You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોવૅક્સિન : ભારતમાં જ બનેલી હોવા છતાં કોરાનાની આ રસી આટલી મોંઘી કેમ છે?
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2020ના ઑગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભારત બાયૉટેકના ચૅરમૅન ડૉ. કૃષ્ણા એલાને સવાલ કરવામાં આવ્યો હતો કે "તમારી કંપની જે કોવૅક્સિન બનાવી રહી છે, તેનો ભાવ સામાન્ય લોકોને પરવડશે?"
ડૉ. કૃષ્ણા એલાએ જવાબ આપતાં કહ્યું હતું કે "પાણીની એક બૉટલ કરતાં વૅક્સિનની કિંમત ઓછી હશે."
ડૉ. કૃષ્ણા એલાનું એ નિવેદન દસ મહિના પછી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે દસ મહિનામાં એવું તે શું થયું કે ખાનગી હૉસ્પિટલોમાં લોકોને આપવામાં આવતી કોવૅક્સિન, ભારતમાં વેચાતી સૌથી મોંઘી વૅક્સિન બની ગઈ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી આઠમી જૂને બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, કોવૅક્સિનની કિંમત 1200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના ઉપર 60 રૂપિયા જીએસટી અને 150 રૂપિયા સર્વિસ ચાર્જ ઉમેરીને લોકોને તે વૅક્સિન 1410 રૂપિયામાં મળશે. બીજી તરફ કોવિશિલ્ડની કિંમત 780 રૂપિયા અને સ્પુતનિક- Vની કિંમત 1145 રૂપિયા હશે.
આરોગ્ય મંત્રાલયના આદેશ પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે સ્વદેશી હોવા છતાં કોવૅક્સિન આટલી મોંઘી કેમ છે?
રસી બનાવવાનો ખર્ચ કોણ-કોણ કરે છે?
કિંમત વિશે જાણતા પહેલાં એ જાણવું જરૂરી છે કે વૅક્સિન બનાવવાની પ્રક્રિયા કેવી હોય છે અને એ માટે કોણ-કોણ પૈસા ખર્ચતું હોય છે. આ સમજવા માટે અમે ભોપાલસ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (આઈઆઈએસઈઆર)ના મુખ્ય વિજ્ઞાની ડૉ. અમજદ હુસૈન સાથે વાત કરી હતી.
ડૉ. અમજદ હુસૈને ફોન મારફત વાત કરતાં બીબીસીને કહ્યું હતું કે "વૅક્સિન કઈ રીતે બનાવવામાં આવી છે, તેમાં કઈ ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના પર બધો આધાર હોય છે. જે ટેકનૉલૉજીથી કોવૅક્સિન બનાવવામાં આવી રહી છે તેમાં ઇનઍક્ટિવેટેડ બેઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનૉલૉજી બીજી ટેકનૉલૉજીની સરખામણીએ વધારે ખર્ચાળ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કોવૅક્સિનના નિર્માણની ટેકનૉલૉજીમાં વાઇરસને કોષમાં કલ્ચર કરવામાં આવે છે. પછી તેને ઇનઍક્ટિવ કરવામાં આવે છે."
"વાઇરસના કલ્ચરની પ્રક્રિયામાં વધુ સમય લાગે છે. એ ઉપરાંત ફાઇનલ વૅક્સિન તૈયાર થાય એ પહેલાં તેનું અનેક સ્તરે પરીક્ષણ થતું હોય છે. સૌપ્રથમ પ્રી-ક્લિનિકલ સ્ટડી, જેમાં કોષનું પરિક્ષણ કરવામાં આવે છે. એ પછી ત્રણ તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલ યોજવામાં આવે છે. એ પ્રક્રિયામાં પણ મોટો ખર્ચ થાય છે."
"દરેક દેશમાં કેટલાક નિયમો સમાન હોય છે, પણ કેટલાક નિયમો અલગ હોય છે. ટ્રાયલનાં પરિણામના આધારે દેશની નિયામક સંસ્થાઓ વૅક્સિનની ઉપયોગની પરવાનગી આપતી હોય છે. એ પછી વૅક્સિનનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં પણ પુષ્કળ ખર્ચ થાય છે. પ્રક્રિયાના આ તબક્કમાં ક્વૉલિટી મૉનિટરિંગ બહુ મહત્ત્વનું હોય છે. ગુણવત્તાની ચકાસણી બાદ વૅક્સિનને ઉપયોગ માટે વૅક્સિનેશન સેન્ટર્સ પર મોકલવામાં આવે છે."
"આ બધાનો અર્થ એ થયો કે વૅક્સિનની કિંમત માત્ર ટેકનૉલૉજી પર જ આધારિત હોતી નથી. વૅક્સિનની ટ્રાયલ, ઉત્પાદન, જાળવણી અને ક્વૉલિટી કંટ્રોલ પર પણ તે નિર્ભર હોય છે."
ભારત બાયૉટેક વૅક્સિન ટેકનૉલૉજી માટે કેટલો ખર્ચ કરે છે?
કોવૅક્સિનની કિંમત આટલી વધારે કેમ છે એ જાણવા માટે એ સમજવું અત્યંત જરૂરી છે કે ભારત બાયૉટેકે કોવૅક્સિન બનાવવા માટે કેટલો ખર્ચ કર્યો છે.
સૌથી પહેલાં ટેકનૉલૉજીની વાત કરીએ. કોવૅક્સિન ઇનઍક્ટિવેટેડ વાઇરસ વૅક્સિન છે. તેને મૃત વાઇરસના ઉપયોગ વડે બનાવવામાં આવી છે.
આ કારણસર કોવૅક્સિનનું મોટા પાયે એટલું ઝડપભેર ઉત્પાદન કરી શકાતું નથી જેટલું વેક્ટર બેઝ્ડ વૅક્સિન બનાવવા માટે કરી શકાય. જે નિશ્ચિત સમયમર્યાદામાં વેક્ટર બેઝ્ડ 100 વૅક્સિન બનાવી શકાય એ જ સમયમર્યાદામાં માત્ર એક ઇનઍક્ટિવેટેડ વાઇરસ બનતી હોય છે.
આ પ્રકારની વૅક્સિન બનાવવા માટે મૃત વાઇરસને કલ્ચર કરવા પડે છે અને એ કામ ખાસ પ્રકારના બાયૉ સેફટી લેવલ -3 (BSL3) લૅબોરેટરીમાં જ કરી શકાય છે.
ટ્રાયલના પ્રારંભિક તબક્કામાં ભારત બાયૉટેક પાસે માત્ર એક BSL3 લૅબોરેટરી હતી, પણ હવે તેની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. એ ચારેય લૅબોરેટરીઝમાં મૃત વાઇરસના કલ્ચરનું કામ ચાલી રહ્યું છે. એ માટે કંપનીએ તોતિંગ ખર્ચ કર્યો છે.
પૂણેની આઈઆઈએસઈઆર સાથે જોડાયેલાં ડૉ. વિનીતા બાલે BSL3 લૅબોરેટરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેમાં કામ કરતા લોકોએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
તેમના કહેવા મુજબ, લૅબોરેટરીના કર્મચારીઓએ પીપીઈ કિટ જેવું પ્રોટેક્ટિવ કવરિંગ પહેરવું પડે છે. તે મોંઘુંદાટ હોય છે.
ડૉ. વિનીતા બાલે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે "ધારી લો કે વૅક્સિનના એક ડોઝમાં દસ લાખ વાઇરલ પાર્ટિકલ હોય છે. વાઇરસ સંપૂર્ણપણે વિકસે ત્યારે તેમાં આટલા મોટા પ્રમાણમાં વાઇરલ પાર્ટિકલ બનતાં હોય છે. દસ લાખ વાઇરલ પાર્ટિકલ માટે તેનાથી પણ અનેક ગણા વધુ પાર્ટિકલ તૈયાર કરવા પડે. તેમાં સાવચેતી રાખવી વડે અને સમય પણ ઘણો લાગે."
"વાઇરસ બહુ ખતરનાક છે એટલે આ સમગ્ર પ્રક્રિયા સલામતીના તમામ નિયમો અનુસાર BSL3 લૅબોરેટરીમાં કરવામાં આવે છે. વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો જેટલી આસાનીથી BSL1 કે BSL2 લૅબોરેટરીમાં કામ કરી શકતા હોય છે એટલી આસાનીથી BSL3 લૅબોરેટરીમાં કામ કરી શકતા નથી."
ડૉ. વિનીતા બાલે કહ્યું હતું કે "પહેલી વાત એ કે આ પ્રકારની સુવિધા ધરાવતી લૅબોરેટરીઓ જૂજ છે. વળી આવી લૅબોરેટરી બનાવવામાં ચારથી આઠ મહિનાનો સમય લાગે છે. આવી લૅબોરેટરીમાં કામ કરનારા લોકોને ખાસ પ્રકારની ટ્રેનિંગ પણ આપવી પડે છે."
બે કે ચાર કંપનીઓ કોવૅક્સિન બનાવવાનું શરૂ કરે એવી વાત આ કારણસર જ ચાલી રહી છે.
એ માટે ભારત બાયૉટેકે તે કંપનીઓ સાથે તેની વૅક્સિન ફૉર્મ્યૂલા શૅર કરવી પડશે. એ કામમાં કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે.
ક્લિનિકલ ટ્રાયલ પર કેટલો ખર્ચ થાય છે?
ડૉ. કૃષ્ણા એલાએ તાજેતરમાં એક ટેલિવિઝન શોમાં કહ્યું હતું કે "અમે વૅક્સિન માટે કરેલા ખર્ચના મોટા હિસ્સાનું વળતર વૅક્સિન વેચીને મેળવી શકીએ તેવું એક કંપની તરીકે અમે ઇચ્છીશું."
"વૅક્સિનની ટ્રાયલ તથા બીજી બાબતોમાં ઘણો ખર્ચ થતો હોય છે. અમને વૅક્સિનના વેચાણમાંથી જે પૈસા મળશે તેનો ઉપયોગ ભવિષ્યમાં રિસર્ચ તથા ડેવલપમૅન્ટ માટે કરીશું, જેથી ભાવિ રોગચાળા માટે અમે તૈયાર રહી શકીએ."
ભારત બાયૉટેકનો દાવો છે કે કોવૅક્સિનની ટ્રાયલ માટે તેણે લગભગ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેમાં કેન્દ્ર સરકારની કોઈ મદદ લીધી નથી.
કંપનીનું કહેવું છે કે તેમણે પોતાની જવાબદારી સમજીને એ ખર્ચ કર્યો હતો. તેથી એ માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ માગણી કરી ન હતી.
વૅક્સિનના ઉત્પાદનની ધીમી ગતિ કેમ?
ડૉ. કૃષ્ણા એલાનું કહેવું છે કે "આજ સુધીમાં દુનિયામાં એકેય કંપનીએ એક વર્ષમાં ઇનઍક્ટિવેટેડ વાઇરસ વૅક્સિનના 15 કરોડથી વધુ ડોઝ બનાવ્યા નથી. વૅક્સિન બનાવવાની ગતિ ધીમી છે એ જાણવા છતાં ભારત બાયૉટેકે વર્ષમાં 70 કરોડ ડોઝ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે."
"આ કારણસર ઘણા લોકો કહે છે કે અમારી સરખામણીએ બીજી કંપનીઓ વધુ ઝડપથી વધારે પ્રમાણમાં ડોઝ તૈયાર કરી રહી છે, પણ એ લોકોએ સમજવું જોઈએ કે કોવૅક્સિન સંબંધે આવી સરખામણી કરવાનું તદ્દન અયોગ્ય છે."
ભારત બાયૉટેકની વૅક્સિન ઓછા સમયમાં જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં બનાવવી શક્ય નથી એ સ્પષ્ટ છે.
ભારતમાં 90 ટકા લોકોને કોવિશિલ્ડ વૅક્સિન આપવામાં આવી રહી છે અને માત્ર 10 ટકા લોકોને કોવૅક્સિનનો ડોઝ મળી રહ્યો છે તેનું આ પણ એક મોટું કારણ છે, પણ નિર્માણખર્ચ મોટો હોવાને કારણે કંપનીએ તે 10 ટકામાંથી જ સંપૂર્ણ વળતર મેળવવાનું છે.
કેટલા દેશો સાથે કર્યા છે કરાર?
ખર્ચનું વળતર મેળવવાની એક રીત વિદેશમાં વૅક્સિન વેચીને કમાણી કરવાની પણ છે.
કંપની તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વૅક્સિન બાબતે 60 દેશો સાથે તેની વાતચીત ચાલી રહી છે.
ઝિમ્બાબ્વે, મૅક્સિકો, ફિલિપાઇન્સ અને ઈરાન જેવાં કેટલાંક રાષ્ટ્રોમાં ઇમર્જન્સીમાં કોવૅક્સિનના ઉપયોગની પરવાનગી પણ મળી ચૂકી છે.
ઘણા દેશોમાં એવી પરવાનગી મળવાની બાકી છે. બ્રાઝિલ તથા અમેરિકા જેવા દેશો સાથે કંપની કરાર કરી શકી નથી.
કંપનીનું કહેવું છે કે બીજા દેશોને પણ તે 15-20 ડૉલરના ભાવે કોવૅક્સિન વેચી રહી છે. ભારતીય ચલણમાં તેની કિંમત 1000-1500 રૂપિયા થાય.
કેન્દ્ર સરકાર માટે ઓછો ભાવ
બીબીસીએ ભારત બાયૉટેક અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય બન્નેને કોવૅક્સિનની કિંમત બાબતે પૃચ્છા કરી હતી, પણ બન્ને તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
જોકે, ભારત બાયૉટેકના એક અધિકારીએ તેની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે ભારત બાયૉટેક પાસેથી ભારત સરકાર 150 રૂપિયાની કિંમતે જ વૅક્સિન ખરીદી રહી છે.
તેનો અર્થ એ થયો કે કંપનીના કુલ ઉત્પાદનનો જે 75 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર ખરીદશે, તેમાંથી કંપનીને કોઈ કમાણી થશે નહીં.
અલબત્ત, ઍસોસિયેશન ઑફ હેલ્થકેર પ્રોવાઇડર્સ (એએચપી) ઇન્ડિયાના અધ્યક્ષ ડૉ. ઍલેક્ઝાન્ડર થૉમસે બીબીસીને જણાવ્યું હતું કે વૅક્સિનની ઊંચી કિંમતને કારણે અનેક નાની હૉસ્પિટલો દેશના રસીકરણ અભિયાનમાં જોડાઈ શકતી નથી.
તેમણે કહ્યું હતું કે "દેશની 70 ટકા વસતીની આરોગ્યસેવાનું ધ્યાન પ્રાઇવેટ સૅક્ટરની હૉસ્પિટલો રાખે છે. તેથી તેમને 25 ટકા વૅક્સિન આપવાની કોઈ જોગવાઈ હોવી જોઈએ."
તેમણે ઉમેર્યું હતું કે "કેન્દ્ર સરકાર વૅક્સિન ખરીદીને ખાનગી હૉસ્પિટલોને પણ ઉપલબ્ધ કરાવી શકે તો પ્રાઇવેટ હૉસ્પિટલો માત્ર સર્વિસ ચાર્જ લઈને લોકોને વૅક્સિન આપી શકે. એ રીતે વૅક્સિનેશનની જવાબદારીનો બધો ભાર મોટી હૉસ્પિટલોના માથે નહીં આવી પડે. વૅક્સિનની કિંમતને કારણે તેનો મોટો ઑર્ડર નહીં આપી શકતી નાની હૉસ્પિટલો પણ તેમાં જોડાઈ શકશે."
એએચપી ઇન્ડિયા સમગ્ર દેશમાં નાની ખાનગી હોસ્પિટલો સાથે મળીને કામ કરે છે.
વૅક્સિન નીતિમાં ફેરફારથી કેટલું નુકસાન?
દેશની વૅક્સિન નીતિમાં હાલમાં કરવામાં આવેલા ફેરફારને કારણે પણ ભારત બાયૉટેકને મોટું નુકસાન થયું છે.
પહેલાં કેન્દ્ર સરકાર માટે કોવૅક્સિનની કિંમત 150 રૂપિયા હતી અને રાજ્યો માટે તેની કિંમત 300-400 રૂપિયા હતી, પણ વડા પ્રધાનના હાલના આદેશ પછી રાજ્યોને આપવામાં આવનારી વૅક્સિનનો 25 ટકા હિસ્સો પણ હવે કેન્દ્ર સરકાર જ ખરીદશે.
તેનો અર્થ એ થયો કે અત્યાર સુધી રાજ્યોને 300-400 રૂપિયાના ભાવે વૅક્સિન વેચીને ભારત બાયૉટેકને જેટલા પૈસા મળી ગયા એ મળી ગયા, હવે પછી એવું નહીં થાય.
એ નુકસાનની થોડી ભરપાઈ માટે કંપનીએ પ્રાઇવેટ હૉસ્પિટલો માટેના વૅક્સિનના ભાવમાં વધારાનો પ્રયાસ કર્યો છે.
અગાઉ પ્રાઇવેટ હૉસ્પિટલોને જે કોવૅક્સિન 1200 રૂપિયાના ભાવે મળતી હતી એ હવે 1410 રૂપિયાના ભાવે મળશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો