You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Johnson & Johnson : જેનો એક જ ડોઝ ડેલ્ટા વૅરિયન્ટ માટે પૂરતો છે, એ કોરોના રસીને ભારતમાં મંજૂરી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જૉન્સન ઍન્ડ જૉન્સનની કોરોના સામે રક્ષણ આપતી રસીનો એક જ ડોઝ ડેલ્ટા વૅરિયન્ટનો ખાતમો કરવા સક્ષમ છે. કંપનીએ જાતે આ માહિતી આપી છે. હવે આ રસીને ભારતમાં મંજૂરી મળી ગઈ છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતાં માહિતી આપી હતી કે 'ભારતમાં જૉનસન ઍન્ડ જૉનસનની સિંગલ ડોઝ રસીના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.'
નોંધનીય છે કે વૈજ્ઞાનિકો જે ડેલ્ટા વૅરિયન્ટને ભયજનક અને જોખમકારક ગણાવે છે, તેની સામે જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીથી હવે એક નવી આશા જન્મી છે.
કંપનીએ કહ્યું છે કે આ વૅક્સિનનો સિંગલ ડોઝ કોવિડનાં ગંભીર લક્ષણો સામે 85 ટકા સુધી રક્ષણ આપી શકે છે. આ વૅક્સિનના પ્રથમ ડોઝના 29 દિવસ બાદ ડેલ્ટા વૅરિયન્ટ નિષ્ક્રિય થઈ જાય છે.
આ રસી કોરોના વાઇરસના અન્ય વૅરિયન્ટ સામે પણ અસરકારક હોવાનો કંપનીએ દાવો કર્યો છે.
ભારતમાં કોરોનાની પાંચ રસી
ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણની રોકથામ માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું, ત્યારે કોવૅક્સિન અને કોવિશિલ્ડ એમ બે જ રસી ઉપલબ્ધ હતી.
જે બાદ રશિયા દ્વારા વિકસાવાયેલી સ્પુતનિક વી રસીને પણ મંજૂરી આપી દેવાઈ હતી, એ બાદ મૉડર્નાની રસીના સીમિત ઉપયોગની મંજૂરી પણ આપી દેવાઈ હતી.
જોકે હજી પણ ભારતમાં મુખ્યત્વે કોવૅક્સિન અને કોવિશિલ્ડનો જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે બનાવાઈ જૉન્સન ઍન્ડ જૉન્સન રસી?
જૉન્સન ઍન્ડ જૉન્સનની કોરોના સામે રક્ષણ આપતી સિંગલ ડોઝ વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટેની પરવાનગી ફેબ્રુઆરી 2021માં અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા આપી દેવાઈ હતી.
કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત બાદ જૉન્સન ઍૅન્ડ જૉન્સન દ્વારા ચીન પાસેથી તેની સિક્વન્સ ઇન્ફર્મેશન મગાવી લેવાઈ હતી.
ત્યાર બાદ કંપનીએ અલગ-અલગ સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને કોરોના વાઇરસના પ્રતિકાર માટે વૅક્સિન વિકસાવવાની શરૂઆત કરી હતી.
કંપનીની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે ગત વર્ષના માર્ચથી જૂન સુધી તેમણે ઘણાં પરીક્ષણો કર્યાં હતાં.
એ બાદ વૅક્સિનની ચકાસણી કરવા માટે બે તબક્કાની ટ્રાયલ પર એક સાથે કામ શરૂ કરાયું, આ તબક્કા બાદ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરાઈ. જેમાં ત્રણ ભૂખંડોના આઠ દેશોમાંથી 43,783 લોકોએ ભાગ લીધો હતો.
જૉન્સન ઍન્ડ જૉન્સન રસીની વિશેષતા
આ ટ્રાયલના ડેટા પરથી સામે આવ્યું કે આ વૅક્સિન કોરોના વાઇરસ સામે 85 ટકા સુધી રક્ષણ આપે છે.
નોંધનીય છે કે આ વૅક્સિનનો માત્ર એક જ ડોઝ અપાય છે, જ્યારે ભારતમાં ઉપલબ્ધ અન્ય રસીના બે ડોઝ આપવામાં આવે છે.
નોંધનીય છે કે જૉન્સન ઍન્ડ જૉન્સનની આ રસી અન્ય રસીઓની જેમ mRNA એટલે કે મૅસેન્જર RNA પ્રણાલીનો ઉપયોગ કરતી નથી. mRNA પ્રણાલીમાં માનવશરીરમાં પ્રોટીનનું નિર્માણ થાય છે, જે શરીરમાં વાઇરસનો સામનો કરવા માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે.
આ વૅક્સિન એડિનો વાઇરસનો ઉપયોગ કરે છે. જે સામાન્ય શરદીની સમસ્યા સર્જનાર એક વાઇરસ હોય છે, જેનામાં રેપ્લિકેટ કરવાની ક્ષમતા હોતી નથી.
આ એડિનો વાઇરસ કોરોના વાઇરસના જનીનને માનવશરીરના કોષો સુધી પહોંચાડે છે. જેનાથી બાદમાં કોરોના વાઇરસ સ્પાઇક પ્રોટીન પેદા થાય છે.
અહીં નોંધનીય છે કે આ પ્રક્રિયામાં કોરોના વાઇરસ જાતે શરીરમાં બનતો નથી.
આવી રીતે બનેલ સ્પાઇક પ્રોટીન શરીરની રોગપ્રતિકારક શક્તિને કોરોના વાઇરસ સામે લડવા માટે સક્ષમ બનાવે છે.
આ સિવાય જૉન્સન ઍન્ડ જૉન્સનની વૅક્સિન અંગે કોલ્ડ સ્ટોરેજ અને સપ્લાય ચેઇનની સમસ્યાની શક્યતા પણ નથી. કારણ કે તે ઘરના રેફ્રિજરેટરના તાપમાનમાં ત્રણ માસ સુધી સુરક્ષિત રહી શકે છે.
આ સિવાય માઇનસ ચાર ફેરનહિટ તાપમાનમાં આ રસીનો બે વર્ષ સુધી સંગ્રહ કરી શકાય છે.
કયા-કયા દેશોમાં અપાય છે જૉન્સન ઍન્ડ જૉન્સનની વૅક્સિન?
આજ દિન સુધી અમેરિકામાં આ રસીના સૌથી વધુ ડોઝ અપાયા છે, પરંતુ આ કંપનીએ યુરોપના પણ કેટલાક દેશો સુધી રસી પહોંચાડવાનું શરૂ કરી દીધું છે.
ધ ગાર્ડિયનના એક અહેવાલ અનુસાર ફ્રાન્સ, જર્મની, સ્પેન અને નેધરલૅન્ડ્સ જેવા દેશોએ પોતાના નાગરિકોને જૉન્સન ઍન્ડ જૉન્સનની રસી આપવાનું શરૂ કરી દીધું છે.
આ સિવાય કંપનીની રસીને આફ્રિકાના કેટલાક દેશો સહિત બ્રાઝિલ, કૅનેડા, પેરુ, ચીલી અને ન્યૂઝીલૅન્ડમાં પણ માન્યતા મળી છે.
જૉન્સન ઍન્ડ જૉન્સનનો ઇતિહાસ
જૉન્સન ઍન્ડ જૉન્સનની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર કંપની 130 વર્ષથી લોકોને સ્વાસ્થ્યસંબંધી સુવિધાઓ પૂરી પાડી રહી છે.
તે વિશ્વની સૌથી મોટી અને સૌથી વ્પાયક બેઝ ધરાવતી હેલ્થકૅર કંપની છે. કંપનીની સિસ્ટર ઑર્ગેનાઇઝેશન જેનસન ફાર્માસ્યુટિકલ જુદા-જુદા રોગો સામે રક્ષણ આપવા માટેના ઉપાયો વિકસાવવાની દિશામાં કામ કરે છે.
કંપની મોટા ભાગે ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસ અને કન્ઝ્યુમર હેલ્થકૅરના ક્ષેત્રે કામ કરે છે.
વર્ષ 1886માં રૉબર્ટ વુડ જૉન્સન, જેમ્સ વુડ જ઼ૉન્સન અને ઍડ્વર્ડ મીડ જૉન્સને અમેરિકામાં ન્યૂ જર્સી ખાતે કંપનીની સ્થાપના કરી. વર્ષ 1957માં કંપનીએ ભારતમાં પોતાના ધંધાની શરૂઆત કરી.
જૉન્સન ઍન્ડ જૉન્સનની ભગીની સંસ્થા જેનસન એ વિશ્વની ટોચની રિસર્ચ આધારિત ફાર્મા કંપનીઓમાંથી એક છે.
જે ગેસ્ટ્રોઍન્ટિરિયોલૉજી, મહિલાસ્વાસ્થ્ય, માનસિકસ્વાસ્થ્ય, ન્યુરોલૉજી અને એઇડ્સ સંબંધિત દવાઓનું ઉત્પાદન કરે છે.
ફાર્માફોરમ ડોટકૉમના અહેવાલ અનુસાર જૉન્સન ઍન્ડ જૉન્સન ગ્રૂપની કંપનીઓ કેટલાંક ઉત્પાદનોને લઈને વિવાદમાં પણ સપડાઈ ચૂકી છે. કંપનીએ માહિતી છુપાવવાના કારણોસર દંડાત્મક કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો છે.
કંપનીની વેબસાઇટ પર અપાયેલ માહિતી અનુસાર કંપની હવે બે ડોઝવાળી કોરોના વૅક્સિન વિકસાવવા માટે પણ કામ કરી રહી છે. જે વધુ સમય સુધી રક્ષણ આપી શકશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાય છે.
રસીની આડઅસર અંગેની ફરિયાદો
નોંધનીય છે કે અમેરિકા સિવાય વિશ્વના અમુક દેશોમાં જૉન્સન ઍન્ડ જૉન્સનની રસીને કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવાની સમસ્યા સર્જાઈ હોવાની ફરિયાદો મળી હતી.
જેને પગલે અમેરિકાએ આ રસી આપવાનું બંધ કરી દીધું હતું. જોકે, બાદમાં થોડા દિવસ પછી આ પ્રતિબંધ હઠાવી દેવાયો હતો.
આ સિવાય આઇરિશ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આવી સમસ્યાના ભયથી આયર્લૅન્ડમાં પણ આ રસી પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
કંપનીની સાઇટ પ્રમાણે આ વૅક્સિન લીધા બાદ ભારે ઍલર્જીવાળું રિઍક્શન થવાની સંભાવના રહેલી છે.
આ તબક્કા દરમિયાન રસી લેનાર વ્યક્તિને શ્વાસ લેવામાં સમસ્યા, ગળા અને ચહેરા પર સોજો, હૃદયના ધબકારા વધી જવા અને કમજોરી જવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો