You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી સરકારનાં સાત વર્ષમાં અર્થવ્યવસ્થાની હાલત શું થઈ? જાણો સાત ચાર્ટની મદદથી
- લેેખક, નિખિલ ઇનામદાર અને અપર્ણા અલ્લુરી
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
નરેન્દ્ર મોદીએ વધુ નોકરીઓ, વિકાસ અને સુસ્ત પ્રશાસનિક કામગીરીને સમાપ્ત કરવાનો વાયદો કરીને ભારતની સૌથી મોટી ચૂંટણી જીતી હતી અને રાજનીતિના મંચના કેન્દ્રમાં આવી પહોંચ્યા હતા.
2014 અને 2019માં તેમની પૂર્ણ બહુમતની સરકારે મોટા સુધારાઓને લઈને આશાઓ વધારી દીધી હતી.
પરંતુ તેમનાં સાત વર્ષના વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન આર્થિક આંકડાઓ બહુ મંદ રહ્યા છે. મહામારીએ તેને વધુ ખરાબ કરી દીધા અને અર્થવ્યવસ્થાનું ધાર્યા કરતાં વધુ ખરાબ પ્રદર્શન ચાલુ છે.
અહીં અમે સાત ચાર્ટ્સના માધ્યમથી એ જાણવાની કોશિશ કરીશું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાએ કેવું પ્રદર્શન કર્યું છે.
સુસ્ત વિકાસ
વડા પ્રધાન મોદીએ વાયદો કર્યો હતો કે 2025 સુધી ભારતની જીડીપીના પાંચ ટ્રિલિયન (પાંચ લાખ કરોડ) ડૉલરની બનાવી દઈશું. તેમનું સપનું હવે પાઇપલાઇનમાં અટકેલું નજર આવી રહ્યું છે, કેમ કે ફુગાવા બાદ દેશની અર્થવ્યવસ્થા ત્રણ લાખ કરોડ ડૉલર સુધી જ પહોંચી શકશે.
કોવિડ પહેલાં માનવામાં આવતું હતું કે 2025 સુધી આ 2.6 લાખ કરોડ ડૉલર પહોંચી જશે. મહામારીએ તેમાં 200-300 અબજ ડૉલરનો ઘટાડો કરી નાખ્યો છે.
અર્થશાસ્ત્રી અજિત રાનાડે માને છે કે ફુગાવો અને દુનિયાભરમાં તેલના ભાવોનું વધવું પણ એક મોટી ચિંતાનો વિષય છે.
જોકે માત્ર કોવિડ જ તેના માટે કારણભૂત નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેન્દ્ર મોદીએ જ્યારે વડા પ્રધાનનો પદભાર સંભાળ્યો ત્યારે ભારતનો જીડીપી ઉચ્ચ સ્તરે એટલે કે 7-8 ટકા પર હતો, જે 2019-20ના ચોથા ત્રિમાસિક દરમિયાન દશકના સૌથી નીચલા સ્તરે એટલે કે 3.1 ટકા પર આવી ગયો.
વર્ષ 2016માં નોટબંધીએ 86 ટકાથી વધુ રોકડ ચલણને બહાર કરી દીધું અને નવા ટૅક્સ નિયમ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)એ વેપારીને મોટી ઝટકો આપ્યો.
આ બધાએ અન્ય મોટી સમસ્યાઓને જન્મ આપ્યો.
ચરમસીમાએ બેરોજગારી
સેન્ટર ફૉર મૉનિટરિંગ ધ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)ના સીઈઓ મહેશ વ્યાસ કહે છે, "2011-12થી ભારતનો સૌથી મોટો પડકાર રોકાણમાં મંદી રહ્યો હતો."
"પરંતુ સત્તા બદલાયા બાદ 2016થી આપણે ઘણા આર્થિક ઝટકા સહન કર્યા છે."
તેમણે કહ્યું કે નોટબંધી, જીએસટી અને વારેવારે લગાવેલા લૉકડાઉને રોજગારીની તકો ઓછી કરી નાખી છે.
છેલ્લા સત્તાવાર આંકડાઓ અનુસાર, 2017-18માં બેરોજગારી છેલ્લાં 45 વર્ષમાં સૌથી વધુ એટલે કે 6.1 ટકા હતી. CMIEના હાઉસહોલ્ડ સર્વે અનુસાર આ દર ત્યારથી અત્યાર સુધીમાં બેરોજગારીદર લગભગ બમણો થઈ ચૂક્યો છે.
પ્યૂ રિસર્ચ અનુસાર, 2021ની શરૂઆતથી અત્યાર સુધી 2.5 કરોડથી વધુ લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે અને 7.5 કરોડ લોકો ગરીબીરેખા પર પહોંચી ચૂક્યા છે, જેમાં 10 કરોડ મધ્યમવર્ગનો એક તૃતીયાંશ ભાગ સામેલ છે.
રાનાડેએ જણાવ્યું કે, દર વર્ષે દેશની અર્થવ્યવસ્થાને બે કરોડ નોકરીઓ જોઈએ, પણ ભારતમાં છેલ્લા દશકમાં દર વર્ષે માત્ર 43 લાખ નોકરીઓ પેદા થઈ છે.
ભારત નિકાસ પણ વધુ કરી શકતું નથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 'મેક ઇન ઇન્ડિયા' પહેલની શરૂઆત કરી ત્યારે એમ માનવામાં આવતું હતું કે સુસ્ત પ્રશાસનિક કામગીરીને સમાપ્ત કરીને અને નિકાસકેન્દ્રોથી રોકાણ આકર્ષિત કરીને ભારત વૈશ્વિક ઉત્પાદનમાં પાવરહાઉસ બની જશે.
લક્ષ્ય હતું કે મૅન્યુફૅક્ચરિંગને જીડીપીનો 25 ટકા હિસ્સો બનાવાશે, પરંતુ સાત વર્ષમાં તેનો હિસ્સો્ 15 ટકા પર અટકી ગયા છે. સેન્ટર ફૉર ઇકૉનૉમિક ડેટા ઍન્ડ ઍનાલિસીસ અનુસાર, આ સૅક્ટરની સૌથી ખરાબ હાલત થઈ છે અને મૅન્યુફૅક્ચરિંગની નોકરીઓ છેલ્લાં પાંચ વર્ષમાં અડધી થઈ ગઈ છે.
અંદાજે એક દશકમાં નિકાસ 300 અબજ ડૉલર પર લટકી ગઈ છે.
વડા પ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન ભારત બાંગ્લાદેશ જેવા નાના હરીફ સાથે પણ તેજીમાં માર્કેટ શેર હારી ગયું છે. બાંગ્લાદેશે ઝડપી વૃદ્ધિ કરી છે અને ખાસ કરીને નિકાસ મામલે, જે તેના વસ્ત્ર ઉદ્યોગ પર ટકેલું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલનાં વર્ષોમાં ટૅરિફ પણ ઘણો વધાર્યો છે અને તેઓ વારંવાર 'આત્મનિર્ભરતા'નો નારો લગાવી રહ્યા છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ એક મુશ્કેલ ક્ષેત્ર
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ ફીડબૅન્ક ઇન્ફાના સહ-સંસ્થાપક વિનાયક ચેટરજીનું કહેવું છે કે મોદી સરકાર ગત સરકારની તુલનામાં વધુ ઝડપથી હાઈવે બનાવી રહી છે, ગત સરકારે 8-11 કિલોમીટર પ્રતિદિન હાઈવે બનાવતી હતી, જ્યારે મોદી સરકાર 36 કિલોમીટર હાઈવે બનાવી રહી છે.
નવીનીકરણ ઊર્જાના વિકાસની વાત કરીએ તો સૌર અને પવનઊર્જામાં ભારતની ક્ષમતા ગત પાંચ વર્ષમાં બમણી થઈ છે. આ સમયે એ 100 ગીગાવૉટ છે, જેની 2023 સુધી 175 ગીગાવૉટની ક્ષમતા થવાની શક્યતા છે.
અર્થશાસ્ત્રીઓએ વડા પ્રધાન મોદીની મોટા ભાગની લોકલોભામણી યોજનાઓનો સ્વીકાર કર્યો છે, આ યોજનાઓમાં ખુલ્લામાં શૌચથી મુક્ત માટે શૌચાલય બનાવવાં, ઘરો માટે કરજ આપવું, સબસિડી પર કૂકિંગ ગેસ અને ગરીબોનાં ઘરો સુધી પાઇપથી પાણી પહોંચવું સામેલ છે.
જોકે મોટાં ભાગનાં શૌચાલયોનો ઉપયોગ થતો નથી કે પાણી નથી અને ઈંધણના ભાવ વધતા સબસિડીના લાભ ઓછા કરી દીધા છે. આવા પડકારો પણ સામે છે.
તેમજ ખર્ચા પણ વધી રહ્યા છે અને ટૅક્સ કે નિકાસથી એટલી કમાણી થઈ રહી નથી, તેણે અર્થશાસ્ત્રીઓની ભારતના વધતા રાજકોષીય નુકસાનને લઈને ચિંતા વધારી દીધી છે.
ઔપચારિક અર્થવ્યવસ્થામાં સામેલ થયા વધુ લોકો
મોદી સરકારની આ એક અન્ય મોટી ઉપલબ્ધી છે.
ડિજિટલ પૅમેન્ટ મામલે ભારતે એક વૈશ્વિક નેતા તરીકે છલાંગ લગાવી છે અને તેના માટે સરકાર સમર્થિત પૅમેન્ટ સિસ્ટમનો આભાર માનવો જોઈએ.
વડા પ્રધાન મોદીની જનધન યોજનાએ કરોડો ગરીબ પરિવારોને 'તામઝામ વિના' બૅન્ક ખાતાંની સગવડ આપી અને તેમને ઔપચારિક રીતે અર્થવ્યવસ્થામાં દાખલ કર્યા.
બૅન્ક ખાતાં અને તેમાં પૈસા જમા કરવાનો દર વધ્યો, જે એક સારો સંકેત છે. જોકે ઘણા રિપોર્ટ એ પણ દર્શાવે છે કે ઘણા લોકો આ ખાતાનો હવે ઉપયોગ કરતા નથી.
પરંતુ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ સાચી દિશામાં એક મોટું પગલું છે. ખાસ કરીને જ્યારે રોકડ લાભ માટે ડાયરેક્ટ ટ્રાન્સફરની મંજૂરી આપી છે, કેમ કે તેનાથી વચેટિયાઓને સમાપ્ત કરી દીધા છે.
સ્વાસ્થ્ય સેવા પરનો ખર્ચ નિરાશાજનક
અર્થશાસ્ત્રી રિતિકા ખેડા કહે છે, "છેલ્લી સરકારોની જેમ આ સરકાર પણ સ્વાસ્થ્ય સેવાને સતત નજરઅંદાજ કરી રહી છે. દુનિયામાં ભારત એવા દેશોમાં સામેલ છે, જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ પર સૌથી ઓછો સાર્વજનિક ખર્ચ કરવામાં આવે છે."
વિશેષજ્ઞોનું કહેવું છે કે નિવારક કે પ્રાથમિક દેખરેખની જગ્યાએ તૃતીય શ્રેણીની દેખરેખ પર ખર્ચ કરવા પર ભાર મૂકવામાં આવે છે.
ખેડા કહે છે, "આ આપણને અમેરિકન સ્ટાઇલની સ્વાસ્થ્ય સિસ્ટમ તરફ ધકેલી રહ્યું છે, જે ખર્ચાળ છે અને તેમ છતાં તેનાં ખરાબ સ્વાસ્થ્ય પરિણામ છે."
તો મોદી સરકારની 2018માં લાગુ કરાયેલી મહત્ત્વાકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના કોરોનાકાળ દરમિયાન પણ ઓછી ઉપયોગમાં લેવાઈ છે.
સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉક્ટર શ્રીનાથ રેડ્ડી કહે છે, "તેની ઘણા સમયથી રાહ જોતા હતા, પણ તેમાં વધુ સંસાધનોની જરૂર છે."
તેમણે કહ્યું કે કોવિડ ભારત માટે એક જાગી જવાના સંદેશ સમાન છે કે પ્રાથમિક સ્વાસ્થ્ય સિસ્ટમ પર વધુ ખર્ચ કરવો જોઈએ.
કૃષિક્ષેત્ર
ભારતમાં કામ કરતા લોકોની અડધીથી વધુ જનસંખ્યા કૃષિ ક્ષેત્રના રોજગારીમાં લાગેલી છે, પરંતુ તેનું જીડીપીમાં યોગદાન ઘણું ઓછું છે.
લગભગ દરેક એ વાતને માને છે કે ભારતના કૃષિ ક્ષેત્રમાં સુધારાની જરૂર છે. બજાર સમર્થિત કૃષિકાયદાઓ ગત વર્ષે પાસ કર્યા બાદ ગુસ્સે થયેલા ખેડૂતોનું વિરોધપ્રદર્શન ચાલુ છે. તેમનું કહેવું છે કે આ તેમની આવકને ઓછી કરી દેશે.
વડા પ્રધાન મોદીએ વાયદો કર્યો હતો કે તેઓ ખેડૂતોની આવક બમણી કરશે અને તેઓ દોહરાવી રહ્યા છે કે નવા કૃષિકાયદાને લઈને ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.
જોકે વિશેષજ્ઞોનું માનવું છે કે આ ટુકડે-ટુકડે થઈ રહેલા સુધારાથી બહુ ઓછું મેળવી શકાશે.
અર્થશાસ્ત્રી પ્રોફેસર આર. રામકુમાર કહે છે કે સરકારે તેના પર ખર્ચ કરવાની જરૂર છે કે ખેતીને કઈ રીતે વધુ સસ્તી અને લાભદાયી બનાવી શકાય.
તેમણે કહ્યું, "નોટબંધીએ સપ્લાય ચેઇનને તબાહ કરી દીધી અને જીએસટીને કારણે 2017થી ઇનપુટ ભાવમાં વધારો નોંધાયો છે. સરકારે પણ 2020 (કોવિડ લૉકડાઉન)ના દુખને ઓછું કરવા માટે ઘણાં ઓછાં કામ કર્યાં છે."
રાનાડે કહે છે કે તેનું સમાધાન ખેતીથી બહાર છે. "ખેતી ત્યારે સારું કરશે, જ્યારે અન્ય ક્ષેત્રો તેના વધારાના શ્રમબળને પોતાનામાં સામેલ કરી લેશે."
CMIE અનુસાર, આ ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારતમાં ખાનગી રોકાણમાં ફરી વાર વધારો થાય, જે 16 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે અને સંભવતઃ વડા પ્રધાન મોદી માટે આ સૌથી મોટો આર્થિક પડકાર છે.
ડેટા : કિરન લોબોચાર્ટ : સાદાબ નઝ્મી
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો