કોરોનાના દરદીઓની આપવીતી : 'ત્યાં કોઈ ડૉક્ટર નહોતા, બધા જ ભાગી ગયા હતા'

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીમાં એપ્રિલ મહિનામાં હૉસ્પિટલના એક વોર્ડમાં છ એકલા લોકોનાં મોત થયાં હતાં, જેમને ડૉક્ટરોએ કોવિડ-19ની બીજી ઘાતક લહેર વચ્ચે છોડી દીધા હતા.

વોર્ડમાં છોડી દીધેલા મૃતદેહોનો એક વીડિયા વાઇરલ થયો, જેમાં દર્શાવાયું કે એ રાતે શું થયું હતું.

ફુટેજમાં જોવા મળતું હતું કે કૅમેરા ફોન ચારે તરફ ફરતો રહે છે, ત્યારે એક વ્યક્તિનો બૅકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે.

તે કહે છે, ન તો ડૉક્ટર છે, ન તો કોઈ કૅમિસ્ટ. રિસેપ્શન પર પણ કોઈ નથી. સ્વજનો પથારીપથારીએ જાય છે અને તેનાં સગાંઓને પુનર્જીવિત કરવાની કોશિશ કરે છે.

"તમે હોવા છતાં ડૉક્ટરો દર્દીઓને મરેલા છોડીને કેવી રીતે ભાગી શકે," એક વ્યક્તિ પોલીસ અધિકારીને પૂછતી જોવા મળે છે.

"મૃત્યુ", એક અન્ય વીડિયોમાં એક વ્યકિત કહે છે. "મૃત્યુ, બધાનાં મૃત્યુ."

"આઈસીયુ સૂમસામ હતા"

વીડિયો 30 એપ્રિલે રાતે દિલ્હીના ઉપનગર ગુરુગ્રામની કૃતિ હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં શૂટ કરેલો હતો.

મૃતકોના સ્વજનોએ કહ્યું કે હૉસ્પિટલ પરિસરમાં કોઈ ડૉક્ટર જોવા ન મળ્યા એટલે તેઓ આઈસીયુમાં ઘૂસી ગયા. તો આઈસીયુ પણ સૂમસામ હતા. તેમણે ડૉક્ટરો પર હૉસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ જવા દર્દીઓને છોડી દીધાનો આરોપ લગાવ્યો.

હૉસ્પિટલના ડૉક્ટરોનું કહેવું હતું કે તેઓ સ્વજનોની હિંસાના ડરથી ભાગી ગયા હતા. તો સ્વજનોનું કહેવું છે કે તેમણે ક્યારે કોઈ ધમકી નહોતી આપી.

એક મહિના પછી પણ મોતના કારણની તપાસ હજુ બાકી છે. કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર યશ ગર્ગ જણાવી ન શક્યા કે તપાસ ક્યાં સુધી પૂરી થશે.

પરિવારજનો માટે પોતાની લડત ચાલુ રાખવા માટે પ્રોત્સાહન જેવું હવે કંઈ નથી.

'અમને અમારા સ્વજનો માટે ન્યાય જોઈએ છે'

ભારતમાં એપ્રિલ સુધી ઓક્સિજનની કમી એક રાષ્ટ્રવ્યાપી ચિંતા હતી, કેમ કે કોરોના વાઇરસની બીજી લહેરે ભારતની સ્વાસ્થ્ય પ્રણાલીને હચમચાવી નાખી હતી. હૉસ્પિટલો દર્દીઓ ભરેલી હતી અને બહાર સ્ટ્રેચર પર દર્દીઓનાં મોત થતાં, સ્મશનોમાં પણ જગ્યા નહોતી.

હૉસ્પિટલો અને પરિવારજનોની ખૂબ સંઘર્ષ છતાં દર્દીઓનાં મોત થયાં હતાં. ડૉક્ટરો અને દર્દીઓના સ્વજનોની એકસરખી અપીલ આ સ્થિતિને લઈને સોશિયલ મીડિયામાં પણ જોવા મળતી હતી.

છ લાવારિસ દર્દીઓનાં મોત અનેક ત્રાસદીમાંની એક ઘટના હતી, પણ વીડિયો ફુટેજ જોઈને બધા હલબલી ગયા હતા.

પરંતુ જ્યારે આ કહાણી હેડલાઇનમાંથી એક સામાન્ય કહાણી બની ત્યારે પાછળ છૂટી ગયેલા લાડકવાયાના જીવનમાં મોહભંગની પરિસ્થિતિ સર્જાવા લાગી.

કરુણાંતિકા પછી સર્જાયેલું વૉટ્સઍપ ગ્રૂપ, જે ક્યારેક આશા અને સહાયના સંદેશાઓથી છલકાતું હતું. તે હવે નિરાશા અને ઉદાસીથી ઉભરાઈ રહ્યું છે.

એ રાતે પિતાને ગુમાવનારા 17 વર્ષીય નમો જૈને ગ્રૂપમાં લખ્યું કે "અમે અમારા પ્રિયજનો માટે ન્યાય ઇચ્છીએ છીએ."

જે થયું એના પહેલાં લોકો એકબીજાને જાણતા નહોતા, તેઓ માત્ર વૉટ્સઍપ ગ્રૂપના માધ્યમથી એકબીજાને જાણતા હતા.

નિરુપમા વર્માએ કહ્યું કે "અમે એકબીજાને ચહેરાથી જાણતા નથી, પણ અમારે એકબીજાને સમર્થન આપવા માટે સાથે રહેવું જોઈએ." એ રાતના મૃતકોમાં નિરુપમા વર્માનાં માતા ગીતા સિન્હા પણ સામેલ હતાં.

"દર્દીઓની સંભાળ લેવા માટે કોઈ હાજર નહોતું?"

અમનદીપ ચાવલા (તેમના પિતા એ છ લોકોમાં સામેલ હતા, જેમનું મોત થયું હતું)એ કહ્યું કે તેમને કૃતિ હૉસ્પિટલમાં ઓક્સિજનની કમી અંગે જણાવ્યું નહોતું.

તેમણે કહ્યું કે "અમને (હૉસ્પિટલના કર્મચારીઓ દ્વારા) આશ્વાસન અપાયું હતું કે બે વાહન ઓક્સિજન માટે નીકળ્યાં છે, માટે ચિંતા કરવાનું કોઈ કારણ નથી."

ચાવલાએ કહ્યું કે મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઓક્સિજન સિલિન્ડરો જોયા હતા, પણ નવ વાગ્યા સુધીમાં મોટા ભાગના ગાયબ થઈ ગયા હતા. આથી દર્દીઓમાં ભય ફેલાઈ ગયો હતો.

જેમજેમ રાત વધતી ગઈ પરિવારોની ચિંતા પણ વધતી ગઈ. કેટલીક ઘટનાઓને આધારે તેમને લાગ્યું કે કર્મચારીઓ ગાયબ થઈ હતા. આથી કેટલાકે આઈસીયુની તપાસ કરવાનું નક્કી કર્યું.

ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે પોતાના પ્રિયજનોના મૃતદેહ જ પડ્યા હતા અને વોર્ડમાં કોઈ નહોતું.

ચાવલાએ કહ્યું કે "કોઈ ડૉક્ટર નહોતા, કોઈ હૉસ્પિટલના કર્મચારીઓ નહોતા, બધા ભાગી ગયા હતાં."

બીબીસી એ રાતની ઘટનાની ચોક્કસ માહિતી મેળવી શક્યું નથી. એ સ્પષ્ટ નથી કે હૉસ્પિટલના કર્મચારીઓ ક્યારે વોર્ડમાંથી ભાગી ગયા હતા અને એ સમયે દર્દીઓ જીવિત હતા કે નહીં.

"અમને કહેવું તો હતું કે કે હૉસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ ગયો છે"

હૉસ્પિટલનાં માલિક સ્વાતિ રાઠોડે બીબીસીને જણાવ્યું કે પરિવારના કેટલાક સભ્યો દ્વારા તેમના પર હુમલો થયા બાદ સ્ટાફ થોડા સમય માટે "છુપાઈ ગયો" હતો. જોકે આ આરોપોનો સ્વજનો ઇનકાર કરે છે.

સ્વાતિ રાઠોડે કહ્યું કે "સુરક્ષા માટે છુપાવવું અને દર્દીઓને છોડી મૂકવામાં ફરક છે. તેમણે કહ્યું કે તેમણે પોતાના કર્મચારીઓને પોલીસ ન બોલાવે ત્યાં સુધી બહાર નહીં નીકળવાનું કહ્યું હતું.

રાઠોડે બીબીસીને એક વીડિયો મોકલ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે સ્ટાફ પર હુમલો કરતા અને હૉસ્પિટલમાં તોડફોડ કરતા લોકો જોવા મળતા હતા.

તેમણે કહ્યું કે આઈસીયુમાં દર્દીઓનાં મોતની રાતે પણ એવું જ થયું હતું.

રાઠોડે કહ્યું કે "હવે અમે વધુ માર સહન નહીં કરીએ."

પરિવારો ન માત્ર વોર્ડ છોડવા માટે પણ ઓક્સિજનની કમી અંગે પણ હૉસ્પિટલને જવાબદાર ગણે છે.

નમો જૈને કહ્યું કે "કોઈએ અમને જણાવવાની જરૂર હતી કે હૉસ્પિટલમાં ઓક્સિજન ખતમ થઈ ગયો છે."

તેમણે કહ્યું કે તેમની પાસે ઘરે ત્રણ સિલિન્ડર હતા, પણ તેમની બહેન એક સિલિન્ડર લઈને હૉસ્પિટલ આવે એ પહેલાં તેમના પિતાનું મોત થઈ ગયું હતું.

જુગેશ ગુલાટી (જેમના પિતા હૉસ્પિટલમાં ભરતી હતા અને જીવિત છે)એ કહ્યું કે તેમને વધુ એક સિલિન્ડર લીધું હતું, કેમ કે કર્મચારીઓએ તેમને સંભવિત ઓક્સિજનની ઘટ અંગે જાણ કરી હતી. જોકે ઘણા અન્ય પરિવારોએ બીબીસીને જણાવ્યું કે તેમને કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી નહોતી.

આ દરમિયાન ભોગ બનેલા સ્વજનોને જોડનારા વૉટ્સઍપ ગ્રૂપમાં નિઃસહાયતાની વધતી ભાવના દર્શાવે છે.

"આ ગ્રૂપમાં રહેવાનો કોઈ મતલબ છે," નિરાશ થયેલા જૈને ગ્રૂપમાં લખ્યું.

વર્માએ તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે લખ્યું, "આપણે એકસાથે લડીશું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો