પેટ્રોલ અને ડીઝલનો ભાવ 110 રૂપિયાને પાર, પણ ક્યાં?

પાછલા અમુક દિવસોમાં પેટ્રોલ- ડીઝલની કિંમતો ઘણાં રાજ્યોમાં 100 રૂપિયાની પાર પહોંચી ગઈ હતી પરંતુ હવે આ વધતી જતી કિંમતો એક નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે.

ભોપાલથી બીબીસીના સહયોગી પત્રકાર શુરૈહ નિયાઝીએ જણાવ્યું કે મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 112 રૂપિયા અને ડીઝલના ભાવ 101 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે.

પ્રદેશના અનુપપુર જિલ્લામાં શનિવારે પેટ્રોલ 112,14 રૂપિયા અને ડીઝલ 101.35 રૂપિયા લિટર વેચાયું. તેમજ પાટનગર ભોપાલમાં પેટ્રોલના ભાવ 109.24 રૂપિયા અને ડીઝલ 98.67 રૂપિયા થઈ ગયા હતા.

મધ્ય પ્રદેશ દેશનાં એ રાજ્યોમાં સામેલ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ સૌથી વધુ મોંઘાં છે.

કેટલો ટૅક્સ લાગે છે? જો એ પ્રશ્નનો જવાબ આપીએ તો મધ્ય પ્રદેશમાં પેટ્રોલ પર 33 ટકા વૅટ, એક ટકા સેસ અને દરેક લિટરે સાડા ત્રણ રૂપિયા અલગથી કરવેરો વસૂલવામાં આવે છે. તેમજ ડીઝલ પર 23 ટકા વૅટ, એક ટકા સેસ અને દરેક લિટરે વધારાના બે રૂપિયા કરવેરો વસૂલાય છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને કૉંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે.

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે કહ્યું કે જલદી જ પેટ્રોલના ભાવ 151 અને 201 રૂપિયા થઈ જશે.

કમલનાથે ટ્વીટ કરીને કહ્યું કે, "મધ્ય પ્રદેશમાં પેટ્રોલ 111 રૂપિયા પ્રતિ લિટર થયું. આ જ ઝડપ રહી તો પ્રતિ લિટર 121, 151 અને 201 રૂપિયા પણ જલદી જ ચૂકવવા પડી શકે છે. વાહ! શિવરાજજી વાહ."

મોદી સરકારમાં 42 ટકા મંત્રીઓની છબિ ગુનાહિત, 90 ટકા મંત્રીઓ કરોડપતિ

ભારતમાં ચૂંટણી સુધારણા માટે કામ કરનાર સમૂહ એસોસિયેશન ઑફ ડૅમોક્રેટિક રિફોર્મનો અહેવાલ ટાંકીને હિંદુસ્તાન અખબાર કહે છે કે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળમાં 42 ટકા (33 મંત્રીઓ) મંત્રીઓની છબિ ગુનાહિત છે. આ સમાચારને અનેક મીડિયાએ પ્રકાશિત કર્યા છે.

અખબાર મુજબ કેન્દ્ર સરકારના મંત્રીમંડળના 78 મંત્રીઓમાં 42 ટકા મંત્રીઓએ પોતાની સામેના અપરાધોની ઘોષણા કરેલી છે. 42 ટકા મંત્રીઓ પર જે અલગ અલગ કેસ છે એમાં ચાર મંત્રીઓ સામે હત્યાનો પણ કેસ ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે 15 નવા કૅબિનેટ મંત્રીઓ અને 28 નવા રાજ્યમંત્રીઓએ બુધવારે શપથ લીધી હતી અને હવે નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રીઓની સંખ્યા 78 થઈ ગઈ છે.

એડીઆરના અહેવાલ મુજબ નવા મંત્રીમંડળમાં 24 મંત્રીઓ એટલે કે 31 ટકા મંત્રીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, છેતરપિંડી સહિતના ગંભીર કેસ નોંધવામાં આવેલા છે.

આ ઉપરાંત 78માંથી 70 મંત્રીઓ કરોડપતિ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, પીયૂષ ગોયલ, નારાયણ રાણે અને રાજીવ ચંદ્રશેખર એ ચાર મંત્રીઓની સંપત્તિ 50 કરોડથી વધારે છે.

જો બાઇડનના ખાસ એરિક ગાર્સેટી બનશે ભારતમાં અમેરિકાના રાજદૂત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને લૉસ એંજિલસના મેયર એરિક ગાર્સેટીની ભારતમાં અમેરિકાના રાજૂદત તરીકે નિમણૂક કરી છે.

વ્હાઇટ હાઉસે શુક્રવારે આ જાહેરાત કરી છે.

ગાર્સેટીએ કહ્યું કે, "આજે રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે એમણે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે કામ કરવા માટે એમની તરફથી મારું નામાંકન કર્યું છે. હું આ ભૂમિકાને સ્વીકારું છું અને આ નામાંકન બદલ સન્માનિત અનુભવું છું."

50 વર્ષીય ગાર્સેટી બાઇડનના નજીકના રાજકીય સહયોગી છે. તેઓ 2013થી લૉસ એંજિલસના મેયર છે અને 12 વર્ષ સિટી કાઉન્સિલના સભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે અને છ વર્ષ તેના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

ભારત અને અમેરિકાના રાજકીય સંબંધોમાં આ નિમણૂક મહત્ત્વની માનવામાં આવી રહી છે.

વિપક્ષ એક નહીં થાય તો ઇતિહાસ માફ નહીં કરે - તેજસ્વી યાદવ

બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે વિપક્ષી દળોએ તમામ મતભેદ ભૂલીને અને પોતપોતાનો અહંકાર કોરાણે રાખીને એક થવું પડશે, નહીં તો ઇતિહાસ એમને ક્યારેય માફ નહીં કરે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની મુલાકાતમાં એમણે આ વાત કહી છે. એમણે કહ્યું કે, વિપક્ષ પાસે અસલ મુદ્દાઓની કમી નથી અને એમણે આની આસપાસ જ રાજકીય વ્યૂહ ઘડવો જોઈએ.

તેજસ્વી યાદવે કહ્યું કે કૉંગ્રેસે ભવિષ્યમાં વિપક્ષી ગઠબંધનનો આધાર બનવું પડશે કેમ કે તે એક રાષ્ટ્રીય પાર્ટી છે અને ભાજપ સામે સીધી રીતે 200 જેટલી બેઠકો પર ચૂંટણી લડે છે.

તેજસ્વીએ કહ્યું કે મમતા બેનરજી, અખિલેશ યાદવ, શરદ પવાર વગેરે નેતાઓ દેશની હાલત પર ચિંતિત દેખાય છે અને એ વિશે વાત પણ કરે છે પરંતુ એમણે એક ટીમ બનાવીને કામ કરવું પડશે અને એક સાથે અલગ અલગ રાજ્યોમાં યાત્રા કરવી પડશે.

તેજસ્વીએ આશા વ્યક્ત કરી છે કે જલદી જ આ દિશામાં શરૂ થશે. એમણે એમ પણ કહ્યું કે હારના બીજા જ દિવસે ભાજપ સામે મજબૂત ગઠબંધન શરૂ થઈ જવું જોઈતું હતું.

ગુજરાતમાં આજથી વૅકિસનેશન ફરી શરૂ થશે

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો અને હવે આજથી તે ફરી શરૂ થશે.

8 અને 9 જુલાઈના રોજ આખા રાજ્યમાં રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

સરકારે રસીકરણ કાર્યક્રમ કેમ બંધ રાખ્યો હતો એની ચોખવટ કરી નથી પરંતુ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અગાઉ નાયબ મુખ્ય મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી નીતિન પટેલ કેન્દ્ર સરકાર તરફથી રસીનો પુરતો પુરવઠો નહીં મળતો હોવાથી રસીકરણ કાર્યક્રમને અસર પહોંચી છે એમ કહી ચૂક્યા છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોના મહામારી મંદ પડી રહી છે પરંતુ નિષ્ણાતો ત્રીજી લહેરની ચેતવણી આપે છે અને તેને રોકવા માટે રસીકરણને મહત્ત્વનું ગણાવે છે.

ગુજરાતમાં શુક્રવારે 56 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

કલોલમાં કોલેરાથી પાંચ લોકોનાં મૃત્યુ, અમિત શાહની દરમિયાનગીરી

ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં એક જ અઠવાડિયામાં કોલેરાના કારણે પાંચ લોકો મૃત્યુ પામ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહે આ અંગે કલેકટર સાથે વાત કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કલોલમાં 3 જુલાઈના રોજ કોલેરાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો અને એ પછી 300 લોકોમાં બૅકેટિરયલ ઇન્ફેક્શન જોવા મળ્યું તથા 80 લોકોને દવાખાને દાખલ કરવાની જરૂર પડી.

જિલ્લા કલેકટર કુલદીપ આર્યનું કહેવું છે કે પીવાના પાણીની લાઇન ગટરની લાઇન સાથે ભળી જઈ હોવાની સંભાવના છે.

કલોલ નગરપાલિકાના 2 કિલોમીટર જેટલા વિસ્તારનો કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે