You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૅક્સિન પૉલિસી : એ પાંચ સવાલો, જેના જવાબ મોદી સરકાર પાસેથી મળવાના બાકી છે
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારતની વૅક્સિનેશન પૉલિસીમાં ફરી એક વાર ફેરફાર કર્યો. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 21 જૂનથી શરૂ થનારી વૅક્સિનેશન પ્રક્રિયા માટે ગાઇડલાઇન પણ જારી કરી દીધી.
નવી ગાઇડલાઇન પ્રમાણે :
- હવે 75 ટકા રસી કેન્દ્ર સરકાર ખરીદશે અને 25 ટકા પ્રાઇવેટ હૉસ્પિટલ ખરીદી શકશે.
- રાજ્યોને રસી જનસંખ્યા, દર્દી અને રસીકરણની ઝડપના આધારે અપાશે. વૅક્સિનની બરબાદીની નકારાત્મક અસર થશે.
- પ્રાથમિકતાના આધારે વૅક્સિન અપાશે. વિતરણની તમામ જવાબદારી રાજ્ય સરકાર પર હશે.
- પ્રાઇવેટ હૉસ્પિટલ રસી જે કિંમત પર ખરીદશે, તે વૅક્સિનનિર્માતા કંપનીઓ જણાવશે. હૉસ્પિટલ 150 રૂપિયા કરતાં વધુ સર્વિસ ચાર્જ નહીં લઈ શકે. રાજ્ય સરકારો આના પર નજર રાખી શકશે.
- આમ તો દરેક વર્ગને કેન્દ્ર સરકાર મફત રસી આપશે. પરંતુ સાથે જ એવું પણ કહ્યું છે કે પૈસા આપીને રસી ખરીદી શકતા હોય તેવા લોકો ખાનગીપણે રસી મેળવી શકશે.
સમયાંતરે પૉલિસી રિવ્યૂ કરવામાં આવશે.
વૅક્સિનેશન પૉલિસીમાં ફેરફારની જાહેરાત કરતાં વડા પ્રધાન મોદીએ રાજ્ય સરકારોને મે મહિનામાં રસીકરણની ધીમી ગતિ માટે પરોક્ષપણે જવાબદાર ઠેરવી. બીજી તરફ, કેટલાક વિપક્ષોએ વૅક્સિનેશન પૉલિસીમાં ફેરફારો થયાની વાતને પોતાની અને સુપ્રીમ કોર્ટની સફળતા ગણાવી.
એ વાત સાચી છે કે કેરળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ અને ઓડિસાના મુખ્ય મંત્રીઓએ મફતમાં રસીકરણ કરવાની માગ કેન્દ્ર સરકારને કરી હતી. પરંતુ મહારાષ્ટ્ર એવાં કેટલાંક રાજ્યો પૈકી એક હતું જેણે રાજ્યોને રસી ખરીદવાના અધિકાર આપવાની વકીલાત કરી હતી. વડા પ્રધાન મોદીના હાલના નિર્ણય બાદ તેમની પ્રતિક્રિયા નથી આવી.
જો કેન્દ્ર રાજ્ય, વિપક્ષ અને સુપ્રીમ કોર્ટ તમામને આ ફેરફારનો શ્રેય આપીએ, તો પણ ઘણા એવા પ્રશ્નો છે, જેના જવાબ જનતાને વડા પ્રધાન મોદીના સંબોધન થકી નથી મળી શક્યા.
પ્રશ્ન 1 : રાજ્ય સરકારોની અસમંજસ
ઝારખંડ એવાં કેટલાંક રાજ્યો પૈકી એક છે જ્યાં વૅક્સિનના બગાડને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે પાછલા અમુક દિવસો દરમિયાન ઘણી ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકારનો દાવો હતો કે ઝારખંડમાં વૅક્સિનનો બગાડ મોટા પાયે થઈ રહ્યો છે, જ્યારે પ્રદેશના મુખ્ય મંત્રીએ આંકડાના આધારે કેન્દ્ર સરકારને પડકારી.
નાનું રાજ્ય હોવાના કારણે ત્યાંના ખજાનાની હાલત પણ કંઈ ઝાઝી સારી નથી. તેમ છતાં આ રાજ્ય સરકારે મફત વૅક્સિન માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને મફત વૅક્સિન આપવા માટે 47 કરોડ રૂપિયા કોવીશિલ્ડ અને કોવૅક્સિનની કંપનીઓને મોકલી આપ્યા. આ વાતની જાણકારી મુખ્ય મંત્રી હેમંત સોરેને જાતે જ આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે તેમનું કહેવું છે કે આ નિર્ણય અમુક અઠવાડિયાં પહેલાં લેવાયો હોત, ખજાના પરનો બોજો ઓછો કરી શકાયો હોત.
ઝારખંડના સ્વાસ્થ્યમંત્રી બન્ના ગુપ્તાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "દૂધનો દાઝેલો છાશ પણ ફૂંક મારીને પીએ છે. પીએમ કૅર્સ ફંડ દ્વારા ફાળવાયેલા એક હજાર કરતાં વધુ પ્લાન્ટમાં ઝારખંડના ખાતામાં માત્ર એક જ આવ્યો છે. વૅન્ટિલેટર વિતરણમાં પણ અમારી સાથે આવું જ થયું છે. અત્યાર સુધી રાજ્યને કેન્દ્ર સરકાર પાસેથી 45 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકો માટે સાત લાખ 24 હજાર વૅક્સિનના ડોઝ મળ્યા છે, જ્યારે જરૂર 83 લાખ ડોઝની છે."
એટલે કે ઝારખંડને બીક છે કે ઓક્સિજન સપ્લાય, બ્લૅક ફંગસની દવાની સપ્લાયમાં નાનાં રાજ્યોમાં જ્યાં વિપક્ષની સરકાર છે, તેમની સાથે સાવકો વ્યવહાર થઈ રહ્યો છે.
રાજસ્થાનમાં પણ વૅક્સિનના બગાડના આકંડા મીડિયામાં કંઈક અલગ અને રાજ્ય સરકારની ફાઇલોમાં કંઈક અલગ છે.
સુપ્રીમ કોર્ટે વૅક્સિન પૉલિસી પર સુનાવણી દરમિયાન આ પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. કેટલાંક રાજ્યોની સરકારોને આપત્તિ છે કે ઓછી વૅક્સિન મળશે, તો ઝડપ ઓછી થશે, આવી સ્થિતિમાં શું થશે?
પ્રશ્ન 2 : રજિસ્ટ્રેશન પ્રક્રિયા
મંગળવારના રોજ જારી કરાયેલી નવી ગાઇડલાઇનમાં ઑન-સાઇટ રજિસ્ટ્રેશનની સુવિધા તમામ વયજૂથ માટે ઉપલબ્ધ કરાવવાની વાત કરાઈ છે. તે માટે રાજ્ય સરકારોને નિયમ અને પ્રક્રિયા ઘડવા માટે કહેવાયું છે. પરંતુ એવું નથી જણાવાયું કે રાજ્ય સરકારો હવે પોતાની અલગ ઍપ તૈયાર કરશે કે નહીં.
આ પહેલાં 45 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકો માટે ઑન-સ્પૉટ રજિસ્ટ્રેશનની સુવિધા હતી, પરંતુ 18થી 44 વર્ષ ઉંમરવાળા માટે આ સુવિધા નહોતી. સુપ્રીમ કોર્ટમાં વૅક્સિન પૉલિસી પર સુનાવણી દરમિયાન આ 'ડિજિટલ ડિવાઇડ' વિશે કેન્દ્ર સરકારને સવાલ પુછાયા હતા.
ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન પ્રમાણે 28 એપ્રિલ 2021 સુધી 45 વર્ષ કરતાં વધુ ઉંમરવાળા 14 કરોડ 42 લાખ લોકોએ વૅક્સિન માટે નોંધણી કરાવી હતી, જેમાં માત્ર બે કરોડ 52 લાખ લોકએ જ કોવિન ઍપ દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ આંકડા જણાવે છે કે ઍપમાં રજિસ્ટર કરાવવાની અનિવાર્યતા કેવી રીતે રસીકરણ અભિયાનની ઝડપ ઘટાડી રહી છે.
આ તરફ ઇશારો કરતાં તમિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને ટ્વિટર પર લખ્યું, "વડા પ્રધાને સોમવારે કહ્યું કે સ્વાસ્થ્ય રાજ્યોનો વિષય છે, તેથી યોગ્ય કહેવાશે કે રજિસ્ટ્રેશન, સ્થાપન અને રસીકરણ અભિયાન સાથે જોડાયેલ તમામ પ્રશાસનિક કામકાજ પણ રાજ્યોને સોંપી દેવામાં આવે."
કંઈક આવી જ માગ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પણ અગાઉ ઉઠાવી ચુક્યા છે.
સોમવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાને ઍપની ઘણી પ્રશંસા કરી અને બીજી તરફ કહ્યું કે દેશ પણ આ વિશે જાણવા માગે છે.
પરંતુ 21 જૂન પહેલાં જ્યારે ઑન-સાઇટ રજિસ્ટ્રેશન ખૂલી ગયું. ત્યારે લોકોની ભીડ વૅક્સિનેશન સેન્ટર પર આવવાથી કેવી રીતે રોકી શકાશે? આ વાતનો જવાબ મળવાનો બાકી છે. બની શકે કે દરેક રાજ્યમાં આ માટે નિયમ અને કાયદા અલગ અલગ હોય.
પ્રશ્ન 3 : પ્રાઇવેટ હૉસ્પિટલોમાં વૅક્સિનની કિંમત શું હશે?
નવી વૅક્સિનેશન પૉલિસીમાં લોકો ખાનગી હૉસ્પિટલોમાં જઈને પહેલાંની જેમ વૅક્સિન મુકાવી શકશે. તેના પર સર્વિસ ચાર્જ સરકારે નક્કી કરી દીધા છે. પરંતુ શું કિંમત હાલ પણ પહેલાં જેટલી જ હશે. એ વિશે કશું જ નથી કહેવાયું.
હાલ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં વૅક્સિનના રેટમાં ભારે ફરક જોવા મળ્યો છે. ક્યાંક ખાનગી વૅક્સિનના એક ડોઝ માટે 850 રૂપિયા લાગી રહ્યા છે તો ક્યાંક 1200 અને 1500 રૂપિયા પણ ખર્ચ કરવા પડી રહ્યા છે.
નવી ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રાઇવેટ હૉસ્પિટલોની માગ વિશે કેન્દ્રને જણાવશે અને કેન્દ્ર સરકાર રસી ખરીદવામાં તેમની સહાય કરશે.
'ઍસોસિયેશન ઑફ હેલ્થકૅર પ્રોવાઇડર્સ ઇન્ડિયા' ભારતમાં એવી સંસ્થા છે જે સમગ્ર દેશમાં નાની હૉસ્પિટલો સાથે કામ કરે છે. તેના અધ્યક્ષ ડૉક્ટર એલેક્ઝાન્ડર થૉમસે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પાઇવેટ હૉસ્પિટલોના ઘણા પ્રશ્નો છે જેના જવાબ અમને વડા પ્રધાનના ભાષણમાં નથી મળતા.
તેમણે કહ્યું, "ભારતની 70 ટકા વસતીની સ્વાસ્થ્ય સેવાઓનું ધ્યાન પ્રાઇવેટ સૅક્ટરની હૉસ્પિટલો રાખે છે. તેમને 25 ટકા રસી આપવા માટેના આધાર શું છે? શું કેન્દ્ર સરકાર 75 ટકા રસીકરણ રાજ્યો સાથે મળીને સરકારી હૉસ્પિટલોથી કરાવડાવી લેશે? આવું કરવાથી વૅક્સિનનો બગાડ તો નહીં થાય ને?"
ડૉક્ટર થૉમસે કહ્યું, "કેન્દ્ર સરકાર ખાનગી હૉસ્પિટલો માટે રસી ખરીદીને મફત કેમ નથી આપતી? માત્ર સર્વિસ ચાર્જ લઈને પ્રાઇવેટવાળા પણ રસી મેળવી શકશે. આવી પરિસ્થિતિમાં રસીકરણનો ભાર માત્ર મોટી હૉસ્પિટલો પર જ નહી પડે. નાની હૉસ્પિટલ પણ તેની સાથે જોડાઈ શકશે, જેઓ હાલ રસીની કિંમતને કારણે ઑર્ડર એક સાથે નથી આપી શકતી."
નવી ગાઇડલાઇન બાદ પણ આ સમસ્યા બરકરાર રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખાનગી હૉસ્પિટલો રસી જે કિંમતે ખરીદશે તે વૅક્સિનનિર્માતા કંપનીઓ જણાવશે.
પ્રશ્ન 4 : ડિમાન્ડ અને સપ્લાયનો ફરક અને ચુકવણી
કેન્દ્ર સરકારનો દાવો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ 100 કરોડ લોકોને કોરોના માટેની વૅક્સિન મળી જશે.
આ માટે 200 કરોડ વૅક્સિન ડોઝની જરૂરિયાત હશે. વૅક્સિનના ડોઝ ક્યાંથી આવશે તે પણ જણાવાયું છે.
કોવિશીલ્ડ (સીરમ ઇન્સ્ટિટ્યૂટ) - 75 કરોડ ડોઝ
કોવૅક્સિન (ભારત બાયોટેક) - 55 કરોડ
સ્પુતનિક - વી - 15 કરોડ
બાયો ઈ- સબયૂનિટ વૅક્સિન - 30 કરોડ
ઝાયડસ કૅડિલા - પાંચ કરોડ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ કોવૅક્સ - 20 કરોડ
ભારત બાયોટેક નેઝલ વૅક્સિન - દસ કરોડ
જેનોવા વૅક્સિન - છ કરોડ
પરંતુ અહીં પણ ઘણી બધી શંકાઓ છે. પ્રથમ એ કે આ પૈકી કોવિશીલ્ડ, કોવૅક્સિન અને સ્પુતનિક સિવાય કોઈનેય મંજૂરી નથી મળી.
બીજું એક કે વૅક્સિન વેસ્ટેજને પણ અહીં ધ્યાને નથી લેવાયો.
ત્રીજું એ કે, પ્રથમ ચાર માસમાં કોવિશિલ્ડ અને કોવૅક્સિનનું જેટલું ઉત્પાદન થવાનું હતું, તે ટારગેટ પૂરો નથી થયો.
બીબીસી રિયાલિટી ચૅક સાથે વાત કરતાં ભારતના જાણીતા જનનીતિ અને સ્વાસ્થ્ય તંત્રના વિશેષજ્ઞ ચંદ્રકાંત લહરિયાએ કહ્યું કે, "જે વૅક્સિનોને હજુ મંજૂરી નથી મળી તેમના પર ભરોસો ન કરી શકાય. જે વૅક્સિન પહેલાંથી બની રહી છે તે વૅક્સિન પ્રોડક્શન વધારવા માટે સરકારે વિચારવું જોઈએ. ત્યારે જ માગ અને પુરવઠાની વ્યવસ્થા સુધારી શકાશે."
સોમવારે નેઝલ વૅક્સિનની વડા પ્રધાને ઘણી પ્રશંસા કરી પરંતુ સપ્લાય શરૂ થવાની તારીખ હજુ સુધી સરકાર પાસે નથી.
ડિમાન્ડ અને સપ્લાયના ફરકને દૂર કરવા વિશે ગાઇડલાઇન કશું નથી જણાવતી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે આ પૈકી કઈ કઈ વૅક્સિનો ખરીદવા માટે કેન્દ્ર સરકારે કેટલી ચુકવણી કરી છે.
સરકારે હાલમાં જ 1500 કરોડ રૂપિયા બાયો ઈ વૅક્સિન માટે એડવાન્સ ચુકવણી કરવાની વાત સ્વીકારી છે. મંગળવારે કોવિશીલ્ડ અને કોવૅક્સિનના 25 કરોડ અને 19 કરોડ ડોઝના ઑર્ડર આપવાની વાત પણ કરી. પરંતુ બાકી વૅક્સિનના ઑર્ડર અને ચુકવણી વિશે રોડ મૅપ સ્પષ્ટ નથી.
પ્રશ્ન 5 : 'મફત વૅક્સિન' આખરે કેટલી મફત?
નવી ગાઇડલાઇન પ્રમાણે દરેક વયજૂથ માટે કેન્દ્ર સરકાર મફત વૅક્સિન આપશે. પરંતુ જે લોકો ખરીદીને પ્રાઇવેટ હૉસ્પિટલોમાં વૅક્સિન મુકાવવાની ક્ષમતા ધરાવે છે, તેઓ ખાનગીમાં જઈને વૅક્સિન લગાવડાવે. સરકાર આવું કરવા માટે પ્રોત્સાહિત પણ કરી રહી છે.
ખાનગી હૉસ્પિટલોને દર મહિને વૅક્સિન ઉત્પાદનના 25 ટકા ખરીદવાનો અધિકાર અપાયો છે. 100 કરોડ જનતાને વૅક્સિનના બે ડોઝ આપવા માટે 200 કરોડ વૅક્સિન જોઈએ. એટલે કે 50 કરોડ વૅક્સિન માટે લોકોએ કિંમત ચૂકવવાની રહેશે.
આવી પરિસ્થિતિમાં મફત વૅક્સિનનો પ્રચાર મફતમાં કેમ થઈ રહ્યો છે, આ પ્રશ્ન વિપક્ષાના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીના સંબોધન બાદ ઉઠાવ્યો હતો.
જોકે, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીને ટ્વિટર પર જવાબ આપતાં લખ્યું હતું કે શું તેઓ પંજાબ સરકારને પ્રશ્ન પૂછીને ટ્રોલ કરી રહ્યા છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો