રિલાયન્સ AGM 2021 : સાઉદી અરામકોના યાસિર અલ-રુમય્યન, જેમને મુકેશ અંબાણીએ રિલાયન્સના ડિરેક્ટર બનાવ્યા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 44મી AGM એટલે કે વાર્ષિક જનરલ મિટિંગ ગુરુવારે યોજાઈ, આ દરમિયાન મુકેશ અંબાણીની સાથે વધુ એક વ્યક્તિની ચર્ચા થઈ રહી હતી, એ વ્યક્તિ એટલે યાસિર અલ-રુમય્યન.

અલ-રુમય્યનને રિલાયન્સ બોર્ડના સ્વતંત્ર ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે, તેઓ પૅટ્રોકૅમિકલના ક્ષેત્રમાં દિગ્ગજ મનાતી કંપની સાઉદી અરામકોના ચૅરપર્સન છે.

મુકેશ અંબાણીએ AGMમાં જાહેરાત કરી કે યાસિર અલ-રુમય્યનને રિલાયન્સના બોર્ડ ઑફ ડિરેક્ટરમાં હું આવકારું છું, બોર્ડમાં તેઓ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રહેશે.

મુકેશ અંબાણીએ જેમને સ્વતંત્ર ડિરેક્ટર બનાવ્યા એ યાસિર અલ-રુમય્યન કોણ છે અને શું સાઉદી અરામકોનો ઇતિહાસ?

સાઉદી અરામકોનું રિલાયન્સમાં રોકાણ

સાઉદી અરેબિયાની ઑઇલ કંપની અરામકોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં 75 અબજ ડૉલરનું રોકણ કર્યું છે.

આ અગાઉ 2019માં યોજાયેલી 42મી AGMમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું, “સાઉદી અરેબિયાની જાણીતી કંપની અરામકો RIL ઑઇલ-ટુ-કૅમિકલના 20 ટકા શૅર ખરીદશે, જેનું મૂલ્ય અબજો ડૉલર છે.”

મુકેશ અંબાણીએ એ વખતે આ રોકાણને રિલાયન્સના ઇતિહાસનું સૌથી મોટું વિદેશી રોકાણ ગણાવ્યું હતું.

જેટલી રસપ્રદ રિલાયન્સ અને અરામકોની આ ડીલ છે, એટલી જ રસપ્રદ આ કંપની અને તેના ચૅરપર્સન યાસિર અલ રુમય્યનની કહાણી છે.

યાસિર અલ-રુમય્યન કોણ છે?

મિડલ ઇસ્ટ ફોર્બ્સ તેમના એક અહેવાલમાં યાસિર અલ-રુમય્યનનો પરિચરય આપતા લખે છે કે ‘એ ચૅરમૅન જેમણે અરામકોને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બનાવી.’

51 વર્ષના યાસિર અલ રુમય્યન સાઉદી અરામકોના ચૅરસપર્સનની સાથે સાઉદી પબ્લિક ઇન્વૅસ્ટમેન્ટ ફંડના ગવર્નર પણ છે.

પબ્લિક ઇન્વૅસ્ટમેન્ટ ફંડના ચૅરપર્સન હોવાને નાતે તેઓ દુનિયાની અનેક એવી કંપનીઓના બોર્ડમાં સામેલ છે, જેમાં સાઉદી અરેબિયાની કંપનીઓએ રોકાણ કર્યું હોય. જેમકે ઉબર ટેકનૉલૉજીસ, ARM કંપની અને જાપાનની સૉફ્ટ બૅન્ક.

જુલાઈ 2020ની સ્થિતિ પ્રમાણે પબ્લિક ઇન્વૅસ્ટમેન્ડ ફંડની વૅલ્યૂ 360 બિલિયન ડૉલર હતી.

સાઉદી અરેબિયાના મીડિયા પ્રમાણે કિંગ ફૈસલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી જનરલ મૅનેજમૅન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે.

ઊર્જા અને મૂડીરોકાણના ક્ષેત્રમાં વિશ્વના ટોચના નિષ્ણાતોમાં રુમય્યનની ગણના થાય છે. સાઉદી અરેબિયાનું અર્થતંત્ર માત્ર ક્રૂડ ઑઇલ પર નિર્ભર ન રહે અને દેશ બીજા ક્ષેત્રોમાં પણ હરણફાળ ભરે તે માટે રુમય્યન પ્રયત્નો કરી રહ્યા છે.

રિલાયન્સમાં અબજોના રોકાણ પાછળ અલ-રુમય્યનનું ભેજું?

અરામકો અને પબ્લિક ઇન્વૅસ્ટમેન્ટ ફંડે (PIF) રિલાય્નસમાં અબજોનું રોકાણ કર્યું, એની પાછળ યાસિર અલ-રુમય્યનનું પ્લાનિંગ હોવાનું તજજ્ઞો માને છે.

જૂન 2020માં PIFએ જિયો પ્લૅટફૉર્મના 2.32 ટકા શૅર 11,367 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા, પાંચ મહિના બાદ 9,555 કરોડ રૂપિયામાં રિલાયન્સની રિટેલ કંપનીના 2.04 ટકા શૅર ખરીદી લીધા હતા.

આ ઉપરાંત રિલાયન્સના ફાઇબર ઑપ્ટિક સંપદા ધરાવતી કંપનીઓમાં પણ PIFએ 3779 કરોડ રૂપિયા રોક્યા છે.

‘સૌથી વધુ નફો કરનારી કંપની’ અરામકો

જોકે અલ-રુમય્યનની ખ્યાતિ સાથે સાઉદી અરામકો કંપનીનું નામ પણ જોડાયેલું છે, જેને વિશ્વની સૌથી વધુ નફો કરનારી કંપની રહી છે.

વર્ષ 1933માં સ્થપાયેલી આ ઑઇલ કંપનીની માર્કેટ કૅપિટલ ફોર્બ્સની યાદી પ્રમાણે 1.9 ટ્રિલિયન ડૉલર છે, જ્યાં 66,800 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

ફોર્બ્સની 2020-21ની વૈશ્વિક યાદીમાં આ કંપની પાંચમા ક્રમે છે.

સાઉદી અરેબિયાની સરકારના કહેવા પ્રમાણે વર્ષ 2018માં કંપનીએ 111.1 અબજ ડૉલરનો નફો કર્યો છે.

કહેવામાં આવે છે કે આ કોઈ પણ એક કંપનીએ કરેલી સૌથી મોટી કમાણી છે. એ વર્ષે ઍપલની કમાણી 59.5 અબજ ડૉલર હતી.

આ સાથે જ અન્ય મોટી ઑઇલ કંપનીઓ જેવી કે રૉયલ ડચ શૅલ અને ઍક્સોન મૉબિલ આ હરીફાઈમાં ઘણી પાછળ છે.

અરામકોએ પોતાની કમાણીને જાહેર કરીને એ સાબિત કરી દીધું છે કે તેની ક્ષમતા શી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો