You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'શબવાહિની ગંગા': પારુલ ખખ્ખરની ગુજરાતી કવિતા પર કેમ થઈ રહ્યો છે વિવાદ અને કોણ છે એ કવયિત્રી?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોનાકાળમાં ગુજરાતમાં અનેક બાબતોમાં વિવાદ થયો. અમદાવાદના કમિશનરની બદલી, સિવિલ હૉસ્પિટલની હાલત, સરકારે આપેલા કોરોના મોતના આંકડાઓની સત્યતા, ધમણ વૅન્ટિલેટર, ઓક્સિજનની અછત, ભાજપ પ્રમુખ પાટીલની રેમેડિસિવરની વહેંચણી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું 'મને ખબર નથી' એમ અનેક બાબતો ચર્ચાસ્પદ બની. હવે કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે પણ ગુજરાતી ભાષામાં લખાયેલી એક કવિતા 'શબવાહિની ગંગા'ના વિવાદની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
દિગ્ગજ ગુજરાતી કવિ અને સાહિત્યકાર રમેશ પારેખ થકી જેની ઓળખ છે એ અમરેલીનાં કવયિત્રી પારુલ ખખ્ખરની કોરોનાકાળની કારમી બીજી લહેરમાં લખાયેલી કવિતા 'રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા..' કવિતાની આ વાત છે.
મે મહિનામાં કોરોનાની બીજી લહેર જાણે કે ચરમ પર હતી. ગુજરાત સહિત દેશમાં અનેક સ્થળોએ ચોવીસ કલાક સ્મશાનોમાં આગ સળગી રહી હતી, અખબારોમાં સ્મશાનોની ચિમનીઓ પીગળવાના સમાચાર છવાઈ રહ્યા હતા, હૉસ્પિટલોમાં જગ્યા મળવી મુશ્કેલ હતી, ભારતમાં ઓક્સિજનની અછત અને કોવિડ મિસમૅનેજમેન્ટના સમાચારોની વિશ્વનું મીડિયા નોંધ લઈ રહ્યું હતું અને ગંગાનદીમાં વહી રહેલા સેંકડો મૃતદેહોનાં દૃશ્યો લોકોને વિચલિત કરી રહ્યાં હતાં.
આવા સમયે કવયિત્રી પારુલ ખખ્ખરે 11 મે 2021ના રોજ એમના સોશિયલ મીડિયામાં એક કવિતા પોસ્ટ કરી.
અનેક લોકોએ એને 'પોતાની વેદનાનો ચિત્કાર ગણાવી' ઝીલી લીધી, તો અનેક લોકોએ તેને કોરોનાકાળમાં 'સસ્તી પ્રસિદ્ધિનો પ્રયાસ' પણ ગણાવી. બીજા અનેકને મન તે વડા પ્રધાન અને સરકારની આકરી ટીકા કરનાર બની.
ગુજરાતીથી અનેક ભાષામાં પહોંચી કવિતા
પહેલી ગુજરાતીથી હિંદીમાં અને પછી જોતજોતામાં એ દેશની અનેક ભાષામાં અનુદિત થઈ. કોઈ ગુજરાતી કવિતા આટલી ઝડપે આટલી બધી ભાષાઓમાં પહોંચી ગઈ હોય એવું અગાઉ કદી બન્યું નથી. એનું ગુજરાતી સ્વરાંકન પણ થયું.
કવિતાને પગલે પારુલ ખખ્ખરને સોશિયલ મીડિયામાં ટ્રૉલ કરવામાં આવ્યાં અને તેમણે પોતાની ફેસબુક પ્રોફાઇલ લૉક કરી દીધી.
મૂળે મરસિયાની જેમ લખાયેલી આ કવિતાની તરફેણમાં અને વિરોધમાં પણ કવિતાઓ લખાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં શાસકપક્ષ ભાજપના ટોચના નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને એમના વિરોધીઓ સોશિયલ મીડિયામાં કથિત રીતે 'રંગા-બિલ્લા'ની ઉપમા આપે છે અને કવિતામાં એ શબ્દનો ઉલ્લેખ તથા 'રાજા મેરા નંગા' શબ્દ પર ખૂબ વિવાદ થયો. બીબીસી કથિત ઉપમા તરીકે વપરાતા શબ્દોની સ્વતંત્ર પૃષ્ટિ કરતું નથી.
વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીએ 'ધ વાયર'માં લખ્યું કે ગંગામાં તરતી લાશો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નગ્ન રાજા કહેવા પર ટોચનાં ગુજરાતી કવયિત્રી પર ભાજપ ખફા.
એમણે કહ્યું કે, "પારુલ ખખ્ખરે ફક્ત 14 પંકિતઓમાં વેદનાને વાચા આપી અને તેને અનેક લેખકો અને લોકોએ અનુમોદન આપ્યું તેને કારણે તેઓ સત્તાધારી પાર્ટીની ટ્રૉલ આર્મીના નિશાને છે."
એ અહેવાલ મુજબ એ વખતે પારુલ ખખ્ખરની કવિતા દેશની છ ભાષામાં અનુવાદિત થઈને પહોંચી હતી.
શબવાહિની ગંગા પર પ્રતિક્રિયાઓ
ગુજરાતના વિચારપત્ર 'નિરીક્ષક' સામયિકમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન શાહે આ અંગે લેખ કર્યો અને તે 16 મે 2021ના રોજ પ્રથમ નિરીક્ષકમાં અને તે બાદ ઓપિનિયનમાં પ્રકાશિત થયો.
પ્રકાશ ન શાહે લખ્યું, "સોશિયલ મીડિયા પર બરફના તોફાન પેઠે કે પછી જંગલના દવની જેમ કહો કે ચાલુ બીજગણિતને ઓળાંડીને વેગે વાઇરલ થયેલી પારુલ ખખ્ખર બાની વાંચી તમે?
એક અવાજે મડદાં બોલ્યાં 'સબ કુછ ચંગા ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
તમારાં મસાણ ખૂટ્યાં'ને 'અમારા ડાઘુ ખૂટ્યા' એ ધાટીએ હાલની અનવસ્થા, એકંદર ગેરવહીવટ અને બેતમા તંત્ર (નેતૃત્વ) વિશે વાત કરતાં પારુલ છેલ્લી પંક્તિઓમાં એક રીતે પરાકાષ્ઠાએ પહોંચે છે:
રાજ, તમારાં દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો 'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
"પારુલે 'હોય મરદ' એમ હાકલ કરી છે, પણ ઘણા બધા મરદોની મર્દાનગી આ ગાળામાં ટ્રૉલબહાદુર તરીકે પ્રગટ થતી માલૂમ પડી છે. ટ્રૉલટ્રૉલૈયાએ બોલાવેલી કથિત ધડબડાટી - 'કથિત' એટલા માટે કે એમાં કોઈ ધારાધોરણનો સવાલ અગરાજ છે - કદાચ, એ હકીકતની સાહેદીરૂપ છે કે પારુલની રચનામાં થયેલું અકેકું વિધાન વિગતસિદ્ધ છે, અને એનો હકીકતી પ્રતિવાદ શક્ય નથી."
16 મે 2021ના રોજ ગુજરાતનાં ખ્યાતનામ લેખિકા કાજલ ઓઝા વૈદ્યે કવિતાનો વિરોધ કરતો લેખ દૈનિક દિવ્ય ભાસ્કરની રસરંગ પૂર્તિમાં 'દુખ પારાવાર... મૂઈ આ સરકાર'ના હેડિંગ સાથે લખ્યો.
એ લેખમાં એમણે કવિતાને ટાંકીને બધી વાત માટે સરકારને જવાબદાર ગણવાની માનસિકતા પર વાત કરી અને કહ્યું કે,
"આજકાલ સરકારનો વિરોધ કરવાનો એક નવો ટ્રેન્ડ, નવી ફેશન ચાલી છે. કંઈ પણ ન થાય, ખોટું થાય, ભૂલ થાય તો એને માટે 'સરકાર' જવાબદાર છે. ઘરના નળમાં પાણી ન આવે કે હૉસ્પિટલમાં ઓક્સિજન ન મળે, રેમડેસિવિરના બ્લૅક માર્કેટ થાય કે કોઈ બે-ચાર હળતિયા-મળતિયા ટોકનની ગરબડ કરે તો પણ જવાબદાર તો સરકાર જ છે… ચાલો, એ જવાબદારી પણ સરકાર સ્વીકારી લે તો આ 'સરકાર' એટલે કોણ? બે જણાં? કે પછી એક આખી સિસ્ટમ જે આપણે જ, મતદારોએ વોટ આપીને ઊભી કરી છે."
કાજલ ઓઝા વૈદ્યે લખ્યું કે "આખી દુનિયા તકલીફમાં છે, પ્રત્યેક દેશમાં, પ્રત્યેક રાજ્યમાં, પ્રત્યેક શહેર, ગલી, મહોલ્લા કે ઘરમાં મૃત્યુ થઈ રહ્યાં છે ત્યારે કોઈ બે જણાં કે સરકારને જવાબદાર ઠરાવીને કદાચ ફેસબુક ઉપર થોડા દિવસ માટે સેન્ટર ઑફ એટ્રેક્શન બની શકાય, પરંતુ અંતે તો આપણે આપણી અણસમજ અને બેવકૂફીનું પ્રદર્શન જ કરીએ છીએ."
દિવ્ય ભાસ્કર અખબારમાં જ કળશ પૂર્તિમાં લેખિકા વર્ષા પાઠકે 19 મેના રોજ 'અત્યારે નહીં તો ક્યારે બોલશો?' એ હેડિંગથી લેખ લખ્યો.
વર્ષા પાઠકે કવિતાના થઈ રહેલા વિરોધ પર આકરો વિરોધ વ્યક્ત કર્યો અને લખ્યું કે, "તાજેતરમાં અમરેલીની કવિયત્રી પારુલ ખખ્ખરે ગંગા નદીમાં તરતાં મૃતદેહોની વાતથી વ્યથિત થઈને એક ધારદાર કવિતા લખી એમાં અનેક લોકોને પોતાના યુગપુરુષ ઍન્ડ હીઝ ડિવાઇન આસિસ્ટન્ટનું ઘોર અપમાન થતું લાગ્યું અને બક્ષીએ જેને પુરુષનું મેન્સિસ કહેલું એનો ધોધ સોશિયલ મીડિયા પર વહેવા લાગ્યો."
આ સિવાય પણ અનેક ભાષાઓમાં અનેક સ્થળોએ કવિતા વિશે લખાયું. જોકે, આ વિવાદ શાંત થઈ રહ્યો હતો અને એવામાં ગુજરાત સરકાર સંચાલિત ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર 'શબ્દસૃષ્ટિ'માં એક નનામો પત્ર પ્રકાશિત થયો અને વિવાદ આગળ વધ્યો.
અકાદમીનો નનામો પત્ર અને વધુ એક વિવાદ
'શબ્દસૃષ્ટિ'ના જૂનના અંકમાં 89મા પાને 'ના, આ કવિતા નથી, કવિતાનો અરાજકતા માટેનો દુરુપયોગ છે' એવા મથાળા સાથે એ લેખ છપાયો છે.
સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. છપાયેલા એ લેખમાં કોઈનું નામ નથી.
જોકે, 'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું છે કે લેખ તેમણે લખ્યો છે અને 'શબવાહિની ગંગા' કવિતાને ધ્યાનમાં રાખીને જ લખાયો છે.
એ લેખમાં પંડ્યાએ લખ્યું છે, "ખરેખર તો આ કાવ્ય છે જ નહીં, આવેશમાં આવીને કરવામાં આવેલો વ્યર્થ આક્રોશ છે. પ્રાસના ત્રાસ સાથે, ભારતીય પ્રજા-લોકતંત્ર-સમાજને લાંછન લગાડે તેવું. શબ્દોનું તિકડમ્ છે. તેને કવિતા કઈ રીતે કહેવાય?"
"પ્રસ્તુત કવિતા - જેમાં લોકતંત્રના આધારરૂપ પ્રતિનિધિત્વ અને નેતૃત્વને માટે પ્રયોજાયેલા શબ્દો કોઈ રીતે કાવ્યમાં શોભે તેવા નથી અને તેનો દુરુપયોગ - દેશભરમાં રાહ જોઈને બેઠેલાં કેન્દ્રવિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાના વિરોધી પરિબળોએ કર્યો છે. એટલે કહ્યું કે આ કવિતા નથી અને તથાકથિત કવિતાના ખભે બંદૂક રાખીને એવાં તત્ત્વોએ ષડ્યંત્રો શરૂ કર્યાં છે."
"જેઓની નિષ્ઠા ભારત નહીં, અન્યત્ર છે, વામપંથીઓ છે, કથિત લિબરલ્સ છે જેમનો હવે કોઈ ભાવ પૂછતું નથી, જલદીથી હવે તેમનો હેતુ ભારતમાં અવ્યવસ્થા ફેલાવવાનો છે ને અવ્યવસ્થામાંથી અરાજકતા પેદા કરવાનો છે."
"પ્રસ્તુત કવિતાને પોતાનાં વ્યક્તિગત સુખદુઃખોની સાથે જોડીને એક 'મુગ્ધ' વર્ગ પણ તેમાં સામેલ થઈ જાય એવો જ હેતુ આ 'લિટરલી નક્સલો'નો પણ છે. અકાદમી સાહિત્યની સંસ્થા છે. તેનો હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો છે."
તો સુરતના જાણીતા કવિ વિવેક ટેલરે પણ શબ્દસૃષ્ટિમાં છપાયેલા નનામા પત્રનો વિરોધ કર્યો છે અને "આ શું ગુજરાતી સાહિત્યના અધઃપતનની શરૂઆત છે?" એવો સવાલ પણ કર્યો છે.
પારુલ ખખ્ખરની કવિતાનો અંગ્રેજી અનુવાદ કરનાર લેખક અને પત્રકાર સલિલ ત્રિપાઠીએ ઓપિનિયનમાં પ્રકાશિત અહેવાલમાં અકાદમીના એ પત્ર પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
સલીલ ત્રિપાઠીએ લખ્યું, "શબ્દસૃષ્ટિમાં 'ના, આ કવિતા નથી; 'કવિતા'નો અરાજકતા માટે દુરુપયોગ છે" શીર્ષક હેઠળ એક નોંધ છપાઈ તો ખરી, જેમાં પારુલ ખખરની કવિતા, 'શબ વાહિની ગંગા' એક વિવેચકે ભભૂકતી આંખે વાંચી, થર થર કાંપતા હાથે એને વિષે એક નોંધ લખી છે. એ લેખમાં પારુલનું નામ નથી લીધું, પણ એમની કવિતાને કવિતા કહેતા સંકોચ બતાવ્યો છે, અને કવિતાની આસપાસ અવતરણ ચિહ્નો મૂક્યાં છે. એટલે આપણે પણ એમના વિવેચનને 'વિવેચન' કહેવું રહ્યું."
સલિલ ત્રિપાઠીએ લખ્યું, "પાછું કહે છે કે પારુલની રચના કવિતા નથી પણ આક્રોશ છે. હવે એમાં કંઈક ગેરસમજ થઈ લાગે છે. હજારો નિર્દોષ લોકોનું મૃત્યુ જોઈ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ ઉત્તેજિત તો થાય જ, પણ એ આક્રોશ અભિવ્યક્ત કરવા કવિ પાસે હોય છે શબ્દ; બંદૂક તો નથુરામ જેવા લોકો વાપરે, કવિ નહિ. પણ જે પક્ષના નેતાઓ અને સમર્થકો દશેરાને દિવસે શસ્ત્રપૂજન કરતા હોય, એમને શબ્દ કે સરસ્વતી સાથે શું સંબંધ? એ તો એમનાં મંતવ્યનો વિરોધ કરનારને દુશ્મન જ સમજી બેસે!"
એમણે લખ્યું, "પારુલની કવિતામાં ધાર્મિક સંદર્ભનો ઉલ્લેખ છે, અને અન્યાય પ્રત્યે હતાશા છે, અને વ્યંગભર આક્રોશ પણ છે. એવી કવિતાને વામપંથી કહી ઉતારી પાડવી, કે લિબરલ જેવા ઉમદા શબ્દનો અપમાનરૂપે દુરુપયોગ કરવો, અને 'લિટરરી નક્સલ' જેવા હાસ્યાસ્પદ આક્ષેપ મુકવા, એ તો આ 'વિવેચક'ની નબળાઈ, લઘુતાગ્રંથિ, અને બાલિશતા બતાવે છે. આવી ભાષા 'શબ્દસૃષ્ટિ'ને શોભે નહિ."
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતી સાહિત્ય અકાદમી કવિતાનો વિરોધ કરે છે અને તેને કવિતા ગણવાનો ઇનકાર કરે છે પણ અગાઉ અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિમાં અનેક વાર પારુલ ખખ્ખરની કવિતાઓ છપાઈ ચૂકી છે. અકાદમીના સહયોગથી એમના એક સંગ્રહનું પ્રકાશન પણ થયું છે.
ધ વાયરનો અહેવાલ કહે છે કે આ કવિતા લખી તે અગાઉ તેઓ જમણેરી વિચારધારાની ગુડ બુકમાં રહ્યાં છે. ગુજરાત સરકારની ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર સાધના સાથે જોડાયેલા વિષ્ણુ પંડ્યા અગાઉ તેમને 'ગુજરાતી કવિતામાં ઉદય પામી રહેલું મોટું માથું ગણાવી' ચૂક્યા છે.
કોણ છે પારુલ ખખ્ખર?
ગુજરાતી સાહિત્યમાં જે ગામની એક આગવી ઓળખ છે એના અમરેલીના 51 વર્ષનાં કવયિત્રી છે પારુલ ખખ્ખર.
અમરેલી ગામને આખા દેશમાં ઓળખ મળી ગુજરાતી ભાષાના દિગ્ગજ કવિ અને સાહિત્યકાર રમેશ પારેખથી.
આજે પારુલ ખખ્ખરની ટીકા થઈ રહી છે ત્યારે એ પણ ઉલ્લેખ જરૂરી બને છે કે જ્યારે રમેશ પારેખે સામંતવાદની તુચ્છતા પર કટાક્ષકાવ્યો લખ્યાં હતાં ત્યારે પણ અનેક લોકોનાં ભવાં એ વખતે તણાયાં હતાં.
દીપલ ત્રિવેદી લખે છે કે પ્રતિરોધની કવિતાએ પારુલ ખખ્ખરની ઓળખ નથી, તેઓ આ પ્રકારની કવિતા લખતાં નથી પણ શબવાહિની ગંગા થકી એમણે દેશની કારમી વાસ્તવિકતાનો પરિચય આપ્યો છે.
પારુલ ખખ્ખર ગીત, ગઝલ ઉપરાંત વાર્તા, નિબંધ લખે છે. 'કલમને ડાળખી ફૂટી' તેમજ 'કરિયાવરમાં કાગળ' જેવા કાવ્યસંગ્રહ તેમણે આપ્યા છે.
જાણીતા કવિ - વિવેચક વિનોદ જોશીએ 'કરિયાવારમાં કાગળ'ની પ્રસ્તાવનામાં પારુલ ખખ્ખર વિશે લખ્યું છે કે, "કરિયાવરમાં કાગળ પારુલ ખખ્ખરનો બીજો કાવ્યસંગ્રહ છે. એમનો પહેલો કાવ્યસંગ્રહ 'કલમને ડાળખી ફૂટી' બે-અઢી વર્ષ પહેલાં પ્રગટ થયો હતો. તેમાં માત્ર ગઝલો હતી. આ સંગ્રહમાં ગીતરચનાઓ છે."
વિનોદ જોશીની આ પ્રસ્તાવના ફેબ્રુઆરી, 2021માં સામયિક 'પરબ'માં પ્રકાશિત થઈ હતી.
જેમાં તેમણે એમ પણ લખ્યું છે કે, "આ કવયિત્રી પાસે પ્રતિભાનું બળ છે. એક સર્જકમાં હોવી જોઈતી સંવેદનશીલતા તો ભરપૂર છે. અલંકારણો, કલ્પનો અને ભાષાની પ્રયુક્તિઓનું પણ ખાસું કૌશલ છે."
પંદર વર્ષે પહેલી કવિતા લખી
પારુલ ખખ્ખર જ્યારે પંદર વર્ષની વયે દસમા ધોરણમાં ભણતાં હતાં ત્યારે તેમણે પહેલી વખત કવિતા લખી હતી.
પારુલ ખખ્ખરનો 2019માં યૂટ્યૂબ પર રજૂ થયેલો એક ઇન્ટરવ્યૂ છે, જે ગોપાલ ધકાણે લીધો હતો. જેમાં તેમણે આ વાત કહી હતી.
એ ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે, "પહેલી કવિતા લખાઈ એ પછી પાંચેક વર્ષ લખાયું. વીસ વર્ષે પરણીને અમરેલી આવી ગઈ હતી. પછી પુત્રનો જન્મ થયો. એ પછી લાગલગાટ વીસ વર્ષ એવાં ગયાં કે કાગળ અને કલમ સાવ મુકાઈ ગયાં હતાં."
વીસ વર્ષ સુધી પારુલ ખખ્ખરે કાગળ પર અક્ષર પાડ્યો નહોતો. પરિવારમાં જ પરોવાયેલા રહ્યાં હતાં. ઉંમરના ચાલીસમા વર્ષે ફરી કાગળ અને કલમ હાથમાં લીધાં અને કવિતા, ગઝલની નવી ઇનિંગ શરૂ થઈ.
પારુલ ખખ્ખરની જે નવી ઇનિંગ શરૂ થઈ એમાં ફેસબુક જેવા સોશિયલ મીડિયાએ મોટી ભૂમિકા ભજવી છે.
તેઓ કહે છે કે, "હું વીસ વર્ષ પછી ફરી આવી એમાં સોશિયલ મીડિયાનો મોટો રોલ છે. કારણ કે હું જે કંઈ લખતી એ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર જ કાચુંપાકું લખતી હતી. ત્યાં જ મને પ્રતિસાદ મળ્યો અને સફર આગળ વધતી ગઈ."
તેમનો જે પહેલો કાવ્યસંગ્રહ આવ્યો તે સહિયારો હતો. તેમાં પણ ફેસબુક નિમિત્ત બન્યું હતું.
પારુલબહેન કહે છે, "2012માં 'અગિયારમી દિશા' નામનો સહિયારો સંગ્રહ બહાર પડ્યો હતો. જેને ફેસબુકના માધ્યમથી મળેલા 11 કવિઓએ સાથે મળીને પ્રકાશિત કર્યો હતો. જેમાં એકમાત્ર હું મહિલા કવયિત્રી હતી."
એ પછી તેમનો પહેલો સ્વતંત્ર કાવ્યસંગ્રહ 'કલમને ડાળખી ફૂટી' 2018માં આવ્યો હતો. 2018ના ડિસેમ્બરમાં જ તેમને અમદાવાદમાં કાવ્યમુદ્રાનો 'યુવા પ્રતિભા'નો ઍવૉર્ડ પણ મળ્યો હતો.
નોંધનીય છે કે પારુલબહેનની કવિતા 'શબવાહીની ગંગા' પણ તેમના ફેસબુક પર જ મુકાઈ હતી અને ત્યાંથી ઠેરઠેર પહોંચી હતી. કવિતાના વિવાદ પછી તેમની ફેસબુક પ્રોફાઈલ બંધ છે.
પારુલબહેન કાવ્ય લખવા માટે કોઈ ચોક્કસ વાતાવરણ કે માહોલનાં મોહતાજ નથી.
તેમણે કહ્યું હતું કે, "સવારે સાતથી બાર વચ્ચે જ મોટા ભાગનું સર્જન સ્ફુરે છે. એ વખતે જ ઘરનાં કામો ચાલુ હોય. તેથી કામ અને કવિતા બંને સાથે થાય છે. કૂકરની સીટી વાગતી હોય કે રોટલી વણાતી હોય એની વચ્ચે ગઝલના શેર લખાતા હોય એવું બન્યું છે. છાશ બનતી હોય અને મનમાં કવિતાનું વલોણું ચાલતું હોય એવું બન્યું છે. મને આ સ્થિતિ મુશ્કેલીભરી લાગી નથી."
નારીવાદ વિશે પણ તેમની પોતાની સમજ છે. તેઓ કહે છે કે, "હું જરાય નારીવાદી નથી. હું એવું માનું છું કે મારી દીવાલો ચણવાની મને આઝાદી હોય તો એને હું સ્ત્રીસ્વાતંત્ર્ય માનું છું. દરેકે પોતાની દીવાલો ચણવી પડે છે. એક દાયરાની બહાર તમે નથી જઈ શકતાં. તો એ દાયરો ક્યો એ નક્કી કરવાની આઝાદી મને છે તો હું સ્વતંત્ર છું."
"પોતાની લિમિટ - મર્યાદા નક્કી કરવાની આઝાદી જેને મળે છે એ સ્વતંત્ર છે એમ હું માનું છું. સ્ત્રી માટે બંડ પોકારવાની વાત કે એક ઝનૂન લાવીને પુરુષને ખરાબ ચીતરીને સ્ત્રીને સારી બતાવવી એવી કોઈ બાબત મારી કવિતામાં જોવા નહીં મળે."
આગળ તેઓ કહે છે, "કેટલાંક સ્ત્રી સર્જકોને હું વાંચું છું તો મને થાય છે કે તેઓ રસોડામાંથી અને પુરુષોની નિંદા કરવામાંથી બહાર જ નથી આવતાં."
"સ્ત્રીની સંવેદનશીલતા કાં તો રસોડામાં કાં તો બેડરૂમની અસ્તવ્યસ્તતાઓમાં ગૂંગળાઈ જાય છે, અથવા તો પુરુષને વખોડવામાં કે રોદણાં રડવામાં જાય છે."
"સતત અભાવઅભાવની વાતો કરતી સ્ત્રીઓને જોઈને મને થાય છે કે ના, પુરુષો ખરેખર આટલા ખરાબ નથી એવું મને લાગે છે. તેમનાં જમા પાસાં વિશે કેમ વાત ન થાય? પુરુષ એટલે પથ્થરમાં પાંગરેલી કૂંપળ."
"બહારથી એ પથ્થર જેવો લાગે પણ એમાંય કૂંપળ ફૂટે છે. પરંતુ એને વખોડવામાં પેલી નાની કૂંપળ છે તે દેખાતી નથી. પછી એના પર ઘા પર ઘા મારીએ એટલે પેલી કૂંપળ મૂરઝાઈ જાય છે. પછી જે બાકી રહી જાય છે એ પથ્થરપણું છે. એ પથ્થરપણું જીવનભર આપણે ભોગવીએ છીએ અને એને વખોડીએ છીએ."
તેમણે પુરુષને કેન્દ્રમાં રાખીને એક કવિતા પણ લખી છે. જેમાં એક ઠેકાણે લખ્યું છે, 'પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફૂલ.'
પારુલ ખખ્ખર અનુકૂલન અને ઉત્ક્રાન્તિની સાથે વાત કરે છે.
તેઓ કહે છે, "મારા જીવનમાં બે મુદ્દા વણી લીધા છે. અનુકૂલન સાધવું અને ઉત્ક્રાન્તિ સાધવી. દરેક નવોદિતને આ જ સંદેશ આપીશ કે અનુકૂલન સાધતાંસાધતાં ઉત્ક્રાન્ત થતાં રહેવું. એ જ સાચું મનુષ્યત્વ અને સર્જકત્વ છે."
ધ વાયરના અહેવાલ મુજબ પારુલ ખખ્ખર પોતાના બ્લૉગની ઓળખાણમાં કહે છે કે કવિતા એ મારા જીવનનો મૂક ટેકો છે. મારો પહેલો પ્રેમ. હું ગુજરાતી, હિંદી, અને ઉર્દૂમાં લખું છું. હું આધ્યાત્મિક અને ધાર્મિક છું. હું પોતાને ઈશ્વરનું શ્રેષ્ઠ સંતાન માનું છું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો