You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરલીન દેઓલનો એ કૅચ જેના પર સચીન તેંડુલકરથી વીવીએસ લક્ષ્મણ પણ ફિદા, પ્રશંસકોએ શું કહ્યું?
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ટી-20 મૅચ હારી ગઈ છે, પણ તે છતાં ભારતીય મહિલા ક્રિકેટર હરલીન દેઓલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે, તેનું કારણ છે મૅચમાં તેમણે પકડેલો એક અદ્ભુત કૅચ.
BCCIએ શૅર કરેલા વીડિયોમાં તેમણે કૅપ્શન આપ્યું છે કે, “મૅચ ભલે આપણા પક્ષમાં ન હતી, પણ આ મૅચમાં કંઈક ખૂબ ખાસ હતું.”
આ વીડિયોમાં જોઈ શકાય છે કે હરલીને કૅચ પકડવા માટે હવામાં કુદકો લગાવ્યો હતો. બૉલ હાથમાં આવ્યો અને જોયું કે સંતુલન બગડી રહ્યું છે તો તેમણે બૉલને બાઉન્ડ્રીની અંદર ઉછાળ્યો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતાં રહ્યાં. પરંતુ પછી હરલીન બાઉન્ડ્રીની બહારથી કૂદીને બાઉન્ડરીની અંદર આવ્યાં અને હવામાં જ બૉલને કૅચ કરી લીધો.
હરલીનના આ કૅચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સચીન તેંડુલકરથી માંડીને વીવીએસ લક્ષ્મણ સુધીના ખેલાડીઓએ આ કૅચની પ્રશંસા કરી છે.
સચીન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું, “આ એક અદ્ભુત કૅચ હતો હરલીન દેઓલ. મારા માટે આ કૅચ ઑફ ધ યર છે.”
વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરીને કહ્યું, “ક્રિકેટના મેદાનમાં કદાચ જ કોઈ આવો સારો કૅચ જોઈ શકશે. આ કૅચ ટૉપ ક્લાસ હતો.”
આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું, “ના. આ શક્ય જ નથી. આ બની જ ન શકે. આમાં કંઈક સ્પેશિયલ ટ્રીક કે ઇફેક્ટ હશે. શું? આ વાસ્તવિક હતું? હવે ગેલ ગેડોટને હઠાવો. અસલી વંડરવુમન તો અહીં છે...”
આ વીડિયો જોઈને ભાજપના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પોતાને ટ્વીટ કરવાથી રોકી ન શક્યા. તેમણે કહ્યું, “આ ફિલ્ડિંગની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે. અદ્ભૂત”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કરીને આ કૅચના વખાણ કર્યા હતા.
મૅચમાં શું થયું હતું?
વરસાદથી પ્રભાવિત આ મૅચમાં ઇંગ્લૅન્ડે પહેલા બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટથી 177 રન બનાવ્યા. વરસાદના કારણે ભારતે ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત 8.4 ઓવરમાં 73 રન બનાવવાના હતા. પરંતુ ભારતની ટીમ 3 વિકેટ ગુમાવીને માત્ર 54 રન બનાવી શકી હતી અને મૅચ 18 રનથી હારી ગઈ હતી. હરલીન દેઓલની ફિલ્ડિંગ મૅચ દરમિયાન ખૂબ રોમાંચક રહી હતી.
કોણ છે હરલીન દેઓલ?
હરલીન દેઓલનો જન્મ 21 જૂન 1998ના રોજ ચંડીગઢમાં થયો હતો.
હરલીન દેઓલે ફેબ્રુઆરી 2019માં ODIમાં ડેબ્યૂ કર્યું હતું અને મુંબઈમાં રમાયેલી મૅચમાં ઇંગ્લૅન્ડનો સામનો કર્યો હતો. જમણા હાથે બૅટિંગ કરતાં હરલીને ODI મૅચના તુરંત બાદ પહેલી T-20 મૅચ રમી હતી અને તે મૅચ પણ ઇંગ્લૅન્ડની સામે હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે