... તો મુઘલ-એ-આઝમમાં અનારકલી મધુબાલા નહીં શહનાઝ હોત

    • લેેખક, વંદના
    • પદ, ભારતીય ભાષાઓનાં ટીવી એડિટર

ઇશ્ક કહો, મોહબ્બત કહો કે પ્રેમ - જો આ ખૂબસૂરત અહેસાસમાં ઓતપ્રોત બે લોકોની કોઈ તસવીર કે છબિ બનાવવી હોય તો તે કંઈક એવી જ તસવીર હશે, જ્યાં ફિલ્મ 'મુઘલે-એ-આઝમ'માં વિશ્વથી અજાણ સલીમ અને અનારકલી એકબીજામાં ખોવાયેલાં છે.

અને સલીમ નજાકતથી એક પીંછું અનારકલીના ચહેરા અને હોઠ પર ફેરવે છે. સ્પર્શ્યા વગર જ સ્પર્શ કર્યા જેવો અહેસાસ.

આ ક્લાસિક સીન લોકસ્મૃતિમાં આજે પણ અંકાયેલો છે.

પાંચ ઑગસ્ટના દિવસે વર્ષ 1960માં રિલીઝ થયેલી 'મુઘલ-એ-આઝમ'માં અનારકલીનો આ રોલ મધુબાલાએ કર્યો, પરંતુ આ રોલ માટે ખરેખર કે. આસિફે ઘણી હિરોઇનોનાં ઑડિશન લેવાં પડ્યાં હતાં.

મધુબાલા પહેલાં કે. આસિફે આ ભૂમિકા માટે શહનાઝ નામની એક મહિલાને પસંદ કરી હતી.

શહનાઝનું જીવન

જો ભાગ્ય સાથ આપત તો 'મુઘલ-એ-આઝમ'માં મધુબાલા નહીં અનારકલીની ભૂમિકામાં શહનાઝ હોત.

આ કહાણી એ જ શહનાઝની છે જેઓ ભોપાલના નવાબી પરિવારમાં જન્મ્યાં અને નાની ઉંમરે એક વગદાર રાજકીય પરિવારમાં નિકાહ થયા અને તેઓ બૉમ્બે (હવે મુંબઈ) આવી ગયાં, જ્યાં તેમના બેવડા જીવનની શરૂઆત થઈ.

એક બહારનું જીવન જે પતિ સાથે હાઈ સોસાયટી, ગ્લૅમર, નહેરુ અને દિલીપકુમાર જેવા નામચીન લોકો અને પાર્ટીઓથી ભરેલું હતું અને એક અંગત જીવન, જેને તેમનાં દીકરી ઝિલ્લત, પતિના શારીરિક અને માનસિક ત્રાસથી ભરેલું નરક ગણાવે છે.

શહનાઝ તો હવે આ દુનિયામાં નથી રહ્યાં પરંતુ તેમનાં દીકરી સોફી નાઝે 'મુઘલ-એ-આઝમ'થી માંડીને અંગત જીવનના કિસ્સા પોતાના પુસ્તક 'શહનાઝ અ ટ્રૅજિક ટ્રૂ સ્ટોરી ઑફ રૉયલ્ટી, ગ્લૅમર ઍન્ડ હાર્ટબ્રેક'માં વર્ણવ્યા છે.

કે. આસિફ સામે ઑડિશન

આ દરમિયાન શહનાઝે શોખને કારણે થિયેટરમાં કામ કર્યું અને તેમને નાટકમાં અનારકલીની ભૂમિકા ભજવવાની તક મળી.

સોફિયા જણાવે છે કે, "નિર્દેશક આસિફ એ નાટક જોવા ગયા હતા. બસ કે. આસિફને લાગ્યું કે તેમને પોતાની ફિલ્મ માટે અનારકલી મળી ગઈ. ખૂબસૂરતી, સૂરીલો અવાજ, ઉર્દૂ પર કમાન્ડ. તેઓ માતાને સેટ પર લઈ ગયાં."

"મા પાસે પોતાનો ભોપાલી પોશાક હતો, પોતાનાં ઘરેણાં હતાં, તેમણે એ જ પહેરીને ઑડિશન આપ્યું. સ્ક્રીન ટેસ્ટ દરમિયાન 200 તસવીરો લેવામાં આવી હતી. પીંછાં સાથે તસવીર લેવાઈ હતી. દિલીપકુમાર હતા."

પરંતુ આ સુંદર સ્વપ્ન બસ અહીં સુધી જ હતું. શહનાઝ શાહી પરિવારનાં હતાં અને જ્યારે તેમના ભાઈને ખબર પડી કે તેઓ ફિલ્મમાં કામ કરવાનાં છે તો તેમણે કે. આસિફ પાસેથી ફોટો લઈને ફાડી નાખ્યા.

'મુઘલ-એ-આઝમ' માટે અનારકલીની તલાશ

સોફી જણાવે છે કે, "માતાના ભાઈએ કહ્યું કે આજ સુધી આખા ખાનદાનમાં આવું કોઈએ નથી કર્યું - ક્યાં નવાબી ખાનદાન અને ક્યાં ફિલ્મી દુનિયા. ત્યાંથી કે. આસિફને ભગાડી દેવાયા. બચારા કે. આસિફ."

'મુઘલ-એ-આઝમ'નાં અનારકલી જ્યાં શહેનશાહ અકબર અને તેમનાં ફરમાનોને પડકારે છે, ત્યાં અસલી જીવનમાં શહનાઝ પુરુષો દ્વારા બનાવાયેલા કાયદા અને તેમનાં ફરમાનોને કારણે અનારકલી બનતાંબનતાં રહી ગયાં.

અનારકલીની આ કહાણી અહીં જ ખતમ નથી થઈ જતી. કે. આસિફને પોતાની ફિલ્મ 'મુઘલ-એ-આઝમ' માટે પોતાની અનારકલીની તલાશમાં વર્ષો લાગી ગયાં.

ખરેખર, 'મુઘલ-એ-આઝમ' બનાવવાનું સ્વપ્ન કે. આસિફને ત્યારે આવ્યું જ્યારે તેમણે 1944માં ઇમ્તિયાઝ અલી તાજનું નાટક અનારકલી વાંચ્યું અને તેમને આ નાટકને સિનેમાના પડદે ઉતારવાનું ઝનૂન ચડી ગયું.

દેશનું વિભાજન

12 ઑગસ્ટ, 1945ના રોજ બૉમ્બ ટૉકીઝમાં ફિલ્મનું મુહૂર્ત થયું, જેમાં અનારકલી હતાં એ સમયનાં નવોદિત નાયિકા નરગિસ. અનારકલીના લિબાસમાં નરગિસની ઘણી તસવીરો પણ ઉપલબ્ધ છે.

શૂટિંગ યોગ્ય ઝડપે ચાલી રહ્યું હતું, પરંતુ એ દરમિયાન જ દેશનું વિભાજન થયું, પરિસ્થિતિ નાજુક હતી અને ફિલ્મના નિર્દેશકે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો.

પરિણામ એ આવ્યું કે કે. આસિફે ફિલ્મ અધવચ્ચે રોકી દેવી પડી. વિભાજન બાદ બધું બદલાઈ ગયું. પરંતુ કે. આસિફનું અનારકલીની કહાણી કહેવા માટેનું ઝનૂન બરકરાર રહ્યું.

વર્ષ 1951માં જ્યારે ફિલ્મ ફરી શરૂ થઈ તો ફિલ્મની કહાણી ઘણી બદલાઈ ચૂકી હતી. કિસ્સા-કહાણીઓ તો ઘણાં છે, પરંતુ નિચોડ એ જ છે કે નરગિસ ત્યારે અનારકલી નહોતાં બનવાં માગતાં.

જે અન્ય નામો સામે આવ્યાં તેમાં કે. આસિફ પોતાની અનારકલી નહોતા જોઈ શક્યા. ત્યારે કે. આસિફે અનારકલીની ભૂમિકા માટે નૂતન પર કળશ ઢોળ્યો.

અખબારોમાં વિજ્ઞાપન

રાજકુમાર કેસવાની પોતાના પુસ્તક 'દાસ્તાન-એ-મુઘલ-એ-આઝમ'માં લખે છે, "નૂતન સાથે બધું નક્કી થઈ ગયા બાદ અચાનક નૂતને આ ભૂમિકા માટે ના પાડી દીધી. તેમને બહુ સમજાવ્યાં બાદ પણ તેઓ ન માન્યાં."

"છેવટે એવી પરિસ્થિતિ આવી ગઈ કે કે. આસિફે સમગ્ર દેશનાં અખબારોમાં વિજ્ઞાપન આપીને નવી છોકરીઓને નસીબ અજમાવવા અને અનારકલીની ભૂમિકા ભજવવા માટેનું નિમંત્રણ આપ્યું. સ્ક્રીન મૅગેઝિન અને ફિલ્મ ઇન્ડિયામાં પણ વિજ્ઞાપનો છપાયાં."

ઘણા સંશોધન બાદ લખાયેલા આ પુસ્તકમાં રાજકુમાર કેસવાની કે. આસિફના સંઘર્ષને કંઈક આવી રીતે રજૂ કરે છે, "નૂતન ન ડગી પરંતુ તેણે સલાહ આપી કે તેમના કરતાં આ ભૂમિકા માટે યોગ્ય નરગિસ કાં તો મધુબાલા રહેશે."

"કે. આસિફ માટે અનારકલી માત્ર એક એવો ચહેરો હતો જે એક ઓળખીતા ચહેરા મધુબાલા સાથે મળતો આવતો હતો અને તેમનામાં તેમને અનારકલી દેખાતાં હતાં. પરંતુ અન્ય ફિલ્મમાં મધુબાલાના પિતા સાથે તેમનો અનુભવ સારો નહોતો. જે મધુબાલાનું કામ જોતા હતા."

અનારકલીની દાસ્તાન

વર્ષો પહેલાં કે. આસિફે માધુરી પત્રિકાને અપાયેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "મધુબાલા મને મળવા આવી અને કહ્યું કે મને લાગે છે કે મારે 'મુઘલ-એ-આઝમ'માં કામ કરવું છે. વાલિદસાહેબની તમામ શરતો માની લો. મારે જ તો કરવાની છે. એ શરતો તમારા પર લાગુ નહીં થાય."

કંઈક આવી રીતે શહનાઝ, નૂતન, નરગિસ અને કેટલાંક અન્ય નામોના હાથમાંથી સરકીને અનારકલીની દાસ્તાન મધુબાલા પર આવીને રોકાઈ અને કહેવાય છે તેમ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.

અત્યંત બીમાર હોવા છતાં જે મોહબ્બત, નજાકત અને દૃઢતા સાથે મધુબાલાએ પોતાની જાતને અનારકલીની ભૂમિકામાં ઢાળ્યાં તેના કિસ્સા આજે પણ સાંભળવા મળે છે.

જોકે, તેઓ ફિલ્મી પડદા પરનાં પ્રથમ અનારકલી તો નહોતાં જ.

વર્ષ 1922માં આવેલા નાટક બાદ 1928માં 'ધ લવ્ઝ ઑફ અ મુઘલ પ્રિન્સ' નામથી એક ફિલ્મ આવી હતી, જેમાં અનારકલીની ભૂમિકા અભિનેત્રી સીતાદેવીએ ભજવી હતી. આ એક મૂક ફિલ્મ હતી અને અનારકલીના સફરની શરૂઆતમાત્ર હતી.

કે. આસિફનો અસીમ પ્રેમ

પરંતુ 1928માં જ નિર્દેશક આર્દેશિર ઈરાનીએ પણ અનારકલી નામથી એક ફિલ્મ બનાવી હતી, જેમાં અનારકલીની ભૂમિકા સુલોચનાએ ભજવી હતી જે રૂબી માર્યસના નામથી પણ ઓળખાય છે.

અનારકલીની ભૂમિકા ભજવનારાં રૂબી માર્યસ બગદાદી યહૂદી સમુદાયનાં હતાં અને પોતાના સમયનાં નંબર વન અભિનેત્રી હતાં. જેમને બાદમાં દાદા ફાળકે પુરસ્કાર પણ મળ્યો.

પોતાની સાઇલન્ટ ફિલ્મને ઈરાનીએ 1935ની આસપાસ ટૉકી ફિલ્મ તરીકે પણ રિલીઝ કરી. અને પછી 40નો દાયકો આવતાં સુધી અનારકલીની કહાણીને અસીમ પ્રેમ કરી બેઠેલા કે. આસિફના સંઘર્ષની શરૂઆત થઈ ચૂકી હતી.

હુસ્ન, ઇશ્ક, હિંમત, ગુમાન, અદા, અંદાજ, અવાજ, લઢણ - આ બધું અને હજુ ઘણું બધું જોઈતું હતું કે. આસિફને પોતાનાં અનારકલીમાં.

શહનાઝની કહાણી ગુમનામ રહી

વાત શરૂ થઈ હતી શહનાઝથી જેમનામાં કે. આસિફને આ તમામ ખૂબીઓ દેખાતી હતી. મધુબાલા કરતાં પણ પહેલાં, પરંતુ શહનાઝની ઇચ્છા હોવા છતાં તેઓ અનારકલી ન બની શક્યાં.

જ્યાં સુધી શહનાઝનાં પુત્રીએ પુસ્તકની શિકલમાં તેને શબ્દોમાં ન પરોવી ત્યાં સુધી શહનાઝની કહાણી ગુમનામ જ રહી, પછી ભલે તે 'મુઘલ-એ-આઝમ'માં અનારકલી બનવાની તક હોય કે પછી લગ્ન બાદ ત્રાસદાયી તેમની અસલ જિંદગી.

આજે શહનાઝ વિશ્વને અલવિદા કહી ચૂક્યાં છે અને તેમનાં દીકરી તેમના જીવનનો સારાંશ કંઈક આ પ્રકારે જણાવે છે, "હું માતાને કહેવા માગું છું કે મેં તમારી એ ગૂંગળામણ દૂર કરી દીધી છે જે તમે આખી જિંદગી સહન કરી. તમારી એ અધૂરી કહાણી આજે મેં દુનિયાને જણાવી દીધી છે."

ન જાણે પડદા પાછળની આવી કેટલીય દાસ્તાનો દરેક અનારકલી સાથે કદાચ દફન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો