદીથી અત્યારસુધી એક પણ શિડ્યુલ્ડ કૉમર્શિયલ બૅન્ક ડૂબી નથી.
સરકારી બૅન્કોના યુનિયનોએ ખાનગીકરણના વિરોધમાં કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. તેમનો આરોપ છેકે ડૂબી ગયેલું દેવું વસૂલવા માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે ઇન્ડિયન બૅન્કરપ્સી કોડ જેવા કાયદા લાવવા એ કાવતરાનો ભાગ છે.
કારણ કે તેમાં સરકારી બૅન્કોએ આપેલી લૉનમાં હેયરકટ એટલે કે લૉન માટે આપેલી મૂળ રકમ કરતાં પણ ઓછી રકમ લઈને કેસને બંધ કરવા માટે સહમત થવું પડે છે.
બે દિવસની હડતાલ, પાંચ દિવસની રજા
યુનાઇટેડ ફોરમમાં સામેલ સંઘોના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓએ સોમવાર તથા મંગળવારે હડતાલ રાખવાની જાહેરાત કરી છે.
આ પહેલાં શુક્રવારે મહાશિવરાત્રિ, શનિવારે બીજો શનિવાર હોવાને કારણે તથા રવિવારે નિયમિત રજા હતી. આમ સરકારી બૅન્કોની કામગીરી કુલ પાંચ દિવસ માટે બંધ રહેશે.
ખાનગી બૅન્કો આ હડતાલમાં સામેલ નથી થઈ. અત્યારસુધી કુલ બૅન્કિંગનો ત્રીજો ભાગ તેમની પાસે છે. મતલબ કે બે-તૃતીયાંશ કામગીરી ઉપર નકારાત્મક અસર પડી શકે છે.
બૅન્કના એ.ટી.એમ. ચાલુ રહેશે. આ સિવાય મોબાઇલ અને ઇન્ટરનેટ બૅન્કિંગ પણ ચાલુ રહેશે. જોકે, પૈસા જમા કરવા, પૈસા ઉપાડવા, ચેક ક્લિયરન્સ, નવા ખાતા ખોલવાની કામગીરી, ડ્રાફ્ટ કઢાવવા તથા લૉનની કામગીરી ઉપર માઠી અસર પડી શકે છે.
સ્ટેટ બૅન્કનું કહેવું છે કે તેની શાખાઓમાં કામગીરી ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, આમ છતાં હડતાલની અસર થશે તેમ લાગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો