બુર્કિના ફાસો હુમલો : આફ્રિકન ગામમાં ગોળીબારમાં 160થી વધુ લોકોનાં મૃત્યુ

બુર્કિના ફાસો સરકારનું કહેવું છે કે દેશના ઉત્તર વિસ્તારમાં વસેલા યાઘા પ્રાંતના એક ગામમાં થયેલા હુમલામાં 160 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં સાત બાળકો પણ સામેલ છે.

સરકારનું કહેવું છે કે હાલના વર્ષોમાં થયેલ આ સૌથી ભયંકર હુમલો છે.

રાત્રે બંદૂકધારીઓએ યાઘા પ્રાંતના સાહેલ વિસ્તારના સોલાન નામના ગામ પર હુમલો કર્યો. આ દરમિયાન તેમણે ઘરો અને સ્થાનિક બજારોમાં આગચંપી કરી દીધી હતી.

હજુ સુધી કોઈ પણ ચરમપંથી સમૂહે આ હુમલાની જવાબદારી નથી લીધી, પરંતુ હાલનાં વર્ષોમાં દેશના સીમાડે આવેલા વિસ્તારોમાં, ખાસ કરીને નાઇજર અને માલી સાથે જોડાયેલા વિસ્તારોમાં ઇસ્લામી ચરમપંથી સમૂહના હુમલાનું પ્રમાણ વધ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેશે આ હુમલાની નિંદા કરી અને આક્રોશ વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે, "હું કડક શબ્દોમાં આ જઘન્ય હુમલાની નિંદા કરું છું. આંતરરાષ્ટ્રીય સમુદાયે હિંસક ચરમપંથ અને તેનાં કારણે થઈ રહેલાં મૃત્યુ સામે ઝઝૂમવા માટે પોતાના સભ્ય દેશોને અપાતી મદદ બમણી કરી દે."

દેશમાં રાષ્ટ્રીય શોક પળાશે

બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિ રૉક કેબોરે આ ઘટના સંદર્ભે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત કરી છે.

તેમણે એક ટ્વીટમાં લખ્યું કે, "દુષ્ટ તાકાતો વિરુદ્ધ આપણે એક સાથે અડગ ઊભા રહેવું પડશે."

તેમણે કહ્યું કે સુરક્ષા દળના જવાનો હુમલાખોરોને શોધી રહ્યા છે.

શુક્રવારે અન્ય એક હુમલામાં સોલાના શહેરથી 150 કિલોમિટર દૂર સ્થિત તદરયાત ગામના 14 લોકોના જીવ ગયા હતા.

તેમજ બુર્કિના ફાસોના પૂર્વ વિસ્તારમાં પાછલા મહિને થયેલ વદુ એક મોટા હુમલામાં 30 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો