ટ્વિટર-મોદી સરકાર વિવાદ : રવિશંકર પ્રસાદે કહ્યું 'ટ્વિટરને ભારતીયોની ચિંતા હોય તો નિયમોનું પાલન કરવું પડશે'

ભારતના કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે જો સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતમાં કામ કરવું હોય તો તેમણે અહીંના કાયદાઓનું પાલન કરવું પડશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ' અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "ભારત એક પ્રજાસત્તાક છે અને સોશિયલ મીડિયા કંપનીઓ અહીં આવીને વેપાર કરવા અને લાભ કમાવા માટે સ્વતંત્ર છે. સોશિયલ મીડિયા થકી તેમણે સામાન્ય લોકોને સશક્ત બનાવ્યા છે પણ અમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે."

"જો તમારે ભારતમાં કામ કરવું હોય તો અહીંના બંધારણ અને કાયદાને અનુસરવા પડશે."

સોશિયલ મીડિયા અને તેના થકી સામાન્ય લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાની લગામ ખેંચવા અંગેની ચિંતાઓ વિશે તેમણે કહ્યું કે સરકાર દ્વારા જાહેર કરાયેલાં દિશાનિર્દેશ કોઈ પણ વ્યક્તિ વિશેષના વિરુદ્ધ નથી.

તેમણે ઉમેર્યું, "સરકાર અને વડા પ્રધાનની ટીકાની અમે પરવાનગી આપીએ છીએ પણ અહીં મામલો સોશિયલ મીડિયાના દુરુપયોગનો છે. જો કોઈને ફરિયાદ કરવી હોય તો તેઓ કોઈ બીજા દેશમાં જઈને ફરિયાદ કરે."

"સરકાર ઇચ્છે છે કે સોશિયલ મીડિયાક્ષેત્રની કંપનીઓ ફરિયાદનો નિવેડો પંદર દિવસમાં લાવે અને આ અંગે સરકારને મહિનામાં એક રિપોર્ટ રજૂ કરે. સરકારના નિયમોનું પાલન કરવા માટે કમ્પલાયન્સ ઑફિસરની નીમણૂક કરે. શું અમે તેમની પાસે ચંદ્ર માગી રહ્યા છીએ?"

મોદી સરકારની ટ્વિટરને અંતિમ નોટિસ, 'સદ્ભાવ દાખવ્યો, હવે પરિણામ ભોગવવું પડશે'

આઈટી ઍક્ટ અંતર્ગત નવા નિયમોનું પાલન ન કરવા અંગે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફરમેશન ટેકનૉલૉજી મંત્રાલયે ટ્વિટરને અંતિમ નોટિસ પાઠવી છે.

આ પહેલાં 26થી 28 મેએ સરકારે આ મામલે ટ્વિટરને નોટિસ પાઠવી હતી. ટ્વિટર તરફથી આ નોટિસના જવાબ પાઠવવામાં આવ્યા હતા, જે મંત્રાલયને સંતોષજનક નહોતા લાગ્યા.

5 જૂને પાઠવવામાં આવેલી આ નોટિસમાં લખવામાં આવ્યું હતું, "ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયને એ વાતથી નિરાશા થઈ છે કે 28 મે અને 2 જૂને મંત્રાલયને આપેલા પોતાના જવાબમાં ન તો આપે મંત્રાલય તરફથી માગવામાં આવેલું સ્પષ્ટીકરણ આપ્યું છે કે ન તો નિયમોને માનવા અંગે કોઈ પ્રતિબદ્ધતા દાખવી છે. "

"આપના જવાબથી સ્પષ્ટ છે કે ટ્વિટરે હજુ સુધી નવા નિયમોના આધારે અનિવાર્ય ચીફ કમ્પલાયન્સ ઑફિસર અંગે કોઈ જાણકારી નથી આપી. સાથે જ આપના દ્વારા નિમણૂક કરાયેલા રેઝિડન્ટ ગ્રીવેન્સ ઑફિસર અને નોડલ કૉન્ટેક્ટ પર્સન ભારતમાં ટ્વિટરના કર્મચારી નથી. આપે આપેલું ટ્વિટરના કાર્યાલયનું સરનામું પણ એક ભારતીય લૉ ફર્મનું છે. આ પણ નિયમના વિરુદ્ધમાં છે."

નોટિસમાં શું છે?

નોટિસમાં લખાયું છે, "મહત્ત્વપૂર્ણ સોશિયલ મીડિયા સંસ્થાનો પર લાગુ થનારા નવા નિયમ 26 મે, 2021થી પ્રભાવમાં આવી ગયા છે અને આને લાગુ કરાયા એને એક સપ્તાહ વીતી ગયું છે. પણ ટ્વિટરે આ નિયમો પર અમલ કરવાનો ઇન્કાર કર્યો છે. આ નિયમો પર અમલ ન કરવાનાં પરિણામો ટ્વિટરે ભોગવવાં પડશે."

"નોટિસ અંતર્ગત જો ટ્વિટર આ નિયમોનું પાલન ના કરે તો આઈટી ઍક્ટના સેક્શન 79ના આધારે તેને ઇન્ટરમીડિયરી (મધ્યવર્તી) પ્લૅટફૉર્મ હોવાને લીધે મળનારી છૂટ ખતમ કરી દેવાશે. નિયમાવલી સાતમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ પણ કરાયો છે."

આ નોટિસમાં ભારતે ટ્વિટરના સંચાલનના ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો છે.

એમાં લખવામાં આવ્યું છે, "આ નિયમો પર અમલ ન કરવાનું દર્શાવે છે કે ટ્વિટર પોતાના મંચ પર ભારતીયોને સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવા માટે ગંભીર નથી. વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારત અમેરિકા ઉપરાંત એ પ્રારંભિક દેશોમાંથી એક રહ્યું, જ્યાં ટ્વિટરને ઉત્સાહજનક તકો આપવામાં આવી હતી."

"ભારતમાં એક દસકથી વધારે વખત સુધી સંચાલન કર્યા બાદ એ વાત પર વિશ્વાસ મૂકવો મુશ્કેલ છે કે ટ્વિટર એવું તંત્ર બનાવવાનો ઇન્કાર કરી રહ્યું છે, જે આ મંચ પર ભારતીય સમસ્યાઓને નક્કી કરાયેલા સમયમાં પારદર્શક રીતે અને પ્રામાણિકતાથી ઉકેલવાની તક આપે."

"આવું તંત્ર તૈયાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવવાનું તો દૂર, ટ્વિટર કાયદામાં આવી જોગવાઈ હોવા છતાં આના પર અમલ કરવાનો ઇન્કાર કરી રહ્યું છે."

નોટિસના અંતે ચેતવણી આપવામાં આવી છે, "26 મે 2021થી લાગુ થનારા નિયમોની નાફરમાનીનાં પરિણામો ટ્વિટરે ભોગવવાં પડશે."

"જોકે, સદ્ભાવ અંતર્ગત ટ્વિટરને આ અંતિમ નોટિસ પાઠવવામાં આવે છે કે તે આઈટી ઍક્ટ 2000ના સેક્શન 79 અંતર્ગત નિયમોનું તત્કાલ પ્રભાવથી પાલન કરે. આવું ન થતાં આઈટી ઍક્ટ અને ભારતના અન્ય દંડાત્મક કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે."

બ્લૂ ટીક વિવાદ

આ પહેલાં શનિવારે સવારે ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના ટ્વિટર હૅન્ડલ પરથી બ્લૂ ટીક હઠાવી દીધું હતું. એ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના હૅન્ડલ પરથી પણ બ્લૂ ટીક હઠાવી દેવાયું હતું.

બ્લૂ ટીક એક વૅરિફાઈ કરાયેલા ટ્વિટર એકાઉન્ટનું નિશાન છે. નાયડુના એકાઉન્ટમાં બ્લૂ ટીક હઠ્યા બાદ આશંકા વ્યક્ત કરાઈ હતી કે સરકાર સાથે ચાલી રહેલા આઈટી કાયદાના વિવાદને લઈને ટ્વિટરે કોઈ કાર્યવાહી કરી છે.

જોકે, શનિવારે જ નાયડુના હૅન્ડલ પર બ્લૂ ટીક ફરીથી દેખાવા લાગ્યું.

આ અંગે ટ્વિટરે બીબીસીને કહ્યું કે જુલાઈ 2020થી ઇન-ઍક્ટિવ રહેવાને લીધે નાયડુના હૅન્ડલ પરથી બ્લુ ટીક પોતાની મેળે હઠી ગયું હતું.

ટ્વિટર પોલીસી અંતર્ગત કોઈ પણ ઍકાઉન્ટ લાંબા સમયથી સક્રિય ન હોય ત્યારે આવું થતું હોય છે. બીજી તરફ મોહન ભાગવત મે 2019માં ટ્વિટર પર જોડાયા છે પણ તેમણે હજુ સુધી કોઈ ટ્વીટ કર્યું નથી.

આ દરમિયાન શનિવારે તેમના એકાઉન્ટ પર પણ ફરીથી બ્લૂ ટીક જોવા મળી ગયું છે.

પહેલાં પણ થયો છે વિવાદ

ગત કેટલાક મહિનાથી ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે કેટલીય વાર વાદવિવાદ થયા છે.

ફેબ્રુઆરી 2021માં ટ્વિટરે કહ્યું હતું કે ભારત સરકારે તેને આઈટી ઍક્ટ સેક્શન-69એ અંતર્ગત કેટલાંય ટ્વિટર એકાઉન્ટને નિલંબિત કરવા વિનંતી કરી હતી.

એ બાદ ટ્વિટરે કેટલાંક એકાઉન્ટ બ્લૉક કરી દીધાં હતાં અને કેટલાંક પર પ્રતિબંધો લગાવી દીધા હતા.

જોકે, બાદમાં કહ્યું હતું, "કેન્દ્ર સરકારે જે આધારે ટ્વિટર એકાઉન્ટ બંધ કરવા કહ્યું છે તે ભારતીય કાયદાના અનુરૂપ નથી."

એ બાદ ઇન્ફર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયે ટ્વિટરને નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ નોટિસ ફટકારી હતી.

24 મેએ દિલ્હી પોલીસની એક ટીમ 'ટુલકિટ મૅન્યુપુલેશન મીડિયા' મામલાની તપાસ માટે ટ્વિટર ઇન્ડિયાના કાર્યાલયમાં પહોંચી હતી. એ જ દિવસે દિલ્હી પોલીસે પણ આ મામલે ટ્વિટર ઇન્ડિયાને એક નોટિસ ફટકારી હતી.

આ મામલો ભાજપના પ્રવક્તા સંદિપ પાત્રાના આરોપો સાથે સંકળાયેલો છે, જેમાં પાત્રાએ કૉંગ્રેસ પર ટુલકિટનો ઉપયોગ કરી ભાજપ અને દેશની છબિ ખરાબ કરવાની વાત કરી હતી.

ટુલકિટ વિવાદ

ટ્વિટરે પાત્રા તરફથી ટુલકિટની તસવીર દર્શાવતા ટ્વીટને 'મૅન્યુપુલેટેડ મીડિયા'ની શ્રેણીમાં રાખ્યું હતું.

મૅન્યુપુલેટેડ મીડિયાનો અર્થ એવી તસવીર, વીડિયો કે સ્ક્રીનશૉટ થાય છે કે જેના થકી કરાઈ રહેલા દાવાની પ્રામાણિકતાને લઈને સવાલ હોય કે મૂળ રૂપે તેને એટિડ કરાયેલાં હોય કે તેની સાથે છેડછાડ કરાઈ હોય.

પોલીસની કાર્યવાહી બાદ તત્કાલ તો ટ્વિટર તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવી પણ 27 માર્ચે ટ્વિટરે પ્રતિક્રિયા આપતાં ભારતમાં પોતાના સ્ટાફની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ટ્વિટરના વાંધા અંગે આઈટી મંત્રાલયે ટ્વિટર પર આકરા પ્રહારો કર્યા હતા.

મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું. "સરકાર ટ્વિટર તરફથી કરાયેલા દાવાને ફગાવી દે છે. ભારતમાં બોલવાની આઝાદી અને લોકશાહીની રીતોને માનવાની એક ભવ્ય પરંપરા રહી છે. ટ્વટિરનું નિવેદન વિશ્વની સૌથી મોટી લોકશાહી પર પોતાની શરતો થોપવાનો પ્રયાસ છે."

વર્તમાન નોટિસનો ઉદ્દેશ

25 ફેબ્રુઆરીએ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયે ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઍક્ટને અધિસૂચિત કર્યો છે.

નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયા સહિત તમામ પ્લૅટફૉર્મોને ડ્યુ ડિજિલેન્સ કે યોગ્ય સાવધાનીનું પાલન કરવાનું રહેશે. જો તે આવું નહીં કરે તો તેને કાયદા દ્વારા અપાયેલી સુરક્ષા નહીં મળે.

આ નિયમો અનુસાર ગેરકાયદે જાણકારી હઠાવવાની જવાબાદારી મધ્યસ્થોની રહેશે.

જે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પાસે 50 લાખ કરતાં વધારે યુઝર છે, તેમના માટે સરકારે કહ્યું છે કે તેમણે એક મુખ્ય અનુપાલન અધિકારીની નિમણૂક કરવાની રહેશે, જે અધિનિયમ અને નિયમોનું અનુપાલન સુનિશ્ચિત કરાવવા માટે જવાબદાર લેખાશે.

સાથે જ આ મોટા પ્લૅટફૉર્મને લૉ ઍન્ફોર્સમૅન્ટ એજન્સીઓ સાથે 24 કલાક સમન્વય માટે એક નોડલ સંપર્ક અધિકારીની નિમણૂક પણ કરવાની રહેશે અને સાથે જ એક ફરિયાદ અધિકારીની પણ નિમણૂક કરવાની રહેશે જે નિવારણતંત્ર પણ કામ કરશે.

આ પદો પર એ લોકોની જ નિમણૂક કરાશે જે ભારતના રહેવાસી હોય. આ ઉપરાંત મળેલી ફરિયાદોનું વિવરણ અને ફરિયાદ પર કરાયેલી કાર્યવાહી સાથે આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા સક્રિય રૂપે હઠાવાયેલી સામગ્રીના વિવરણનો ઉલ્લેખ કરતો એક માસિક અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવાનો રહેશે.

સરકારે આ નિયમો લાગુ કરવાના માટે પ્લૅટફૉર્મને 26 મે સુધીનો સમય આપ્યો હતો. સરકાર અનુસાર ટ્વિટર 26 મે સુધી તમામ આદેશોનું પાલન નથી કર્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો