આઝાદ રહેવું કે પાક.નો ભાગ બનવાનું એ કાશ્મીરીઓનો હક : ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને #KashmirSolidarityDay હૅશટૅગ સાથે ઘણાં ટ્વીટ કરીને કાશ્મીરના લોકોને સમર્થન આપવાની વાત કરી છે.

ઇમરાન ખાને ટ્વીટ કરીને જણાવ્યું કે "હું ફરીથી કહેવામાં માગું છું કે સ્વતંત્રતા માટેની કાશ્મીરીઓની લડાઈમાં પાકિસ્તાન તેમની સાથે સંગઠિત અને દૃઢતા સાથે ઊભું છે, જેની પુષ્ટિ આંતરાષ્ટ્રીય સમુદાય દ્વારા ઘણી વખત યુએનએસસી ઠરાવોમાં કરવામાં આવી છે."

"કાશ્મીર પર ભારતના કબજા અને જુલ્મના સાત દાયકા વીતી ગયા હોવા છતાં સ્વતંત્રતા માટે કાશ્મીરના લોકોના સંઘર્ષને નબળો પાડી શકાયો નથી. હવે કાશ્મીરની નવી પેઢી સ્વતંત્રતાના સંઘર્ષને આગળ લઈ જઈ રહી છે."

બીજા એક ટ્વીટમાં ઈમરાન ખાને જણાવ્યું કે, "કાશ્મીરી લોકોને જણાવવાનું કે સ્વતંત્રતા માટેનું તેમનું લક્ષ્ય હવે દૂર નથી. જ્યાં સુધી તમે પોતાના કાયદેસર હક ન મેળવી લો પાકિસ્તાન તમારી સાથે છે. આ વિસ્તારમાં પાકિસ્તાન કાયમ શાંતિ માટે ઊભું રહ્યું છે પરતું એક અનુકૂળ વાતાવરણ બનાવવાની જવાબદારી ભારતની છે."

તેમણે જણાવ્યું કે "યુએનએસસી દરખાસ્ત મુજબ ભારત જો ખરેખર કાશ્મીરના મુદ્દાનો ઉકેલ લાવવા માગતું હોત તો શાંતિ માટે પાકિસ્તાન બે ડગલા આગળ વધવા માટે તૈયાર છે. પરંતુ શાંતિ અને સ્થિરતા માટેની અમારી ઈચ્છાને અમારી નબળાઈ તરીકે ન જોવામાં આવે."

"ખરેખર તો એક દેશ તરીકે અમારી તાકાત અને વિશ્વાસના કારણે અમે ડગલું આગળ ચાલવાનું નક્કી કર્યું છે જેથી કાશ્મીરી લોકોની જે આશાઓ છે તેને પૂર્ણ કરી શકાય."

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને શુક્રવારે જણાવ્યું કે "સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવેલ વાયદા પ્રમાણે જ્યારે કાશ્મીરના લોકોને પોતાના હક મળી જશે ત્યારે તેમને નક્કી કરવાની સ્વતંત્રતા હશે કે આઝાદ રહેવું છે કે પછી પાકિસ્તાનનો ભાગ બનવું છે."

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના કોટલી શહેરમાં શુક્રવારે યોજાયેલી રેલીને સંબોધતા ઈમરાન ખાને જણાવ્યું કે, "વર્ષ 1948માં દુનિયાએ કાશ્મીરના લોકોને એક વાયદો કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દરખાસ્ત મુજબ કાશ્મીરના લોકોને પોતાનું ભાવિ નક્કી કરવા માટે અધિકાર આપવાની વાત હતી."

તેમણે કહ્યું કે, "દુનિયાને યાદ અપાવવું છે કે કાશ્મીરના લોકો સાથે જે વાયદો કરવામાં આવ્યો હતો જે હજુ પૂર્ણ થયો નથી. આ સુરક્ષા પરિષદ દ્વારા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાના એક ટાપુ ઈસ્ટ તિમોર, જે એક ખ્રિસ્તી બહુમતી ધરાવતો વિસ્તાર છે, તેમને આ અધિકાર આપવામાં આવ્યો છે."

"લોકોનો મત જાણીને ઈસ્ટ તિમોરને સ્વતંત્ર કરવામાં આવ્યું. હું સંયુક્ત રાષ્ટ્ર પરિષદને યાદ અપાવવા માગું છું કે પાકિસ્તાનને કરવામાં આવેલો વાયદો તેમણે પૂર્ણ કર્યો નથી."

તેમણે દાવો કર્યો કે મુસ્લિમ જગત આઝાદ કાશ્મીર સાથે ઊભું છે.

"તમારી સાથે માત્ર પાકિસ્તાન નહીં પરતું મુસ્લિમ જગત છે. જો કોઈ કારણસર મુસ્લિમ સરકારો તમને ટેકો નથી આપી રહ્યા તો હું તમને ખાતરી આપું છું કે મુસ્લિમ જગતના લોકો આઝાદ કાશ્મીરના લોકો સાથે ઊભા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો