You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિરોશીમા - નાગાસાકી : એ ત્રીજો અણુબૉમ્બ, જે અમેરિકા જાપાન પર ફેંકવા માગતું હતું
- લેેખક, કાર્લોસ સેર્રાનો
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
અમેરિકાએ 6 અને 9 ઑગસ્ટ, 1945ના રોજ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર એક પછી એક એમ બે અણુબૉમ્બ ફેંક્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરાયેલા હુમલામાં એ બન્ને બૉમ્બ સૌથી ઘાતકી સાબિત થયા હતા અને અંદાજે બે લાખ લોકો માર્યા ગયા હતા.
અમેરિકાનો ઈરાદો જાપાનને શરણે લાવીને બીજા વિશ્વયુદ્ધનો અંત લાવવાનો હતો.
આ બૉમ્બથી કામ ના પતે તો અમેરિકાએ ત્રીજો બૉમ્બ ફેંકવાની પણ તૈયારી કરી લીધી હતી.
આ ત્રીજા બૉમ્બનું નામ રખાયું હતું 'રુફૂસ', જેમાં નાગાસાકી પર ફોડવામાં આવેલા ફેટમૅન બૉમ્બની જેમ જ પ્લુટોનિયમનું કૉર હતું.
ત્રીજા અણુબૉમ્બની તૈયારી
જોકે એ બૉમ્બ પછી ક્યારેય વપરાયો નહીં, પરંતુ તેની તૈયારીને કારણે બે ઘાતક અકસ્માત થયા હતા અને તેના કારણે જ તેને ઇતિહાસમાં "દુષ્ટતાનું કેન્દ્રબિંદુ - કૉર ઑફ ધ ડેવિલ" તરીકે ઓળખવામાં આવે છે.
"ફેટ મૅન જેવો જ એ બૉમ્બ હતો," એમ 'ન્યુક્લિયર સિક્રસી' બ્લોગના લેખક અને અણુશસ્ત્રોના ઇતિહાસકાર ઍલેક્સ વેલરસ્ટેઇને બીબીસીને જણાવ્યું હતું.
તેનો અર્થ એ થયો કે નાગાસાકીની જેમ જ આ બૉમ્બે પણ 20 કિલો ટનની ક્ષમતાનો વિસ્ફોટ કર્યો હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેલરસ્ટેઇને લખેલા એક લેખમાં અમેરિકાના સત્તાવાર સંદેશા-વ્યવહારને ટાંકીને જણાવાયું આ બૉમ્બને 17 કે 18 ઑગસ્ટ, 1945ના રોજ ફેંકવાની તૈયારી હતી.
ઑગસ્ટ 1945ના પ્રારંભિક દિવસોમાં બે અણુબૉમ્બ સામે જાપાન ઝૂકી જશે તેવો અંદાજ નહોતો, એમ વેલરસ્ટેઇન જણાવે છે.
જાપાને આખરે 15 ઑગસ્ટે શરણાગતિ સ્વીકારી લીધી તે પછી "બે બૉમ્બ પૂરતા હતા તે સ્પષ્ટ થયું," એમ તેઓ ઉમેરે છે.
એટલે પછી રુફૂસને ફેંકવાની જરૂર રહી નહોતી.
'દુષ્ટ'ની ઉશ્કેરણી
"15થી 21 ઑગસ્ટથી વચ્ચે શું થયું હતું? મને ખબર નથી," એમ વેલરસ્ટેઇને લખ્યું છે, પરંતુ એવા દસ્તાવેજો ઉપલબ્ધ છે, જે અનુસાર 21 ઑગસ્ટે ન્યૂ મૅક્સિકોની લોસ અલમોસ લૅબોરેટરીમાં વિજ્ઞાનીઓએ તેના પ્લુટોનિયમ કોરનો ઉપયોગ કરીને ખતરનાક પ્રયોગો શરૂ કર્યા હતા.
1945માં તે વખતે માત્ર રુફૂસ, ફેટ મૅન અને ટ્રિનીટીમાં અમેરિકાએ સૌપ્રથમ વાર અણુ ટેસ્ટ કર્યો, તે માટે વપરાયેલા ગૅજેટ બૉમ્બ માટે જ પ્લુટોનિયમ કૉરની રચના થઈ હતી.
લોસ અલામોસના સંશોધકો એ જાણવા માગતા હતા કે પ્લુટોનિયમ સુપર ક્રિટિકલ બને તે લિમિટ ક્યાં સુધીની હોય છે. એટલે કે કઈ હદે ગયા પછી પ્લુટોનિયમનું ચેઈન રીએક્શન જબરદસ્ત રેડિયેશન સાથે બ્લાસ્ટ થઈ શકે?
તેની પાછળનો વિચાર વધારે અસરકારક રીતે કૉરને સુપર ક્રિટિકલ સ્ટેટ સુધી લઈ જવાનો અને પમ્પ લૉડને મહત્તમ કક્ષાએ લઈ જવાનો હતો.
પ્લુટોનિયમ કૉરને સંભાળવાનું કામ બહુ કપરું હોય છે. તેના કારણે જ સંશોધકોએ આ પ્રયોગોને "દુષ્ટની પૂંછડીને અટકચાળો" એવું નામ આપ્યું હતું.
"તેમને ખ્યાલ હતો કે જો ભૂલથી આ સૂતેલા રાક્ષસને જગાડી દીધો તો તે સૌ ભસ્મ થઈ જવાના," એમ 'સાયન્સ ઍલર્ટ' પોર્ટલ પર પત્રકાર પીટર ડૉક્રીલે એક લેખમાં લખ્યું છે.
વેલરસ્ટેઇનના જણાવ્યા અનુસાર પ્રયોગો કરનારા જોખમથી સાવચેત હતા, પણ કિંમતી ડૅટા મેળવવા માટે તેમણે જોખમ લીધું હતું.
ઘાતક ઘડી
રુફૂસના પ્રયોગોમાં પ્રથમ ભોગ બન્યા અમેરિકાના ભૌતિકશાસ્ત્રી હૅરી ડેગલિયન, જે માત્ર 24 વર્ષના જ હતા.
અમેરિકાએ પ્રથમ અણુબૉમ્બ તૈયાર કરવા જે 'મૅનહટ્ટન પ્રૉજેક્ટ' કર્યો હતો, તેમાં પણ ડેગલિયને કામ કર્યું હતું.
21 ઑગસ્ટ, 1945ના રોજ ડેગલિયને રુફૂસની આસપાસ ટંગ્સ્ટન કાર્બાઇડના બ્લૉક મૂકવાનું શરૂ કર્યું હતું.
તેના કારણે શું 'ન્યૂટ્રોન રિફ્લેટર' પેદા થાય છે કે કેમ, તે જોવાનો તેમનો પ્રયાસ હતો. ન્યુક્લિસમાંથી અણુ ફેંકાતા હોય તે આ બ્લૉક સાથે અથડાઈને પરિવર્તિત થાય અને તે રીતે વધારે કાર્યદક્ષતાથી ક્રિટીકલ પૉઇન્ટ આવે.
'ઍટમિક હેરિટેજ ફાઉન્ડેશન' વેબસાઇટમાં જણાવાયું છે તે પ્રમાણે સલામતીનાં ધારાધોરણોને ઉલ્લંઘીને ડેગલિયન એ રાત્રે એકલા જ કામ કરી રહ્યા હતા.
યુવા વિજ્ઞાનીએ ઘણા બધા બ્લૉક ગોઠવી દીધા હતા અને છેલ્લો બ્લોક મૂકવાની તૈયારીમાં હતા ત્યારે જ મૉનિટરિંગ ડિવાઈસ તરફથી કૉર સુપરક્રિટીકલ બની જવાની ચેતવણી મળી.
બ્લૉક મૂકીને જીવનું જોખમ જ લેવાનું હતું.
તેમણે બ્લૉક હઠાવવા માટે કોશિશ કરી, પણ ઉતાવળે તે ન્યુક્લિસમાં જઈને પડ્યો. તેના કારણે સુપર ક્રિટિકલ સ્થિતિ ઊભી થઈ અને ન્યૂટ્રોન્સનો મારો ચાલ્યો.
તેમણે બ્લૉકનો ટાવર ઊભો કર્યો હતો તેને હઠાવવાની કોશિશ કરી, તેના કારણે ઊલટાનો ગામા રેડિયશનનો સીધો મારો તેમના પર થયો.
આ ક્ષણો ઘાતક સાબિત થઈ.
શરીરમાં ઘૂસી ગયેલા ઝેરી રેડિયેશનને કારણે 25 દિવસ સુધી પીડા ભોગવીને આખરે હૉસ્પિટલમાં ડેગલિયનનું મૃત્યુ થયું.
એવો અંદાજ હતો કે તેમના શરીરમાં 510 rem ડોઝ જેટલું આયોનિક રેડિયેશન ઘૂસી ગયું હતું.
વ્યક્તિ શરીરમાં કેટલું રેડિયેશન સહન કરી લે તેનું માપ rem પ્રમાણે હોય છે. સામાન્ય રીતે 500 rem જેટલું રેડિયેશન મનુષ્ય માટે ઘાતક સાબિત થાય છે.
"ફરી દુષ્ટનો હુમલો"
નવ મહિના પછી આ દુષ્ટ તત્ત્વે ફરીથી હુમલો કર્યો હતો.
21 મે, 1946ના રોજ અમેરિકાના ભૌતિકશાસ્ત્રી લૂઈ સ્ટોલિન અગાઉ પોતે ઘણી વાર કરી ચૂકેલો પ્રયોગ ફરી કરી રહ્યા હતા.
પ્લુટોનિયમના જોખમી જથ્થા સાથે કામ પાર પાડવાની બાબતમાં સ્ટોલિન જગતમાં જાણીતા થયા હતા, એમ વેલરસ્ટેઇન કહે છે.
સાથી કર્મચારીઓ સાથે મળીને રુફૂસમાં પ્લુટોનિયમને કઈ રીતે ક્રિટીકલ કરી શકાય તેનું નિર્દશન તેઓ કરી રહ્યા હતા.
બેરિલિયમના બનેલા ગુંબજના અડધિયાને સાથે જોડીને એક ગુંબજ જેવું તૈયાર કરવાનું હતું, જેથી તેની અંદર ન્યુટ્રોન્સ સપાટી પરથી પરાવર્તિત થઈને ન્યુક્લિયસ તરફ જાય.
બંને અડધિયાં સંપૂર્ણ રીતે કૉરને ઢાંકી ના દે રીતે રાખવાનાં હતાં, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે.
બંને અડધિયાંને એક બીજાથી જોડાઈ જતાં અટકાવવાં માટે સ્ટોલિને એક સ્ક્રૂડ્રાઇવરને વચ્ચે સેપેટર તરીકે મૂકી રાખ્યું હતું.
તે નાનકડા ખાંચામાંથી ન્યુટ્રોન્સ બહારની તરફ છટકી જઈ શકે. તેના કારણે ચેઇન રિએક્શન ક્રિટીકલ પૉઇન્ટ સુધી ના પહોંચે તેની નોંધ પણ થઈ શકે.
બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી ના થવાનું થયું.
સ્ટોલિને ગોઠવેલું સ્ક્રૂડ્રાઇવર છટકી ગયું અને બંને અડધિયાં એક બીજા સાથે જોડાઈ ગયાં તથા ગુંબજ બંધ થઈ ગયો.
એક ક્ષણ માટે જ આ થયું હતું, પણ ન્યુક્લિસને ક્રિટીકલ થઈ જવા માટે ક્ષણભરની જ જરૂર હોય છે. તેના કારણે ન્યુટ્રોન્સનો પ્રવાહ ચાલ્યો અને બ્લ્યૂ રંગની ઝાંય છવાઈ ગઈ.
"સમગ્ર રૂમમાં પૂરતો પ્રકાશ હતો, તો પણ બ્લ્યૂ રંગની ઝાંય સ્પષ્ટ દેખાવા લાગી હતી," એમ આ પ્રયોગ વખતે હાજર રહીને નિરીક્ષણ કરી રહેલા ભૌતિકશાસ્ત્રી રેમર શ્રેબરે પોતાના અહેવાલમાં લખ્યું હતું.
"આ ફ્લેશ એક સેકન્ડના થોડા હિસ્સા પૂરતી જ દેખાઈ હતી."
સ્ટોલિને ઝડપથી ગુંબજને ખોલી નાખ્યો, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું; તેમના શરીરમાં ઘાતક રેડિયેશન ઘૂસી ગયું હતું.
નવ મહિના પહેલાં તેમણે પોતાના સાથી ડેગલિયનની હાલત જોઈ હતી અને તેમને ખ્યાલ આવી ગયો કે પોતાનો પણ આવી જ રીતે અંત આવવાનો છે.
"ઠીક છે ત્યારે, બસ આ હતું," એવા બહુ નિરાશાના શબ્દો તેમના મોંમાંથી નીકળ્યા હતા એવું ડોક્રિલે પોતાના અહેવાલમાં લખ્યું છે.
સ્ટોલિનના શરીરમાં 2,100 remના ન્યુટ્રોન્સ, ગામા રેઝ અને એક્સ-રે ઘૂસી ગયા હતા તેવો અંદાજ હતો.
નવ દિવસ સુધી તેઓ પીડાતા રહ્યા.
ઊબકા આવવા, પેટમાં દુખાવો, વજન ઘટી જવું જેવી અસરો ઉપરાંત "માનસિક ભ્રમણા" જેવી સ્થિતિમાં તેઓ આવી ગયા હતા એમ વેલરસ્ટેઇને ન્યૂયૉર્કર મૅગેઝિનમાં લખ્યું હતું.
સાથી ડેગલિયનનું મોત જે હૉસ્પિટલમાં થયું હતું ત્યાં જ આખરે 35 વર્ષની ઉંમરે સ્ટોલિનનું મૃત્યુ થયું.
પોતાની ગેરહાજરીમાં કેવી રીતે પ્રયોગો કરવો તે સાથી કર્મચારીઓને શીખવવા માટે જ સ્ટોલિન આ પ્રયોગ કરી રહ્યા હતા તે વક્રતા હતી.
અભિશાપનો અંત
ડેગલિયન અને સ્ટોલિનનો ભોગ લેવાયો તે પછી રેડિયોઍક્ટિવ પદાર્થો સાથે કામ પાર પાડવા માટેના સુરક્ષાધોરણોને સુધારી લેવામાં આવ્યાં.
આ અકસ્માતો પછી આ પ્રકારના પ્રયોગો રિમોટથી નિયંત્રિત થવા લાગ્યા, વ્યક્તિ અને રેડિયોઍક્ટિવ પદાર્થો વચ્ચે 200 મિટરનું અંતર રાખવું જરૂરી બનાવી દેવાયું.
'ઍટમિક હેરિટેજ ફાઉન્ડેશન'ની વેબસાઇટ પર નોંધાયું છે કે "બન્ને વૈજ્ઞાનિકોનાં મૃત્યુથી આરોગ્ય અને સલામતીનાં નવા ધોરણો નક્કી કરવાની ફરજ પડી."
લોસ અલમોસ આર્કાઇવ્ઝના જણાવ્યા અનુસાર આ "દુષ્ટ કૉર"ને આખરે 1946માં ઓગાળી દેવાયો હતો અને તેનો ઉપયોગ નવાં શસ્ત્રો બનાવવામાં કરાયો.
જોકે, "આ કૉર પોતે એટલો દુષ્ટ નહોતો," એમ ડોક્રિલ કહે છે.
"કોઈ દુષ્ટતા હોય તો તે કૉરની નહોતી, પરંતુ માનવીય દુષ્ટતા હતી, જેણે આવાં ખતરનાક શસ્ત્રો બનાવવાના પ્રયાગો કર્યા હતા," એમ તેમણે લખ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો