ધીરુભાઈ અંબાણી : જ્યારે એક ગુજરાતીના કારણે શૅરબજાર ત્રણ દિવસ બંધ રહ્યું

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સ્વઘોષિત મંદીના ખેલાડી હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 50 ટકા જેટલું ધોવાણ થઈ ગયું છે અને તેઓ ધનિકોની યાદીમાં વિશ્વના ટોપ-3 ધનિકમાંથી ખસકીને ટોપ-20માંથી પણ બહાર નીકળી ગયા છે.

અમેરિકામાં અદાણીના બૉન્ડ તથા વિદેશમાં અદાણીની કંપનીઓની જામીનગીરીઓમાં હિંડનબર્ગે મંદીની પૉઝિશન લીધી હોવાનું (પેજનંબર -4) પર કરી છે, અદાણીએ પણ રિપોર્ટના જવાબમાં બહાર પાડવામાં આવેલી સ્પષ્ટતામાં હિંડનબર્ગના ઇરાદા ઉપર (પેજનંબર 27-54) સવાલ ઉઠાવ્યા છે.

કંઇક આવું જ 40 વર્ષ પહેલાં અન્ય ગુજરાતી વેપારી ધીરૂભાઈ અંબાણી સાથે પણ થયું હતું, જ્યારે 'બ્લૅક કૉબ્રા' તરીકે ઓળખાતા મંદીના ખેલાડી મનુ માણેકના નેતૃત્વમાં બેઅર કાર્ટેલે રિલાયન્સના શૅરમાં મંદી કરી હતી. એ સમયે કંપની રિલાયન્સનો ડિબેન્ચરનો ઇસ્યુ આવવાનો હતો.

આવું જ કંઇક અદાણી જૂથ સાથે થયું હતું, તેમના એફપીઓ (ફૉલોઓન પબ્લિક) ઓફર પહેલાં જ હિંડનબર્ગનો અહેવાલ આવ્યો હતો, જેના કારણે ઇસ્યુ પૂર્ણકદે ભરાઈ જવા છતાં તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

જોકે, ધીરૂભાઈએ પોતાની કોઠાસૂઝથી મંદીવાળા ખેલાડીઓને ભરી પીધા હતા અને બંને પક્ષો વચ્ચે મોટો ગજગ્રાહ સર્જાયો હતો, જેના કારણે ત્રણ દિવસ સુધી શૅરબજાર બંધ રહ્યું હતું.

શૅર, ડિબેન્ચર અને ડખો

અગાઉ રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ) દ્વારા બજારમાંથી નાણાં ઊભાં કર્યાં.

'જીફાઇલ્સ'માં (જૂન-2019માં) આલમ શ્રીનિવાસે આ વિશે નીચે મુજબ લખ્યું છે:1970ના દાયકા સુધી કન્વર્ટેબલ ડિબેન્ચર એ નાણાં ઊભાં કરવા માટેનો એક સ્રોત હતો અને તાતા ગ્રૂપ જેવા જૂથો પણ આ માર્ગથી નાણાં ઊભાં કરતાં હતાં, પરંતુ તે એટલો લોકપ્રિય ન હતો.

એ સમયે કંટ્રોલર ઑફ કૅપિટલ ઇસ્યુઝ નામનો સરકારી વિભાગ કાર્યરત્ હતો, જે શૅરબજાર અને તેના નિયમન સંબંધિત કામગીરી કરતો હતો. સરકારી વિભાગે આ માધ્યમને વિકસવા દીધું ન હતું.

ધીરુભાઈ અંબાણીએ કંપનીને શૅરબજારમાં લિસ્ટ કરી, એ બાદ 1986 સુધીમાં 94 અબજ રપિયા રોકાણકારો પાસેથી ઊભા કર્યાં અને આમાં તેમને સરકારી તંત્રનો સહયોગ મળ્યો હોવાના આરોપો પણ લાગ્યા.

જ્યારે રિલાયન્સના 100 ડિબેન્ચરને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા, ત્યારે તેના બદલામાં રૂ. 10ની મૂળભૂત કિંમતના એક કે બે શૅર આપવામાં આવતા હતા. આમ કરવા પાછળનો હેતુ એવો હતો કે ઇક્વિટીની સંખ્યાને મર્યાદિત રાખી શકાય.

'કોબ્રા' મનુ માણેકનું શૅરબજારમાં આગમન

આવું જ એક ઉદાહરણ ટાંકતાં 'જીફાઇલ્સ'માં (જૂન-2019માં) આલમ શ્રીનિવાસ જણાવે છે કે જ્યારે રૂ. 100ના ડિબેન્ચરનો ભાવ રૂ. 84 ચાલી રહ્યો હતો, અને રિલાયન્સના શૅરનો ભાવ રૂ. 115 હતો. રૂપાંતરણ સમયે ડિબેન્ચરધારકને કંપનીના 100 ડિબેન્ચરની સામે 1.2 શૅર મળતા હતા.

આમ રૂ. 84ની જામીનગીરી સામે ધારકને લગભગ રૂ. 138 (રૂ. 115 x 1.2)ની જામીનગીરીઓ મળતી હતી. ધીરુભાઈ તથા અન્ય કેટલાકે 10 વર્ષે આંશિક રીતે રૂપાંતરિત થાય તેવા ડિબેન્ચર બહાર પાડ્યા.

જેમ શૅરના ભાવ વધુ, તેમ ડિબેન્ચર પ્રત્યેનું આકર્ષણ વધુ અને મોટા પ્રોજેક્ટ માટે સરળતાથી નાણાં મળી રહે, પરંતુ તેમાં મોટી સમસ્યા એ હતી કે રોકાણકારોનું કંપનીના ડિબેન્ચર પ્રત્યેનું આકર્ષણ તો જ જળવાય, જો તેના ભાવ ઊંચા રહે.

1982માં રિલાયન્સનો રાઇટ્સનો ઇસ્યુ આવી રહ્યો હતો, એટલે ભાવ ઊંચા રહે તે ધીરુભાઈ માટે જરૂરી હતું.

આ સમયે શૅરબજારના પરિદૃશ્યમાં મનુ માણેકનું આગમન થયું, જે કલકત્તાસ્થિત (હાલનું કોલકત્તા) શૅર ઑપરેટર હતા. તેઓ મંદીના ખેલાડી હતા, એટલે તેમને 'કોબ્રા' તરીકે ઓળખવામાં આવતા. તેમની નજર રિલાયન્સના શૅર પર પડી હતી.

'1992 : સ્કૅમ'માં સતીશ કૌશિકની ભૂમિકા કથિત રીતે મનુ માણેકથી પ્રેરિત હોવાના અહેવાલો છે.

શૅરબજારનો તેજી અને મંદીનો ખેલ

શૅરબજારને સામાન્ય રીતે બે વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, જે લોકોને લાગે કે બજાર ઉપર જશે તેમને બૂલ (આખલા) તરીકે ઓળખવામાં આવે છે, જે લોકો મંદીનું વલણ ધરાવતા હોય, તેમને બેઅર (રીંછ) તરીકે ઓળખવામાં આવે છે.

આખલો તેની સામે હોય તેને ઊછાળી-ઊછાળીને મારે છે, જ્યારે રીંછ તેની સામે હોય તેના પર ઉપરનાભાગેથી પ્રહાર કરીને તેને નુકસાન પહોંચાડે છે; આ લાક્ષણિકતાને આધારે માર્કેટને બૂલ કે બેઅરમાં વિભાજિત કરવામાં આવે છે.

એમકે ચોકસી ઍન્ડ કંપનીના કિશન ચોકસીએ ઑપરેટર મનુ માણેક અંગે એક વખત જણાવ્યું હતું :"માણેક ખૂબ જ શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા, તેઓ ખૂબ જ પાવરફૂલ હતા અને બજાર તેમની મરજી મુજબ ચાલતું." કંપનીમાં કોણ ડિરેક્ટર બનશે કે નહીં, તે મનુ માણેક જ નક્કી કરતા, બધાને ખબર હતી, છતાં તેમની પર ક્યારેય કોઈ આરોપ દાખલ કરવામાં આવ્યા ન હતા.

કથિત રીતે કોલકત્તાસ્થિત ઉદ્યોગપતિના ઇશારે માર્ચ-1982માં રિલાયન્સના શૅરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને કંપનીના શૅરના ભાવ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તા. 18મી માર્ચે કંપનીના સાડા ત્રણ લાખ શૅરનું વેચાણ થયું અને તેનો ભાવ ગગડીને રૂ. 131માંથી રૂ. 121 પર આવી ગયો.

જોત-જોતામાં રિલાયન્સના શૅરનો ભાવ ચડી ગયો

આ સમયે ધીરુભાઈએ પોતાના મિત્ર એવા શૅરદલાલો મારફત જેટલા શૅરનું વેચાણ થયું, તેની લેવાલી ચાલુ રાખી અને શૅરનો ભાવો તૂટવા ન દીધો. ધીરુભાઈ એ વાત સારી રીતે જાણતા હતા કે બેઅર-કાર્ટેલ પાસે શૅર નથી અને તેઓ માત્ર ભાવ તોડવા માટે જ વેચાણ કરી રહ્યા છે.

બેઅર કાર્ટેલને હતું કે ધીરુભાઈ તથા તેમના સહયોગીઓ પાસે પૈસા નહીં રહે અને તેઓ બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જમાં એ સમયે પ્રવર્તમાન 'બદલા' પદ્ધતિ હેઠળ સમાધાન કરવા માટે મજબૂર બની જશે.

પરંતુ એવું ન થયું, છેક છેલ્લી ઘડી સુધી રિલાયન્સના શૅરનો ભાવ રૂ. 152 જળવાઈ રહ્યો, છેલ્લા દિવસે તેજીવાળા ખેલાડીઓએ મંદીવાળા ખેલાડીઓ પાસેથી શૅરની ડિલિવરી માગી.

મનુ માણેક અને તેમના સાથીઓ પાસે શૅર હતા નહીં, એટલે તેમણે ભયભીત થઈને બજારમાંથી શૅર ખરીદીને આપવાનો પ્રયાસ કર્યો.

જોત-જોતામાં શૅરનો ભાવ 20 ટકા જેટલો ચડી ગયો, છતાં પૂરતી સંખ્યામાં શૅર એકઠા ન થઈ શક્યા.

30મી એપ્રિલે ધીરુભાઈના સમર્થક રોકાણકારોએ શૅરની ડિલિવરી અથવા શૅરદીઠ રૂ. 25ના ઉંધાબદલા (શૅર નહીં આપી શકવા બદલ કરાતો દંડ)ની માગ ચાલુ રાખી. જેના કારણે સ્ટૉક ઍક્સચેન્જમાં અંધાધૂંધી સર્જાઈ. ત્રણ દિવસ સુધી શૅરબજાર બંધ રહ્યું.

જોતજોતામાં રિલાયન્સના શૅરનો ભાવ રૂ. 201 (અંબાણી ઍન્ડ સન્સમાં હમીશ મૅકડોનાલ્ડ) પર પહોંચી ગયો. મંદીવાળા ખેલાડીઓ મળે ત્યાંથી ઊંચા ભાવે શૅર ખરીદવા માટે મજબૂર બન્યા.

કથિત રીતે રિલાયન્સના ચૅરમૅન ધીરુભાઈ અંબાણીએ જ ઊંચા ભાવે શૅર સર્ટિફિકેટ પૂરા પાડ્યા અને તેમના પાસેથી ખાસ્સી એવી તગડી રકમ વસૂલી. જે ફરી રૂ. 150ના ભાવે તેમના પાસે પરત આવી ગયા.

કોણ હતું ખરીદદાર?

મંદીવાળા ખેલાડીઓને એ નહોતું સમજાતું કે હજુ થોડાં વર્ષ પહેલાં સુધી યાર્નનો વેપારી અને નવોસવો ઉદ્યોગપતિ આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યો?

નાણામંત્રી પ્રણવ મુખરજીએ સંસદમાં તેનો જવાબ આપ્યો ભારતીય કંપનીઓમાં રોકાણ કરવા માટે એનઆરઆઈ (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન)ને મંજૂરી આપવામાં આવી હતી.

'લોટા', 'ફિયાસ્કો' અને 'ક્રૉકોડાઇલ' જેવાં નામો ધરાવતી કંપનીઓએ વર્ષ 1982-'83 દરમિયાન રૂ. 22 કરોડનું રિલાયન્સના શૅરોમાં રોકાણ કર્યું હતું.

કેટલાક પત્રકારોની તપાસમાં બહાર આવ્યું હતું કે રોકાણકારો મૂળ યુનાઇટેડ કિંગ્ડમના હતા અને તેમણે ટૅક્સ હેવન તરીકે ઓળખાતા ઇસલે માનમાં કંપની સ્થાપી હતી. મોટાભાગના એનઆરઆઈ ગુજરાતીઓ હતા.

આ પ્રકરણ દરમિયાન આંગળીઓ ઊઠી, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તપાસ હાથ ધરી, પરંતુ રિલાયન્સ દ્વારા કશું ખોટું કરવામાં આવ્યું હોવાનું સાબિત ન થઈ શક્યું અને સમય સાથે વિવાદ શમી ગયો.

મંદીવાળા ખેલાડીઓને રિલાયન્સના શૅર ઉપર હાથ નહીં નાખવાનો મોટો બોધપાઠ મળી ગયો હતો. એ પછી પણ ધીરુભાઈ અંબાણી તથા રિલાયન્સનું નામ અન્ય વિવાદોમાં સપડાતું રહ્યું છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'અંબાણી-અદાણીના મિત્ર' કહીને તેમને અનુરૂપ નીતિઘડતર થતું હોવાના આરોપ લગાવી ચૂક્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો