અમેરિકાના સ્ટુડન્ડ વિઝાના નિયમોમાં શું થયો ફેરફાર અને ભારતીયોને કેટલો ફાયદો?

    • લેેખક, સલીમ રિઝવી
    • પદ, ન્યૂયૉર્કથી, બીબીસી ગુજરાતી માટે

અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે સ્ટુડન્ટ વિઝાના નિયમો હળવા કરવાનું એલાન કર્યું છે. આ નિર્ણયથી ભારતના ઘણા યુવાનોને પણ ફાયદો થશે.

વિઝા નિયમોમાં ફેરફાર બાદ ખાસ કરીને અમેરિકામાં કામ કરવા માટે H1B વિઝા પર રહી રહેલા લોકોના બાળકોને અમેરિકામાં કાનૂનીપણે રહેવાની સાથોસાથ છાત્ર વિઝા લેવામાં પણ સરળતા રહેશે.

આ હેઠળ એવા વિદ્યાર્થીઓ જેઓ પોતાનાં માતાપિતાના H1B વિઝા પર રહી રહ્યા છે, તેમણે 21 વર્ષની વય બાદ સ્ટુડન્ટ વિઝા લેવા માટે અને કાનૂની સ્ટેટસ બરકરાર રાખવા માટે વારંવાર જુદી-જુદી અરજીઓ નહીં કરવી પડે.

અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ USCISએ નવા વિઝા નિયમોનું એલાન કરવાની સાથે એક નિવેદન જારી કર્યું.

ઇમિગ્રેશન વિભાગના નિવેદનમાં કહેવાયું છે, "નવા નિયમો હેઠળ હવે જે લોકોએ F1 સ્ટુડન્ટ વિઝા માટે ચૅન્જ ઑફ સ્ટેટસ (બદલાવ)ની અરજી કરી છે, તેમને સ્ટુડન્ટ વિઝા હેઠળ કૉલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યાની તારીખથી એક મહિના પહેલાં સુધી પોતાનો લીગલ સ્ટેટસ (કાનૂની દરજ્જો) જાળવી રાખવા માટે વારંવાર અરજી નહીં કરવી પડે."

લીગલ સ્ટેટસમાં ગૅપનો મુદ્દો

અમેરિકામાં રહેવાના વિઝા ખતમ ન થાય એ માટે ઘણા યુવાનોને કૉલેજમાં ભણવાની સાથે સત્ર શરૂ થવાના એક મહિના પહેલાં સુધી વિભિન્ન પ્રકારના વિઝા હાંસલ કરીને પોતાનું લીગલ સ્ટેટસ જાળવી રાખવું પડતું હતું, જે માટે ઇમિગ્રેશન વિભાગને ઘણી અરજી મોકલવી પડતી હતી.

ઇમિગ્રેશન વિભાગનું કહેવું છે કે જે દિવસે જમા કરાયેલી પ્રથમ અરજી (I-539) મંજૂર કરાશે, એ દિવસે જ F-1 માટે ચૅન્જ ઑફ સ્ટેટસ માન્ય થઈ જશે અને લીગલ સ્ટેટસમાં ગૅપ નહીં રહે.

ઇમિગ્રેશન વિભાગે એવું પણ જણાવ્યું કે જો કોઈ વિદ્યાર્થીના અભ્યાસનો કોર્સ શરૂ થવાના એક માસ કરતાં વધારે સમય પહેલાં જ તેની અરજી મંજૂર થઈ ગઈ છે તો એવા વિદ્યાર્થીએ ફરી વાર સ્ટુડન્ટ વિઝાના બધા નિયમોનું પાલન કરવું પડશે.

અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે સ્ટુડન્ટ વિઝાના નિયમોનું ઉદાહરણ આપતા કહ્યું છે કે સ્ટુડન્ટ વિઝા પર રહી રહેલા લોકોને કોર્સ શરૂ થવાના એક મહિના કરતાં વધારે સમય પહેલાં કૅમ્પસમાં કે કૅમ્પસની બહાર નોકરી કરવાની પરવાનગી નથી.

ઇમિગ્રેશન વિભાગનું ભારણ ઘટશે

સ્ટુડન્ટ વિઝાના નિયમોનો હેતુ એ છે કે વિઝા માટે અરજી કરનારની સાથોસાથ અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ માટે કામમાં પણ વધારો નહીં થાય અને ખર્ચ પણ ઘટાડી શકાશે.

મૂળ હૈદરાબાદ શહેરના નિવાસી ભરત શ્યામ હવે ન્યૂ જર્સીમાં રહે છે અને IT ક્ષેત્રમાં કામ કરે છે.

તેઓ H1B વિઝા પર ભારતથી અમેરિકા આવ્યા અને હવે બે વર્ષ બાદ તેમનાં બાળકોની ઉંમર પણ 21 વર્ષ થઈ જવાના કારણે H4 વિઝા ખતમ થઈ જશે અને તેથી F1ના વિઝા નિયમોમાં બદલાવથી તેઓ ઘણા ખુશ છે.

ભરત શ્યામ કહે છે કે, "મારાં બાળકો પણ બે-ત્રણ વર્ષમાં F1માં જવાનાં છે તો આ નવો નિયમ આવવાના કારણે હવે અમને પરેશાની નહીં ભોગવવી પડે. તેથી હું ઘણો ખુશ છું કે વિઝા નિયમોમાં ફેરફાર કરાયો. હું સમજુ છું કે ઇમિગ્રેશન વિભાગનું આ ખૂબ સારું પગલું છે, આનાથી તમામ લોકો માટે ખૂબ સારાં પરિવર્તન આવશે."

H1B વિઝા પર રહેનારા લોકો

ભારતમાં ચેન્નાઈના નિવાસી હરીશ કાર્તિકેયન F1 વિઝા પર અમેરિકામાં ઘણાં વર્ષોથી ભણી રહ્યા છે. હવે તેઓ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં કૉમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરી રહ્યા છે.

હરીશ કાર્તિકેયન કહે છે, "સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં નરમાશથી ભારતથી આવનારા વિદ્યાર્થીઓને ઘણી રાહત થશે. હવે ભારતથી આવનારા વિદ્યાર્થીઓને અમેરિકામાં પોતાનું લીગલ સ્ટેટસ બરકરાર રાખવા માટે વારંવાર અરજીઓ નહીં કરવી પડે અને તેમને વિઝા પર સ્ટૅમ્પ મરાવવા માટે પાછા ભારત નહીં આવવું પડે. હું સમજુ છું કે આ એક ખૂબ મોટી રાહત છે."

આ પહેલાં અમેરિકામાં નૉન-ઇમિગ્રન્ટ વિઝાધારકો જેમ કે H1B વિઝા પર રહેતા લોકોનાં બાળકો જ્યારે 21 વર્ષનાં થઈ જતાં ત્યારે તેમને કાં તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની જેમ F-1 સ્ટુડન્ટ વિઝા લેવો પડતો હતો કે પછી પોતાના દેશ પરત જવું પડતું.

આઈટી ક્ષેત્રને અસર

ભારતમાં હૈદરાબાદ શહેરના જ સુબ્રમણિયમ બોગવરપૂ ન્યૂ જર્સીમાં રહે છે અને આઈટી ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ પણ H1B વિઝા પર જ અમેરિકામાં રહી રહ્યા છે.

સુબ્રમણિયમ બોગવરપૂ જણાવે છે કે તેમનાં બહેન પણ H1B વિઝા લઈને જ અમેરિકામાં રહે છે અને હવે તેમનું ગ્રીન કાર્ડ પણ આવવાનું છે. પરંતુ ત્યાર સુધી તેમના એક બાળકની ઉંમર 21 વર્ષ કરતાં વધારે થઈ જશે અને તે પોતાનાં માતાપિતાના H1B કે H4 વિઝાથી અલગ થઈ જશે.

તેથી આ બાળકને ગ્રીન કાર્ડ પણ નહીં મળી શકે. હવે તેમનો પરિવાર એ વાતને લઈને પરેશાન છે કે તેમના બાળકને ભારત પરત જવું પડી શકે છે કે કૅનેડા શિફ્ટ થવું પડી શકે છે. તેઓ કહે છે કે હવે આ નવા નિયમથી F1 વિઝા મેળવવામાં સરળતા રહેશે.

સુબ્રમણિયમ બોગાવરપૂ કહે છે, "આ નવા વિઝા નિયમથી H1 વિઝા પર અમેરિકા આવેલા લોકોને અત્યંત રાહત મળશે. ખાસ કરીને આ વિઝા પર આવેલાં બાળકોની અત્યંત ચિંતા હતી, તેઓ એવી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હોય છે કે શું અમેરિકામાં રહેવાનો વિઝા તેમને મળી શકશે કે તેમણે ભારત પરત ફરવું પડશે. તેથી આવાં બાળકોનાં માતાપિતા અત્યંત પરેશાન રહે છે. હવે આ નવા નિયમ તો આવા લોકોનાં જીવનમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે."

વિઝાના નિયમોમાં નરમાશથી ભારતીયોને મોકો

અમેરિકામાં કામ કરવા માટે H1B વિઝા લઈને આવનારા પ્રૉફેશનલ લોકોમાં સૌથી વધુ લોકો ભારતના જ હોય છે.

એક અનુમાન અનુસાર અમેરિકામાં રહેતા એક લાખ 30 હજાર કરતાં વધુ ભારતીય યુવાનોને F1 નિયમોમાં નરમાશના કારણે અમેરિકામાં રહેવામાં સરળતા થઈ જશે.

ભારતીય મૂળના ઘણા ઇમિગ્રેશન વકીલોએ પણ આ વિઝા નિયમમાં ફેરફારનું સ્વાગત કર્યું છે. પરંતુ ઘણા વકીલ એવું પણ કહી રહ્યા છે કે હવે અમેરિકાને દરેક દેશને એક સીમિત સંખ્યામાં વિઝા આપવાની નીતિ પણ ખતમ કરવી જોઈએ. અને આ સાથે જ વિઝાની સંખ્યા પણ વધારવી જોઈએ.

ત્યાંના ઘણા વકીલોનું એવું પણ કહેવું છે કે બાળકોની કારકિર્દી તો F1 વિઝાના નિયમોમાં ફેરફારથી બહેતર થઈ શકે છે. પરંતુ H1B વિઝાવાળા લોકોને ગ્રીન કાર્ડ મળવું હજુ પણ મુશ્કેલ જ લાગે છે.

ગ્રીન કાર્ડનો મુદ્દો

ભારતીય મૂળના અમેરિકન આનંદ આહૂજા ન્યૂયૉર્કમાં અપ્રવાસન મામલાના વકીલ છે. તેઓ કહે છે, "H1B વિઝા પર અમેરિકા આવેલા લોકોનાં બાળકોને આ નવા નિયમથી ફાયદો થશે કારણ કે તેઓ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લઈને સારી નોકરીઓમાં જઈ શકે છે. પરંતુ H1B વિઝા પર આવેલા લોકોને હું એવું કહું છું કે તમે એવું માનીને ન ચાલશો કે તમને ગ્રીન કાર્ડ મળી જ જશે."

ભારતથી આવીને જે લોકો H1B અને H4 વિઝા પર અમેરિકામાં રહી રહ્યા હોય છે અને ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે તેમને ગ્રીન કાર્ડ હાંસલ કરવા માટે ઘણાં વર્ષો સુધી રાહ જોવી પડે છે. મોટા ભાગના કિસ્સામાં તો દસ વર્ષ કરતાં પણ વધુ સમય લાગે છે.

તેથી જ્યારે આ લોકોનાં બાળકો 21 વર્ષની ઉંમર પાર કરી લે છે ત્યારે બાળકોને પોતાનાં માતા-પિતાના વિઝાથી અલગ કરવાના કારણે પોતાનો લીગલ સ્ટેટસ જાળવી રાખવાનું કામ તેમના માટે મુશ્કેલ બની જાય છે.

અમેરિકાની યુનિવર્સિટીઓમાં ટૂંક સમયમાં જ અભ્યાસનું નવું વર્ષ શરૂ થવાનું છે અને આવી પરિસ્થિતિમાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા વિદ્યાર્થી વિઝા નિયમોમાં બદલાવથી યુવાનો અને તેમનાં માતા-પિતાને મોટી રાહત મળવાની આશા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો