કોરોના વૅક્સિન : ગુજરાતમાં જે મૃતકોના નામે રસી અપાઈ એમના પરિવારજનો પર શું વીતી?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેર થોડી શાંત પડી છે અને લોકો હવે રસી માટે દોડધામ કરી રહ્યા છે.

લોકો રસી લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, કેટલાકને રસી મળી જાય છે તો કેટલાકને રસી વિના પાછા જવું પડે છે.

અમદાવાદમાં થોડા દિવસ પહેલાં જીએમડીસી ગ્રાઉન્ડમાં રસી લેવા માટે કાર લઈને આવેલા લોકોની લાઇનો લાગી હતી અને તેના પર વિવાદ પણ થયો હતો.

દરમિયાન ગુજરાતમાં મૃતકોને કોરોનાની રસી મળી હોવાનાં સર્ટિફિકેટ મળવાની એકથી વધારે ઘટનાઓ બની અને સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપી બે લોકોને બરતરફ પણ કર્યા છે.

ગુજરાતમાં કોરોનાની રસી લેવા માટે ફરજિયાત ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને આધારકાર્ડ વગેરે પુરાવા રજૂ કરવા પડે છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના સમયે રસીની અછત થતા ખાનગી હૉસ્પિટલોને કોરોનાની રસીનું કામ સોંપવામાં આવ્યું છે. ચાર ગણા ભાવથી ખાનગી હૉસ્પિટલોએ રસી આપવાનું શરૂ કર્યું તો લોકોએ ગાંઠના પૈસા ખર્ચી રસી લેવા લાઇનો લગાવી દીધી.

તો બીજી તરફ સરકારી અધિકારીઓએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મૃતક લોકોને કોરોનાની રસી આપી દીધી હોવાના અહેવાલો મળ્યા છે.

જીવતાને રસીના ફાંફાં, મૃતકોને સર્ટિફિકેટ?

મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટની પાસેના ઉપલેટા ગામની સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા કરંગિયા પરિવાર માટે સરકારની આ બેદરકારી નવી મુશ્કેલી લઈને આવી છે.

આજથી ત્રણ વર્ષ પહેલાં 20 ઑગસ્ટ 2018માં અવસાન પામેલા હરદાસભાઈ કરંગિયાનો પરિવાર માંડ એમના મૃત્યુને ભૂલ્યો હતો ત્યાં સરકારી અધિકારીઓએ એમને કાગળ પર 'જીવતા' કરી દીધા.

હરદાસભાઈના પિતરાઈ વિરામભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હરદાસભાઈનું અવસાન 20મી ઑગસ્ટ, 2018માં થયું ત્યારથી અમારો પરિવાર ઉદાસ રહે છે. એમનો એકનો એક દીકરો પિતાના અવસાન પછી અંતર્મુખી થઈ ગયો છે."

"કુટુંબની સહિયારી આવક પર ઘર ચાલે છે. હરદાસભાઈનાં પત્ની અને એમનો દીકરો 2018થી કોઈ તહેવાર મનાવતા નથી કે કોઈ લગ્નપ્રસંગમાં જતા નથી."

તેઓ વધુમાં કહે છે કે એ લોકો હજુ આ આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યારે સરકારે નવો આઘાત આપ્યો છે.

"હરદાસભાઈને કાગળ પર જીવતા કરી એમને કોરોનાની રસી અપાવીને એમની યાદોને તાજી કરાવી દીધી છે. આ સંજોગોમાં અમને હવે શંકા જાય છે કે હરદાસભાઈના અવસાન પછી એમના આધારકાર્ડનો કોઈ દુરુપયોગ તો નહીં કરી રહ્યું હોય?"

'માંડ આઘાતમાંથી બહાર આવ્યા ને બીજો આઘાત આપ્યો'

આવું જ કંઈક બન્યું છે ગોધરાના ઝાફરાબાદ વિસ્તારમાં. અતુલભાઈના મોટા ભાઈ કાલિદાસભાઈ ભીલનું કુદરતી રીતે 30 માર્ચ, 2020માં અવસાન થયું હતું. કાલિદાસભાઈનાં પત્ની અને એક દીકરીની જવાબદારી અતુલભાઈ નિભાવી રહ્યા છે.

અતુલભાઈ ભીલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે ભાઈના અવસાન પછી માંડમાંડ આઘાતમાંથી બહાર આવ્યા હતા. સરકારે કોરોનાની રસીની શરૂઆત કરી ત્યારે મેં મારા પરિવારને કોઈ ખતરો ઊભો ના થાય એ માટે કોરોનાની રસી મુકાવવાનું નક્કી કર્યું.

"કોરોનાની રસીની અછત હોવાથી અમે અમારો વારો આવે ત્યારે રસી મુકાવવાનું નક્કી કર્યું હતું. પણ અમારા માટે નવાઈની વાત એ છે કે એક દિવસ અચાનક અમારા પાસે સર્ટિફિકેટ આવ્યું કે ગયા વર્ષે માર્ચ મહિનામાં મારા મોટા ભાઈ, જેમનું અવસાન થયું છે એમને રસી અપાઈ ગઈ છે."

"હું અને મારાં ભાભી ભારે આઘાતમાં આવી ગયાં કે જે માણસ જીવતો નથી એને સરકારે કોરોનાની રસી કેવી રીતે આપી?"

અતુલભાઈ કહે છે કે "મેં ફરિયાદ કરી તો પહેલા આરોગ્ય કેન્દ્રના અધિકારીએ કહ્યું કે રસી લીધી હોય ત્યારે જ રસી મળ્યાનાં સર્ટિફિકેટ મળે. આ સરકાર કેવી રીતે સર્ટિફિકેટ આપે છે એ સમજાતું નથી."

અતુલભાઈના કહેવા પ્રમાણે તેમણે કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરી છે અને કલેક્ટરે તેમને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.

'રસની અછત છતાં રસી બગડી રહી છે'

તો કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મેં આ અંગે સરકારને રજૂઆત કરી છે કે સરકારી કર્મચારીઓ રસીકરણના નામે ખોટું રજિસ્ટ્રેશન કરે છે, પણ સરકાર માનવા તૈયાર નથી. પણ આ બે કિસ્સા બોલતા પુરાવા છે."

ખેડાવાલા આરોપ લગાવે છે કે "સરકારના તઘલખી નિર્ણયને કારણે કોરોનાની રસીની અછત હોવા છતાં એ વેસ્ટ જઈ રહી છે, કારણ કે સરકારે લોકોને ખબર ના હોય એવા વિસ્તારોમાં રસીકરણ કેન્દ્ર ખોલ્યાં છે અને ત્યાં લોકો પહોંચતા નથી એટલે કોરોનાની રસી ખરાબ થઈ જાય છે અને ફેંકી દેવી પડે છે."

સરકારનું શું કહેવું છે?

આ અંગે બીબીસીએ આરોગ્ય સચિવ, હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સતત મિટિંગમાં હોવાનું કહેતા આ અંગે કોઈ સંપર્ક કે વાતચીત થઈ શકી નહોતી.

તો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ વાત મારા ધ્યાન પર આવી છે. નીચેના સ્તરે ભૂલ થઈ છે પણ અમે આવી ભૂલ ચલાવી લેવા માગતા નથી."

"પ્રથમ દૃષ્ટિએ કસૂરવાર લાગતા બે લોકોને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. ઉપલેટા અને ગોધરાના આરોગ્ય અધિકારીઓની ટીમ આ કેસની તપાસ કરવા પહોંચી છે. બીજા જે કોઈ કસૂરવાર હશે એમની સામે પગલાં લેવામાં આવશે. તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને સૂચના પણ અપાઈ ગઈ છે કે કોઈ પણ રીતે આવી ભૂલ ના થાય એની કાળજી રાખવી."

ખેડાવાલાએ કહ્યું કે "અમે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને કહ્યું છે કે ખાનગી હૉસ્પિટલોને કૉન્ટ્રાકટ આપી 250ની રસી 1000માં વેચો છો. અને ગરીબ વિસ્તારમાં કોરોનાની રસીના કેન્દ્રો બંધ કરો છો અને એવી જગ્યાએ રાખો છો કે તાપમાનના કારણે ખરાબ થયેલી રસીને ફેંકી દેવી પડે છે, પરંતુ ખાનગી હૉસ્પિટલોને નફો કરાવવા સરકાર અમારી વાત માનતી નથી."

તો નીતિન પટેલે કૉંગ્રેસના આરોપ પર કહ્યું કે રહી વાત કોરોનાની રસીના બગાડ થવાની તો કૉંગ્રેસ એની આદત મુજબ આરોપ લગાવી રહ્યું છે અને કોરોનાની રસીનો ક્યાંય બગાડ થતો નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો