કોરોના વાઇરસ : એ છોકરીઓ જેઓ કોરોનાને કારણે બાળવિવાહ માટે મજબૂર થઈ ગઈ

    • લેેખક, ઈવા ઑન્ટિવેરોસ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

"મારા પરિવારે મને કહ્યું કે મારે આ માગું નકારવું ન જોઈએ. છોકરો ખૂબ જ સંપન્ન પરિવારનો છે." આ શબ્દ છે 14 વર્ષીય અબેબાનાં.

અબેબાનાં માતા તથા ભાઈ-બહેનોનું કહેવું હતું કે કોરોનાકાળમાં સંકટનો સામનો કરી રહેલા પરિવારને આ લગ્નથી આર્થિક મદદ મળે તેમ હોય, અબેબાએ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લેવો જોઈએ.

અબેબા ભણીગણીને ડૉક્ટર બનવા માગતી હતી, પરંતુ ઇથિયોપિયાના સાઉથ ગોંડારમાં તેનું ભાવિ અને ભણતર અંધકારમય હતા.

16 વર્ષનાં રાબી નાઇજિરિયાના ગુસાઉમાં સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. કોરોનાકાળમાં તેમની ચાર બહેનપણીઓનાં લગ્ન થઈ ગયાં છે. રાબી ઉપર પણ તેમનાં માતાનું દબાણ છે કે તેઓ વહેલામાં વહેલી તકે લગ્ન કરી લે.

રાબીએ કહ્યું, "મારી પાડોશની બે બહેનપણીઓનું લગ્ન આ અઠવાડિયે થવાનું છે. ઇન્શાઅલ્લાહ. મને ક્યારેય નહોતું લાગતું કે મારો વારો આટલો જલદી આવી જશે."

નાની ઉંમરે લગ્ન કરાવવાનું ચલણ જાણે નવસામાન્ય બાબત બની રહી છે.

યુનિસેફ (યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ)ના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, આગામી દસ વર્ષ દરમિયાન 10 કરોડ બાળક-બાળકીઓનું બાળવયે લગ્ન થશે, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ, કોરોનાને પગલે આ આંકડામાં 10 ટકાની વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, કોરોનાકાળ દરમિયાન દુનિભરમાં સ્કૂલો બંધ થઈ ગઈ, આર્થિક પ્રવૃત્તિઓમાં મંદી, પરિવાર તથા બાળસહાય સેવાઓમાં અવરોધને કારણે 2030 સુધીમાં કાયદેસરની ઉંમર કરતાં પહેલાં જ એક કરોડ છોકરીઓનું લગ્ન થઈ જશે.

યુનિસેફમાં હાનિકારક પ્રથાઓને અટકાવવા માટેના વિભાગના વરિષ્ઠ સલાહકાર નાનકલી મકસૂદ કહે છે, "આ આંકડા દર્શાવે છે કે આવનારા સમયમાં છોકરીઓ માટે મુશ્કેલીઓ વધવાની છે."

પરિવાર, પ્રથા અને પરિવર્તન

અબેબાનાં કહેવા પ્રમાણે, "પરિવારોએ તેમની દીકરીઓનું લગ્ન કરાવી દેવાને બદલે તેમને ભણવા માટે સ્કૂલે મોકલવી જોઈએ."

હાલમાં અબેબા ઉપરથી લગ્નનું જોખમ ટળી ગયું છે. તેમણે પોતાના વધુ અભ્યાસ માટે પિતાને મનાવી લીધા છે.

તેઓ કહે છે, "મારાં માતા અને ભાઈ લગ્ન માટે દબાણ કરી રહ્યાં હતાં, પરંતુ અધિકારીઓ સાથે કાઉન્સિલિંગ પછી તેમનો વિચાર બદલાયો અને તેમણે આ જીદ છોડી દીધી છે."

પરંતુ રાબીની (ઓળખ છૂપાવવા માટે બદલાયેલું નામ) ઉપર લગ્નનું જોખમ હજુ પણ તોળાઈ રહ્યું છે. તેઓ ઉત્તર નાઇજિરિયાના હૌસા ફૂલાનીના કૃષિપ્રધાન વિસ્તાર ડામ્બામાં રહે છે. આ વિસ્તારમાં યોગ્ય મૂરતિયો મળ્યે છોકરીનું લગ્ન કરાવી દેવાનું ચલણ પ્રવર્તે છે.

16 વર્ષનાં રાબીએ જણાવ્યું, "મારા માટે આ બધું લૉકડાઉનના સમયથી શરૂ થયું. મારા નાના ભાઈઓ સ્પેલિંગ કહેવાની એક રમત રમી રહ્યા હતા. હું પણ રમવા માગતી હતી, પરંતુ યોગ્ય જવાબ આપી શકતી ન હતી."

"આથી મારી માતા નારાજ થઈ ગઈ, તેમણે કહ્યું કે મેં સ્કૂલમાં મારો સમય વેડફ્યો જ છે. જો તારા નાના ભાઈ તને શીખવે છે."

રાબીનાં માતા આટલેથી ન અટક્યા. આગળની વાત કહેતા રાબી ઉમેરે છે, "મારા માતાએ કહ્યું કે તારી સાથે સ્કૂલમાં ભણતી બધી છોકરીઓનું લગ્ન થઈ ગયું છે. મેં સૈફિયુ (માગું નાંખનાર)ને કહી દીધું છે કે તારો હાથ માગવા માટે માતા-પિતાને મોકલે."

રાબીની બહેનપણીઓ હબીબા, મંસૂરા, અસ્માઉ તથા રાલિયાનું લગ્ન ગત વર્ષે થઈ ગયું છે. આ છોકરીઓનાં પરિવારજનોએ આર્થિક સંકટને ટાળવા માટે આમ કર્યું હતું.

રાબીનાં માતાનાં બહેનપણી પાડોશમાં જ રહે છે, તેમના માટે રાબીનો વિરોધ સમજ બહારની બાબત છે.

તેમનાં કહેવા પ્રમાણે, "માતા-પિતાએ શેની વાટ જોવાની ? હું મારી છોકરીનાં ભણતરનો ખર્ચ ઉઠાવી શકું તેમ ન હતી. લગ્ન થતાં છોકરીની ગૃહસ્થી શરૂ થઈ જાય છે અને અમારા ઘરમાં લોકોની સંખ્યા ઘટી જાય છે."

બાળલગ્નનું વધતું ચલણ

2011 સુધીમાં દુનિયાભરમાં બાળલગ્નનાં દરમાં 15 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ યુનિસેફને લાગે છે કે કોરોનાના કારણે આ દિશામાં થઈ રહેલી પ્રગતિમાં અવરોધ ઊભો થઈ શકે છે.

મકસૂદના કહેવા પ્રમાણે, "દુનિયાભરમાં બાળવિવાહને ઘટાડવામાં સફળતા મળી રહી હતી. તે નાબૂદ થાય એમ તો ન હતી. પરંતુ અમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા હતા. પરંતુ કોવિડને કારણે અમારી ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે. આ મહામારીને કારણે દુનિયાભરમાં સગીર ઉંમરની છોકરીઓનાં જીવનને અસર થઈ છે."

જોકે આ રિપોર્ટમાં અમુક સકારાત્મક બાબતો પણ બહાર આવી છે. જેમ કે, ધરાતલ ઉપર સક્રિયતા દાખવવામાં આવે તો બાળવિવાહને અટકાવવામાં સફળતા મળી શકે તેમ છે.

આ તો દુનિયાભરમાં બાળવિવાહ એ સામાન્ય બાબત છે, પરંતુ જો યોગ્ય નિયમોને લાગુ કરવામાં આવે તો તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે, કોરોનાના ચેપને કારણે આ દિશામાં જે પ્રગતિ થઈ રહી હતી, તેને આંચકો લાગ્યો છે.

'મારાં માટે નવ માગાં આવ્યાં'

થોડા વર્ષ અગાઉ સીરિયાથી જોર્ડન આવી ગયેલાં અને સરહદ ઉપરના જાતારી રૅફ્યૂજી કૅમ્પમાં રહેતાં મારમે જણાવ્યું:

"હું 14 વર્ષની છું અને અત્યારસુધીમાં મારા માટે નવ માગાં આવી ગયાં છે. મારું લગ્ન કરાવી દેવા માટે બિરાદરીવાળાઓનું ખૂબ જ દબાણ હતું, પરંતુ માતા-પિતાએ મારો સાથ આપ્યો."

"મારાં માતા મારાં સૌથી મોટા સમર્થક છે. તેમણે કહ્યું કે લગ્ન માટે હું હજુ નાનકડી છું અને લગ્નને સમજવામાં મને મુશ્કેલી પડશે." મારમ સ્કૂલે જાય છે અને ફૂટબૉલ રમે છે.

તેમણે કહ્યું, "હું એવી છોકરીઓને ઓળખું છું, જેમણે લગ્ન બાદ ભણતર મૂકવું પડ્યું છે. તેમણે પોતાનું ઘર છોડીને સાસરે જવું પડ્યું. મારી બે બહેનપણીઓનું લગ્ન થઈ ગયું, હવે તેઓ પસ્તાય છે."

"નવી જિંદગી તેમના માટે આઘાતજનક છે. તેમને લાગે છે કે તેમની આઝાદી છિનવાઈ ગઈ છે."

બાળલગ્ન અટકાવવાં શક્ય?

નિષ્ણાતોનું માનવું છે કે જો સમયસર સામાજિક દખલ થાય તો બાળવિવાહ અટકાવી શકાય છે.

મકસૂદનાં કહેવા પ્રમાણે, "ભારત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગત 30 વર્ષ દરમિયાન ભારતમાં રોકડ રકમ આપવાની અનેક યોજના લાગુ થઈ છે. જ્યાં દીકરીઓ લગ્નની ઉંમર સુધી ન પહોંચે, ત્યાર સુધી પરિવારને આર્થિક લાભ આપવામાં આવે છે."

"જો લગ્ન અટકાવી ન શકાય તો પણ તેને પાછળ ઠેલવામાં તે મદદરૂપ થાય છે."

મકસૂદના કહેવા પ્રમાણે, "આ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે લગ્નમાં ઢીલ થવાથી બાળકીઓને સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરવાનો સમય મળી રહે છે. તેમને જીવનમાં ક્ષમતા તથા દક્ષતાને વધારવાની તક મળે છે."

"આ રીતે ગરીબીને ઘટાડવાની શક્યતા વધી જાય છે."

મોડા લગ્નમાં આર્થિક મદદ

સવિતા કહે છે કે તેમની ઉંમર 16-17 વર્ષ છે. 16 કે 17 એ ચોક્કસપણે જણાવી શકે તેમ નથી. જોકે ઓળખપત્ર ઉપર તેમની ઉંમર 14 વર્ષ લખેલી છે. સવિતાના મતે તે ઉંમર ખોટી છે.

સવિતા ઉત્તર પ્રદેશમાં માતા-પિતા, ચાર બહેન તથા બે ભાઈ સાથે રહે છે. સવિતા ક્યારેય સ્કૂલે નથી ગયાં. તેમણે લખતા-વાંચતા નથી આવડતું.

લૉકડાઉન દરમિયાન તેમનાં પરિવારને વધારાનું અનાજ મળ્યું હતું, છતાં તેમનાં ઉપર લગ્ન કરવા માટેનું દબાણ વધી રહ્યું છે.

સવિતાનાં બહેનનું લગ્ન નાની ઉંમરે કરી દેવામાં આવ્યું હતું. સવિતાએ એ બધું જોયું છે, પરંતુ તેઓ લગ્નને માટે તૈયાર નથી.

સ્થાનિક અધિકારીઓની મદદથી થોડાં અઠવાડિયાં પહેલાં જ તેમનું લગ્ન અટકાવવામાં આવ્યું હતું. હાલ સવિતા થોડી રાહત અનુભવે છે.

તેમને ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર સ્કિમનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજના મુજબ, જો તેઓ 18 વર્ષ સુધી લગ્ન ન કરે તો તેમને આર્થિક મદદ મળતી રહેશે.

મહામારી પછી...

યુનિસેફના નાનકાલી મકસૂદના કહેવા પ્રમાણે, કોરોનાની મહામારી દરમિયાન બાળવિવાહનું ચલણ વધ્યું છે. તેના ઉપર નિયંત્રણ લાદવા માટે મુખ્યત્વે ત્રણ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

તેમા કહેવા પ્રમાણે, "સૌપ્રથમ તો છોકરીઓ અગાઉની જેમ જ સુરક્ષિત રીતે સ્કૂલે જઈ શકે તેવી વ્યવસ્થા કરવી રહી. શાળામાં તેમને વિશિષ્ટ કૌશલ કે હુન્નર શીખવવાની તક આપવી રહી."

"આ સિવાય ગરીબ પરિવારો ઉપર કોરોનાની કેવી અસર થઈ છે, તેની તપાસ કરવી રહી. આપણે તેમની મદદ કરવી રહી. જો આમ કરીશું તો તેઓ છોકરીઓને પરણાવી દઈને આર્થિકસંકટનું સમાધાન કાઢવાનો પ્રયાસ નહીં કરે."

યુનિસેફના વરિષ્ઠ સલાહકારના કહેવા પ્રમાણે, નાની ઉંમરે લગ્ન થાય એટલે નાની ઉંમરે ગર્ભવતી થવાની શક્યતા વધી જાય છે. આથી તેઓ ત્રીજી મહત્ત્વપૂર્ણ બાબત જણાવતાં કહે છે:

"આથી જરૂરી છે કે છોકરીઓ માટે જાતીય તથા પ્રજનન આરોગ્યસંબંધિત સેવાઓને બહાલ કરવામાં આવે, જેથી કરીને છોકરીઓ પાસે યોગ્ય વિકલ્પ પસંદ કરવા સંબંધિત માહિતી હોય અને તેમાં મદદ પણ મળે."

'મેં મારી બહેનને બચાવી'

ઉત્તર બાંગ્લાદેશના કાલમાકાંડામાં સ્થાનિક ટીનઍજ ઍજ્કયુકેશન ક્લબ સાથે મળીને મિનારા પોતાનાં સમાજમાં બાળવિવાહને અટકાવવા માટેનું અભિયાન ચલાવે છે.

18 વર્ષનાં મિનારા જ્યારે ટ્રેનિંગ લેવા માટે પહોંચ્યાં, ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ આ તાલીમ તેમની નાની બહેન રીતાને બચાવવામાં મદદ કરશે.

મિનારા પોતાનાં માતા-પિતા સથા બે ભાઈબહેન સાથે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેમણે જણાવ્યું, "કોરોનાકાળ મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલીભર્યો સાબિત થયો હતો."

મિનારાના પિતાએ નોકરી ગુમાવી દીધી હતી, પરિવાર માટે આર્થિક તંગી ઊભી થઈ હતી. આ અરસામાં એક પાડોશીએ મિનારાનાં નાનાં બહેન રીતા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે આ રીતે તેઓ આર્થિક સમસ્યાને હળવી કરવા માટે મદદ કરવા ચાહે છે.

મિનારાનાં કહેવા પ્રમાણે, આ યુવક કોરોનાકાળ પહેલાં રીતાની વારંવાર છેડતી કરતો હતો. ક્લબના સાથીઓની મદદથી મિનારાએ 'ચાઇલ્ડ હેલ્પલાઇન'નો સંપર્ક સાધ્યો અને આ લગ્નને અટકાવ્યાં. જોકે, તેઓ એ વાતથી ભયભીત છે કે તેઓ ક્યાં સુધી બહેનને બચાવવામાં સફળ રહેશે.

મિનારાનાં કહેવા પ્રમાણે, "જો આ મહામારીની અસર લાંબા સમય સુધી રહી તો માતા-પિતા તેમની દીકરીઓને 18 વર્ષથી નાની ઉંમરે પરણાવવા માટે મજબૂર બની જશે."

કાઉન્સેલિંગ દ્વારા મદદ

ઇથિયોપિયાનાં અબેબાને આશા છે કે તેઓ અને તેમની બહેનપણીઓ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી શકશે અને ગ્રૅજ્યુએશન સુધી લગ્નને ટાળવામાં સફળ રહેશે.

14 વર્ષનાં મેકડીજે એંજિનિયર બનવાનું સપનું સેવ્યું છે. તેમણે બીબીસીને જણાવ્યું, "લૉકડાઉન લાદવામાં આવ્યું, ત્યારથી અમે ઘરમાં જ હતાં. મેં મારાં માતા-પિતા વચ્ચેની વાતચીત સાંભળી હતી. તેઓ મને એવા છોકરા સાથે પરણાવી દેવા માગતા હતા, જેને હું ઓળખતી સુદ્ધાં નથી."

"હું ભણવા માગું છું, પરંતુ તેઓ મારી વાત સાંભળતા જ ન હતા. આથી મેં સ્કૂલ શરૂ થવાની રાહ જોઈ. ત્યારબાદ સ્કૂલના ડાયરેક્ટરને આ વિશે જણાવ્યું. તેમણે સ્થાનિક અધિકારીઓને માહિતગાર કર્યા. અધિકારીઓએ મારાં માતા-પિતાનું કાઉન્સેલિંગ કર્યું."

મેકડીઝ 18 વર્ષનાં ન થાય, ત્યાર સુધી તેનું લગ્ન નહી કરાવવાના માતા-પિતાએ સૌગંધ ખાધા છે.

મેકડીઝનાં કહેવા પ્રમાણે, "અમારા સમુદાયમાં કાઉન્સેલિંગનો ખાસ્સો લાભ થયો છે. હવે તો માતા-પિતા ઇન્કાર કરે કે લગ્ન કરાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરે તો પોલીસ દ્વારા સજા કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો