You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાનનો જો બાઇડનને જવાબ, ‘ઇચ્છીએ તો બે અઠવાડિયામાં આખું અફઘાનિસ્તાન કંટ્રોલ કરી લઈએ.’
બે દાયકા બાદ અમેરિકા અને તેના સહયોગી દેશોની સેના અફઘાનિસ્તાન છોડી રહી છે ત્યારે તાલિબાનનો કબજો સતત વધી રહ્યો છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે, "અમે ઇચ્છીએ તો બે અઠવાડિયામાં સમગ્ર અફઘાનિસ્તાન પર કંટ્રોલ કરી શકીએ છીએ."
એમણે આ વાત જો બાઇડનને જવાબના રૂપમાં કહી છે. તેમણે કહ્યું હતું કે ત્રણ લાખ અફઘાન સૈનિકો સામે 75 હજાર તાલિબાન લડવૈયા નહીં ટકી શકે.
બીજી તરફ તાલિબાને અફઘાનિસ્તાનની ઈરાન અને તુર્કમેનિસ્તાન સરહદો પરના વ્યૂહાત્મક સ્થળોએ કબજો જમાવી દીધો હોવાના અહેવાલ છે.
વીડિયો ફૂટેજમામાં બૉર્ડરની ઑફિસ પર અફઘાનિસ્તાનનો ધ્વજ ઊતારવામાં આવી રહ્યો હોવાના દૃશ્યો જોવા મળે છે.
તાલિબાનનો દાવો છે કે તેમણે અફઘાનિસ્તાનની 85 ટકા ભૂમિ પર કબજો કરી લીધો છે. જોકે, આ દાવો વિવાદાસ્પદ છે અને સરકાર નકારે છે. એક અંદાજ મુજબ અફઘાનિસ્તાનના 400 જિલ્લાઓ પૈકી ત્રીજા ભાગના જિલ્લાઓ પર તાલિબાને કબજો કરી લીધો છે જેમાં ઈરાનની સરહદ, ચીનની સરહદનો પણ સમાવેશ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકાની સેનાએ મહત્ત્વપૂર્ણ બગરામ ઍરફિલ્ડ છોડી દીધું છે.
તાલિબાને શું કહ્યું?
તાલિબાનનું પ્રતિનિધિમંડળ હાલ મૉસ્કોના પ્રવાસે છે અને તેના પ્રમુખ શહાબુદ્દીન દિલાવરે અમેરિકાના પ્રમુખ જો બાઇડનના નિવેદનની સામે કહ્યું કે તાલિબાન ઇચ્છે તો બે અઠવાડિયામાં અફઘાનિસ્તાન કંટ્રોલ કરી શકે છે.
ગુરુવારે પત્રકારોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા પ્રભાવ પર જો બાઇડનને સવાલ કર્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે એમને અફઘાનિસ્તાનના સુરક્ષાદળો પર ભરોસો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાઇડને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે તાલિબાન પાસે 75 હજાર લડવૈયાઓ છે જેનો અફઘાનિસ્તાનના ત્રણ લાખ સુરક્ષાકર્મીઓ સાથે મુકાબલો શક્ય નથી.
તાલિબાને આને અમેરિકાના રાષ્ટ્રપતિની વ્યક્તિગત ટિપ્પણી ગણાવી છે અને કહ્યું છે કે તેઓ ઇચ્છે તો બે અઠવાડિયામાં અફઘાનિસ્તાનનો કંટ્રોલ સંભાળી શકે છે.
શહાબુદ્દીન દિલાવરે કહ્યું, વિદેશી સેનાઓને શાંતિથી અફઘાનિસ્તાન છોડવાનો મોકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદેશી સેનાઓ પરત ફરી રહી છે તેને તાલિબાન પોતાની ફતેહ ગણાવે છે.
એમ પણ માનવામાં આવે છે કે અમેરિકાની સેના પાછી ફરી રહી છે પરંતુ 650થી 1000 સૈનિકો ત્યાં તહેનાત રહી શકે છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાન દૂતાવાસ, કાબુલ ઍરપોર્ટ અને અન્ય મુખ્ય સરકારી ઑફિસોની સુરક્ષા માટે આ તહેનાતી રહેશે.
તાલિબાનનું પ્રતિનિધિમંડળ રશિયાના પ્રવાસે છે અને તેમનો દાવો છે કે તેઓ સરકારના આમંત્રણ પર ત્યાં છે. તાજેતરમાં એમનું પ્રતિનિધિમંડળ ઈરાનનો પ્રવાસ પણ કરી ચૂક્યું છે.
ચીનને તાલિબાનનો સંદેશ
અફઘાનિસ્તાનના બદાખ્શાં પ્રાંત પર તાલિબાનનું આધિપત્ય સ્થાપિત થયું છે અને એ સાથે તાલિબાનના વિસ્તારની સીમા ચીન સાથે જોડાયેલી શિનજિયાંગની સરહદ સુધી પહોંચી ગઈ છે.
અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જનરલ મુજબ ભૂતકાળમાં અલ-કાયદા સાથે જોડાયેલા ચીનના વિગર વિદ્રોહી સમૂહોનો ઐતિહાસિક સંબંધ રહ્યો છે અને આ ચીનની ચિંતાનું કારણ બની શકે છે.
જોકે, હાલ તસવીર બદલાયેલી છે અને તાલિબાન ચીનની ચિંતાઓને શાંત કરવાની કોશિશમાં છે. તાલિબાનનો હેતુ એ છે કે ચીન એમને માન્યતા આપી દે.
ચીનના સરકારી અખબાર સાઉથ ચીન મૉર્નિંગ પોસ્ટના એક અહેવાલ મુજબ તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે એમનું સંગઠન ચીનને અફઘાનિસ્તાનનું "દોસ્ત" માને છે અને આશા રાખે છે પુનનિર્માણના કામમાં ચીનના રોકાણ બાબતે જલદીથી વાતચીત થશે.
તાલિબાનના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે 85 ટકા વિસ્તાર પર એમનું નિયંત્રણ છે અને તેઓ ચીનના રોકાણકારો અને કામદારોની સુરક્ષાની ગૅરંટી આપશે.
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું, "અમે એમનું સ્વાગત કરીએ છીએ. જો તેઓ રોકાણ કરવા આવશે તો ચોક્કસ અમે તેમનું રક્ષણ કરીશું. અમારા માટે એમની સુરક્ષા મહત્ત્વની છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે