ભારત-પાકિસ્તાન : શું સંબંધોમાં સુધારાની શક્યતા બચી છે ખરી?

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત અને પાકિસ્તાનના પરસ્પર સંબંધોમાં સુધારની સંભાવનાઓ મામલે ફરી એક વાર સવાલ ઊભો થતો હોય એવું લાગી રહ્યું છે.

ગત રવિવારે પાકિસ્તાને 23 જૂને લાહોરમાં થયેલા વિસ્ફોટ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસૂફે કહ્યું કે આ ધમાકામાં જે 3 લોકોનાં મોત થયાં હતાં અને 24 ઘાયલ થયા હતા, તેના માસ્ટર માઇન્ડ એક ભારતીય છે. જે રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ (ભારતીય જાસૂસી એજન્સી રૉ)સાથે જોડાયેલા છે.

એટલું જ નહીં, પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ તેને ભારત પ્રાયોજિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

તેમણે ટ્વીટ કર્યું, "મેં મારી ટીમને નિર્દેશ આપ્યો કે તે આજે લાહોર ટાઉનના વિસ્ફોટની તપાસની જાણકારી રાષ્ટ્ર સમક્ષ જાહેર કરે. હું પંજાબ પોલીસના આતંકવિરોધી વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝડપી તપાસની પ્રશંશા કરવા માગું છું, કેમ કે તેમણે અમારી નાગરિક અને ખુફિયા એજન્સીઓની શાનદાર મદદથી પુરાવા કાઢ્યા છે."

"આ સમન્વયે આતંકવાદીઓ અને તેમની આંતરરાષ્ટ્રીય કડીની ઓળખ કરી છે. ફરી વખત આ જઘન્ય આતંકી ઘટનાની યોજના અને આર્થિક મદદના સંબંધ પાકિસ્તાન વિરુદ્ધ ભારત પ્રાયોજિત આતંકવાદ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. વિશ્વ સમુદાયને આ દુષ્ટ વ્યવહાર વિરુદ્ધમાં એકજૂથ કરવો જોઈએ."

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. આ ઘટનાક્રમે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર લાવાવની કોશિશ મામલે મોટા સવાલ ઊભા કર્યા છે.

પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાને એક વાર ફરી તેના જૂના વલણ સાથે ભારત પર જાહેરમાં આરોપ કેમ લગાવ્યા?

બીજો સવાલ એ છે કે શું આ ઘટના બાદ સરહદી વિસ્તારોમાં ઘુસણખોરી અને ગોળીબાર એક વાર ફરી શરૂ થઈ શકે છે?

જોકે સવાલોની આ યાદીમાં સૌથી મુખ્ય સવાલ એ છે કે શું વડા પ્રધાન ઇમરાન ખાન તરફથી લગાવાવમાં આવેલા આરોપો બાદ દ્વિપક્ષીય સંબંધોમાં મધુરતા આવવાની સંભાવના ખતમ થઈ ગઈ કે કેમ?

બીબીસીએ આ સવાલોના જવાબ શોધવા માટે પૂર્વ રાજદૂત રાકેશ સૂદ અને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હારુન રશીદ સાથે વાત કરી.

સુધારની સંભાવનાઓ પર આઘાત

ભારત અને પાકિસ્તાનના પરસ્પર સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી સુધાર થવાના સંકેત મળી રહ્યા હતા. કેટલાક મહિનાઓ પૂર્વે જ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે અમે ભૂતકાળ ભૂલાવીને આગળ વધીએ.

તેમણે કહ્યું હતું, "એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે શાંતિપૂર્ણ રીતે કાશ્મીર વિવાદના સમાધાન વગર મૈત્રીપૂર્ણ સંબંધ હંમેશાં જોખમમાં જ રહેશે. તે રાજનીતિથી પ્રેરિત આક્રમકતાના કારણે પાટા પરથી નીચે ઊતરી શકે છે. આથી અમારું માનવું છે કે આ સમય ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો છે."

આ સાથે જ તેમણે કાશ્મીરને લઈને પાકિસ્તાનનું જૂનું વલણ દર્શાવવાની જગ્યાએ એક નવી વાત કહી.

તેમણે કહ્યું, "શાંતિ પ્રક્રિયાની બહાલી અથવા શાંતિપૂર્ણ સંવાદ માટે અમારા પાડોશીએ આના માટે એક માહોલ બનાવવો પડશે. ખાસ કરીને કાશ્મીરમાં આવો માહોલ બનવો જોઈએ."

બાજવાના આ નિવેદનને ખૂબ જ હકારાત્મક રીતે જોવાયું. કેમ કે તેમનના નિવેદનમાં બે વાતો મહત્ત્વની હતી. પહેલી વાત ભૂતકાળને ભૂલીને આગળ વધવાની અને બીજી વાત કાશ્મીર મામલે હતી.

તેમના આ નિવેદનને મામલે ક્યાસ લગાવવામાં આવ્યા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ કેટલીક વાટાઘાટ ચાલી રહી છે. ત્યારબાદ સતત બૅક-ચૅનલ ડિપ્લૉમસીની ખબરો વચ્ચે કાશ્મીરમાં ચૂંટણી નજીક આવી રહી હોવાના સંકેત મળી રહ્યા છે.

શું બૅક-ચૅનલ ડિપ્લૉમસી નિષ્ફળ રહી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીરના 14 નેતાઓ સાથેની બેઠકને પણ આ જ દિશામાં જોવામાં આવી.

પરંતુ ગત 15 દિવસોમાં જે કંઈ પણ થયું છે, તેનાથી આ ગાડી પાટા પરથી ઊતરતી જોવા મળી રહી છે.

તેમાં લાહોર જમાત-ઉદ-દાવા પ્રમુખ હાફિઝ સઇદના ઘર પાસે વિસ્ફોટ, પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસમાં ડ્રોન નજરે પડવું અને જમ્મુ-ઍરફૉર્સ સ્ટેશનમાં ડ્રૉન હુમલો પણ સામેલ છે.

આ ત્રણ ઘટનાઓએ શાંતિની સંભાવનાઓ પર એક મોટો પ્રશ્ન સર્જ્યો છે. એવામાં સવાલ એ પણ છે કે શું આ ઘટનાઓથી બૅક ચૅનલ ડિપ્લૉમસી પર ફરક પડશે?

આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર અને કેટલાક દેશોમાં ભારતના રાજદૂત રાકેશ સૂદ આગામી સમયને બૅક ડિપ્લૉમસી માટે લિટમસ ટેસ્ટ માને છે.

તેઓ કહે છે, "જો આ નિવેદનબાજી પછી પણ સરહદ પર શાંતિ રહે છે તો હું કહીશ કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દાઓને બૅક ચૅનલ ડિપ્લૉમસી પર અસર નથી થવા દીધી. તેનો અર્થ એ છે કે કાશ્મીરને લઈને સરકાર રાજકીયરૂપે જે કંઈ પણ કરી રહી છે, જેમ કે વડા પ્રધાન મોદીની નેતાઓ સાથે બેઠકો, મુલાકાતો વગેરે, એ બધું જ પહેલાની જેમ ચાલતું રહેશે. આ સ્થિતિમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં સર્જાતી સ્થિતિ પર પોતાનું ધ્યાન કેંદ્રિત કરી શકશે."

"પરંતુ જો એલઓસી પર ગોળાબીર શરૂ થાય છે અથવા સરહદ પર ઘુસણખોરી થાય છે, પહેલાંની જેમ પઠાણકોટ, ઉરી, પુલવામા જેવી ઘટના ઘટે છે, તો એનો અર્થ એ થશે કે બૅક ચૅનલે કામ કરવાનું બંધ કરી દીધુ છે અને સ્થિતિ ખરાબ થઈ રહી છે."

"એવામાં આપણે સૌથી પહેલા એ જોવું પડશે કે સરહદ પારથી થતી ઘુસણખોરી અને એલઓસી પર શું સ્થિતિ રહે છે."

અફઘાનમાં તાલિબાનનું વધતું પ્રભુત્વ

ગત કેટલાક દિવસોમાં પાકિસ્તાન સરકાર સામે તાલિબાનના રૂપે એક નવી સમસ્યા આવી છે. અમેરિકી સૈન્ય અધિકારી અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની સંભાવના પણ વ્યક્ત કરી ચૂક્યા છે.

તાલિબાનના પ્રસાર સાથે જ અફઘાનિસ્તાનમાં એક વાર ફરી ચરમપંથી સંગઠનો માથું ઊંચકી રહ્યા છે અને તેમના માટે અનુકૂળ વાતાવરણ પેદા થવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

અને પાકિસ્તાન પહેલાથી જ ખૈબર પખ્તૂખ્વાન ક્ષેત્રમાં તણાવનો સામનો કરી રહ્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે કદાચ પાકિસ્તાન સરકાર અને સેનાનો એક વર્ગ ભારત સાથેના સંબંધ સુધારવા માટે ચાલતી બૅક-ચૅનલ ડિપ્લૉમસીને કેટલાક સમય માટે વિરામ આપીને અફઘાનિસ્તાન પર ધ્યાન આપવા માગે છે.

જોકે રાકેશ સૂદ આ તર્ક સાથે સમંત નથી કે અફઘાનમાં સ્થિતિ સંવેદનશીલ થવાથી ભારત સાથેની આ ડિપ્લૉમસીને વિરામ આપવામાં આવ્યો છે.

તેઓ કહે છે, "કોઈ પણ દેશ પાસે મર્યાદિત સંસાધન હોય છે. આથી જ્યારે અફઘાન સરહદે સ્થિતિ સંવેદનશીલ થઈ રહી છે, ત્યારે તાર્કિકતા એ કહે છે કે તે પોતાનું ધ્યાન સંવદેનશીલ સરહદે લગાવે. અને ભારત સાથે જારી શાંતિપૂર્ણ માહોલ ખરાબ નહીં કરવા માગે, કેમ કે એ તેમના માટે કાઉન્ટર -પ્રોડક્ટિવ હશે. આથી બંને મોરચે સંશાધન વાપરવાથી તેમને કોઈ ફાયદો થતો નહીં લાગે."

પરંતુ એ ગુત્થી ત્યાર સુધી ઉકેલાતી નથી દેખાઈ રહી જ્યાં સુધી તેને પાકિસ્તાનના હિતના સંદર્ભમાં ન જોવામાં આવે.

કેમ કે સવાલ સ્વાભાવિક છે કે ઇસ્લામાબાદના કેટલાક સુરક્ષિત વિસ્તારોમાં સ્થિત ભારતીય દૂતાવાસ ક્ષેત્રમાં કથિતરૂપે ડ્રોન પહોંચવાથી લઈને લાહોર વિસ્ફોટમાં ભારત પર આરોપ લગાવવામાં આવ્યો તે શું સંકેત આપે છે?

પાકિસ્તાન સરકારે જે રીતે ભારત પર આરોપ લગાવ્યો છે, તેના પર પર ધ્યાન આપવું જોઈએ. પહેલા પંજાબ પોલીસના પ્રમુખ ઇનામ ગની, પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યુસૂફ અને સૂચનામંત્રી ફવાદ ચૌધરીએ એક પત્રકારપરિષદ કરીને પુરાવા હોવાની વાત જાહેર કરી હતી.

ત્યારબાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વિટરના માધ્યમથી ભારતને નિશાના પર લીધું હતું.

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હારુન રશીદ કહે છે, "મને લાગે છે કે પાકિસ્તાન, ભારત પણ દબાણ એટલે બનાવી રહ્યું છે કે જેથી તે સમય હાથમાંથી નીકળી જાય એ પૂર્વે વાતચીત કરવા માટે સંમત થઈ જાય."

"તેઓ પહેલાની જેમ શાંત રહી શકતા હતા પરંતુ આ વખતે તેમણે આ જ કારણસર એટલે શોરબકોર કર્યો છે, કેમ કે કદાચ ભારત તેમની જેમ વાતચીતનું વલણ નથી દર્શાવી રહ્યું જેવું તેઓ ઇચ્છે છે. તે એક નિયમિત રીતે સતત વાતચીત ઇચ્છે છે. નહીં કે અંતરાલ સાથે, કેમ કે હાલ આવું જ થઈ રહ્યું છે."

બીજી તરફ અફઘાનિસ્તાનના મુદ્દે હારુન રશીદ કહે છે, "આ વાતની સંભાવના પણ છે કે તે ભારતને પાકિસ્તાનમાં આવા હુમલા કરવાથી રોકવા ઇચ્છતા હોય. તેમણે એ બતાવ્યું કે જો ભારત ટીટીપી અથવા કોઈ અન્ય ચરમપંથી જૂથ માધ્યમથી હુમલા કરવાની કોશિશ કરે છે તો પાકિસ્તાન જાહેરમાં તેના પર સર્વોચ્ચ સ્તરે આરોપ લગાવશે."

શું હજુ પણ કેટલીક સંભાવનાઓ છે?

પરંતુ આ બધાની વચ્ચે એક સવાલનો જવાબ મળવો હજુ પણ બાકી છે કે શું આરોપ-પ્રત્યારોપનો સિલસિલો એક વાર ફરી શરૂ થયા બાદ સુધારની સંભાવનાઓ છે?

આ સવાલના જવાબમાં રાકેશ સૂદ કહે છે, "જો અમે એ જોઈએ કે આ નિવેદનબાજી પછી પણ સરહદ પર શાંતિ રહે છે તો માનવું પડે કે અમે પ્રગતિ કરી છે."

વળી હારુન રશીદ માને છે કે, "જો એવા પ્રયાસ થઈ રહ્યા હોય તો એવું લાગે છે કે તે બૅક-ચૅનલ ડિપ્લૉમસી પ્રતિ સમર્પણ અને તેની ઝડપથી સંતુષ્ટ નથી, કેમ કે મોઇદે એવી કોઈ પણ મુલાકાતથી ઇન્કાર કર્યો છે."

"દ્વિપક્ષીય સંબંધોને લઈને મને વધુ આશા નથી. અમારા ક્ષેત્રમાં જ્યારે સ્થિતિ સંવેદનશીલ હોય તો આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધી જાય છે. બે વયસ્ક લોકોની જેમ પરસ્પર બેઠક અને વાતચીત કરવાની જગ્યાએ તે કિશોરની જેમ એકબીજા પર આરોપ લાગવવા લાગે છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો