મુકેશ અંબાણી 'ટેલિકૉમ બિઝનેસ'થી માલામાલ, અન્ય ઉદ્યોગપતિઓ કેમ થઈ ગયા પાયમાલ?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

એશિયાની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમના ટેલિકૉમ વેપાર પર દાવ રમીને માલામાલ થઈ રહ્યા છે, જેમાં તેમના નાના ભાઈ અનિલ અંબાણી અને હવે કુમાર મંગલમ બિરલા 'બરબાદ' થઈ ગયા છે.

સવા અબજથી વધુ વસતી, શું ગરીબ અને શું ધનિક- બધાના હાથમાં મોબાઇલ છે અને દિવસે ને દિવસે અપડેટ થતી ટેકનૉલૉજી.

દુનિયાના આ સૌથી મોટા ટેલિકૉમ બજારમાં નફો રળવા માટે કયો વેપારી ન લલચાય?

પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. આ ટેલિકૉમ વેપારમાં પહેલાં રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ (આર-કૉમ)ના માલિક અનિલ અંબાણી બરબાદ થયા અને હવે દેશના જાણીતા વેપારી અને વોડાફોન ઇન્ડિયાના પ્રમોટર કુમાર મંગલમ બિરલા પણ મુશ્કેલીમાં મુકાયા છે.

દાવ ઊંધો પડ્યો?

કુમાર મંગલમ બિરલા હિંડાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, સેંચ્યુરી ટેક્સટાઇલ્સ જેવી જાણીતી કંપનીઓના પ્રમોટર છે.

નુકસાની વેઠતી બિરલાની આઇડિયાએ કેટલાંક વર્ષો પહેલાં બ્રિટનની કંપની વોડાફોનમાં પાર્ટનરશિપ કરીને સૅક્ટરમાં વાપસી કરી હતી પણ તેમનો આ દાવ ઊંધો પડ્યો છે.

વાયરલેસ વેપારમાં લગભગ 25 ટકાની ભાગીદારી રાખનારી આ કંપનીએ બૅન્કોને હજારો કરોડો રૂપિયાનું દેવું ચૂકવવાનું તો છે, સાથે જ કંપનીએ 58 હજાર કરોડ રૂપિયા સરકારને પણ ચૂકવવાના છે. આ દેણદારી ઍડજસ્ટેડ ગ્રૉસ રેવેન્યુ એટલે કે એજીઆરની છે.

એજીઆરની દેણદારીએ પેદા કરી મુશ્કેલી

એજીઆરને લઈને ટેલિકૉમ કંપનીઓ અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

સરળ ભાષામાં કહીએ તો ટેલિકૉમ કંપનીઓ જે પૈસા કમાઈ રહી છે તેનો એક ભાગ તેમણે ટેલિકૉમ વિભાગને પણ આપવાનો હોય છે. એ જ ઍડજસ્ટેડ ગ્રૉસ રેવેન્યુ છે.

વર્ષ 2005થી જ ઍડજસ્ટેડ ગ્રૉસ રેવેન્યુની પરિભાષાને લઈને સરકાર અને ટેલિકૉમ કંપનીઓ વચ્ચે મતભેદ છે.

કંપનીઓ ઇચ્છે છે કે માત્ર ટેલિકૉમ વેપારથી થનાર કમાણીને જ એજીઆરની ગણતરીમાં લેવી જોઈએ, પરંતુ સરકાર આનો વ્યાપ મોટો કરવા માગે છે.

સરકારનું કહેવું છે કે ટેલિકૉમ બિઝનેસ સિવાય, જેમ કે અન્ય સંપત્તિઓના વેચાણ કે પછી ડિપૉઝિટ પર મળનાર વ્યાજને પણ આમાં ગણવું જોઈએ.

આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે સરકારની દલીલથી સહમત થઈને ટેલિકૉમ કંપનીઓને એજીઆર ચૂકવવાનો આદેશ આપ્યો.

આ દેણદારી ચૂકવવાનો રસ્તો ન સૂઝતા આદિત્ય બિરલા ગ્રૂપના ચૅરમૅન કુમાર મંગલમ બિરલા વોડાફોન આઇડિયા લિમિટેડમાં પ્રમોટર તરીકેની ભાગીદારી છોડવા તૈયાર થયા છે.

આ કંપનીમાં તેમની 27 ટકા ભાગીદારી છે.

આ મુદ્દે કુમાર મંગલમ બિરલાએ જૂનના અંતમાં કેન્દ્રીય કૅબિનેટ સચિવ રાજીવ ગાબાને એક પત્ર લખ્યો છે અને કહ્યું કે અસ્તિત્વ બચાવવા માટે આ કંપનીઓમાં પોતાની ભાગીદારી કોઈ સરકારી અને ઘરેલુ ફાઇનાન્સિયલ કંપનીને આપવા માટે તૈયાર છે.

રસપ્રદ વાત છે કે બિરલાની પૂરી ભાગીદારી વેચીને સરકાર પોતાના અડધા પૈસા પણ નહીં વસૂલી શકે, કારણ કે વર્તમાનમાં કંપનીની માર્કેટ કૅપિટલ લગભગ 24 હજાર કરોડ રૂપિયા છે.

કુમાર મંગલમ બિરલાનું કહેવું છે કે કંપનીની આર્થિક હાલત સુધારવી જોઈએ, તેના માટે સરકારે વિદેશી રોકાણકારોને ભરોસો અપાવવો જોઈએ. વોડાફોન, આઇડિયા સાથે દેશના 27 કરોડ લોકો જોડાયેલા છે.

સત્તાવાર આંકડા મુજબ, વોડાફોન ઇન્ડિયા પર એજીઆરની કુલ દેણદારી 58,254 કરોડ રૂપિયા છે. આમાં કંપનીએ 7,854 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે અને હવે લગભગ 50,399 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

કંપનીઓ કેમ નફો નથી રળી રહી?

ભારતમાં ટેલિકૉમ સૅક્ટરમાં ત્રણ વેપારીએ ધમાકેદાર ઍન્ટ્રી લીધી હતી. ભારતી ઍરટેલ, રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ અને આઇડિયા.

એ સિવાય બે સરકારી કંપનીઓ બીએસએનએલ અને એમટીએનએલ તો પહેલાંથી જ હતી. આમ તો જેમજેમ આ સૅક્ટરમાં ગ્રૉથ થયો તેમ કંપનીઓનો નફો વધવો જોઈએ, પરંતુ આવું ન થયું.

ટેલિકૉમ સૅક્ટરમાં સતત ગ્રૉથ થયો પરંતુ પ્રાઇસ વૉર, મોંઘાં સ્પેક્ટ્રમ, દિવસે ને દિવસે અપડેટ થતી ટેકનીક અને કેટલીક કંપનીઓના ખરાબ સંચાલનને કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ.

ટેલિકૉમ એક્સપર્ટ મહેશ ઉપ્પલ કહે છે, "આ માત્ર આ સૅક્ટરની જ મુશ્કેલી છે. સરકારી નિયમો, રેગ્યુલેશન નિયમિત ન હોવાને કારણે કેટલીક કંપનીઓને મુશ્કેલી નડી તો કેટલાકને તેનો લાભ પણ થયો. જોકે એવું ન કહી શકાય કે સરકારે કંપનીઓની સાથે જાણીજોઈને ભેદભાવ કર્યો."

તેઓ કહે છે, "રિલાયન્સ જિયો સહિત જે કંપનીઓ બીજા સૅક્ટરમાં પણ વેપાર કરે છે તેઓ ઘણા સમય સુધી નુકસાન સહન કરી શકે એવી પરિસ્થિતિમાં હતી."

"તેમણે કૉલ રેટ, ડેટા રેટ ઘટાડ્યો અને બીજી કંપનીઓ પર પણ દબાણ કર્યું. નુકસાન છતાં પ્રતિસ્પર્ધીઓ કૉલ રેટ વધારી શકતા નહોતા, કારણ કે તેમને ડર હતો કે તેઓ પોતાના ગ્રાહકોને ગુમાવી દેશે."

જાણકારો માને છે કે ટેલિકૉમ સેક્ટરમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી પણ નવી કંપનીઓ માટે વરદાન સાબિત થઈ.

ઉપ્પલ કહે છે, "મોબાઇલ પોર્ટેબિલિટીનો લાભ એ થયો કે ગ્રાહક નંબર બદલ્યા વગર એ કંપનીઓની સેવા લઈ શકે છે જે ઓછા રેટ પર સારી સેવા આપી રહી છે."

"જિયો માત્ર 4જી ટેકનિક પર સેવા આપે છે જ્યારે અન્ય કંપનીઓ 2જી, 3જી નેટવર્ક ચલાવે છે. એ જ કારણે તેમનો કૉલ રેટ ઓછો છે."

કંપનીઓના દેણદારીમાં ફસાઈ જવાનું એક બીજું મોટું કારણ છે યોગ્ય સમયે નિર્ણય ન લેવો.

ઉપ્પલ કહે છે, "કેટલીક ટેલિકૉમ કંપનીઓ સરકારની વિરુદ્ધ કાયદાકીય લડતના ભરોસે બેસી રહી. તેમણે એ વ્યવસ્થા જ ન કરી કે જો તેમણે એજીઆરની રકમ ચૂકવવી પડશે તો કેવી રીતે ચૂકવશે."

જોકે ટેલિકૉમ સૅક્ટરના એક નિષ્ણાત મનોજ ગેરોલા કહે છે કે નિયમ-કાયદા કરતાં કંપનીઓનું ખરાબ સંચાલન તેમની બરબાદીનું કારણ છે.

ગેરોલા કહે છે, "જો સૅક્ટરમાં મુશ્કેલી થાય છે તો ઍરટેલ અને જિયો કેવી રીતે પૈસા કમાય છે. એ વાત સાચી છે કે જિયો ત્યારે ટેલિકૉમ સૅક્ટરમાં ઊતરી જ્યારે તેના પર 2જી અને 3જી સ્પેક્ટ્રમની દેણદારી નહોતી. પરંતુ તેણે નેટવર્ક અને ટેકનિક પર મોટું રોકાણ કર્યું છે."

જિયોએ ઍરટેલ કરતાં દસ ગણાથી પણ વધુ નફો રળ્યો

રિલાયન્સ જિયોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 3,651 કરોડ રૂપિયાનો નફો કર્યો, જ્યારે ભારતી ઍરટેલે જણાવ્યું કે આ દરમિયાન તેણે 284 કરોડ રૂપિયાનો નફો કર્યો. ત્યાં વોડાફોન આઇડિયાને પ્રથમ ત્રિમાસિકમાં સાત હજાર કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું.

ગેરોલા કહે છે, "જે પણ કંપનીઓ નફો રળી રહી છે તેમની વ્યવસ્થા સારી છે, તેઓ સતત અપડેટ થઈ રહેલી ટેકનૉલૉજીમાં રોકાણ કરી રહી છે, પરંતુ વોડાફોન આઇડિયા જેવી કંપનીઓમાં મિસમૅનેજમૅન્ટની સમસ્યા છે અને આ જ કારણે તેમના હાઈ પે સબસ્ક્રાઇબરમાં ભારે કમી આવી છે."

"જ્યાં સુધી બીએસએનએલ અને એમટીએનએલની વાત છે તો સરકાર પોતે નથી ઇચ્છતી કે તેઓ ખાનગી કંપનીઓનો મુકાબલો કરે. આ કંપનીઓએ તો 4જી સ્પેક્ટ્રમની લિલામીમાં પણ ભાગ નહોતો લીધો."

મુકેશ અંબાણી માલામાલ

વર્ષ 2019 સુધી રિલાયન્સ જિયોની પાસે માત્ર 35 કરોડ ગ્રાહકો હતા. માનવામાં આવી રહ્યું છે કે વોડાફોન આઇડિયાને થયેલા નુકસાનથી જિયોને જ સૌથી વધારે ફાયદો થઈ રહ્યો છે.

જાણકારોનું અનુમાન છે કે વર્ષ 2022 સુધી જિયો પોતાનો નફો બમણો કરી લેશે અને કંપનીના ગ્રાહકોની સંખ્યા પણ 50 કરોડને પાર કરી જશે.

અત્યારે બ્રૉડબૅન્ડમાં જિયોની પાસે કુલ બજારની 54 ટકા ભાગીદારી છે, જ્યારે મોબાઇલ ગ્રાહકોમાં તેમની ભાગીદારી સૌથી વધારે 35 ટકા છે.

મુકેશ અંબાણીએ પોતાની ક્લૅગશિપ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ રિલાયન્સ જિયોમાં રોકાણ કર્યું અને ત્રણ-ચાર વર્ષમાં જ દુનિયાના રોકાણકારોને બતાવ્યું કે આ વેપારમાં આટલો નફો થશે.

ટેલિકૉમ એક્સપર્ટ ગેરોલા કહે છે, "મુકેશ અંબાણીની આ રણનીતિ બહુ કારગત રહી છે. પ્રથમ જિયોની ટેકનૉલૉજી અને નેટવર્કિંગ પર લાખો કરોડોનું રોકાણ કર્યું અને જ્યારે પરિણામ દુનિયાએ જોયું તો જોતજોતાંમાં તેમના ટેલિકૉમ વેપારમાં 30 અબજ ડૉલરથી વધુનું રોકાણ થઈ ગયું."

રિલાયન્સ જિયોમાં રોકાણ કરનારાઓમાં ફેસબુક, જનરલ અટલાંટિક, સિલ્વર લેક પાર્ટનર્સ, કેકેઆર જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે.

મુકેશ અંબાણીની આ રણનીતિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક જ ઝટકામાં દેવામાંથી મુક્ત કરી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો