You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્લબહાઉસ વિવાદ : પાકિસ્તાની પત્રકારને કલમ 370 અંગે દિગ્વિજય સિંહે શું કહ્યું?
પાકિસ્તાની પત્રકાર સાથેની ક્લબહાઉસ ઍપ મારફતે ઑનલાઇન ચર્ચામાં જોડાયેલા ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ સમિતિના પૂર્વ મહાસચિવ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા કાશ્મીર મુદ્દે કથિત વિવાદાસ્પદ નિવેદન આપવાની બાબતે ફરી વિવાદમાં સપડાયા છે.
ન્યૂઝ 18 ડોટ કૉમના એક અહેવાલ અનુસાર કૉંગ્રેસનેતા દિગ્વિજય સિંહે આ ચર્ચા દરમિયાન દેશમાં કૉંગ્રેસની સરકાર બનશે ત્યારે અગાઉ કાશ્મીરમાં લાગુ બંધારણની કલમ 370 હઠાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરાશે તેવા સંકેત આપ્યા હતા.
જે વિવાદ અંગે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર કૉંગ્રેસની ભારે ટીકા કરી રહ્યા છે.
જોકે, દિગ્વિજયસિંહે પોતાના નિવેદનના બચાવમાં ટ્વીટ કરીને સ્પષ્ટતા આપવાનો પ્રયાસ પણ કર્યો હતો.
તેમ છતાં સોશિયલ મીડિયા પર હાલ તેમના આ કથિત નિવેદનને લઈને કૉંગ્રેસ, તેની નેતાગીરી અને દિગ્વિજયને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર તેમને પાકિસ્તાનના સમર્થક ગણાવી રહ્યા છે, તો કેટલાક તેમને પાકિસ્તાન માટે રાહુલ ગાંધીના દૂત ગણાવી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
અહેવાલ પ્રમાણે દિગ્વિજય સિંહ પાકિસ્તાનના પત્રકાર શાહઝેબ જિલાની, જેઓ હાલ જર્મનીમાં સ્થાયી છે, તેમની સાથે ઑનલાઇન ચર્ચામાં જોડાયેલા હતા.
આ ચર્ચા દરમિયાન જિલાનીએ કહ્યું હતું કે તેઓ મોદીના શાસનમાં બદલાતી રાજકીય ભૂગોળ અને ભારતીય સમાજને જોઈને ચકિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આ ચર્ચા દરમિયાન આગળ કહ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી દેવાયા બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ વણસ્યા છે.
નોંધનીય છે કે આ ક્લબહાઉસ ચૅટમાં દિગ્વિજય સિંહ સહિત અન્ય પણ ઘણા લોકો જોડાયેલા હતા.
દિગ્વિજયસિંહે શું કહ્યું?
અહેવાલ અનુસાર કૉંગ્રેસનેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, "જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે ત્યાં લોકશાહી નહોતી. ત્યાં 'માણસાઈ' નહોતી, કારણ કે બધાને જેલમાં પૂરી દેવાયા હતા."
તેમણે આગળ કહ્યું હતું કે, "'કાશ્મીરિયત' બિનસાંપ્રદાયિકતાની પાયાની બાબત છે. કારણ કે એક મુસ્લિમ બહુમતીવાળા રાજ્યમાં હિંદુ રાજા રાજ્ય કરતા હતા અને બંને સાથે મળીને કામ કરતાં. કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને અનામત અપાઈ હતી."
"આ તમામ કારણોસર જમ્મુ અને કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો નાબૂદ કરવો અને કલમ 370 હઠાવવાનો નિર્ણય દુ:ખદ હતો. અને કૉંગ્રેસ પાર્ટી આ મુદ્દા અંગે ફેરવિચારણા જરૂર કરશે."
અહીં નોંધનીય છે કે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં લેવાયેલ કેટલાક મોટા નિર્ણયો પૈકી એક કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હઠાવવાનો હતો.
5 ઑગસ્ટ, 2019 રોજ કેન્દ્રની ભાજપ સરકારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.
સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે વિરોધ છતાં આ કલમ દૂર કરવાના સરકારના નિર્ણયની જાહેરાત અને સમર્થન કર્યાં હતાં.
આ નિર્ણય પહેલાં અને તે બાદ પણ વિસ્તારમાં ભારતીય સેનાની અનેક ટુકડીઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઉતારી દેવાઈ હતી.
નિર્ણયનો વિરોધ અટકાવવા માટે સરકારે સ્થાનિક નેતાઓ અને આગેવાનોની અટકાયત કરી હતી અને વિસ્તારમાં અનેક દિવસો સુધી ટેલીફોન અને ઇન્ટરનેટની સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ જુદાજુદા બે કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા હતા.
નિવેદનના પ્રત્યાઘાતો
ભાજપના ઇન્ફર્મેશન અને ટેકનૉલૉજી વિભાગના ઇનચાર્જ અમિત માલવિયાએ આ નિવેદનની ટિકા કરતું એક ટ્વીટ કર્યું હતું.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "ક્લબહાઉસ ચૅટમાં, રાહુલ ગાંધીના માનીતા માણસો પૈકી એક દિગ્વિજય સિંહે પાકિસ્તાની પત્રકારને કહ્યું કે જો કૉંગ્રેસની સરકાર આશે તો તેઓ કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય અંગે ફેરવિચારણા કરશે."
"ખરેખર, આ જ તો પાકિસ્તાન ઇચ્છે છે..."
ભાજપના એક કાર્યકર્તા શાંડિલ્ય ગિરિરાજ સિંહે પણ ટ્વિટર પર દિગ્વિજય સિંહના નિવેદનને વખોડ્યું હતું.
તેમણે લખ્યું હતું કે, "દિગ્વિજય સિંહે પાકિસ્તાનને રાહુલ ગાંધીનો સંદેશો પહોંચાડવાનું કામ કર્યું છે. કૉંગ્રેસ પાકિસ્તાનને કાશ્મીર મેળવવામાં મદદરૂપ થશે."
કેટલાક સામાન્ય સોશિયલ મીડિયા યુઝરોએ પણ દિગ્વિજયસિંહની આ મામલે ટીકા કરી હતી.
આશીષ રંજન નામના એક ટ્વિટર યુઝરે પણ ક઼ૉમેન્ટ સૅક્શનમાં લખ્યું હતું કે, "સર આટલી ગાળો કેવી રીતે પચાવી લો છો. જનતાની નસ પારખો. જે પાખંડ તમે અપનાવ્યું છે, તે તમને ક્યારેય એક મત પણ નહીં અપાવી શકે. કાશ્મીર સાથે લોકોનો ભાવનાત્મક જોડાણ છે. લાગે છે કે આ વખત દસકનો આંકડો મેળવવામાં પણ રસ નથી."
જ્યારે અમુક લોકો દિગ્વિજયસિંહના નિવેદનનું સમર્થન પણ કરતાં જોવા મળી રહ્યા હતા.
અમિત માલવિયાના ટ્વીટના કૉમેન્ટ સૅક્શનમાં તેમને જવાબ આપતાં પ્રહ્લાદ મિશ્રા નામના એક યુઝર લખે છે કે, "કાશ્મીરી જનતાનો વિશ્વાસ જીતો. જેવી રીતે સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીએ જિત્યો હતો. જમીન જીતવાથી કશું નહીં થાય."
"જમીન પર ભલે ગમે તેટલો કબજો કરો. જનતા જ સાથ ન હોય તો શેનું રાજ. જનતાનો ભરોસો જોઈએ. જે આપ લોકો સમગ્ર દેશમાં ગુમાવી ચુક્યા છો, સમય આવશે ત્યારે આ વાતની ખબર પડશે."
ભાજપના કાર્યકર્તા શાંડિલ્ય ગિરિરાજ સિંહના દિગ્વિજયસિંહના નિવેદનને વખોડનારા ટ્વીટમાં તેમને જવાબ આપતાં ગોપાલ નામના એક ટ્વિટર યુઝર લખે છે કે, "પાકિસ્તાન અને મુસલમાનોનું નામ લીધા વગર કોઈ દિવસ પસાર થાય છે કે નહીં. ક્યારેક બેરોજગારી અને મોંઘવારી પર પણ ચર્ચા કરો."
નોંધનીય છે કે દિગ્વિજય સિંહે આ તેમના નિવેદન અંગે વિવાદ સર્જાતા પોતાના બચાવમાં ટ્વિટર પર સ્પષ્ટતા કરતું એક ટ્વીટ કર્યું છે.
જેમાં તેમણે લખ્યું છે કે, "અભણ લોકોની જમાતને Shall અને Consider વચ્ચે કદાચ ફરકની ખબર નથી પડતી."
જોકે, હજુ આ મામલે કૉંગ્રેસના અન્ય કોઈ નેતાની ટિપ્પણી સામે આવી નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો