વૅક્સિન કંપનીઓને અપાતી ઍન્ડેમ્નિટી શું છે અને તમને તેનાથી શું ફરક પડશે?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઘણા દિવસોથી એવી ખબરો આવી રહી છે કે ભારત સરકાર વૈશ્વિક દવાકંપની ફાઇઝર અને મૉડર્નાને વૅક્સિનની નિકાસ માટે ઍન્ડેમ્નિટી આપી શકે છે.

તેનો મતલબ એ કે જો આ કંપનઓની રસી લીધા બાદ કોઈ વ્યક્તિને આડઅસર થાય તો ભારત તેમના પર કેસ ન કરી શકે.

રિપોર્ટો અનુસાર, ફાઇઝર અને મૉડર્નાએ ભારત માટે પોતાની રસીની નિકાસ માટે ઍન્ડેમ્નિટીની શરત રાખી છે.

આ મામલે કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું કે કોઈ વિદેશી કે ભારતીય રસીનિર્માતાને 'નુકસાનની ક્ષતિપૂર્તિથી કાયદાકીય સંરક્ષણ' આપવા પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

નીતિ આયોગના સભ્ય ડૉક્ટર વી.કે. પૉલે કહ્યું કે આવા નિર્ણયો 'દેશ અને લોકોના હિતમાં લેવામાં' આવે છે.

આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં પોતાની બધી વયસ્ક વસતીને રસીકરણ કરવાની જાહેરાત કરી ચૂકેલું ભારત આ સમયે રસીની ભારે અછતનો સામનો કરી રહ્યું છે.

આ લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતે રોજના સરેરાશ 86 લાખ લોકોને રસી આપવી પડશે.

આ સ્થિતિમાં ભારત સરકારે ફાઇઝર અને મૉડર્નાની રસીને આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી આપી છે. જોકે હજુ સુધી બંને કંપનીઓની રસી ભારત સુધી પહોંચી નથી.

ફાઇઝર ભારતને કેટલા ડોઝ આપશે એ માહિતી હજુ સુધી સાર્વજનિક કરાઈ નથી. જો ભારત સરકાર અને ફાઇઝર વચ્ચે બધું સારું રહ્યું તો ફાઇઝર જુલાઈથી ઑક્ટોબરની વચ્ચે ભારતને રસી નિકાસ કરી શકે છે.

ભારત સરકાર અને ફાઇઝર વચ્ચે થનારા અનુબંધના ઍન્ડેમ્નિટી ક્લૉઝમાં શું છે એ હજુ સુધી સાર્વજનિક નથી. ફાઇઝરના એક અધિકારીએ હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું કે "ફાઇઝર ભારતમાં પોતાની રસી ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર સાથે વાત કરી રહી છે. જોકે હજુ વાતચીત ચાલુ હોવાથી અમે તેના અંગે વધુ જાણકારી આપી ન શકીએ."

ઍન્ડેમ્નિટી ક્લૉઝ શું હોય છે?

ઍન્ડેમ્નિટીનો સીધોસાદો મતલબ એ થાય છે કે હાનિથી સુરક્ષા એટલે કે કોઈ કંપનીને પોતાની કોઈ પ્રોડક્ટ માટે ઍન્ડેમ્નિટી હાંસલ છે તો તેનાથી કોઈ હાનિ થવા પર તેના પર કેસ દાખલ કરી શકાતો નથી.

બંને પક્ષો વચ્ચે કાયદાકીય અનુબંધોમાં જો ઍન્ડેમ્નિટી ક્લૉઝ પણ સામેલ છે, તો તેનો મતલબ એ છે કે સુરક્ષા પ્રાપ્ત પક્ષ કોઈ ત્રીજા પક્ષને થનારી હાનિની ભરપાઈ નહીં કરે.

પણ તેને એવી રીતે સમજીએ કે જો ફાઇઝર (પહેલો પક્ષ)ની ભારતમાં (બીજો પક્ષ) રસી લગાવવાથી કોઈ ભારતીય નાગરિક (ત્રીજો પક્ષ)ને કોઈ આડઅસર થાય તો ત્રીજો પક્ષ એટલે કે સામાન્ય લોકો ફાઇઝર પર ભારતમાં કોઈ કેસ દાખલ નહીં કરી શકે. એટલે કે ફાઇઝરની રસીને ભારતમાં કાયદાકીય સુરક્ષા પ્રાપ્ત હશે.

આ તરફ, ડૉક્ટર પૉલે શુક્રવારે કહ્યું કે, "સૈદ્ધાંતિક રૂપે વિદેશી રસીનિર્માતાઓને એ આશા છે કે તેમને 'નુકસાનની ક્ષતિપૂર્તિથી કાયદાકીય સંરક્ષણ' આપવું જોઈએ. તેમની દલીલ છે કે દુનિયાભરમાં તેમને આ કાયદાકીય સંરક્ષણ અપાઈ રહ્યું છે."

"અમે અન્ય દેશો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને તેની પુષ્ટિ કરવા માટે કહ્યું છે. એ સાચું છે કે તેમણે આ રીતના કાયદાકીય સંરક્ષણ બાદ જ રસીની આપૂર્તિ કરી છે. આ વાત હકીકત લાગે છે. કેટલીક કંપનીઓએ તેના માટે આગ્રહ કર્યો છે અને અમે તેમની સાથે વાત કરી રહ્યા છીએ, પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી."

સામાન્ય રીતે ઍન્ડેમ્નિટી ક્લૉઝ સંભવિત નુકસાનની ભરપાઈથી બચવા માટે લાગુ કરવામાં આવે છે, જેથી સંબંધિત પક્ષનું જોખમ ઓછું થઈ શકે.

પણ સવાલ એ થાય છે કે જેને નુકસાન થયું છે, તેની ભરપાઈ કોણ કરશે?

ઍન્ડેમ્નિટી અનુબંધ સામાન્ય રીતે બે પક્ષો વચ્ચે થાય છે, જેમાં એક પક્ષને સુરક્ષા મળે છે અને બીજો પક્ષ તેને સુરક્ષાની ગૅરંટી આપે છે.

અત્યાર સુધી એવું અનુમાન હતું કે ફાઇઝર અને ભારત સરકાર વચ્ચે થનારા અનુબંધમાં ભારત સરકાર ગૅરન્ટરની ભૂમિકામાં હશે, એટલે કે નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી ભારત સરકારની હશે. પણ એ જ્યારે અનુબંધ સાર્વજનિક થશે ત્યારે જ સ્પષ્ટ થઈ શકશે.

સ્વસ્થ ભારત ટ્રસ્ટ સાથે જોડાયેલા ડૉક્ટર મનીષકુમાર દાવો કરે છે કે ભારત સરકારથી પહેલાં જ રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, એવામાં લોકોને તેનાથી સુરક્ષા નહીં મળે.

ડૉ. મનીષકુમાર કહે છે, "ભારત સરકારે રસીને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ એક રીતની ટ્રાયલ છે. ગત વર્ષે સરકારે જે મહામારીના નિયમો જાહેર કર્યા હતા, એ પ્રમાણે કોઈ પણ હૉસ્પિટલ, ડૉક્ટર કે દવાકંપનીઓ સામે ફરિયાદ દાખલ નહીં થઈ શકે."

ડૉ. મનીશકુમાર કહે છે, "સરકાર ઍન્ડેમ્નિટી આપી રહી છે, જો સરકાર ન આપે તો પણ એક વાત તો સ્પષ્ટ છે કે હાલ રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, એટલે કે રસીને લઈને કેસ દાખલ નહીં થઈ શકે."

ડૉ. મનીષ માને છે કે લોકો પાસે પણ બહુ વિકલ્પ નથી. તેઓ કહે છે, "આખી વ્યવસ્થા લોકોનું સાંભળવા માટે રાજી નથી. સામાન્ય લોકો પાસે સરકારના નિર્ણયને માનવા સિવાય કોઈ રસ્તો નથી. સરકાર પર પણ લોકોને રસી આપવાનું દબાણ છે. જો સરકાર ઍન્ડેમ્નિટી ન આપે તો બની શકે કે રસી કંપનીઓ રસી આપે જ નહીં. આ સરકાર સાથે થયેલા સોદાનો ભાગ છે."

તેઓ કહે છે, "સરકારો પાસે, આપણી પાસે રસીને ટ્રાય કરવા સિવાય કોઈ ઉપાય નથી. સરકાર સામે બેવડા પડકારો છે. એક તો રસી નથી અને બીજું લોકો મરી રહ્યા છે. સરકારે લોકોને રસી પણ આપવાની છે અને કાયદો અને વ્યવસ્થા પણ જાળવવાના છે. સરકાર મહામારીના આ સમયે એ અહેસાસ કરવા માગે છે કે તે મોજૂદ છે."

અન્ય કંપનીઓએ પણ માગી ઍન્ડેમ્નિટી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ પણ પોતાની રસી કોવિશિલ્ડ માટે સરકાર પાસે ઍન્ડેમ્નિટી માગી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટનો તર્ક છે કે બધા રસીનિર્માતાઓને (ભલે તે દેશી હોય કે વિદેશી) સરખી સુરક્ષા મળવી જોઈએ. સીરમ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડની નિર્માતા છે અને દુનિયાની સૌથી મોટી રસીઉત્પાદક કંપની છે.

ભારત સરકારે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ કંપનીને રસીના દુષ્પ્રભાવોથી સુરક્ષા આપી નથી. જોકે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર જલદી રસી મેળવવા માટે ફાઇઝર અને મૉડર્નાને ઍન્ડેમ્નિટી આપી શકે છે.

તો ફાઇઝરે દુનિયાભરમાં જે દેશોને રસી આપી છે, ત્યાં તેને ઍન્ડેમ્નિટી મળેલી છે. તેમાં અમેરિકા અને બ્રિટન પણ સામેલ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો