અફઘાનિસ્તાન: એ બહાદુર છોકરી જેણે માતાપિતાને મારનારા તાલિબાનોને ઠાર કરી દીધા

અફઘાનિસ્તાનમાં ગત અઠવાડિયે એક છોકરીએ પોતાનાં માતા-પિતાની હત્યા કરનારા બે તાલીબાની ઉગ્રપંથીઓની હત્યા કરી નાખી.

સોશિયલ મીડિયા ઉપર છોકરીની 'બહાદુરી'ની પ્રશંસા થઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે, તા. 17મી જુલાઈની રાતે ઘોર પ્રાંતના ગરિવે ગામ ખાતે આ ઘટના ઘટી હતી.

સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે, છોકરીએ ઘરમાં એકે-47 રાયફલ રાખી હતી, જેની મદદથી તેણે બે ઉગ્રપંથીઓને મારી નાખ્યા તથા અન્ય કેટલાકને ઘાયલ કરી દીધા હતા.

સ્થાનિક પોલીસના વડા હબીબુર્રહમાન મલિકઝાદાએ ન્યૂઝ એજન્સી એ. એફ. પી. (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ને જણાવ્યું, છોકરીના પિતા ગરિવે ગામના વડા હતા અને સરકારના સમર્થક હતા.

આથી નારાજ તાલીબાનોએ ગરિવે ગામ ખાતે આવ્યા હતા અને છોકરીના ઘર ઉપર હુમલો કર્યો હતો. તેમણે છોકરીના પિતાને ઘરની બહાર ખેંચી કાઢ્યા હતા. માતાએ વચ્ચે પડીને વિરોધ કર્યો તો તાલીબાનોએ બંનેને ઠાર કરી દીધાં હતાં.

અધિકારીઓના કહેવા પ્રમાણે, "એ પછી છોકરીએ ઘરમાં રાખેલી એકે-47 રાયફલ ઉઠાવી અને પોતાનાં માતા-પિતાની હત્યા કરનારા તાલીબાનોને ઠાર કરી દીધા. આ સિવાય અન્ય કેટલાક તાલીબાની ઉગ્રપંથીઓને પણ ઈજા પહોંચાડી."

આ ઘટના બાદ તાલીબાનના કેટલાક ઉગ્રપંથીઓએ એકઠા થઈને સગીરના ઘરની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક ગ્રામીણો તથા સરકાર સમર્થક હથિયારબંધ જૂથોએ તેમનો સામનો કર્યો હતો અને તેમને પીછેહઠ કરવા મજબૂર કરી દીધા હતા.

પ્રાંતના ગવર્નરના પ્રવક્તાએ એ.એફ.પીને જણાવ્યું કે અફઘાન સુરક્ષાબળોએ છોકરી તથા તેના નાના ભાઈને સુરક્ષા આપી છે તથા તેમને અન્યત્ર ખસેડવામાં આવ્યાં છે.

છોકરીની ઉંમર 14થી 16 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા ઉપર એ. કે.-47 રાયફલ સાથેની સગીરાની તસવીર વ્યાપકપણે શૅર થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર સલામ

આ ઘટના બાદ સોશિયલ મીડિયા ઉપર સગીરાની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. નઝીમા રહમી નામના યૂઝરે ફેસબુક ઉપર લખ્યું, "તેનાં સાહસને સલામ."

મહમદ સાલેહ નામના યૂઝરે ફેસબુક ઉપર લખ્યું, "અમે જાણીએ છીએ કે માતા-પિતાનું સ્થાન કોઈ ન લઈ શકે, પરંતુ તમે બદલો લીધો, તે વાતથી થોડી રાહત મળશે."

મીડિયા રિપોર્ટ મુજબ ઘોરએ અફઘાનિસ્તાનના અલ્પવિકસિત રાજ્યોમાંથી એક છે.

તાલીબાને ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા સાથે શાંતિકરાર કર્યા હતા. તેમ છતાં તાલીબાનોનું એક જૂથ સરકારને ઉખાડી નાખવા ચાહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો