કાશ્મીરમાં નેતાઓ વગર કેવી રાજનીતિ અને કેવું લોકતંત્ર?

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

પાછલા વર્ષે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર સમાપ્ત કર્યા પછીથી રાજકીય ગતિવિધિઓ બંધ છે.

માર્ચ 2015માં જમ્મુ-કાશ્મીરમાં જ્યારે વિરોધી વિચારધારાવાળી ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી તો એને લોકતંત્રમાં એક નવા પ્રયોગ તરીકે જોવાઈ.

જૂન 2018માં આ ગઠબંધન તૂટ્યું અને રાજ્ય ફરી એક વાર રાજ્યપાલના શાસનમાં જતું રહ્યું. ડિસેમ્બર 2018માં અહીં રાષ્ટ્રપતિશાસન લાગુ પાડી દેવાયું હતું.

એક તરફ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા અને નવી સરકારની રચનાની માગ ઊઠી રહી હતી અને બીજી તરફ દિલ્હીમાં કોઈ અલગ જ પટકથા લખવામાં આવી રહી હતી.

પછી અચાનક 5 ઑગસ્ટ, 2019ના દિવસે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના બંધારણીય વિશેષાધિકારને સમાપ્ત કરી એને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું.

રાજનીતિમાં સક્રિય નેતાઓની ધરપકડ કરી તેમને નજર બંધ કરી સખત લૉકડાઉન લાગુ કરી દેવાયું.

પાંચ ઑગસ્ટ પછી જમ્મુ-કાશ્મીર રાજ્ય ન રહ્યું પણ બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા. જેનું શાસન દિલ્હીથી નિયુક્ત પ્રતિનિધિ ચલાવી રહ્યા છે. વિધાનસભાનું અસ્તિત્વ નથી એટલા માટે રાજનીતિનું કોઈ કેન્દ્ર જ બચ્યું નથી.

એક વર્ષ પછી એ સવાલ ઊઠી રહ્યો છે કે કાશ્મીરમાં લોકતંત્ર બચ્ચું પણ છે કે નહીં? લોકતંત્રનો અર્થ હોય છે જનતાનું શાસન એટલે કે જનતા પોતાના વિશે નિર્ણય લે છે, જનપ્રતિનિધિને ચૂંટે છે, જેઓ કાયદા બનાવે છે અને સરકાર ચલાવે છે.

કાશ્મીરનાં વરિષ્ઠ પત્રકાર અને કાશ્મીર ટાઇમ્સ અખબારના કાર્યકારી સંપાદક અનુરાધા ભસીન માને છે કે કાશ્મીરમાં લોકતંત્ર હવે અંતિમ શ્વાસ લઈ રહ્યું છે અને રાજકીય પ્રક્રિયા સંપૂર્ણ રીતે અટકી ગઈ છે.

નેતા કેદ, રાજકારણમાં સન્નાટો

અનુરાધા ભસીનનું માનવું છે કે પાછલા એક વર્ષમાં કાશ્મીરમાં બિલકુલ સન્નાટો રહ્યો.

એ પછી કેટલાક લોકોએ ધીમે-ધીમે બોલવાનું શરૂ કર્યું છે, પરંતુ મુખ્ય ધારાના રાજકારણમાંથી હિન્દુસ્તાનના લોકતંત્રમાં વિશ્વાસ રાખવાવાળા રાજકીય લોકો અત્યાર સુધી અટકાયતમાં છે અથવા તેમને નજરબંધ રાખવામાં આવ્યા છે.

તેઓ કહે છે, "કેટલાકને બોલવાની મંજૂરી છે, કેટલાકને બોલવાની મંજૂરી નથી. જેમને બોલવાની મંજૂરી છે તે પણ મર્યાદિત છે. જે મુખ્ય મુદ્દો છે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવવાનો, એના ઉપર કોઈ વાત થઈ નથી રહી."

"જ્યાં સુધી રાજકીય અભિવ્યક્તિ પર રોક રહેશે એનો વિસ્તાર સીમિત રહેશે. કેટલાક લોકોને અમુક જ મુદ્દાઓ પર બોલવાની છૂટ રહેશે, તો લોકતંત્ર કેવી રીતે જીવિત રહેશે? જો આવી જ સ્થિતિ રહે છે, તો ક્યાંયથી રાજનૈતિક પ્રક્રિયાના શરૂ થવાની આશા નજર નથી આવતી."

શ્રીનગરમાં બીબીસી સંવાદદાતા રિયાઝ મસરુરનું પણ એ જ કહેવું છે કે કાશ્મીરના સૌથી મોટા મુદ્દા પર જ વાત થઈ નથી શકતી તો પછી રાજનીતિ અથવા લોકતંત્રના શું અર્થો છે?

રિયાઝ કહે છે, "કાશ્મીરમાં રાજનીતિનો જે સૌથી મોટો મુદ્દો રહ્યો છે, જમ્મુ-કાશ્મીરના બંધારણીય વિશેષાધિકારનો તેની હવે કોઈ વાત કરી જ નથી શકતું."

"5 ઑગસ્ટ, 2019ના દિવસે એવું થયું, જેમ કે એક ઇમારતને સંપૂર્ણ રીતે પાડી નાખી હોય. સ્વાયત્તતા અથવા એક રીતે ભારતીય સંઘ હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરરજો યથાવત્ રાખવો તે જ કાશ્મીરની રાજનીતિનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે."

આવી સ્થિતિમાં કેવી રીતે બચશે લોકતંત્ર?

રિયાઝ કહે છે કે કાશ્મીરના મોટા નેતા આ મુદ્દા પર જ રાજનીતિ કરતા રહ્યા છે અને જ્યારે વિશેષ અધિકાર સમાપ્ત થઈ ગયો તો તમામ મોટા નેતાઓને સંપૂર્ણ રીતે ચૂપ કરી દેવાયા હતા.

તેઓ કહે છે કે "એમને ક્યાં તો નજરબંધ કરી દેવાયા અથવા અટકાયતમાં લઈ લેવાયા હતા. કેટલાકને જેલમાં પણ રાખવામાં આવ્યા હતા."

તેઓ કહે છે, "કાશ્મીરનો વિશેષાધિકાર સમાપ્ત કરી દેવાયો અને અહીંયાંના નેતા એનો વિરોધ પણ ન કરી શક્યા. એમની પાસેથી બૉન્ડ ભરાવી લેવાયા. કહેવાયું કે આ મુદ્દા ઉપર વાત ન કરે."

"આવી પરિસ્થિતિમાં કોણ રાજનીતિ કરશે અને રાજનીતિ કેવી રીતે થશે? લોકતંત્ર કેવી રીતે અહીં બચેલું રહેશે?"

ભારત સરકાર એમ તર્ક આપે છે કે અનુચ્છેદ 370 હઠ્યા પછી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને ચરમપંથ સમાપ્ત થઈ રહ્યો છે.

સરકારના દાવા પર અનુરાધા ભસીન કહે છે, "એમણે તર્ક આપ્યો કે કાશ્મીરમાં ચરમપંથનું કારણ અનુચ્છેદ 370 છે. જ્યારથી આ કલમ હઠી, ચરમપંથ ખતમ નથી થયો, બલ્કે વધી ગયો છે. ડેટા કોઈ પણ ખૂણેથી જુઓ, ચરમપંથ વધેલો જ નજરે આવશે."

મારવાથી નહીં ખતમ થાય ચરમપંથ

ભસીનનું માનવું છે કે ફક્ત ચરમપંથીઓને મારવાથી જ ચરમપંથ ખતમ નહીં થાય.

તેમના પ્રમાણે સરકાર એમ કહે છે કે 150થી વધુ ચરમપંથી મારી દેવાયા છે. તો એનો અર્થ એ છે કે ચરમપંથ ઘટી રહ્યો છે. પરંતુ એટલા જ ઝડપથી ચરમપંથી વધી પણ રહ્યા છે. ઘણા યુવાનો ગુમ થયા છે. કેટલાક ઍન્કાઉન્ટરમાં માર્યા પણ ગયા છે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વાર કહી ચૂક્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં ગ્રાસરૂટ ડૅમોક્રૅસીને ઉત્તેજન આપવામાં આવશે, જેના માટે પંચાયતથી લઈને ઉપર સુધી રાજનૈતિક નેતાઓની નવી હરોળ તૈયાર કરવામાં આવશે.

અનુરાધા ભસીન કહે છે, "પાછલા બે મહિનામાં પંચાયતના બે સભ્યો માર્યા ગયા છે. એક તરફ સરકાર પંચાયત સ્તર પર રાજનીતિને મજબૂત કરવાની વાત કરી રહી છે અને બીજી તરફ અહીંયાં સુરક્ષા જ નથી."

જમ્મુ-કાશ્મીરમાં હાલના દિવસોમાં રાજનૈતિક હલચલ સંપૂર્ણ રીતે બંધ છે, અને જે નેતા સક્રિયતા બતાવી પણ રહ્યા છે તેઓ નિવેદન આપવા સુધી જ સીમિત છે.

નવી રાજકીય પાર્ટી

કાશ્મીરમાં એક નવી પાર્ટી અસ્તિત્વમાં આવી છે, આ પાર્ટીનું નામ 'અપના પાર્ટી' છે. આ પાર્ટી સાથે જોડાયેલા અનેક લોકો અગાઉ પીડીપીના કાર્યકર્તા કે મંત્રી પણ રહ્યા છે.

પીડીપીથી અલગ થઈને આ લોકોએ પોતાની એક અલગ પાર્ટી બનાવી છે. અલ્તાફ બુખારી તેના નેતા છે.

બુખારી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા છે. એમનો થોડો અવાજ ચોક્કસ સંભળાય છે, પરંતુ એમની રાજનીતિ પણ નિવેદન આપવા અને નિવેદનને સમાચારપત્રોમાં છપાવવા સુધી સીમિત છે.

બુખારીના નિવેદન રસ્તાઓ બનાવવા અથવા રોજગારના મુદ્દા સુધી જ છે. એમને કાશ્મીરના ખાસ દરજ્જા વિશે અથવા લોકતાંત્રિક સ્વતંત્રતા વિશે વાત કરતા સાંભળવામાં નથી આવતા.

ગૃહમંત્રી અમિત શાહ કહેતા રહ્યા છે કે કાશ્મીરમાં ચરમપંથને ખતમ કરીને એક નવું રાજનૈતિક માળખું તૈયાર કરાઈ રહ્યું છે.

બીજી તરફ અનુરાધા ભસીન કહે છે, "જો તમે એવું રાજકીય માળખું બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છો, જેમાં દરેક મુદ્દે નિયંત્રણ દિલ્હી પાસે હોય તો પછી એવી રાજનીતિનો લોકતંત્ર સાથે વધુ તાલમેલ બેસી નહીં શકે."

"રાષ્ટ્રીય પ્રક્રિયા શરૂ કરવામાં જેટલું મોડું કરાશે એટલો જ લોકોનો ગુસ્સો વધતો જશે."

કાશ્મીર ઘાટીમાં રાજીવ ગાંધીના સમયથી જનભાવનાઓ અને દિલ્હીની સરકારોની નીતિઓ વચ્ચે ટકરાવ ચાલતો રહ્યો છે. ક્યારેક વિરોધ દબાયેલો રહ્યો છે, ક્યારેક ઉગ્ર થઈ ગયો, પરંતુ સંપૂર્ણ રીતે ખતમ નથી થયો.

હવે બદલાયેલી પરિસ્થિતિઓમાં પણ તે દબાયેલો છે, ખતમ નથી થયો.

અનુરાધા ભસીન કહે છે, "કાશ્મીરના લોકોમાં એ વાતને લઈને ગુસ્સો છે કે પાછલા વર્ષે જે કંઈ પણ નિર્ણયો કરવામાં આવ્યા, એમાં એમને કોઈ પણ સ્તરે સામેલ કરવામાં ન આવ્યા."

"એ નિર્ણયો સાચા હતા કે ખોટા એ અલગ વિષય છે, પરંતુ એમાં કોઈ પણ રીતે કાશ્મીરના લોકોને સામેલ કરવામાં નથી આવ્યા."

ત્યાં જ રિયાઝ મશરુર પ્રમાણે "લોકતંત્રનો મતલબ હોય છે કે લોકોની પોતાની સરકાર અને લોકોની સરકારમાં ભાગીદારી હોવી. કાશ્મીરમાં હાલ એવું બિલકુલ નથી."

"કાશ્મીરમાં બે-ચાર સલાહકાર છે જે ગવર્નર સાથે મળીને મોટા નિર્ણય કરે છે. કાયદા બનાવવામાં કે સરકારી નિર્ણયોમાં જનતાની કોઈ પણ રીતની કોઈ ભાગીદારી નથી."

અલગતાવાદી અને મુખ્યધારાની રાજનીતિ

જૂન 2018માં રાજ્યપાલશાસન સાથે જ વિધાનસભા રદ થઈ ગઈ હતી અને હાલ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થવાના કોઈ સંજોગ નજર નથી આવી રહ્યા.

એ પણ ખબર નથી કે જો ભવિષ્યમાં લોકતાંત્રિક વ્યવસ્થા લાગુ થઈ તો તેનું સ્વરૂપ શું હશે.

રિયાઝ કહે છે, "કાશ્મીરમાં ભારતનું સમર્થન કરનાર તમામ નેતાઓને કાં તો નજરબંધ કરી લેવાયા હતા અથવા અટકાયતમાં લઈ લેવાયા હતા."

"ભાજપ સાથે ગઠબંધનની સરકાર ચલાવનારા મહેબુબા મુફ્તીને તો હજુ સુધી મુક્ત કરવામાં નથી આવ્યાં. પબ્લિક સેફ્ટી ઍક્ટ એટલે કે પીએસએ હેઠળ તેમની અટકાયતને ત્રણ મહિના હજુ વધારવામાં આવી છે."

"એવામાં રાજ્યમાં લોકતાંત્રિક રાજનીતિ કેવી રીતે સંભવ થઈ શકે છે."

છેલ્લાં 73 વર્ષમાં કાશ્મીરની રાજનીતિ બે વિચારધારાઓમાં વહેંચાયેલી હતી. એક તરફ અલગતાવાદી હતા અને બીજી તરફ ભારતનું સમર્થન કરનારા લોકો.

હવે અલગતાવાદીઓ અને મુખ્યધારાની રાજનીતિ કરનારાઓમાં કોઈ અંતર નથી રહી ગયું. તેવામાં કાશ્મીરમાં ફરીથી રાજકીય પ્રક્રિયાનું શરૂ થવું એટલું સરળ નહીં હોય.

રિયાઝ કહે છે, "પાર્ટીઓનું લોકો સાથે ગામથી લઈ શહેર સુધી દરેક સ્તર પર એક કનૅક્શન હોય છે. 5 ઑગસ્ટ પછીથી હવે એ નથી રહ્યું. હવે કોઈ નેતા જોવા નથી મળતા."

"કોઈ નેતા કોઈને મળી નથી રહ્યા. જનતા અને નેતા વચ્ચે સંબંધ સંપૂર્ણ રીતે તૂટી ગયા છે."

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહેલા સૈફુદ્દીન સૌઝના વિષયમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેઓ બિલકુલ આઝાદ છે, પરંતુ એમને બહાર નીકળવા દેવાતા નથી.

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા પણ કહી ચૂક્યા છે કે કાશ્મીરમાં હિંસા હતી, ચરમપંથ હતો.

એમના પક્ષના અનેક કાર્યકર્તાઓ પણ માર્યા ગયા. તેમ છતાં તેઓ ભારતનું સમર્થન કરતા રહ્યા અને પછી એમને જ નજરબંધ કરી લેવાયા.

લોકોનો ભરોસો જીતીને જીવતું થશે લોકતંત્ર

અનુરાધા ભસીન માને છે કે આ સમયે સરકાર અને લોકો વચ્ચે ભરોસો નથી રહ્યો અને ભરોસો સ્થાપ્યા વગર ફરીથી લોકતંત્રને જીવિત નહીં કરી શકાય.

તેઓ કહે છે, "કાશ્મીરના લોકોનો કેન્દ્ર સરકારમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે. અને જ્યાં સુધી કાશ્મીરના લોકોને સંપૂર્ણ રીતે બોલવાની સ્વતંત્રતા આપવામાં નહીં આવે એમનો ભરોસો સ્થાપિત નહીં થાય."

"કંઈ નહીં તો છેવટે અગ્રણી નેતાઓને પણ ખૂલીને બોલવાની આઝાદી હશે તો એની સકારાત્મક અસર થશે."

ભસીન કહે છે, "રાજનેતા તો છ-છ, નવ-નવ મહિના સુધી અટકાયતમાં રહીને આવ્યા છે. એમનામાં અલગ પ્રકારનો ડર હોઈ શકે છે. ફક્ત નેતા જ ચૂપ નથી, બલ્કે અહીંના અધિકારીઓએ પણ અજબ પ્રકારની ચુપ્પી સાધી લીધી છે."

"કોઈ પણ અધિકારી કોઈ પણ સવાલનો કોઈ પણ રૂપમાં જવાબ નથી આપી રહ્યો."

મીડિયાની સ્વતંત્રતા પણ મજબૂત લોકતંત્રની નિશાની હોય છે. કાશ્મીરમાં આ સમયે મીડિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો છે. સમાચાર સંકલન ખૂબ જ મુશ્કેલ છે.

અનુરાધાના જણાવ્યા અનુસાર સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે તે અગ્રણી પત્રકાર કોઈ પણ અધિકારીને કોઈ પણ માધ્યમથી કોઈ સવાલ પૂછે તો એને સંપૂર્ણ રીતે અવગણવામાં આવે છે. જાણે કે તે હોય જ નહીં. આવા માહોલમાં લોકતંત્ર કેવી રીતે શ્વાસ લઈ શકે છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો