You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં હજારોનાં મોત અને સેંકડો બેઘર પણ જો બાઇડને કહ્યું, 'નથી કોઈ રંજ'
અફઘાનિસ્તાન પર તાલિબાનની ધાક સતત વધી રહી છે અને અનેક લોકો મૃત્યુ પામ્યાં છે ત્યારે અમેરિકાએ સૈનિકો પરત બોલાવવા મામલે 'અફસોસ નહીં હોવાનું' કહ્યું છે.
વીસ વર્ષના સૈન્ય અભિયાન પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સેના પાછી ખેંચી અને એ સાથે ત તાલિબાન અને અફઘાન સેના વચ્ચે હિંસક સ્થિતિ સર્જાઈ છે. મહિનાથી ચાલી રહેલા આ સંઘર્ષમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે તો ગંભીર માનવીય સંકટની ચેતવણી પણ અપાઈ રહી છે ત્યારે અમેરિકા પ્રમુખ જો બાઇડનનું નિવેદન આવ્યું છે.
જો બાઇડને કહ્યું કે, એમને 'અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પરત બોલાવી લેવાનો કોઈ રંજ નથી.' એમણે કહ્યું, 'અફઘાનિસ્તાનના નેતાઓ એક થાય અને પોતાના દેશ માટે લડે.'
ઉલ્લેખનીય છે કે તાલિબાને અત્યાર સુધી 34 પ્રાંતીય રાજધાનીઓ પૈકી કમ સે કમ 8 પર કબજો કરી લીધો છે અને અનેક શહેરો પર ખતરો તોળાઈ રહ્યો છે. તાલિાબન સામે અફઘાન સેના ક્યાં સુધી ટકી શકશે એ કહેવું પણ મુશ્કલે જણાવવામાં આવી રહ્યું છે.
મંગળવારે જો બાઇડને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, 'અમેરિકા અફઘાનિસ્તાનને આપેલું તેનું વચન નિભાવી રહ્યું છે અને ઍરફોર્સ સહયોગ, સેનાનો પગાર અને સંસાધનો આપી રહ્યું છે.'
એમણે કહ્યુ, 'લડાઈ એમણે ખુદ લડવી પડશે.'
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ગત મહિને તાલિબાન અને સરકારી સુરક્ષાદળો વચ્ચેની હિંસક અથડામણમાં 1,000થી વધારે સામાન્ય નાગરિકો મૃત્યુ પામ્યાં છે. મંગળવારે બાળઅધિકાર એકમ યુનિસેફે 30થી વધારે બાળકો મૃત્યુ પામ્યાં અને 136થી વધારે ઘાયલ થયાં હોવાનું જણાવી બાળકો સામે વધી રહેલી હિંસાની પણ ચેતવણી આપી હતી.
તાલિબાને મંગળવારે બે પ્રાંતીય રાજધાનીઓ ફરાહ શહેર અને પુલ-એ-ખુમરી કબજે કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાને આ અઠવાડિયે કૂર્દુઝના મહત્ત્વના ઉત્તરીય શહેર પર કબજો કરી લીધો જેને ખનિજથી સમૃદ્ધ પ્રાંતોનો એક દરવાજો માનવામાં આવે છે. આ તાજિકિસ્તાનની સરહદ નજીકનું એક વ્યૂહાત્મક સ્થળ છે જેનો ઉપયોગ ડ્રગ્સ, અફીણ અને હેરોઇનની હેરફેર માટે પણ થાય છે.
અફઘાનિસ્તાનના અન્ય પ્રાંતોમાં પણ યુદ્ધની સ્થિતિ છે અને અફગાન સુરક્ષાદળો અને અમેરિકા સાથે મળીને હવાઈ હુમલાને અંજામ આપી રહ્યાં છે.
ભારત મુશ્કેલીમાં, નાગરિકોને પરત બોલાવાયા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા પ્રભાવને કારણે સરકાર-સેના હારતી હોય એવું લાગી રહ્યું છે. તેની અસર અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોની ઉપસ્થિતિ પર પણ પડવી શરૂ થઈ છે.
અફઘાનિસ્તાનમાં પુનર્નિમાણ માટે ભારતની ઘણી મોટી પરિયોજનાઓ ત્યાં ચાલી રહી છે, પરંતુ હવે એ બધા પર ધીમેધીમે વિરામ મુકાતો હોય એવું લાગી રહ્યું છે.
તાજા ઘટનાક્રમમાં અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફસ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે જાણકારી આપી છે કે મંગળવાર સાંજે એક વિશેષ વિમાન નવી દિલ્હી માટે રવાના થઈ રહ્યું છે.
મઝાર-એ-શરીફ અને આસપાસ મોજૂદ ભારતીય નાગરિકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ વિશેષ વિમાનથી દિલ્હી રવાના થઈ જાય.
મઝાર-એ-શરીફસ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે પોતાના ટ્વીટમાં પણ કહ્યું કે વિશેષ વિમાનથી નવી દિલ્હી જનારા ભારતીય નાગરિકો બે વૉટ્સઍપ નંબર 0785891303 અને 0785891301 પર પોતાનું આખું નામ, પાસપોર્ટ નંબર અને એક્સપાયરી ડેટની માહિતી તાત્કાલિક આપે.
કૉમર્શિયલ ફ્લાઇટ બંધ થઈ રહી છે
આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું કે અફઘાનિસ્તાનના અલગઅલગ વિસ્તારોમાં હિંસાને કારણે ઘણી જગ્યાએ વ્યાપારિક ઉડાનો બંધ થવા લાગી છે.
એડવાઇઝરી કહે છે, "અફઘાનિસ્તાનમાં આવતાં, રહેતાં અને કામ કરતાં બધા ભારતીય નાગરિકોને દૃઢતાથી સલાહ આપવામાં આવે છે કે અફઘાનિસ્તાનના અલગઅલગ વિસ્તારોમાં કૉમર્શિયલ ફ્લાઇટોની ઉપલબ્ધતા અંગે જાણકારી રાખે."
"અને રોકવાની જગ્યાએ કૉમર્શિયલ ફ્લાઇટ બંધ થતાં પહેલાં ભારત આવવા માટેની તત્કાળ વ્યવસ્થા કરે."
અફઘાનિસ્તાનમાં અલગઅલગ જગ્યાએ કામ કરતી ભારતીય કંપનીઓની પ્રોજેક્ટ સાઇટ્સથી પણ ભારતીય કામદારોને બોલાવી લેવાની સલાહ અપાઈ છે.
અને વિદેશી કંપનીઓમાં કાર્યરત ભારતીય નાગરિકોને કહેવાયું કે તેઓ પોતાની કંપની પાસેથી પ્રોજેક્ટ સાઇટ્સથી ભારતની યાત્રા માટેની સુવિધા પ્રાપ્ત કરે.
ભારતને ચિંતા કેમ?
અફઘાનિસ્તાનમાં તાલિબાન અને સરકારી સુરક્ષાદળો વચ્ચેની લડાઈ તેજ થઈ રહી છે અને કેટલાંક મોટાં શહેરો પર કબજા બાદ હવે તાલિબાનની નજર મઝાર-એ-શરીફ પર છે.
આ કારણે ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ-કર્મચારીઓ સમેત અન્ય ભારતીયો માટે જોખમ વધી રહ્યું છે.
મઝાર-એ-શરીફસ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના 10 ઑગસ્ટે વિશેષ વિમાનની વ્યવસ્થાના સંદેશના એક દિવસ પહેલાં જ કૉંગ્રેસ નેતા જયવીર શેરગિલે ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરને એક પત્ર લખીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને જલદી સ્વદેશ લાવવાની માગ કરી હતી.
કૉંગ્રેસ નેતા જયવીર શેરગિલે પોતાના પત્રમાં દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા શીખ અને હિન્દુઓ તાલિબાનના નિશાના પર છે.
અગાઉ તાલિબાન અફઘાનિસ્તાનમાં કમસે કમ છ પ્રાંતીય રાજધાની પર નિયંત્રણ મેળવી ચૂક્યું છે.
વર્ષ 2017માં તાલિબાને મઝાર-એ-શરીફમાં સેનાના એક ઠેકાણા પર હુમલો કર્યો હતો, જેમાં 100થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.
તાલિબાની હુમલાઓનો ભોગ બની રહ્યાં છે માસૂમ બાળકો
અમેરિકા સહિત વિદેશી સેનાઓની વાપસી સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અફઘાન સૈન્ય વચ્ચે જે હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે એનો ભોગ માસૂમ બાળકો બની રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રની બાળઅધિકારો માટે કાર્યરત સંસ્થા યુનિસેફે આ મામલે અહેવાલ પ્રગટ કર્યો છે અને કહ્યું છે અફઘાનિસ્તાનમાં 'બાળકો વિરુદ્ધ જે ગંભીર હિંસા' થઈ રહી છે તેનાથી તે 'આઘાત'માં છે.
યુનિસેફે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસામાં ગત ત્રણ દિવસમાં 27 બાળકો માર્યાં ગયાં છે.
યુનિસેફે કહ્યું કે, બાળકો વિરુદ્ધ હિંસા દિનપ્રતિદિન વકરી રહી છે.
યુનિસેફનું કહેવું છે કે ગત ત્રણ દિવસોમાં કંદહાર, ખોસ્ત અને પક્તિયામાં 27 બાળકો માર્યાં ગયાં છે અને 136થી વધારે બાળકો ઈજાગ્રસ્ત થયાં છે.
યુનિસેફનું કહેવું છે કે બાળકોનાં મૃત્યુ એ માત્ર આંકડો નથી પરંતુ એક મોટું માનવીય સંકટ છે.
યુનિસેફે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદા અનુસાર આ તમામ બાળકોને સુરક્ષાનો અધિકાર હતો.
યુનિસેફે તમામ પક્ષોને બાળકોનો જીવ બચાવવાની અપીલ કરી છે.
તાલિબાને યુદ્ધવિરામની અપીલ ઠુકરાવી
આ દરમિયાન તાલિબાને સંઘર્ષવિરામની આંતરરાષ્ટ્રીય સમુદાયની અપીલ નકારી કાઢી છે.
અફઘાનિસ્તાનમાં વિદેશી સૈનિકોના પરત ફરવાની સાથે જ અનેક વિસ્તારો પર તાલિબાનનો કબજો વધી રહ્યો છે.
શુક્રવારથી અત્યાર સુધી તાલિબાને કમસે કમ પાંચ પ્રાંતીય રાજધાનીઓ કબજે કરી લીધી છે. એક અહેવાલ અનુસાર અર્ધાથી વધારે વિસ્તાર પર તાલિબાનનો કબજો થઈ ગયો છે.
તાલિબાનના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે હવે તેઓ બગલાન પ્રાંતની રાજધાની પુલ-એ-ખુમરીને નિશાન બનાવશે અને તેને કબજે કરશે. બીજી તરફ હેરાત પ્રાંતમાં પણ અનેક દિવસથી યુદ્ધની સ્થિતિ છે.
સોમવારે સવારે દક્ષિણ અફઘાનિસ્તાનના શહેર લશ્કરગાહમાં પોલીસ વડામથક નજીક એક મોટો બ્લાસ્ટ થયો હોવાના પણ સમાચાર છે.
લશ્કરગાહના રહેવાસીઓએ કહ્યું કે, ગત બે દિવસમાં ત્યાં કમસે કમ 20 લોકો માર્યા ગયા છે અને યુદ્ધમાં શાળા અને હૉસ્પિટલ તબાહ થઈ ગઈ છે.
અમેરિકાએ જ્યારથી પોતાના સૈનિકોના પરત ફરવાની જાહેરાત કરી ત્યારથી ત્યાં તાલિબાન આક્રમક બની રહ્યું છે અને તેમની ધાક વધી રહી છે.
તાલિબાની લડવૈયાઓએ તાજેતરના અઠવાડિયામાં ખૂબ ઝડપથી અનેક વિસ્તારોને કબજે કર્યા છે અને ગામડાં ઉપરાંત હવે કસબાઓ અને શહેરો તેમના નિશાના પર છે.
તાલિબાનની સામે અફઘાન સેના કેટલું ટકી શકશે તે પણ ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી.
તાલિબાન કોણ છે
પશ્તો ભાષામાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવાય છે. નેવુંના દશકની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી રહ્યું હતું, ત્યારે એ સમયમાં તાબિલાન એક સમૂહ તરીકે ઊભર્યું.
માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદરેસાઓમાં ઊભર્યું અને તેના માટે સાઉદી અરેબિયાએ ફંડ આપ્યું. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરાતો હતો.
જલદી તાલિબાનીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પશ્તુન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથેસાથે શરિયા કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા હતા અને દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો હતો.
સપ્ટેમ્બર, 1995માં તેમણે ઈરાનની સીમા પાસેના હેરાત પ્રાંત પર કબજો કરી લીધો હતો. તેના બરાબર એક વર્ષ બાદ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો.
તેમણે એ સમયે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી હઠાવી દીધા. રબ્બાની સૈનિકોના અતિક્રમણનો વિરોધ કરનારા અફઘાન મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા.
વર્ષ 1998 આવતાંઆવતાં અંદાજે 90 ટકા અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું નિયંત્રણ થઈ ગયું હતું.
સોવિયત સૈનિકોના ગયા બાદ અફઘાનિસ્તાનના સામાન્ય લોકો મુજાહિદ્દીનના અત્યાચારો અને આંતરિક સંઘર્ષથી કંટાળી ગયા હતા, આથી તેમણે તાલિબાનીઓનું સ્વાગત કર્યું હતું.
ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને નિયંત્રણવાળા વિસ્તારોમાં તમામ ધંધાકીય સુવિધા આપવી- આ તમામ કામો થતાં શરૂઆતમાં તાલિબાની ઘણા લોકપ્રિય પણ થયા.
પરંતુ આ દરમિયાન તાલિબાને ઇસ્લામિક સજા આપવાની રીત લાગુ કરી, જેમાં હત્યા અને વ્યાભિચારના દોષીઓને જાહેરમાં ફાંસી આપવી અને ચોરીના મામલામાં દોષીઓના હાથ કાપી નાખવા જેવી સજાઓ સામેલ હતી.
પુરુષોએ દાઢી રાખવી અને મહિલાઓ માટે બુરખાનો ઉપયોગ જરૂરી કરી દીધો હતો.
તાલિબાને ટેલિવિઝન, સંગીત અને સિનેમા પર પ્રતિબંધ લાદી દીધો અને 10 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની છોકરીઓને સ્કૂલે જવા પર રોક લગાવી દીધી.
તાલિબાનીઓને પર માનવાધિકાર અને સાંસ્કૃતિક દુર્વ્યવહાર સાથે જોડાયેલા અનેક આરોપો લાગવાના શરૂ થઈ ગયા. દુનિયા આખીમાં ચકચાર જગાવનાર મલાલા યુસૂફઝઈ કેસમાં તાલિબાનનો હાથ હતો.
2012માં તેમને સ્કૂળેથી પાછા ફરતી વખતે ગોળી મારવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો