સુરત : પૈસા માટે નહીં પણ રાતોરાત 'પ્રસિદ્ધિ' મેળવવા બાળકનું અપહરણ કરાયું

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારે અપહરણ કરીને ક્યાં પૈસા મેળવવા હતા? મને ખબર હતી કે હું જેનું અપહરણ કરું છું એના બાપ પાસે પૈસા નથી, તો એ મને ક્યાંથી આપવાનો? મારે તો રાતોરાત પ્રસિદ્ધ થવું હતું અને મારા નામના સિક્કા પડે એટલે અપહરણ કર્યું છે."

પોલીસ સ્ટેશનમાં ઊભેલા 20 વર્ષનો રાઘવેન્દ્ર કેવટ કોઈ પણ ક્ષોભ વગર પોલીસને આ વાત કરે છે.

રાઘવેન્દ્ર કેવટ છત્તીસગઢના રહેવાસી છે અને ગુજરાતમાં આર્થિક ઉપાર્જન માટે આવ્યા હતા.

તેઓએ પૈસા માટે નહીં પણ લોકોમાં ધાક બેસાડવા માટે એક નાના બાળકનું અપહરણ કર્યું હતું.

આ કેસની તપાસ કરી રહેલા એસીપી જે.પી. પંડ્યાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "રાઘવેન્દ્ર કેવટ છત્તીસગઢથી પૈસા કમાવવા ગુજરાત આવ્યો હતો. અહીં કલરકામ કરતો હતો."

"એ જ્યારે પકડાયો ત્યારે એને કહેલી વાતથી અમે પણ ચોંકી ગયા છીએ, કારણ કે એણે એના પાડોશમાં રહેતા ઓડિશાના પરિવારના આઠ વર્ષના છોકરાનું અપહરણ કર્યું હતું."

પંડ્યા કહે છે કે "એ જાણતો હતો કે એને આ અપહરણથી કોઈ પૈસા મળવાના નથી. એણે અમને કહ્યું કે એણે માત્ર પ્રસિદ્ધિ માટે અપહરણ કર્યું છે. આ અમારા માટે પણ નવાઈની વાત છે.

પોલીસ હાલમાં રાઘવેન્દ્રની માનસિક સ્થિતિ અંગે મનોચિકિત્સકની મદદ લઈ રહી છે.

પૈસા નહીં પણ 'પ્રસિદ્ધિ' માટે અપહરણ?

આ કેસની તપાસ કરનાર પીઆઈ એમ.વી. તડવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આઠ માર્ચે તાળંગપુર ગેટ સચીન જી.આઈ.ડી.સી. પાસે ચાલીમાં રહેતા ઓડિશાના બી પરીચૌરાણ ગૌડાએ એમનો આઠ વર્ષનો દીકરો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી."

"સદનસીબે આ ચાલીમાં સીસીટીવી હતાં. અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં તો એમાં એમના પાડોશી રાઘવેન્દ્ર સાથે બાળક નીકળ્યું હોવાનું દેખાયું. અમે તરત રાઘવેન્દ્રનો ફોન નંબર મેળવી લીધો."

તેઓ કહે છે, "એને સર્વેલન્સમાં મૂક્યો તો એ ફોન ઘણી વાર ચાલુ થાય અને ઘણી વાર બંધ થતો હતો. અમે હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડ્યું ત્યારે ખબર પડી કે એ છત્તીસગઢનો હતો અને એ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો."

ઇન્સ્પેક્ટર તડવી કહે છે કે અમારા માટે આ વાત ચોંકાવનારી હતી એટલે અમે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું ત્યારે ખબર પડી કે એના મોબાઇલના ટાવર ઝડપથી બદલાતા હતા.

"અમારી ટીમ સોનગઢ પહોંચી ત્યાં ફોન બંધ થયો. એના પરથી એક વાત સ્પષ્ટ થતી હતી કે એ બાળકને લઈને કાર અથવા ટ્રેન કે બસમાં જઈ રહ્યો છે, પણ એનું મોબાઇલ લોકેશન રેલવે ટ્રેકની નજીક હતું એટલે અમે રેલવે પોલીસને અપહરણ કરાયેલા બાળકના ફોટા વૉટ્સઍપ અને ઈમેલથી મોકલ્યા."

અને એ રીતે સુરત પોલીસે આરોપીને ભુસાવળ પાસેથી ઝડપી પાડ્યો.

બાદમાં આરોપીને સુરત લાવ્યા ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે "એને પ્રસિદ્ધિ મળે અને જેલમાં જવા મળે એટલે બાળકનું અપહરણ કર્યું હતું."

સુરતના પોલીસ કમિશનર અજય તોમરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ આરોપી માનસિક રીતે બીમાર છે અથવા ખોટું બોલે છે."

"અમે એની તપાસ કરી રહ્યા છીએ અને હાલ એને રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે, જેનો આવનારા દિવસોમાં વધુ ખુલાસો થશે."

લોકો આવું કેમ કરતા હોય છે?

જાણીતા સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ આ કેસ અંગે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સોશિયલ મીડિયાના જમાનામાં યુવાનોમાં આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે પૉઝિટિવ કે નૅગેટિવ પબ્લિસિટી મેળવવી.

"આ ટ્રેન્ડ તમે જુઓ તો 18થી 30 વર્ષના યુવાનોમાં વધારે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ઓછી લાઇક અને કૉમેન્ટ મળે તો એ વિચિત્ર પ્રવૃત્તિ કરે છે. સાયકૉલૉજીની ભાષામાં એને 'એટેંશન સીકિંગ'ની સમસ્યા કહે છે."

ભીમાણી વધુમાં કહે છે, "આવા લોકો પોતાની તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એના માટે પ્રયાસ કરતા હોય છે."

"બીજા સપ્રેસિવ પર્સનાલિટીવાળા લોકો અથવા પર્સનાલિટી ડિસઓર્ડરવાળા લોકો એવું કરે છે, કારણ કે આવા લોકો બીજા કરતા કંઈક અલગ છે અને એમને દબાવનાર લોકો કરતા વધુ સુપિરિયર છે એવું બતાવવા આવું કામ કરતા હોય છે."

તેઓ વધુમાં કહે છે, "જેલમાં જઈને આવે એટલે એની આસપાસના વર્તુળમાં એનો પ્રભાવ પડશે એવું માનતા હોય છે એટલે એવું કામ કરે છે."

"માનસિક બીમાર લોકો દ્વારા એવું વર્તન કરવામાં આવે છે. જેથી એમના સર્કલમાં અથવા અન્ય જગ્યાએ રોફ જમાવી શકે, જેનું એક કારણ ટી.વી. પર આવતી ક્રાઇમ સિરિયલ અને ક્રાઇમની વેબ સિરિયલ પણ છે. જેના કારણે પ્રભાવમાં આવી લોકો આવું કામ કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો