નરેન્દ્ર મોદી સરકાર આ રીતે મોંઘવારી પર કાબૂ મેળવી શકે

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

અર્થશાસ્ત્ર વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એટલું બધા જાણતા હશે કે બજારમાં માગ વધશે, ત્યારે મોંઘવારી પણ વધશે.

પરંતુ ભારતની બજારોમાં જે ચીજોની માગ ઓછી છે, તેમ છતાં મોંઘવારી આસમાનને આંબી રહી છે. આખરે આવું કેમ છે?

કોરોનાકાળમાં બજારમાં લોકોના હાથમાં પૈસા ઓછા છે, ઘણાની નોકરી જતી રહી છે. ઘણાનો સ્વાસ્થ્ય પર ખર્ચો વધુ થઈ ગયો છે. ઘણા લોકો રોજનું કમાઈને પેટિયું રળી રહ્યા છે.

આ બધાને કારણે ગરીબ, ગરીબ થઈ ગયેલા લોકો અને મિડલ ક્લાસની મોંઘવારી અને સ્વાસ્થ્ય ખર્ચને કારણે કમર ભાંગી ગઈ છે.

જ્યારે લોકો પાસે પૈસા નહીં હોય તો ચીજો ખરીદવાની માગ નહીં રહે અને માગ ન હોય તો મોંઘવારી ન હોવી જોઈએ.

આથી સરકાર મોંઘવારી કેવી રીતે કાબૂમાં લે એ જાણવા માટે જરૂરી છે કે મોંઘવારી કેમ વધી રહી છે?

મોંઘવારી વધવાનાં કારણો

સપ્લાય ચેઇન બાધિત થવી

જેએનયુમાં પ્રોફેસર રહી ચૂકેલા વરિષ્ઠ અર્થશાસ્ત્રી પ્રો. અરુણ કુમાર મોંઘવારી વધવાનાં કારણો કંઈક આવાં ગણાવે છે-

"પહેલું- લૉકડાઉનને કારણે જરૂરી ચીજોનો સપ્લાય બાધિત થયો. એટલે ખાદ્યાન્નની રેકૉર્ડ ઊપજ છતાં કદાચ માલ ગોડાઉનથી દુકાનો સુધી પહોંચી નથી રહ્યો. ક્યારેક-ક્યારેક તેનો લાભ દુકાનદાર અને જથ્થાબંધ વેપારી ઉઠાવે છે અને ચીજો મોંઘી વેચવા લાગે છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ

બીજું- આ સમયે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રેકૉર્ડ વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ તો સરકારનો ખજાનો તેનાથી ભરાઈ રહ્યો છે, પરંતુ આ કિંમતોની સીધી અસર મોંઘવારી પર પડે છે.

સામાનને લઈ જવા-લાવવા પર સીધો ખર્ચ વધે છે. દુકાનદાર ખિસ્સામાંથી તો કાઢતો નથી. સામાનની કિંમતોમાં એ જોડાઈ જાય છે અને લોકોને બજેટ ખોરવાઈ રહ્યું છે.

કાચા માલના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઘણા દેશોની અર્થવ્યવસ્થા સુધરી રહી છે, તો ત્યાં મોંઘવારી વધી રહી છે. ઘણાં સંગઠિત ક્ષેત્રોમાં કાચો માલ એ જ આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આવે છે.

સંગઠિત ક્ષેત્રે આ કારણે પોતાનો લાભ ન છોડીને ચીજોના ભાવ વધારવાનું શરૂ કરી દીધું. જોકે સાચું તો એ છે કે બેરોજગારી વધવાને કારણે તેમને શ્રમ સસ્તો પડી રહ્યો છે. તેની કેટલીક અસર એફએમસીજી ગૂડ્સ પર પણ પડી છે. મોંઘવારી વધવા પાછળ એક આ પણ કારણ છે."

નોટ છાપવી

જોકે વરિષ્ઠ બિઝનેસ પત્રકાર પૂજા મેહરા પ્રો. અરુણ કુમારના સપ્લાય ચેઇન બાધિત થવાના તર્ક સાથે સહમત નથી થતાં.

તેઓ કહે છે, "સરકાર અને આરબીઆઈ બંને મોંઘવારીનું ખોટું આકલન કરે છે. આજની મોંઘવારી ચીજોની સપ્લાય બાધિત થવાને કારણે નથી. આ વાત ઘણા અર્થશાસ્ત્રીઓએ ડેટાના માધ્યમથી સાબિત કરી છે. સાથે જ એ જણાવ્યું છે કે આરબીઆઈએ છેલ્લા સમયમાં ઘણા રૂપિયા છાપ્યા છે, જેના કારણે આ મોંઘવારી વધી છે. માટે મોંઘવારી ઘટાડવા માટે સરકારે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે."

વધતી મોંઘવારી પર લગામ

પેટ્રોલ-ડીઝલથી ટૅક્સ વસૂલી પર નિર્ભરતા ઓછી થાય

બીજા ઉપાય તરીકે પૂજા મેહરા જણાવે છે કે સરકારે પેટ્રોલ-ડીઝલના ટૅક્સ પર પોતાની નિર્ભરતા ઓછી કરવી જોઈએ.

તેઓ કહે છે, "પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો સીધો સંબંધ મોંઘવારીથી હોય છે. સરકારે તેના પર ઘણા ટૅક્સ લગાવી રાખ્યા છે, જેનાથી તેમનો ખજાનો ભરાય છે."

"સરકાર પેટ્રોલ-ડીઝલના ટૅક્સથી કમાણી કરે છે અને તેને કારણે તેના ભાવ ઓછા થતા નથી. સરકારે આ દિવસોમાં થનારી કમાણી પર પોતાની નિર્ભરતા ઓછી કરવી પડશે, ત્યારે જ મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે."

સોમવારે મમતા બેનરજીએ પેટ્રોલ-ડીઝલ પર ટૅક્સ ઓછો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. તેમણે પણ મોંઘવારીને તેની સાથે જોડી છે.

શૅરબજારમાં લેવડદેવડ પર ટૅક્સ વસૂલી

પ્રો. અરુણ કુમાર પૂજા મેહરાની આ વાતથી સહમત છે. પેટ્રોલ-ડીઝલમાંથી મળતા ટૅક્સ પર નિર્ભરતા ઓછી કરવાનો તેઓ ઉપાય સૂચવે છે.

તેઓ કહે છે, "માની લો કે શૅરબજારમાં રોજ 10 હજાર કરોડની લેવડદેવડ થાય છે, તેના પર એક નાનો એવો ટૅક્સ 0.1 ટકા સરકાર લગાવી દે તો 10 કરોડ રૂપિયા રોજના સરકાર પાસે જમા થશે.

આવું કરવાથી શૅરબજારની અસ્થિરતા પણ ઓછી થશે અને સરકારનું ખિસ્સું પણ ભરાશે."

કોવિડ બૉન્ડ્સ

સરકારના ખજાનામાં વધુ પૈસા લાવવાનો બીજો ઉપાય પ્રો. અરુણ કુમાર કોવિડ બૉન્ડ્સના રૂપમાં સૂચવે છે.

તેમનું કહેવું છે કે ભારતીય બૅન્કો પાસે અંદાજે ચાર લાખ કરોડનું ફંડ છે, જેનો તે ઉપયોગ નથી કરી શકતી અને આરબીઆઈ પાસે સુરક્ષિત રાખી દે છે.

આરબીઆઈ નાની બૅન્કોને આ પૈસાનો ઉપયોગ કરવાનું સતત કહી રહી છે, પરંતુ તે કેટલાંક કારણે આવું કરી શકતી નથી. આથી કોરોનાને લોકો લોન લેવા માટે આવતા નથી. બીજું કે એનપીએવાળાને બૅન્કો લોન આપવા માગતી નથી.

આથી જે-જે ક્ષેત્રોમાં તરલતા છે, ત્યાં કોવિડ બૉન્ડ્સ ફ્લોટ કરીને સરકારે ઇચ્છે તો પૈસા મેળવી શકે છે.

આ એક રીત ઉધાર લેવા જેવી જ હશે, પણ દેશના ગરીબોના હાથમાં પૈસા આપવા માટે સરકાર આવા ઉપાયો અજમાવી શકે છે.

લોકોના હાથમાં સીધા પૈસા

તેઓ વધુમાં આગળ કહે છે, "સરકાર આ રીતે મેળવેલા પૈસા (શૅરબજાર પર ટૅક્સ અને કોવિડ બૉન્ડ્સથી આવેલા પૈસા)નો ઉપયોગ લોકોનાં ખાતામાં સીધા જમા કરીને પણ કરી શકે છે. કે પછી સ્વાસ્થ્ય સેવાઓ અને શિક્ષણના ક્ષેત્રમાં ઉપયોગ કરી શકે છે."

સામાન્ય લોકોની ભલાઈ માટે સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણના ક્ષેત્રમાં પૈસા ખર્ચવાને તેઓ 'પબ્લિક ગુડ' કહે છે.

"પણ જો રસી, કોરોના ટેસ્ટ અને કોરોનાની સારવાર સરકાર મફત કરી દે તો લોકો પાસે પૈસાની બચત થવા લાગશે, ત્યારે એ પૈસાનો ખર્ચો બજારમાં થવા લાગશે અને માગ વધશે."

"હાલમાં રિપોર્ટ આવ્યા છે કે હરિયાણામાં 12 લાખ બાળકો છે, જે સ્કૂલ સિસ્ટમને કારણે કોરોના મહામારી દરમિયાન બહાર થઈ ગયાં છે. હવે આ બાળકો ન તો સરકારી સ્કૂલમાં છે, ન તો પ્રાઇવેટ સ્કૂલમાં. તેમનું સ્કૂલમાંથી નીકળવું આગળ જતાં અર્થવ્યવસ્થા પર જ અસર કરશે."

"જો સરકાર આવાં બાળકોનો સ્કૂલનો ખર્ચ ઉઠાવશે, તો વાલીઓના પૈસા સીધા બજારમાં ખર્ચ થશે."

આવનારા સમયમાં જોવાનું રહેશે કે સરકાર મોંઘવારીને કાબૂમાં લેવા કઈ રીત અપનાવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો