અખાતના દેશોના આ ઝઘડાના કારણે વધી રહી છે ઑઇલની કિંમત?

    • લેેખક, સમીર હાશમી
    • પદ, મધ્ય-પૂર્વ બિઝનેસ રિપોર્ટર

આ અઠવાડિયે ઑઇલના ઉત્પાદનના જથ્થાને લઈને વિશ્વના સૌથી મોટા ઑઇલ ઉત્પાદક દેશો, સંયુક્ત આરબ અમિરાત અને સાઉદી અરેબિયા વચ્ચેના મતભેદોએ બંને દેશો વચ્ચેની વાતચીત અટકાવી દીધી છે.

તેની અસર ઑઇલની તમામ મોટી બજારો પર પણ થઈ છે, વાતચીત રોકાઈ જવાના કારણે ઑઇલની કિંમતો છ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

પેટ્રોલિયમ નિકાસકાર દેશોના સંગઠન 'ઓપૅક પ્લસ'ને (જેમાં રશિયા જેવા દેશ પણ સામેલ છે) પોતાની વાતચીત અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવી પડી છે, જે કારણે સમૂહની સ્થિરતાને લઈને આશંકાઓમાં વધારો થયો છે.

આ સમસ્યા છેલ્લા અઠવાડિયે શરૂ થઈ, જ્યારે સંયુક્ત આરબ અમિરાતે ઓપૅક પ્લસના નેતાઓના સાઉદી અરેબિયા અને રશિયાના એક પ્રસ્તાવને ફગાવી દીધો. બંને દેશોએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે હજુ આઠ મહિના સુધી ઉત્પાદન સંબંધી પ્રતિબંધો ચાલુ રાખવા જોઈએ.

પરંતુ સંયુક્ત આરબ અમિરાત ઑઇલના ઉત્પાદનની પોતાની વર્તમાન 'આધારરેખા' પર ફરીથી વાતચીત કરવા માગતું હતું. UAEએ કહ્યું કે તેને થોડું વધુ ઑઇલ કાઢવાની પરવાનગી આપવામાં આવે. જોકે સાઉદી અરેબિયા અને રશિયા તેની વિરુદ્ધ હતા.

એકબીજાની નિકટ હોવાનું મનાતાં સંયુક્ત આરબ અમિરાત અને સાઉદી અરેબિયાના ઊર્જામંત્રીઓએ પોતાના મતભેદો પર મુક્તમને વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેમાં વળાંક આવ્યો.

વૉશિંગ્ટનસ્થિત સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના વરિષ્ઠ સંશોધનકર્તા કાહિલ પ્રમાણે, "આ અથડામણ કોઈ સરપ્રાઇઝથી ઓછી નહોતી. પરંતુ આ ઝઘડો કદાચ અપરિહાર્ય હતો."

તેઓ કહે છે કે, "અબુ ધાબીનો ઓપૅક ક્વૉટા તેની ઑઇલ ઉત્પાદનક્ષમતા અનુસાર નથી. સંયુક્ત આરબ અમિરાતે પોતાની ઑઇલ ઉત્પાદનક્ષમતા વધારવા માટે ઘણાં નાણાં રોક્યાં છે અને હવે માગ પણ વધી રહી છે. આ જ કારણે UAE છેલ્લા વર્ષથી ઉત્પાદન વધારવાની પોતાની અસમર્થતાને લઈને નિરાશ છે."

બે રાજકુમાર અને ટકરાવ

ઘણાં વર્ષોથી સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચેની ભાગીદારીએ આરબ જગતની ભૂ-રાજનીતિને આકાર આપ્યો છે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને સંયુક્ત આરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદના વ્યક્તિગત સંબંધોએ બંને દેશો વચ્ચેના આ ગઠબંધનને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

બંને ક્રાઉન પ્રિન્સોને પોતપોતાના દેશોમાં વાસ્તવિક શાસક તરીકે જોવામાં આવે છે અને બંને પોતપોતાના દેશોને લઈને મહત્ત્વાકાંક્ષી દૃષ્ટિકોણ ધરાવે છે.

ઘણાં વર્ષો સુધી બંને દેશોનો રણનીતિ-સંબંધી મુદ્દાઓને લઈને સહયોગ રહ્યો. તેમણે યમનમાં ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ લડવા માટે વર્ષ 2015માં એક અરબી સૈન્ય ગઠબંધનનું ગઠન કર્યું અને વર્ષ 2017માં કતાર પર એક રાજદ્વારી, વ્યાપારસંબંધી અને યાત્રાને લગતો પ્રતિબંધ લાદ્યો.

પરંતુ તેમના સંબંધોમાં ફાટ બે વર્ષ પહેલાં જ દેખાવા લાગી હતી, જ્યારે UAEએ પોતાના મોટા ભાગના સૈનિકોને યમનમાંથી હઠાવી લીધા. તેમના આ પગલાથી સાઉદી અરેબિયા નાખુશ થયું.

UAEએ જાન્યુઆરીમાં યમને કતાર પર લાદેલા પ્રતિબંધો સમાપ્ત કરવા માટે સાઉદી અરેબિયાની આગેવાનીમાં કરાયેલી ડીલ પર સંમતિ વ્યક્ત કરી હતી.

પરંતુ તેમને દોહા પર હજુ પણ ભરોસો નથી. આવી જ રીતે, ગત વર્ષે ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય કરવાના UAEના નિર્ણયથી સાઉદી અરેબિયા બિલકુલ ઉત્સાહિત નહોતું.

બંને દેશો વચ્ચેની ફાટ ફેબ્રુઆરીમાં હજુ વધવા લાગી, જ્યારે સાઉદી અરેબિયાએ બહુરાષ્ટ્રીય કંપનીઓને વર્ષ 2024 સુધી પોતાનાં મુખ્યાલયોને સાઉદી અરેબિયામાં સ્થાપવાની સૂચના આપી.

અને એવું પણ જણાવ્યું કે જે કંપનીઓ આવું નહીં કરે તેમને સરકારી કૉન્ટ્રેક્ટ નહીં મળે. આ જોગવાઈને અખાતના દેશોમાં વેપારનું કેન્દ્ર મનાતા દુબઈ પર સીધો હુમલો મનાઈ રહી છે.

પછી UAEએ ઓપૅકમાં એક ડીલનો વિરોધ કર્યો, જેની તરફેણમાં સાઉદી પણ હતું. આ કારણે સાઉદીએ UAE જતી ફ્લાઇટ રોકી દીધી.

જોકે કોરોના વાઇરસને કારણે આ નિર્ણય લેવાયો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી પણ આ નિર્ણય એવા સમયે લેવાયો, જ્યારે ઘણા લોકો રજા ગાળવા માટે દુબઈ જતા હોય છે.

સાઉદી અરેબિયાએ એ પણ જાહેરાત કરી કે તેઓ પોતાની પ્રાથમિકતાવાળી ટૅરિફ સમજૂતીઓથી ફ્રી ઝોન્સથી કે ઇઝરાયલ સાથે સંબંધ રાખનારા અન્ય અખાતના દેશોમાંથી આવનાર આયાત બંધ કરી દેશે.

આ પગલાથી UAEના અર્થતંત્ર પર ફટકો પડ્યો, કારણ કે ત્યાંનું સમગ્ર અર્થતંત્ર ફ્રી ઝોન મૉડલ પર નિર્ભર છે.

આર્થિક પ્રતિસ્પર્ધા

ઓપૅકમાં બંને દેશો વચ્ચેની અથડામણ, વધતી જતી આર્થિક પ્રતિસ્પર્ધાને રેખાંકિત કરે છે. બંને દેશો પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર પોતાની નિર્ભરતાને ઘટાડીને પોતાના અર્થતંત્રમાં વિવિધતા લાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

મોહમ્મદ બિન સલમાનની આગેવાનીમાં સાઉદી અરેબિયા પહેલાં કરતાં વધુ આક્રમક આર્થિક રણનીતિ અપનાવી રહ્યું છે.

હવે તે પર્યટન, આર્થિક સેવાઓ અને ટેકનૉલૉજી જેવાં ક્ષેત્રોમાં અખાતના અન્ય દેશો સાથે પ્રતિસ્પર્ધા કરી રહ્યું છે.

લંડનના ચૅટમ હાઉસના ઍસોસિયેટ ફેલો નીલ ક્વિલિયમ કહે છે કે, "સાઉદી અરેબિયા અખાતના દેશોમાં સૌથી મોટું છે અને હવે તે જાગી રહ્યું છે. અમુક હદ સુધી તે UAE માટે ચિંતાનો વિષય છે."

"15થી 20 વર્ષમાં જો સાઉદી અરેબિયા એક ગતિશીલ અર્થવ્યવસ્થામાં પલટાઈ જાય છે તો તે અમિરાતના આર્થિક મૉડલ માટે એક ખતરો હશે."

હજુ પણ એ સ્પષ્ટ નથી કે સાઉદી અરેબિયા અને UAE એક નવી ઓપૅક ડીલ પર સંમત થશે કે કેમ?

પરંતુ શાહી દરબારના નિકટના એક સાઉદી વિશ્લેષક અલી શિહાબીને એ વાતનો ભરોસો નથી કે આ ફાટ લાંબા ગાળે તેમના સંબંધોને પ્રભાવિત કરશે, ભલે અમિરાતનું કઠોર વલણ સાઉદી અરેબિયા માટે 'આઘાત' સ્વરૂપે આવ્યું હોય, કારણ કે તેમણે બહુમતીથી નિર્ણય લેવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા.

તેઓ કહે છે કે, "બંને પક્ષો વચ્ચે ભૂતકાળમાં આના કરતાં પણ વધુ મોટી અસંમતિઓ રહી છે. અમેરિકા અને બ્રિટન સહિત તમામ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ આ સંબંધોનાં મૂળ તત્ત્વ ગઠબંધનને સ્થાયી નુકસાન પહોંચાડવાની તુલનામાં ઘણાં મજબૂત છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો