અફઘાનિસ્તાન, અમેરિકા અને તાલિબાન : બે દાયકા લાંબા યુદ્ધની 10 ખાસ વાતો

બે દાયકા બાદ અફઘાનિસ્તાનમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું અને એક પછી એક શહેર ફતેહ કરી આખરે તાલિબાને રાજધાની કાબુલ પણ સર કરી લીધી.

અફઘાનિસ્તાનમાં 20 વર્ષના સંઘર્ષ બાદ અમેરિકા હવે પોતાની સેના પાછી ખેંચવાની જાહેરાત કરી એ સાથે જ તાલિબાન ફરી સત્તા માટે આક્રમક બન્યું હતું.

અમેરિકાના ખૂફિયા વિભાગે ત્રણ મહિનામાં અફઘાનિસ્તામાં સત્તા બદલાશે એમ કહ્યું હતું પણ તાલિબાને તમામને ચોંકાવીને ગણતરીના મહિનામાં જ દેશ કબજે કરી લીધો છે.

બગરામ ઍરબેઝ અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચેના બે દાયકાના યુદ્ધનું કેન્દ્ર રહ્યું છે.

ડિસેમ્બર 2001 માં અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધનની સેનાએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. આ ઍરબેઝને 10 હજાર સૈનિકો રહી શકે એવા મોટા સૈન્ય ઠેકાણા તરીકે વિકસાવવામાં આવ્યું હતું.

આ યુદ્ધ ઘણું ખર્ચાળ રહ્યું છે, ભલે તે માર્યા ગયેલા લોકોની સંખ્યાના આધારે હોય કે પછી તેની પાછળ થયેલા ખર્ચના આધારે.

પરંતુ, 20 વર્ષના આ સંઘર્ષ પાછળનું કારણ શું હતું, આ બધું શેના માટે થયું અને શું અમેરિકા પોતાનો હેતુ સાધવામાં સફળ થયું?

અમેરિકા અફઘાનિસ્તાનમાં કેમ આવ્યું?

અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના થયેલા ચરમપંથી સંગઠનમાં લગભગ ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.

આ હુમલા માટે ચરમપંથીઓએ વિમાનનો ઉપયોગ કર્યો હતો. આ વિમાન પર નિયંત્રણ કરીને ચરમપંથીઓએ આ વિમાનને ન્યૂયૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેંટાગન સાથે ટકરાવ્યું હતું. જ્યારે એક વિમાન પેન્સિલવેનિયામાં એક ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

ઇસ્લામિક ચરમપંથી સંગઠન અલ-કાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનને આ હુમલા માટે જવાબદાર ઠેરવાયા હતા.

અફઘાનિસ્તાનમાં તે સમયે કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન તાલિબાનનું શાસન હતું અને તે ઓસામા બિન લાદેનને સંરક્ષણ આપી રહ્યું હતું. તાલિબાને ઓસામાને અમેરિકાને સોંપવાનો ઇનકાર કર્યો હતો.

એવામાં 11 સપ્ટેમ્બરના હુમલાના એક મહિના બાદ અમેરિકાએ બંને ચરમપંથી સંગઠનોને હરાવવા માટે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો શરૂ કરી દીધો.

આગળ શું થયું?

અમેરિકા અને તેના આંતરરાષ્ટ્રીય તથા અફઘાનિસ્તાનના સહયોગીઓએ હવાઈ હુમલા કર્યા બાદ બે મહિનામાં તાલિબાન ધ્વસ્ત થઈ ગયું અને તેના લડવૈયા પાકિસ્તાન ભાગી ગયા.

આ લડવૈયા ભલે ભાગી ગયા હોય પરંતુ તેમનો પ્રભાવ વધતો ગયો અને તેઓ પાછા ફર્યા.

તાલિબાને ડ્રગ્સના વેપાર, ખનન અને ટૅક્સથી કરોડો ડૉલરની કમાણી કરી.

2004માં અફઘાનિસ્તાનમાં અમેરિકાના સમર્થનવાળી નવી સરકાર બની હતી. પરંતુ આ દરમિયાન તાલિબાનના ઘાતક હુમલા આખા વર્ષ દરમિયાન ચાલતા રહ્યા.

અફઘાન સૈનિકો સાથે કામ કરી રહેલી આંતરરાષ્ટ્રીય સેનાઓ માટે ફરીથી એ મોકો આવ્યો જ્યારે તેમને મજબૂત બનેલા તાલિબાન સાથે લડવું પડ્યું.

આ લડાઈમાં કેટલાય અફઘાની નાગરિકોનો ભોગ લેવાયો, ભલે તેઓ સામાન્ય નાગરિક હોય કે સૈનિક.

શું અફઘાનિસ્તાનનો સંઘર્ષ 2001 માં શરૂ થયો?

અમેરિકાનો પ્રવેશ થયો એ પહેલાં પણ અફઘાનિસ્તાનમાં બે દાયકાથી યુદ્ધ ચાલી રહ્યું હતું.

1970 ના અંતમાં સોવિયત સંઘની સેનાએ અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો હતો. તેમનો હેતુ સામ્યવાદી સરકારની મદદ કરવાનો હતો.

તેઓ મુજાહિદ્દીનની વિરુદ્ધ લડી રહ્યા હતા જેમને અમેરિકા, પાકિસ્તાન, ચીન અને સાઉદી અરેબિયા સહિત કેટલાય દેશોનું સમર્થન મળેલું હતું.

સોવિયત સંઘની સેના 1989માં અફઘાનિસ્તાનથી પાછી ગઈ પરંતુ દેશમાં ગૃહયુદ્ધ ચાલતું રહ્યું. આનાથી ફેલાયેલી અરાજકતામાં તાલિબાનને વિકસવાનો મોકો મળ્યો.

તાલિબાન આટલું તાકતવર કેવી રીતે બન્યું?

તાલિબાનનો હિંદીમાં અર્થ છે 'વિદ્યાર્થી'. 1990ના દાયકાની શરૂઆતમાં તાલિબાન ઉત્તર પાકિસ્તાન અને દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાનના સરદહના વિસ્તારમાં પ્રમુખતાથી ખડું થયું.

તેમણે ભ્રષ્ટાચાર સામે લડવા અને અફઘાન લોકોની સુરક્ષા કરવાનો વાયદો કર્યો. તે સમયે લોકો ગૃહયુદ્ધથી પ્રભાવિત હતા અને સુરક્ષા તેમના માટે મોટી સમસ્યા હતી.

તાલિબાને ઝડપથી પોતાનો પ્રભાવ વધાર્યો અને તેમણે શરીયા કાયદાને પ્રોત્સાહન આપ્યું. તે ઇસ્લામિક કાયદા મુજબ સજા આપવા લાગ્યા, જેમકે હત્યા અને વ્યભિચાર માટે જાહેરમાં ફાંસી અને ચોરી માટે અંગભંગ કરવો.

પુરુષો માટે દાઢી રાખવી અને મહિલાઓ માટે બુરખો પહેરવો અનિવાર્ય કરી દેવામાં આવ્યું.

તાલિબાને ટીવી, સંગીત અને સિનેમા પર પણ પ્રતિબંધ મૂક્યો અને દસ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરની બાળકીઓના સ્કૂલ જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો.

શું તાલિબાન ક્યારેય અફઘાનિસ્તાનમાંથી બહાર ગયું હતું?

છેલ્લા બે દાયકાથી તાલિબાન બૅકફુટ પર હતું પરંતુ તે ક્યારેય ખતમ નહોતું થયું.

અફઘાનિસ્તાનમાં 2014ને સૌથી વધારે ખૂની વર્ષ તરીકે યાદ કરવામાં છે, આ વર્ષ ખતમ થયા પછી આંતરરાષ્ટ્રીય શક્તિઓએ અફઘાનિસ્તાનમાં અનિશ્ચિતકાળ સુધી ન રહેવા પર વિચાર શરૂ કરી દીધો.

તેમણે હવે ભાર અફઘાનિસ્તાનની સેનાના ખભા પર ખસેડતાં આ યુદ્ધનું મિશન ખતમ કરવાનું નક્કી કર્યું.

તેનાથી તાલિબાનની હિંમત વધી અને તેણે કેટલાક વિસ્તારો પર કબજો જમાવી લીધો. તેણે સરકાર અને સામાન્ય નાગરિકો પર બૉમ્બ વિસ્ફોટથી હુમલા કર્યા.

વર્ષ 2018 માં બીબીસીને જાણવા મળ્યું કે તાલિબાન 70 ટકા અફઘાનિસ્તાનમાં સક્રિય છે.

શું છે આ યુદ્ધની કિંમત?

2300 કરતાં વધારે અમેરિકન મહિલા અને પુરુષ સૌનિકો આ યુદ્ધમાં માર્યાં ગયાં છે. એ સિવાય 450 બ્રિટિશ સૈનિકો અને અન્ય દેશોના સંખ્યાબંધ સૈનિકોનો પણ આ યુદ્ધમાં ભોગ લેવાયો હતો.

પરંતુ, સૌથી વધારે નુકસાન અફઘાનિસ્તાનના લોકોને ભોગવવું પડ્યું. સંશોધનો મુજબ અફઘાનિસ્તાનનાં સુરક્ષાદળોના લગભગ 60 હજાર સભ્યોઓ એ યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રે 2009થી નાગરિકોનાં મૃત્યુનો વ્યવસ્થિત સ્વરૂપે રેકર્ડ રાખવાનું શરૂ કર્યું હતું. તેમના મુજબ આ યુદ્ધમાં લગભગ એક લાખ 11 હજાર નાગરિકો માર્યા ગયા અથવા ઈજાગ્રસ્ત થયા.

એક અધ્યયન મુજબ અમેરિકાના કરદાતાઓ માટે આ યુદ્ધનો ખર્ચ અંદાજે એક ટ્રિલિયન અમેરિકન ડૉલર આવ્યો છે.

તાલિબાન સાથેનો કરાર શું છે?

ફેબ્રુઆરી 2020 ના અમેરિકા અને તાલિબાને અફઘાનિસ્તાનમાં શાંતિ માટે એક કરાર કર્યો હતો.

આ સમજૂતી હેઠળ અમેરિકા અને તેના નેટો સહયોગીઓએ પોતાની સેનાને પૂર્ણ રીતે ખસેડી લેવા પર સહમતી વ્યક્ત કરી હતી.

તેના બદલામાં તાલિબાન એ વાત પર રાજી થઈ ગયું કે તે અલ-કાયદા અથવા કોઈ અન્ય ચરમપંથી સંગઠનને પોતાના નિયંત્રણવાળા વિસ્તારમાં સક્રિય નહીં થવા દે.

ગત વર્ષે વાતચીતના ભાગરૂપે તાલિબાન અને અફઘાન સરકાર બંનેએ એકબીજાના કેદીઓને મુક્ત કર્યા હતા.

સમજૂતી હેઠળ લગભગ પાંચ હજાર તાલિબાની ચરમપંથીઓને છોડવામાં આવ્યા હતા.

અમેરિકાએ તાલિબાનની વિરુદ્ધ લાગેલા પ્રતિબંધ હઠાવવા અને કેટલાક અન્ય પ્રતિબંધોના સંબંધમાં પણ સંયુક્ત રાષ્ટ્ર સાથે કામ કરવાનો વાયદો કર્યો.

અફઘાન સરકારની હાજરી વગર અમેરિકાએ તાલિબાન સાથે સીધી વાતચીત કરી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, "આટલાં વર્ષો પછી અમારા લોકો માટે ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે."

શું અમેરિકાની સમગ્ર સેના ખસેડીને સ્વદેશ લઈ જવાશે?

બગરામ ઍરબેઝથી અમેરિકન અને નેટો સેનાઓને સંપૂર્ણપણે પાછી ફરી છે અને સુરક્ષાની જવાબદારી અફઘાન સરકાર પર આવી ગઈ છે.

અમેરિકન સમાચાર એજન્સી ઍસોસિયેટેડ પ્રેસ મુજબ લગભગ 650 અમેરિકન સૈનિક અફઘાનિસ્તાનમાં જ રહેશે.

આ સૈનિકો ડિપ્લોમૅટિક અધિકારીઓ અને કાબુલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટની સુરક્ષા માટે ત્યાં જ રહેશે.

હાલ શું છે પરિસ્થિતિ?

સમજૂતી થયા પછી તાલિબાને શહેરો અને સૈન્યચોકીઓને નિશાન બનાવવાની જગ્યાએ હવે હત્યાઓ કરવાનું શરૂ કર્યું છે.

વિદેશી સેનાઓ જ્યારે અફઘાનિસ્તાનથી પાછા જવાની પ્રક્રિયામાં છે એ દરમિયાન તાલિબાન પોતાની તાકાત બતાવવામાં લાગેલું છે.

અલ-કાયદાએ અફઘાનિસ્તાનમાં કામ ચાલુ રાખ્યું છે જ્યારે ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટના આંતકવાદીઓએ પણ દેશમાં હુમલા કર્યા છે.

અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને ચિંતા વધી છે પરંતુ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ભારપૂર્વક કહ્યું છે કે દેશનાં સુરક્ષાદળો ચરમપંથીઓ સામે લડવા માટે સક્ષમ છે.

બે દાયકાનું યુદ્ધ સફળ રહ્યું?

બીબીસીના સંરક્ષણ બાબતોના સંવાદદાતા ફ્રૅન્ક ગાર્ડનર કહે છે, "આનો જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેને કેવી રીતે માપો છો."

વરિષ્ઠ સુરક્ષા સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે યુદ્ધ શરૂ થયા બાદ અફઘાનિસ્તાનથી એક પણ સફળ આંતરરાષ્ટ્રીય આંતકવાદી હુમલાની યોજના નહોતી બનાવાઈ.

ફ્રૅન્ક ગાર્ડનર કહે છે,''આંતરરાષ્ટ્રીય આતંકવાદવિરોધી માનકોના આધાર પર જોઈએ તો ત્યાં હાજર પશ્ચિમી સેના પોતાના ઉદ્દેશમાં સફળ રહી છે.''

પરંતુ, 20 વર્ષ પછી તાલિબાન પોતાની હારથી ઘણું આગળ નીકળી આવ્યું છે અને તેને હરાવવું મુશ્કેલ પુરવાર થયું છે.

કેટલાક રિપોર્ટ મુજબ વિદેશી સેનાના આવ્યા પછી અત્યાર સુધી જૂનમાં હિંસાનો સૌથી ખરાબ સમય જોવા મળ્યો જેમાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ત્યારે વર્ષોનાં સંઘર્ષ અને મહેનતથી થયેલી પ્રગતિ પણ ખતરામાં પડી ગઈ છે. કેટલીક સ્કૂલો, સરકારી ભવનો અને વિજળીના થાંભલા તોડી પાડવામાં આવ્યાં છે.

ફ્રૅન્ક ગાર્ડનર કહે છે, " અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને અન્ય આતંકવાદી જૂથો ખતમ નથી થયાં, તે ફરીથી માથું ઊચકી રહ્યાં છે અને પશ્ચિમી સનેઓના પાછા જવાથી ઉત્સાહિત છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો