અભિનેતા દિલીપકુમારની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ કરાયા TOP NEWS

જાણીતા અભિનેતા દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં મુંબઈના ખાર વિસ્તાર ખાતેની એક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

દિલીપકુમારને નિકટથી ઓળખતા બશીર કોલોંબોવાલાએ બીબીસીના સહયોગી પત્રકાર સુપ્રિયા સોગલેને જણાવ્યું કે તેમને સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ મુંબઈમાં હિંદુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, "તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેમને હૉસ્પિટલ લઈ જવાયા. હાલ ચિંતાની કોઈ વાત નથી. પરંતુ તેમની ઉંમર વધુ છે અને અમે કોઈ જોખમ નથી ઉઠાવવા માગતા તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે."

ગુજરાતમાં 18-44 વર્ષની વયના 23 લાખથી વધુ લોકોને રસી અપાઈ- વિજય રૂપાણી

ગુજરાતમાં અને અન્ય વિસ્તારોમાં પણ કોરોના વાઇરસની બીજી લહેર ધીમી પડી છે અને રાજ્ય સરકારે રસીકરણની ઝુંબેશને પણ ગતિ આપવાની દિશામાં કામ શરૂ કર્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં શનિવારે 18-44 આયુવર્ગના 1.98 લાખ લોકોને રસી આપવામાં આવી હતી.

આ દરમિયાન ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે 18-44 વર્ષની વયના 23 લાખથી વધુ લોકોને મફતમાં કોરોનાની રસી અપાઈ છે અને તેના માટે રાજ્ય સરકારે 93.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ગુજરાતમાં શનિવારે પાંચ વાગ્યા સુધીમાં એક દિવસમાં કુલ 2,63,507 વ્યક્તિઓને રસી અપાઈ હતી.

તો શનિવારે રાજ્યમાં કોરોનાના કુલ 996 કેસ નોંધાયા હતા અને 15 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા હતા.

મ્યાનમારમાં સુરક્ષાબળો સાથે ઘર્ષણમાં 20નાં મોતનો દાવો

મ્યાનમારમાં સુરક્ષાબળો અને ગામલોકો વચ્ચે ઘર્ષણમાં 20 લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર એજન્સી રૉયટર્સે સ્થાનિક મીડિયાના હવાલાથી લખ્યું કે અયેયારવાડી નદી પાસેના વિસ્તારમાં સુરક્ષાબળો હથિયારોની તલાશી લેતા હતા, એ સમયે આ ઘર્ષણ થયું હતું.

ગામલોકો પાસે ગલોલ અને તીર-કામઠાં જેવાં હથિયારો હતાં. મ્યાનમારના સરકારી મીડિયાએ કહ્યું કે રાજદ્રોહના એક આરોપીને પકડવા માટે સુરક્ષાબળો હ્લેસ્વે ગામમાં ગયા હતા.

જ્યાં ઘર્ષણમાં ત્રણ 'આતંકવાદીઓ'નાં મોત થયાં, જ્યારે બે લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

સૈનિક સરકારના પ્રવક્તાએ અયેયારવાડી વિસ્તારમાં થયેલી ઘટના સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા નથી.

સમાચાર એજન્સી રૉયટર્સનું કહેવું છે કે મૃતકોની સંખ્યાની સ્વતંત્ર સૂત્રો પાસેથી પુષ્ટિ કરાઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા આંગ સાન સૂ ચીને સત્તામાંથી હઠાવ્યાં બાદ મ્યાનમારની સેના દેશ પર નિયંત્રણ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

કેન્દ્રે કેજરીવાલની યોજના 'ઘર ઘર રાશન' પર રોક લગાવી

એનડીટીવીના અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકારે દિલ્હીની કેજરીવાલ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના 'ઘર ઘર રાશન' પર રોક લગાવી દીધી છે.

આ યોજના દિલ્હીમાં ઘરેઘરે રાશન પહોંચાડવાની હતી.

દિલ્હીમાં કેજરીવાલ સરકારે 72 લાખ લોકોને તેમને ઘરે જઈને રાશન પહોંચાડવા માટે આ યોજના બનાવી હતી, જે એક અઠવાડિયા બાદ લાગુ થવાની હતી.

દિલ્હી સરકારનાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું કે કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજના માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાઈ નથી, માટે તેના પર રોક લગાવી છે.

યોજના પર રોક લગાવવાને લઈને દિલ્હી મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પ્રેસ-કૉન્ફરન્સ પણ કરવાના છે.

કેન્દ્ર સરકારે એ વાતે વિરોધ નોંધાવ્યો હતો કે આ યોજના કેન્દ્રની યોજના નેશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ આવે છે, જેમાં કોઈ પણ ફેરફાર માત્ર સંસદ જ કરી શકે, ન કે રાજ્ય. આથી દિલ્હી સરકાર આ યોજનાનું ન તો નામ બદલી શકે અને ન તો તેને કોઈ અન્ય સાથે જોડી શકે છે.

અમદાવાદમાં સોમવારથી AMTS-BRTS શરૂ થશે

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે અને એ દરમિયાન લાગુ કરાયેલા પ્રતિબંધોમાં પણ છૂટ અપાઈ રહી છે.

સોમવારથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરાશે, જોકે તેના માટે કેટલીક શરતો પણ રખાઈ છે.

ટ્રાન્સપોર્ટ કમિટીના ચૅરમૅન વલ્લભભાઈ પટેલે કહ્યું કે સોમવાર 7 જૂનેથી BRTS અને AMTSની 50 ટકા બસો શરૂ કરવામાં આવશે. બસમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે.

તો બધા જ ટર્મિનસ પર થર્મલ ગનથી ટેમ્પરેચર ચકાસણી કરવામાં આવશે, તેમજ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.

બસ સર્વિસ સવારના 6થી રાતના 8 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવાયું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો