ચીન શું નવાં મિસાઇલ સાઇલો બનાવી રહ્યું છે, જેનાથી અમેરિકા ચિંતામાં પડી ગયું?

અમેરિકાએ કહ્યું છે કે ચીનનાં પરમાણુ હથિયારોનો જથ્થો વધવો એ ચિંતાની બાબત છે અને ચીને આ મુદ્દે અમેરિકાની સાથે વાતચીત કરવી જોઈએ.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે 'ચીનને અસંતુલિત કરતી હથિયાર પ્રતિસ્પર્ધાના વ્યાવહારિક સમાધાન માટે અમેરિકા સાથે વાત કરવી જોઈએ.'

અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ચીન પોતાના પશ્ચિમી પ્રાન્તના રણ વિસ્તારમાં સૌથી વધારે મિસાઇલ સાઇલોઝ (મિસાઇલ રાખવાનું ઠેકાણું) બનાવી રહ્યું છે.

આ બાબતે પૂછવામાં આવેલા એક સવાલ પર નેડ પ્રાઇસે કહ્યું કે ચીન માટે પોતાનાં હથિયારોના જથ્થાને છુપાવવું મુશ્કેલ બની ગયું છે.

તેમણે કહ્યું કે એવું લાગે છે કે ચીન પોતાના દાયકાઓ જૂની ઓછામાં ઓછા પ્રતિરોધની પરિમાણુ નીતિથી અલગ રસ્તો અપનાવી રહ્યું છે.

'ચીનનું હથિયાર એકઠાં કરવું ચિંતાજનક'

નેડ પ્રાઇસે કહ્યું કે "આ રિપોર્ટ અને હાલના ઘટનાક્રમથી સંકેત મળે છે કે ચીનનો પરમાણુ હથિયારોનો જથ્થો ઝડપથી વધશે અને જેટલું પહેલાં અનુમાન કરવામાં આવ્યું હતું તેના કરતાં ઘણું વધારે હશે."

તેમણે કહ્યું કે હથિયાર ભેગાં કરવાં એ ચિંતાજનક છે અને તેનાથી ચીનના ઇરાદા પર શંકા પણ પેદા થાય છે.

નેડ પ્રાઇસે કહ્યું કે આનાથી પરમાણુ ખતરાને ઘટાડવા માટે વ્યાવહારિક ઉપાયોની જરૂરિયાતની પણ ખબર પડે છે.

ત્યારે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે એક લેખમાં લખ્યું છે કે આ વર્ષની શરૂઆતથી કેટલાક અમેરિકન અને પશ્ચિમી સંસ્થાનો સતત આકલન કરી રહ્યા છે કે ચીન પોતાનાં પરમાણુ હથિયારોમાં વધારો કરી રહ્યું છે, તેઓ દાવો કરી રહ્યા છે કે ન્યૂક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્રથી પરમાણુ હથિયાર છોડવાની ક્ષમતા) વિકસિત કરી રહ્યું છે અને નવાં મિસાઇલ સાઇલો બનાવી રહ્યું છે.

ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે અમેરિકાના અનુમાનથી મળેલી માહિતીના આધારે આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેની પાછળ જે હેતુ છે એ સ્પષ્ટ છે. તેઓ ચીનનાં પરમાણુ હથિયાર પર જનતાના મતનું દબાણ બનાવવા માગે છે અને ચીનને આના પર પ્રતિક્રિયા આપવા માટે મજબૂર કરવા માગે છે.

લેખમાં કહેવાયું છે કે તેમનો હેતુ ચીનને પોતાની પરમાણુ ક્ષમતાને મજબૂત કરવાથી રોકવાનો છે અને તેના પર વિવાદ પેદા કરવાનો છે.

જોકે અત્યાર સુધી ચીને આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. પરંતુ ગ્લોબલ ટાઇમ્સને ચીનની સરકારનું મુખપત્ર માનવામાં આવે છે.

ચીનના અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એ વાત સ્પષ્ટ નથી કે વૉશિંગ્ટન પોસ્ટનો રિપોર્ટ વાસ્તવિક સ્થિતિના આધારે લખાયો છે કે નહીં.

શું હોય છે સાઇલો?

ગ્લોબલ ટાઇમ્સ મુજબ ચીનમાં સામાન્ય રીતે સાઇલોનો ઉપયોગ લિક્વિડ ફ્યૂલ ઇન્ટરકૉન્ટિનેંટલ મિસાઇલને રાખવા માટે થાય છે.

આ મિસાઇલ વધુ ઊર્જા પેદા કરીને લાંબું અંતર કાપી શકે છે. આમાં ભારે પરમાણુ હથિયાર લાગેલાં હોય છે.

સાઇલોમાં રાખેલી મિસાઇલનું સમારકામ અને સારસંભાળ સહેલાઈથી લઈ શકાય છે અને જરૂર પડે તો તેમને સહેલાઈથી છોડી પણ શકાય છે.

વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીન ગાંઝૂ પ્રાન્તના યૂમેન શહેરની પાસે રણમાં 119, એક જેવા દેખાતાં સાઇલો બનાવી રહ્યું છે.

રિપોર્ટ મુજબ ચીન એક સોથી વધારે મિસાઇલ સાઇલો બનાવી રહ્યું છે અને જો આ કામ પૂર્ણ થશે તો ચીનની પરમાણુ નીતિમાં ઐતિહાસિક બદલાવ આવશે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીન અંતરમહાદેશીય ડીએફ-41 મિસાઇલ્સને આ સાઇલોમાં રાખશે. આ મિસાઇલ્સ એકસાથે સંખ્યાબંધ પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે અને અમેરિકા સુધી મારો કરી શકે છે.

ત્યારે ગ્લોબલ ટાઇમ્સનું કહેવું છે કે ડીએફ-41 સૉલિડ ફ્યૂલ મિસાઇલ છે અને હાઇ મોબિલિટી લૉન્ચર વ્હિકલથી લૉન્ચ કરાય છે.

મિસાઇલ સાઇલો કોઈ પણ દેશનું ટૉપ સિક્રેટ હોય છે. દુશ્મન દેશોને ભ્રમમાં નાખવા માટે નકલી સાઇલો પણ બનાવવામાં આવે છે.

જમીન પર મારો કરી શકે તેવી ચીનની મિસાઇલ કયાં-કયાં ઠેકાણે છે એ એક રાષ્ટ્રીય સિક્રેટ છે જે વિશે બહારના દેશોને બહુ માહિતી નથી.

રિપોર્ટ મુજબ અમેરિકા પાસે ઓછાંમાં ઓછાં 450 મિસાઇલ સાઇલો છે, જમીનથી પ્રહાર કરનાર મિસાઇલ્સ મહત્ત્વપૂર્ણ ન્યૂક્લિયર ડિટેરેન્ટ (પરમાણુ હુમલો રોકવાની ક્ષમતા ધરાવતી) હોય છે.

શી જિનપિંગનો સંદેશ

હાલમાં જ ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં સો વર્ષ પૂરાં થવાં પર ભાષણમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે ચીનને ડરાવવાનો પ્રયાસ કરનાર વિદેશ તાકતોને કચડી દેવામાં આવશે.

જિનપિંગે કહ્યું હતું કે ચીન પોતાની સૈન્યશક્તિ વધારશે. જિનપિંગે તાઇવાનને ચીનમાં ભેળવવા અને હૉંગકૉંગમાં સામાજિક સ્થિરતા લાવવા પર ગંભીર અને પ્રતિબદ્ધ હોવાની વાત કહી હતી.

આ વિશે નેડ પ્રાઇસે કહ્યું કે અમેરિકાએ જિનપિંગની ટિપ્પણી પર ધ્યાન આપ્યું છે. જોકે તેમણે કહ્યું કે અત્યારે આ વિશે આનાથી વધારે કંઈ ન કહી શકાય.

ચીન કહેતું રહ્યું છે કે રશિયા અને અમેરિકાની સરખામણીમાં તેની પાસે પરમાણુ હથિયારોની સંખ્યા ઘણી ઓછી છે.

ચીનનું કહેવું છે કે પરસ્પર સન્માન અને બરાબરીના આધારે થનારી વાતચીતમાં સામેલ થવા માટે તે હંમેશાં તૈયાર છે.

ત્યારે ગ્લોબલ ટાઇમ્સે પોતાના લેખમાં લખ્યું છે કે ચીને પશ્ચિમી દેશોના મતની પરવા કર્યા વગર પોતાની સુરક્ષા જરૂરિયાતના હિસાબથી હથિયાર બનાવવાં જોઈએ.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે એ સત્ય છે કે ચીન કહી રહ્યું છે કે તે ઓછામાં ઓછા પ્રતિરોધની નીતિ પર ચાલે છે અને તેની પાસે પોતાની જરૂરિયાતના હિસાબથી હથિયાર છે. પરંતુ જેમ-જેમ સુરક્ષાની પરિસ્થિતિ બદલશે, જરૂરિયાતો પણ બદલાશે. અમેરિકા ચીનને પોતાના શીર્ષ પ્રતિસ્પર્ધી તરીકે ગણાવતું રહ્યું છે એવામાં ચીનને ઝડપથી પોતાની પરમાણુ ક્ષમતા વધારવી જોઈએ, જેથી અમેરિકાના રાજદ્વારી જોશ સામે ટકી શકાય, ચીનની પાસે જવાબ આપવા માટે વિશ્વસ્તરની પરમાણુ ક્ષમતા હોવી જોઈએ."

ચીનની પરમાણુ શક્તિ અંગે અનુમાન

અમેરિકન સેનાના મુખ્યાલય પેન્ટાગને અમેરિકન કૉંગ્રેસ સામે 2020માં રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે ચીનની પાસે 200ની આસપાસ પરમાણુ હથિયાર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચીન પોતાની સેનાનું આધુનિકીકરણ કરી રહ્યું છે અને આ દરમિયાન તેનાં પરમાણુ હથિયારોની સંખ્યા બમણી થઈ ગઈ છે.

વિશ્લેષકો મુજબ અમેરિકા પાસે 3800 જેટલાં પરમાણુ હથિયાર છે. તેમાંથી 1357 જેટલાં હથિયાર તહેનાત કરાયાં છે.

અમેરિકા ચીન પર રશિયાની સાથે થયેલા નવા આર્મ્સ કંટ્રોલ કરારમાં સામેલ થવાનું દબાણ કરી રહ્યું છે.

આ વર્ષે મે મહિનામાં અમેરિકાના અશસ્ત્રીકરણ દૂતની ટિપ્પ્ણીમાં કહ્યું હતું કે ચીન પોતાના જથ્થાને વધારી રહ્યું છે છતાં તે આ કરારમાં સામેલ થઈ નથી રહ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો