જીએસટી કાઉન્સિલની 44મી બેઠક : કોવિડ સંબંધિત સેવાઓના કરમાં ઘટાડો TOP NEWS

જીએસટી કાઉન્સિલની 44મી બેઠકમાં કોરોનાની રસી પર 5 ટકા જીએસટી રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કોરોનાની સારવાર અને સંચાલનમાં જરૂરી ઉપકરણોના કરમાં પણ ઘટાડો કરાયો છે.

નવા ભાવ સપ્ટેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્ર રસી ખરીદી રહ્યું છે અને લોકોને મફત આપશે. રસીકરણ પર જીએસટી નહીં લાગે.

નાણાસચિવ તરુણ બજાજના અનુસાર સંબંધિત ઘટાડો એક-બે દિવસમાં લાગુ કરી દેવાશે.

કોવિડ સંબંધિત સેવાઓ અને ઉપકરણો પર જીએસટીમાં ઘટાડો

  • વીજળી શબદાહગૃહનો જીએસટી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.
  • ઍમ્બ્યુલન્સમાં જીએસટી ઘટાડીને 12 ટકા
  • રેમડિસિવિર ઇન્જેક્શન પર પણ જીએસટી 12થી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.
  • જીએસટી કાઉન્સિલે મેડિકલ ગ્રેડ ઓક્સિજન પર જીએસટી 12થી ઘટાડીને 5 ટકા કરી દીધો છે.
  • બીઆઈએપી મશીન, ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને પલ્સ ઓક્સીમીટર પર પણ જીએસટીનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવાયો છે.
  • ટૉક્સીલીઝુબામ અને ઍન્ફોટેરિસીન પણ કોઈ જીએસટી નહીં લાગે.

ટિગ્રે : સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી, ભૂખથી મરી શકે છે 33 હજાર બાળકો

ઇથિયોપિયાના ટિગ્રે વિસ્તારમાં અંદાજે 33 હજાર બાળકો ભૂખ અને કુપોષણથી મરી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રની બાળકો માટે કામ કરતી સંસ્થા યુનિસેફે આ ચેતવણી આપી છે.

સરકારી સુરક્ષાબળો અને વિદ્રોહીઓ વચ્ચેના સતત ચાલતા સંઘર્ષે ટિગ્રેને નબળું પાડી દીધું છે.

નવેમ્બર 2020માં શરૂ થયેલી આ લડાઈ બાદ અહીં અત્યાર સુધીમાં અંદાજે 17 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.

હવે સંયુક્ત રાષ્ટ્રના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં રહેતા અંદાજે 3 લાખ 43 હજાર લોકો પર 'ગંભીર સંકટ' છે.

એટલું જ નહીં, અધ્યયનમાં અંદાજે 33 હજાર બાળકોનાં ભૂખથી મોતની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.

જોકે ઇથિયોપિયાએ આ રિસર્ચના દાવાઓથી અસહમતિ દર્શાવી છે અને કહ્યું કે ટિગ્રેમાં મદદ પહોંચાડાઈ રહી છે.

તો યુનિસેફનું કહેવું છે કે ટિગ્રેમાં ભોજનની કમીને કારણે 'તબાહી' જેવી સ્થિતિ આવી પહોંચી છે અને તેના કારણે મોટી સંખ્યામાં લોકો (ખાસ કરીને બાળકો) ભૂખમરાનો શિકાર બની શકે છે.

યુનિસેફ ટિગ્રેના દૂરના વિસ્તારોમાં માનવીય મદદ પહોંચાડવાની અપીલ કરી રહ્યું છે.

ગુજરાત : રૂપાણી સરકાર કૉંગ્રેસની 'મનરેગા' યોજનાનાં વખાણ કેમ કરી રહી છે?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા ગત અઠવાડિયે જારી કરાયેલ રિપોર્ટમાં રાજ્ય સરકારે કૉંગ્રેસના શાસનકાળમાં બનેલી મનરેગા યોજનાનાં વખાણ કર્યાં છે.

આ રિપોર્ટમાં રાજ્ય સરકારે આ યોજનાને કોરોનાના કારણે શહેરોમાંથી પોતાના ગામડે પરત ફરવા મજબૂર બનેલા પ્રવાસી મજૂરો માટે 'જીવનરક્ષક' ગણાવી છે.

નોંધનીય છે કે ગત વર્ષે કોરોનાના કારણે લદાયેલા દેશવ્યાપી લૉકડાઉનમાં ઘણા મજૂરોને પોતાની કામની જગ્યાએથી પોતાના વતન જવા માટે ફરજ પડી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં મોટા પાયે શહેરી વિસ્તારોમાંથી મજૂરો પાછા ફર્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, કોરોના બાદની ગ્રામીણ પરિસ્થિતિના નિરાકરણ સ્વરૂપે સરકારે મનરેગા વ્યૂહરચનામાં થોડા ફેરફારો કરવા જોઈએ. આ રિપોર્ટમાં મનરેગા યોજનામાં સ્કિલ મૅપિંગ, લૉંગ ટર્મ રિસ્ક કવરેજ અને આવકની ગૅરંટી જેવા સુધારાઓ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે મનરેગાનું પૂરું નામ મહાત્મા ગાંધી નૅશનલ રુરલ ઍમ્પલૉયમૅન્ટ ગૅરંટી ઍક્ટ છે. આ યોજના 2006માં ગ્રામીણ કામદારોને ઓછામાં અમુક દિવસની રોજગારી પૂરી પાડવાના હેતુસર શરૂ કરવામાં આવી હતી. જે કૉંગ્રેસની આગેવાની વાળી UPAની સરકારની ફ્લૅગશિપ સ્કીમો પૈકી એક હતી.

ભૂતકાળમાં ભાજપના ઘણા નેતાઓ આ યોજનાને ભ્રષ્ટાચારનું કેન્દ્ર અને કૉંગ્રેસની નાકામીઓનું જીવતું-જાગતું પ્રતીક ગણાવી ચુક્યા છે.

કોરોનાની રસી ક્યાં સુધી બીમારીથી રક્ષણ આપશે?

કોવિડ-19ની રસીથી સુરક્ષાને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ એક નિવેદન જાહેર કર્યું છે. તેનું કહેવું છે કે આ મૃત્યુ અને હૉસ્પિટલમાં ભરતીને રોકવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

WHOને એ પણ પૂછવામાં આવ્યું કે આ રસી કેટલા સમય સુધી લોકોને સુરક્ષા આપે છે, તો તેના પર કહ્યું કે તેની પાસે આ અંગે હજુ સુધી કોઈ પૂરી જાણકારી ઉપલબ્ધ નથી.

તેણે કહ્યું કે અત્યાર સુધી જેટલી પણ રસી છે, તેને લઈને એવી કોઈ જાણકારી નથી કે તે કેટલા સમય સુધી સુરક્ષા પ્રદાન કરે છે, પણ આગામી 12 મહિનામાં તેના અંગે યોગ્ય જાણકારી મળી જશે.

WHOએ કહ્યું, "ઘણી રસીની સુરક્ષા અલગઅલગ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે સીઝનલ ઇન્ફ્યુએન્ઝા વૅક્સિન દર વર્ષે અપાય છે, કેમ કે વાઇરસ પોતાનું રૂપ બદલતો રહે છે અને ઘણા મહિના બાદ રસીની સુરક્ષા ઓછી થતી જાય છે."

"શીતળાની રસી ઘણાં વર્ષો સુધી કે જિંદગીભર સુરક્ષા આપે છે. સાર્સ-સીઓવી-2 કોરોના વાઇરસમાં તબદિલ થાય છે અને ઘણા વેરિએન્ટ બનાવે છે. દુનિયાના ઘણા દેશોમાં આ સ્થાપિત થઈ ગયું છે. વૈજ્ઞાનિક સમુદાય અને નિયામકો ઝડપથી તપાસ કરી રહ્યા છે કે શું વર્તમાન રસી નવા વેરિએન્ટથી લાંબી સુરક્ષા આપી શકશે."

"ઘણા રસીનિર્માતા હજુ ઘણા પ્રકારના વેરિએન્ટ માટે રસી બનાવી રહ્યા છે અને એવી આશા છે કે આ રસીની સાથે બૂસ્ટર શૉટ્સ પણ હશે, જે ઘણા વેરિએન્ટ સામે સુરક્ષા વધારશે."

અમેરિકામાં કોવૅક્સિનને મંજૂરી ન મળવા અંગે નીતિ આયોગના સભ્યે શું કહ્યું?

ભારતીય કોરોના વૅક્સિન કોવૅક્સિનને અમેરિકામાં ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી ન મળવા મુદ્દે નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડૉક્ટર વી. કે. પૉલે કહ્યું છે કે આ નિર્ણયનું સન્માન થવું જોઈએ.

તેમણે કહ્યું કે દરેક દેશની પોતાની એક સિસ્ટિમ હોય છે. જ્યાં અમુક બાબતો સમાન હોય છે અને અમુક બાબતો અલગ-અલગ પણ હોઈ શકે છે.

અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશ (FDA) દ્વારા અનુમતિ ન અપાયાના નિર્ણય અંગે ડૉક્ટર પૉલે કહ્યું કે, "વૈજ્ઞાનિક માળખું એક જ છે પરંતુ તેના સૂક્ષ્મ અંતર સદર્ભ અનુસાર છે."

તેમણે કહ્યું, "આ તમામ વૈજ્ઞાનિક વિચાર છે અને તેને ધ્યાને લઈને કેટલીક બારીકાઈઓ અલગ હોઈ શકે છે. ખાસ કરીને જે દેશોમાં વિજ્ઞાન મજબૂત છે. આપણું ઉત્પાદન મજબૂત છે. તેમણે આ નિર્ણય લીધો છે જેનું અમે સન્માન કરીએ છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો