ફાધર સ્ટેન સ્વામીના નિધન પર યુએન હ્યુમન રાઇટ્સે દુખ વ્યક્ત કર્યું

માનવાધિકાર મામલા પર સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થા યુએન હ્યુમન રાઇટ્સે ભારતના માનવાધિકાર કાર્યકર ફાધર સ્ટેન સ્વામીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

સંસ્થાએ ટ્વીટ કરીને લખ્યું, "અમે કોઈ સુનાવણી વિના લાંબા સમયથી જેલમાં રાખેલા માનવાધિકારોના પક્ષધર 84 વર્ષીય ફાધર સ્ટેન સ્વામીના નિધનથી દુખી અને વ્યથિત છીએ."

"કોવિડ-19ને કારણે એ જરૂરી છે કે સરકારોએ આવા બધા લોકોને છોડી દેવા જોઈએ, જેમને અટકાયતમાં રાખવાનો કોઈ કાયદાકીય આધાર ન હોય."

ભીમા કોરેગાંવ મામલામાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા સ્ટેન સ્વામીનું સોમવારે બપોરે મુંબઈની એક હૉસ્પિટલમાં નિધન થઈ ગયું છે.

ભીમા કોરેગાંવ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કરેલી ધરપકડ બાદ ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવેલા માનવાધિકાર કર્મશીલ ફાધર સ્ટેન સ્વામીનું બીમારીથી નિધન થયું તેને લઈને અનેક લોકો સવાલ પણ કરી રહ્યા છે.

સ્ટેન સ્વામીના નિધનને અનેક લોકોએ ટૉર્ચર અને હત્યા ગણાવી છે.

સ્ટેન સ્વામીની ગત વર્ષે રાંચીથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમની ઉપર વિવાદાસ્પદ અનલૉફૂલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ યાને કે ગેરકાયદે પ્રવૃતિ નિયંત્રણ અધિનિયમ (યુએપીએ) લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો આતંકવાદને રોકવા માટે લાવવામાં આવ્યો હોવાનું સરકાર કહે છે અને આની જોગવાઈ અનુસાર સરકાર કોઈ વ્યક્તિ કે સંગઠન પર આતંકવાદનો કે તેને મદદગારીનો આરોપ મૂકી શકે છે અને તે બિનજામીનપાત્ર ગુનો ગણાય છે.

જાન્યુઆરી 2018માં ભીમા કોરેગાંવમાં હિંસક અથડામણો થઈ હતી. આ ઘટનામાં પોલીસે 16 સામાજિક કાર્યકર્તાઓ, કવિઓ અને વકીલોની ધરપકડ કરી હતી જેમાં ફાધર સ્ટેન સ્વામીનો પણ સમાવેશ થાય છે.

પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આ કેસમાં ધરપકડ કરી હતી તેમાં આનંદ તેલતુંબડે, માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા, કવિ વરવર રાવ, સુધા ભારદ્વાજ, વર્નોન ગોન્ઝાલ્વિસ સહિત બીજા ઘણા લોકો સામેલ છે.

આ આરોપીઓના પરિવારજનોએ સ્ટેન સ્વામીના મૃત્યુને ઇન્સ્ટિટ્યુશન મર્ડર યાને કે સંસ્થાકીય હત્યા ગણાવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સ્ટેન સ્વામીની ધરપકડ કરનાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (એનઆઈએ) એમની કસ્ટડી ન માગી પણ એમને જેલમાં રાખવાનું કહ્યું.

અહેવાલ કહે છે કે 8 ઑક્ટોબર 2020ના રોજ એમની ધરપકડ કરવામાં આવી. 9 ઑક્ટોબરે એમને રાંચીથી મુંબઈ લઈ જવામાં આવ્યા અને એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યાંથી એમને ન્યાયિક કસ્ટડીમાં તલોજા જેલમાં મોકલી દેવામાં આવ્યા. તેઓ બીમાર પડ્યા ત્યારે 28 મેના રોજ એમને ખાનગી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.

અહેવાલ સ્વામીના વકીલ મિહિર દેસાઈને ટાંકીને લખે છે કે જો એક પણ દિવસની કસ્ટડીની જરૂર ન હતી તો ધરપકડ શું કામ કરવામાં આવી? આ વાત મિહિર દેસાઈએ બૉમ્બે હાઈકોર્ટમાં કહી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આરોપીઓના પરિવારજનોએ સ્ટેન સ્વામીના નિધન પર નિવેદન રજૂ કર્યું છે.

આ નિવેદન કહે છે કે અમે, ભીમા કોરેગાંવ કેસમાં આરોપીના પરિવારજનો અને મિત્રો સ્ટેન સ્વામીના નિધનથી ખૂબ પીડા અનુભવીએ છીએ. આ કુદરતી મૃત્યુ નથી પણ એક સજ્જન આત્માની અમાનવીય રાજ્ય દ્વારા કરવામાં આવેલી સંસ્થાકીય હત્યા છે. પોતાની જિંદગી ઝારખંડના આદિવાસીઓ માટે ખર્ચી નાખનાર અને આદિવાસીઓના સંસાધનો અને જમીનના અધિકાર માટે લડત આપનાર સ્ટેન સ્વામી પોતાની ભૂમિથી દૂર અને રાજ્ય દ્વારા ખોટા કેસમાં સંડોવણીના આવા મોતને લાયક ન હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ સ્વાસ્થ્ય છતાં તેઓ પોતાના ચરિત્ર થકી દરેકને મક્કમ મનોબળની પ્રેરણા આપતા હતા. પોતાની તબિયત બગડી રહી હોવા છતાં જેલમાં સાથી કેદીઓની ચિંતા કરતા હતા. પોતાના પત્રોમાં જેલમાં ખોટાં કેસમાં સજા ભોગવી રહેલા અન્ય કેદીઓની વાત કરતા અને સમાજમાં વ્યાપેલા અન્યાયને ઉજાગર કરતા.

નિવેદન કહે છે કે સ્ટેન સ્વામીના મૃત્યુ માટે અમાનવીય જેલ, અલગ અલગ અદાલતો અને મલિન તપાસ સંસ્થાઓ જવાબદાર છે.

આ ઉપરાંત ઝારખંડ જનઅધિકાર મહાસભાએ પણ સ્ટેન સ્વામીના મૃત્યુને સરકારે કરેલી હત્યા ગણાવ્યું છે.

કોણ હતા સ્ટેન સ્વામી?

મૂળ તામિલનાડુમાં જન્મેલા ફાધર સ્ટેન સ્વામીના પિતા ખેડૂત હતા અને માતા ગૃહિણી હતાં.

એમણે દાયકાથી વધારે સમય બેંગલુરુમાં વંચિત સમુદાયના લોકોનું નેતૃત્વ ઊભું કરવા માટે તાલીમ શાળા ચલાવી.

સ્ટેન સ્વામીના દોસ્ત અને કર્મશીલ જેવિયર ડાયસ કહે છે કે, "એમના માટે કોઈ પણ બાબતથી ઉપર લોકો રહેતા. લોકોની સેવા માટે એમણે ચર્ચની માન્યતાઓની પર પરવા નહોતી કરી."

એમને જાણનારા લોકો કહે છે કે 1991માં ઝારખંડની રચના બાદ તેમણે આદિવાસીઓનાં અધિકારો માટે કામ કરવાની શરૂઆત કરી. તેઓ સતત આદિવાસીઓના અધિકારો માટે સંઘર્ષ કરતા રહેતા હતા.

કથિત નકસલી હોવાના આરોપસર જેલમાં બંધ 3000 મહિલાઓ અને પુરુષોની મુક્તિ માટે એમણે હાઈકોર્ટમાં પણ લડત આપી અને અંતરિયાળ ગામોમાં કામ કર્યું.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ સ્ટેન સ્વામીની ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ધરપકડ કરી હતી.

તેમની સામે નક્સલવાદીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનો ગંભીર આરોપ મૂકાયો હતો. ભીમા કોરેગાંવ કેસના તમામ આરોપીઓમાં સૌથી વયોવૃદ્ધ આરોપી છે જેમની સામે આતંકવાદને લગતી આકરી કલમો લગાવવામાં આવી હતી. તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોનો ઇનકાર કર્યો હતો.

થોડા દિવસો અગાઉ સ્ટેન સ્વામીને જેલમાં સ્ટ્રો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેના કારણે જેલના વહીવટીતંત્રની ભારે ટીકા થઈ હતી.

83 વર્ષના ફાધર સ્ટેન સ્વામી પાર્કિન્સન્સ નામની બીમારીથી પીડિત હતા. તેમના વકીલે અદાલતમાં જણાવ્યું કે તેઓ હાથમાં કપ પકડી શકતા નથી, કારણ કે તેમના હાથ સતત ધ્રૂજતા રહે છે.

આ ઘટના પછી સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને લોકોએ ફાધર સ્ટેન સ્વામી માટે તલોજા જેલમાં ઘણી સ્ટ્રો મોકલી હતી. સ્વામીના વકીલો ફરીથી કોર્ટમાં ગયા અને જેલનું વહીવટીતંત્ર તેમને સ્ટ્રો આપવા માટે તૈયાર થઈ ગયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો