You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : તાલિબાનનો વધતો પ્રભાવ નરેન્દ્ર મોદી સરકારની મુશ્કેલી કેમ વધારી રહ્યો છે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
અફઘાનિસ્તાનમાં અત્યારે એવી સ્થિતિ છે કે તાલિબાન નવા નવા વિસ્તારો પર કબજો કરી રહ્યું છે અને તેના કારણે ભારતનાં રાજદ્વારી વર્તુળોમાં ચિંતા પેઠી છે.
ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર ગુરુવારે ઈરાનના પ્રવાસે પહોંચ્યા તેને આની સાથે જોડવામાં આવી રહ્યું છે. એસ. જયશંકર તહેરાનમાં નવા નિમાયેલા પ્રમુખ ઇબ્રાહિમ રઈસીને મળ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ પણ આપ્યો.
ભારતીય વિદેશમંત્રી તહેરાનમાં હતા તે જ દિવસે અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાનનાં પ્રતિનિધિમંડળો પણ ત્યાં હાજર હતાં. જયશંકર ત્યાંથી સીધા રશિયા પહોંચ્યા હતા, તો ત્યાં પણ તાલિબાનના માણસો હાજર હતા. આ બાબતમાં જોકે ભારતે સત્તાવાર રીતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
મીડિયામાં પ્રથમવાર ભારત અને તાલિબાન વચ્ચે અનૌપચારિક વાતચીતની ખબરો આવી ત્યાર પછી ભારતે તે વાતને નકારી કાઢી હતી. વિશ્લેષકોનું માનવું છે કે અમુક કારણોસર ભારત સત્તાવાર રીતે વાતચીતની વાત સ્વીકારવા માગતું નથી.
અમેરિકાની ડેલાવર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર મુકતદર ખાન કહે છે, "તાલિબાન સાથે પડદા પાછળ રહીને વાતચીત કરવા માટેના ભારતનાં પોતાનાં કારણો છે. ખાસ કરીને કાશ્મીરના મામલાને કારણે આવું થઈ રહ્યું છે, જેથી અફઘાનિસ્તાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેની અસર ત્યાં સુધી ના પહોંચે."
અફઘાનિસ્તાનમાં વર્તમાન સ્થિતિ કેવી છે?
તાલિબાનનો દાવો છે કે તેની ઇચ્છા હોય તો બે જ અઠવાડિયાંમાં સમગ્ર દેશ પર તે કબજો કરી શકે તેમ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનના એક તૃતિયાંશ વિસ્તાર પર આ સંગઠને કબજો કરી પણ લીધો છે.
અફઘાનિસ્તાનમાં કામ કરી ચૂકેલા વિદેશી સેનાના જનરલોનું કહેવું છે કે અત્યારે ત્યાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ રહી છે.
મુકતદર ખાન કહે છે કે "તાલિબાન ચીનની સરહદ સુધી પહોંચી ગયું છે. તે લોકો ભારતીય કાશ્મીર વિસ્તારમાં જોખમ ઊભું કરી શકે છે. પાકિસ્તાનનું પણ તાલિબાનીકરણ કરી શકે છે. ઈરાનમાં જોખમ ઓછું નથી. તાલિબાન સત્તામાં આવે તેનાથી પાકિસ્તાન, ઈરાન, ચીન અને ભારતમાં ચિંતા વધી શકે છે. આગામી કેટલાક મહિનાઓમાં આ દેશો વચ્ચેના સંબંધો નવેસરથી ઘડાતા જોઈ શકાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનની અફઘાનિસ્તાનમાં ભૂમિકા
ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે 945 કિલોમિટરની લાંબી સરહદ છે. હાલમાં જ તાલિબાને ઇસ્લામ કલાં વિસ્તાર પર કબજો કર્યો છે, જે ઈરાનની સરહદની નજીક છે.
શિયા બહુમતી ધરાવતા ઈરાને ખૂલીને ક્યારેય તાલિબાનનું સમર્થન કર્યું નથી, પરંતુ વાટાઘાટો માટે તે યજમાન બનતું રહ્યું છે. સુન્ની તાલિબાન અને અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો માટે ઈરાન યજમાન બનતું રહ્યું છે.
ઈરાન ઐતિહાસિક રીતે અમેરિકાની સેનાની હાજરી અફઘાનિસ્તાનમાં હતી તેનો વિરોધ કરતું રહ્યું છે. તેના કારણે પોતાની સુરક્ષાને જોખમ છે એમ ઈરાન માનતું આવ્યું છે.
ગયા અઠવાડિયે અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાનના પ્રતિનિધિઓ વચ્ચે તહેરાનમાં વાતચીત થઈ તે પછી ઈરાને કહ્યું હતું કે, "અફઘાનિસ્તાનમાં અમેરિકાને ભારે નિષ્ફળતા મળી છે ત્યારે હવે ઈરાન આ સંકટના ઉકેલ માટે પ્રતિબદ્ધ છે."
અફઘાનિસ્તાનમાં ભારત
ભારત અફઘાનિસ્તાન સરકારને સમર્થન આપે છે અને તાલિબાન શું કરશે તેના વિશે ચિંતિત છે. ભારતે વર્ષ 2002 પછી અફઘાનિસ્તાનમાં લગભગ 3 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. સંરક્ષણ અને આર્થિક બંને બાબતોમાં ભારતનું હિત અહીં સંકળાયેલું છે.
ભારતને આશંકા છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ વધશે તો કાશ્મીરમાં તેની અસર પડી શકે છે.
તાલિબાનના એક જૂથ પર પાકિસ્તાનનો ભારે પ્રભાવ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન મજબૂત બને તે સ્થિતિ ભારત માટે સારી નથી. તાલિબાનના મુખ્ય જૂથ હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં ભારતે રોકાણ કરીને જે યોજનાઓ બનાવી છે તેના પર હુમલા કરેલા છે.
અમેરિકાની આગેવાની હેઠળનું સૈન્ય પરત જતું રહી તે પછી અફઘાનિસ્તાનમાં ભારતે પોતાનો વ્યૂહ બદલવો પડશે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય બાબતોનાં પ્રોફેસર સ્વાસ્તિ રાવ કહે છે, "ભારતે અફઘાનિસ્તાનમાં મોટું રોકાણ કરેલું છે. ભારતે અહીં 7200 કિલોમિટર લાંબો નૉર્થ-સાઉથ કૉરિડૉર તૈયાર કરવા રોકાણ કર્યું છે. ઈરાનથી શરૂ કરીને છેક રશિયા સુધીનો આ મહામાર્ગ છે. સુરક્ષાની સ્થિતિ બગડી તો આ યોજના ખોરંભાઈ શકે છે."
ભારતનું સાવધાની સાથેનું કદમ
વિશ્લેષકોનું માનવું છે કે ભારત અફઘાનિસ્તાનની બાબતમાં સક્રિય થયું છે અને સાવધાની સાથે આગળ વધી રહ્યું છે.
તુર્કીના અંકારામાં ઇલ્દ્રિમ બેજાયિત યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ઓમેર અનેસ કહે છે, "વિદેશ મંત્રીએ ઈરાનની મુલાકાત લીધી તેનું મહત્ત્વ છે. ઈરાનને ડર છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનનો સંપૂર્ણ કાબૂ ના થઈ જાય. ઈરાન એવું પણ નહીં ઇચ્છે કે અફઘાનિસ્તાનમાં ફરીથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ થાય. આ સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં ભારત અને ઈરાનનાં હિતો સમાન છે. બંને દેશો આ બાબતમાં સહયોગથી કામ કરી શકે છે."
અગાઉ ભારત અફઘાનિસ્તાનની બાબતમાં અમેરિકાની સાથે રહીને સક્રિય હતું, પરંતુ ઈરાન અને રશિયા સાથે આ પ્રકારનું ગઠબંધન થયું નહોતું.
અનસ કહે છે, "જયશંકર તહેરાન પહોંચ્યા તે પહેલાં ત્યાં તાલિબાનનું પ્રતિનિધિમંડળ હાજર હતું. તેઓ રશિયા ગયા ત્યાં પણ તાલિબાનના લોકો હતા. એવું લાગે છે ભારત અત્યાર ઈરાન અને રશિયા બંને સાથે રહીને અફઘાનિસ્તાન બાબતમાં કામ કરી રહ્યું છે. તાલિબાન સત્તા પર આવવાનું હોય તેવી સ્થિતિમાં ભારત ઇચ્છશે કે ઈરાન અને રશિયા સાથે રહીને આ માટેનો કોઈ માર્ગ કાઢવામાં આવે."
સ્વાસ્તિ રાવ કહે છે, "ભારત સરકારે અફઘાનિસ્તાન સરકાર સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે અને લાંબા ગાળાનું રોકાણ પણ કર્યું છે. અમેરિકાના જવાથી એક શૂન્યાવકાશ ઊભો થઈ રહ્યો છે, જેની અસર ભારત પર થઈ શકે છે. ભારત પોતાનાં હિતોની રક્ષા કરવા માગે છે, અને તેથી તે ઈરાન અને રશિયા સાથે વાતચીત કરવાની કોશિશમાં છે."
ભારત ઈરાનમાંથી મોટા પાયે ક્રૂડ ઑઈલ ખરીદતું રહ્યું છે. જોકે અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા તેના કારણે 2019 પછી તેની આયાત રોકવી પડી હતી.
ઓમેર અનસ કહે છે, "ઈરાનમાં નવા પ્રમુખ આવ્યા છે. ભારત ઈરાનની નવી સરકાર સાથે ખનીજ તેલની કિંમતો અંગે ચર્ચા કરવા માટે પહેલ કરી શકે છે. બાઇડન આવ્યા પછી હવે ઈરાન પરથી કેટલાક પ્રતિબંધો હઠે તેવી આશા છે. ભારત તેનો ફાયદો ઉઠાવવા માગશે."
બીજી બાજુ પ્રોફેસર મુકતદર ખાન કહે છે, "અફઘાનિસ્તાનમાં સંરક્ષણની નવી સ્થિતિમાં ઈરાનની ભૂમિકા અગત્યની રહેશે. જોકે ભારતના વિદેશ મંત્રીએ ઈરાનપ્રવાસ પછી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ ભારત એવા સંકેત આપી રહ્યું છે કે અમેરિકાની ઈરાનવિરોધી નીતિ છતાં તે ઈરાન સાથે સંબંધો જાળવી રાખવા માગે છે. અમેરિકાને પણ સંકેત છે કે બંને દેશો વચ્ચે સારા જ સંબંધો રહેશે, પરંતુ ભારત પોતાની વિદેશનીતિ સ્વતંત્ર રીતે ચલાવશે અને ઈરાન સાથે પણ સારા સંબંધો રાખશે."
અફઘાનિસ્તાનમાં તુર્કીનો વધતો પ્રભાવ અને ભારતની ભૂમિકા
અમેરિકા રવાના થયું તે પછી અફઘાનિસ્તાનમાં તુર્કીની ભૂમિકા અગત્યની બનવાની છે. નાટોના સભ્ય દેશ તરીકે તુર્કી પાસે જ કાબુલ ઍરપૉર્ટની સુરક્ષાની જવાબદારી રહેવાની છે. તુર્કીની આવી ભૂમિકા અફઘાનિસ્તાનમાં આગળ વધશે તો તેની અસર ભારત અને તુર્કીના સંબંધોમાં પર પણ થશે.
કાશ્મીર વિશે તુર્કીએ કરેલાં નિવેદનો પછી ભારત અને તુર્કીના સંબંધો બગડ્યા છે. ભારત કરતાં પાકિસ્તાન સાથે તુર્કીના વધારે સારા સંબંધો છે. જોકે વિશ્લેષકો માને છેકે અફઘાનિસ્તાનના કારણે ભારત અને તુર્કીએ એક બીજાની નજીક આવવું પડશે.
પ્રોફેસર મુકતદર ખાન કહે છે, "તુર્કી અને ભારતના સંબંધો બહુ સારા નથી, પરંતુ પાકિસ્તાન અને તુર્કીના સંબંધો પણ ઠીક ઠીક જ છે. અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ વખતે પાકિસ્તાન તાલિબાનને સાથ આપે અને તુર્કી અફઘાન સરકારને તો તે સંજંગોમાં તુર્કી ભારત સાથે પોતાના સંબંધો સુધારવા વિચારી શકે છે."
ઓમેર અનસ કહે છે કે જો તુર્કી, ઈરાન, રશિયા અને ભારત સાથે મળીને અફઘાનિસ્તાન વિશે કોઈ નીતિ તૈયાર કરે તો તે વધારે અસરકારક બની શકે છે.
તેઓ માને છે કે ભારત આ રીતે તુર્કીની નજીક આવી શકે તો સમગ્ર મધ્ય એશિયામાં તેને પ્રભાવ વધારવાની તક મળી શકે છે.
અફઘાનિસ્તાનમાં ચીન પણ વગ વધારશે?
અત્યારે અફઘાનિસ્તાનમાં ચીન કેટલું સક્રિય છે તે સ્પષ્ટ નથી, પરંતુ અફઘાનિસ્તાનની સ્થિતિની અસર ચીનનાં હિતોને પણ અસર કરી શકે છે.
ચીને પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર માટે મોટું રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિમાં સીપેક યોજના પર જોખમ ઊભું થઈ શકે છે.
વિશ્લેષકો માને છે કે ચીન અફઘાનિસ્તાન સરકાર સાથે અથવા તાલિબાન બંનેમાંથી કોઈની પણ સાથે વાતચીત કરવા તૈયાર થઈ જશે. ચીન અને પાકિસ્તાનના ગાઢ સંબંધો છે અને તાલિબાન પર પાકિસ્તાનના પ્રભાવનો ઉપયોગ પણ ચીન કરી શકે છે અને અફઘાનિસ્તાનમાં રોકાણ કરવા માટે તૈયાર પણ થઈ શકે છે.
પ્રોફેસર સ્વાસ્તિ રાવ કહે છે, "એવું માનવામાં આવે છે કે વહેલા-મોડા ચીન અફઘાનિસ્તાનમાં એક પ્લેયર તરીકે આગળ આવશે. ભારત એવું માનીને જ ચાલે છે કે ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાં ચીનની ભૂમિકા હોઈ શકે છે. તેથી ત્યાં પ્રભાવ હોય તેવા દેશો સાથે ભારત સારા સંબંધો રાખીને પોતાનાં હિતોની સુરક્ષા કરવા માગે છે."
અફઘાનિસ્તાનમાં ચીન કેટલું સક્રિય થાય છે તેની અસર મધ્ય એશિયામાં પણ થશે. તુર્કી માટે પણ તે ચિંતાનો વિષય છે.
અફઘાનિસ્તાનના ઉઝબેક અને હઝારા કબીલાને તુર્કીનું સમર્થન છે. તે તાલિબાનોનો પ્રભાવ રોકવા કોશિશ કરશે. તેથી ભારત સાથે મળીને તે કામ કરી શકે છે.
ઓમેર અનસ કહે છે, "તુર્કી એવું પણ ઇચ્છશે કે પાકિસ્તાન ચીન પરની નિર્ભરતા ઓછી કરે અને પશ્ચિમના દેશોની વધારે નજીક આવે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો