ઑલિમ્પિક : મણિપુરમાંથી આટલા બધા ઑલિમ્પિક કક્ષાના ખેલાડી કેવી રીતે આવે છે?

    • લેેખક, સૂર્યાંશી પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતની વસતિમાં માત્ર 0.24 ટકા હિસ્સો મણિપુર રાજ્યનો છે, પરંતુ 1984થી અત્યાર સુધીમાં રાજ્યમાંથી ઑલિમ્પિક કક્ષાના લગભગ 19 ખેલાડીઓ આવ્યા છે, જેમણે ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

માત્ર ટોક્યો ઑલિમ્પિકમાં પણ છ ખેલાડી મણિપુરનાં જ હતા અને ભારતે જે કુલ સાત મેડલ જીત્યા એમાં એક મેડલ મણિપુરનાં મીરાબાઈ ચાનુએ અપાવ્યો.

ટોક્યોમાં - મેરી કૉમ (બૉક્સિંગ), સુશીલા ચાનુ (મહિલા હૉકી ખેલાડી), એસ. નીલકાંતા (પુરુષ હૉકી), મીરાબાઈ ચાનુ (વેઇટલિફ્ટર), દેવેન્દ્રો સિંહ (બૉક્સિંગ) અને એલ. સુશીલા દેવી (જૂડો).

રાષ્ટ્રીય ખેલકૂદમાં પણ મણિપુરના ખેલાડીઓનો દબદબો હોય છે. 2017માં અંડર-17 ફૂટબૉલ વિશ્વકપમાં ભાગ લેનારી ભારતીય મહિલા અને પુરુષ ટીમમાં કુલ આઠ ખેલાડી મણિપુરના જ હતા.

બીબીસીની ટીમ ટોક્યો ઑલિમ્પિકમાં પ્રથમ ચંદ્રક (રજત) વિજેતા મીરાબાઈ ચાનુના ઘરે પહોંચી અને જોયું તો તેમના નાનકડા ગામ (નાંગપોક કાકચિંગ)માં લગભગ દરેક યુવાન કોઈ ને કોઈ ખેલ સાથે જોડાયેલો છે.

અહીં ફૂટબૉલની રમત કેટલી લોકપ્રિય છે તેનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે.

મણિપુરમાં રમતગમત માટે વિશ્વસ્તરની સુવિધાઓ જોવા મળતી નથી, તો પણ કયા કારણસર ખેલકૂદની બાબતમાં મણિપુરમાં આટલું આગળ છે?

સુંદર પહાડો અને નદીઓની વચ્ચે વસેલા આ રાજ્યમાં ખેલ માટે આટલી ગંભીરતા કેવી રીતે આવી?

આ જિજ્ઞાસા સાથે અમે મણિપુર યુનિવર્સિટીમાં રમતગમતમાં સમાજશાસ્ત્ર પર પીએચ.ડી. કરી રહેલા સનસમ યાઇફબાસિંહને મળ્યા.

તેમની પાસેથી અમને જાણવા મળ્યું કે ખેલ માટેના આ ઝનૂન પાછળ છે માનાં હાલરડાં, મણિપુરનો ઇતિહાસ અને તેની ભૂગોળ.

કેવી રીતે રાજા મહારાજાઓએ રમતગમતને આપ્યું પ્રોત્સાહન?

યાઇફબા કહે છે કે મણિપુરમાં પ્રાચીન સમયથી જ ખેલ માટેની રુચિ રહી છે. મણિપુર મૂળભૂત રીતે મેતઈ સમુદાયના લોકોનું રાજ્ય છે, જેના લગભગ 29 કબીલા છે.

રાજા કાંગબા અને રાજા ખાગેમ્બાના સમયમાં ખેલને બહુ મહત્ત્વ અપાયું હતું. રાજા કાંગબાના સમયમાં મણિપુરમાં કેટલીક પરંપરાગત રમતો શરૂ થઈ હતી, જેમ કે સગોલ કાંગજેઈ (આ રમત પોલોની રમતને મળતી આવે છે).

આ ઉપરાંત મુકના કાંગજેઈ (ફૂટ હૉકી, જેમાં મણિપુરી કુસ્તી પણ આવી જાય), થાંગટા (માર્શલ આર્ટ) જેવી દેશી રમતો આજે પણ મણિપુરમાં રમવામાં આવે છે.

1891માં આંગ્લ-મણિપુર યુદ્ધ પછી મણિપુર પર અંગ્રેજોનો કબજો થયો. અંગ્રેજો નવા જમાનાની રમતો, જેમ કે ફિલ્ડ હૉકી, ક્રિકેટ, ફૂટબૉલ મણિપુરમાં લાવ્યા.

યાઇફબા કહે છે કે અંગ્રેજો મણિપુરના લોકોની ખેલાડી તરીકેની ક્ષમતાથી બહુ પ્રભાવિત થયા હતા.

બ્રિટિશ સેનાના ઑફિસર સર જેમ્સ જૉનસ્ટોને મણિપુર વિશે એક પુસ્તક લખ્યું છે 'મણિપુર ઍન્ડ નાગા હિલ્સ', તેમાં મણિપુરની પરંપરાગત રમતોનો ઉલ્લેખ કરીને સ્થાનિક લોકોની કુશળતાની પ્રસંશા કરી છે.

યાઇફબાના જણાવ્યા અનુસાર મણિપુર, નાગાલૅન્ડ, મિઝોરમ અને આસામની સરહદો મ્યાનમાર સાથે જોડાયેલી છે, એટલે યુવાનોને ખેલકૂદમાં તૈયાર કરાતા હતા, જેથી સરહદની સુરક્ષા માટે તેઓ હંમેશાં તૈયાર રહે. મણિપુર એક નાનું રાજ્ય છે અને પોતાની સુરક્ષા માટે નાગરિકો પર જ આધાર રાખતું હતું.

ઇતિહાસમાં મણિપુરમાં ખેલકૂદને ઉત્તેજનની વાત કરવામાં આવે ત્યારે હંમેશાં રાજા ચૂરચંદ્રસિંહનું નામ ચોક્કસ લેવાય છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તેમણે અનેક સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરેલું અને રમતગમતનાં સાધનો મફતમાં લોકોને વહેંચ્યાં હતાં.

આ ઉપરાંત મણિપુરમાં અનેક સ્થાનિક દેવી-દેવતાના નામે તહેવારો મનાવવામાં આવે છે. આ ઉત્સવો વખતે ખેલકૂદની સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે.

આજે પણ આ તહેવારોની ઉજવણી થાય છે, જેમ કે હોળી વખતે પાંચ દિવસ સુધી 'યાઓસાંગ' ઉત્સવ ઉજવાય છે અને તેમાં રમતગમતની સ્પર્ધાનું આયોજન થાય છે તે સુપ્રસિદ્ધ છે.

હાલરડાંમાં ખેલનો ઉલ્લેખ

યાઇફબા મણિપુરની મહિલાઓએ કેવી રીતે રમતગમતને ઉત્તેજન આપ્યું છે તેની ભૂમિકાની પણ માહિતી આપે છે.

તેઓ કહે છે કે નવજાત શિશુને સુવરાવવા માટે માતા હાલરડાં ગાય તેમાં શરીરને મજબૂત રાખવું, ખેલકૂદમાં રસ લેવો વગેરેને વણી લેવામાં આવે છે. આ રીતે બાળકના જન્મથી જ રમતગમત માટેની રુચિ પેદા થાય તે માટે પ્રયાસો થાય છે.

માતા બાળકને રમાડે તે પણ એવી રીતે કે તેમાં પણ શરીર લચીલું અને મજબૂત બનતું જાય. જેમ કે કેરેદા-કેરેદા (તેમાં બાળકને પોતાની ગરદન ડાબે-જમણે કરવાનું શીખવાડાય છે), ટિંગ-ટિંગ ચૌરો (બાળકને હવામાં ઉછાળવાનું અને ઝીલી લેવાનું) અને ટેડિંગ-ટેડિંગ (આંગળીઓને લચકદાર બનાવવા માટે) જેવી રમતો.

મણિપુરમાં મહિલા હોય કે પુરુષ બધા જ ખેલસ્પર્ધામાં ભાગ લે છે.

એટલું જ નહીં, મણિપુરના પહાડોમાં ઊગતાં ધાન્ય, મસાલા અને વનસ્પતિ ખેલાડીઓને મજબૂત બનાવે તેવાં છે. મણિપુરના ચોખા ખેલાડીઓમાં સૌથી જાણીતા છે.

દેશી રમતોનું શહેરીકરણ

મણિપુરને 1972માં રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ત્યારથી રાજ્યમાં સ્પૉર્ટ્સ ઍસોસિયેશનની સ્થાપના થવા લાગી હતી.

મણિપુર ખાતેની 'સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા'ના રિજનલ ડિરેક્ટર ફ્રાન્સિસ માર્વે કહે છે કે મણિપુરમાં રાષ્ટ્રીય ખેલકૂદનું આયોજન વર્ષ 1999થી શરૂ થયું, પરંતુ મણિપુરના ખેલાડી તે પહેલાં જ ઑલિમ્પિક સુધી પહોંચી ગયા હતા.

તેઓ કહે છે, ''આ રાજ્યમાં રમતગમત માટેની સુવિધા હોય કે ના હોય, પરંતુ ખેલ માટે અહીં પ્રાચીન સમયથી જ રુચિ છે.''

પદ્ધતિસર રીતે રમતગમતમાં સ્થાન મેળવતા પહેલાં મણિપુરમાં ઘણી બધી નાની-નાની સ્પૉર્ટ્સ ક્લબ હતી. આજે પણ લગભગ 1000 ક્લબ છે.

દાખલા તરીકે 2017માં અંડર-17 ભારતીય ફૂટબૉલમાં રાજ્યના ત્રણ ખેલાડીઓ પસંદ થયા હતા. તે ત્રણેય 'ધ યૂથ ઑર્ગેનાઇઝેશન સ્પૉર્ટિંગ ક્લબ'માં તાલીમ લઈને નેશનલ ટીમમાં સ્થાન પામ્યા હતા.

રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય મળે કે ના મળે રાજ્યમાં ઘણી સ્પૉર્ટ્સ ક્લબ પોતાની રીતે જ ચાલે છે.

સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ 1986-87માં મણિપુરમાં કેન્દ્ર ખોલ્યું હતું, પરંતુ તે પહેલાં જ 1977માં મણિપુર ઑલિમ્પિક ઍસોસિયેશનની સ્થાપના થઈ ગઈ હતી.

1976માં કટકમાં યોજાયેલી નેશનલ ચૅમ્પિયનશિપમાં મણિપુરની પ્રથમ હૉકી ટીમે ભાગ લીધો હતો.

ફ્રાન્સિસ માર્વેના જણાવ્યા અનુસાર મણિપુરના પાટનગરમાં અત્યારે સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાનાં ત્રણ સ્પૉર્ટ્સ સેન્ટરો છે. તેના 600 ખેલાડીઓ માટે હૉસ્ટેલની પણ વ્યવસ્થા છે. મીરાબાઈ ચાનુ, મેરી કોમ આ તાલીમકેન્દ્રોમાંથી જ તૈયાર થઈને ઑલિમ્પિક સુધી પહોંચ્યાં છે.

કર્ફ્યુ વખતે પણ રમતગમતને છૂટ

મણિપુરમાં બળવાખોર જૂથોને કારણે વારંવાર કર્ફ્યુ લાગે છે. આવા સમયે ખેલાડીઓની તાલીમ પર અસર પડે કે નહીં?

તેના જવાબમાં યાઇફબાસિંહ કહે છે કે મણિપુરમાં નાનાં નગરોમાં પણ ઠેરઠેર સ્થાનિક પાર્ક અને મેદાનો છે.

તેના કારણે કર્ફ્યુ લાગે ત્યારે મુખ્ય શહેરનાં કેન્દ્રોમાં કે મુખ્ય તાલીમકેન્દ્રોમાં ખેલાડીઓ ન જઈ શકે, ત્યારે આ સ્થાનિક મેદાનોમાં જઈને પ્રૅક્ટિસ કરવામાં આવે છે. જે સ્થાનિક વિસ્તારમાં કર્ફ્યુ ન હોય ત્યાં પ્રૅક્ટિસ ચાલતી રહે છે.

મીરાબાઈ ચાનુનાં પ્રથમ કોચ તરીકે કામ કરનારાં અનીતા ચાનુએ જણાવ્યું કે કર્ફ્યુ લાગે ત્યારે રાજ્ય સરકાર કાળજી લેતી હોય છે કે રમતગમતની તાલીમ પર તેની કોઈ અસર ના પડે.

યાઇફબા કહે છે કે અસ્થિરતાને કારણે એ કક્ષાની ટ્રેનિંગ નથી થઈ શકતી કે આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ખેલાડી પહોંચી શકે. જેમ કે કર્ફ્યુ વખતે બીજાં રાજ્યોમાં જઈને ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકતા નથી. તે રીતે અનુભવ મળતો નથી.

જોકે તેઓ માને છે કે પહેલાં કરતાં હવે સ્થિતિ સુધરી છે.

શું છે મણિપુરના ખેલાડીઓની માગ?

સનસમ યાઇફબા અને ફ્રાન્સિસ માર્વે બંનેનું માનવું છે કે માત્ર ઇમ્ફાલમાં જ નહીં, રાજ્યના દરેક જિલ્લામાં અથવા થોડા પસંદગીના જિલ્લાઓમાં સારાં સ્પૉર્ટ્સ સેન્ટર ખોલવાની જરૂર છે.

બીબીસીની ટીમ ઇમ્ફાલના ખુમાન લંપક સ્ટેડિયમ પહોંચી ત્યારે ત્યાં વેઇટલિફ્ટિંગના ઓરડામાં વીજળી તો હતી પણ બલ્બ જ નહોતો. એટલું જ નહીં હૉસ્ટેલનાં રૂમ અને બેન્ચની સ્થિતિ પણ બહુ સારી નહોતી.

ટ્રેનિંગ માટે આવનારા કોચનું કહેવું છે કે સુવિધાઓ છે, પણ પૂરતી નથી.

તેઓ કહે છે, ''મણિપુરના પાટનગર સિવાય જિલ્લાઓમાં પણ સ્પૉર્ટ્સ સેન્ટરો શરૂ કરવાં જોઈએ.''

'ખેલો ઇન્ડિયા' મિશન પ્રમાણે મણિપુરના 16 જિલ્લામાં 16 સ્પૉર્ટ્સ સેન્ટરો શરૂ કરવાની યોજના છે. મીરાબાઈ ચાનુની જીત પછી મણિપુરના મુખ્ય મંત્રી બીરેનસિંહે વેઇટલિફ્ટિંગ, જૂડો અને બૉક્સિંગ માટે જિલ્લા કક્ષાએ કેન્દ્રો શરૂ કરવાની ખાતરી આપી છે.

મણિપુરના ઇતિહાસ અને વર્તમાનની સિદ્ધિઓને આગળ વધારવામાં આવશે તો જ રમતગમતની દુનિયામાં મણિપુરમાંથી બીજા પણ અનેક રત્નમણિ આવશે અને ભારતના તાજમાં ઉમેરાઈ શકશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો