યુરો કપ : ઇંગ્લૅન્ડની ઐતિહાસિક ફાઇનલ મૅચ પહેલાં હજારો પ્રશંસકો સડકો પર ઉમટી પડ્યા

ફૂટબૉલના બે મહામુકાબલામાં ફાઇનલ મૅચને લઈને ઉત્સાહનો માહોલ છે, શનિવારે રાત્રે રમાયેલી કોપા અમેરિકા કપ 2021માં ઇતિહાસ રચાયો તો યુરો કપ 2020 ફાઇનલ મૅચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોપા અમેરિકા કપમાં આર્જેન્ટિનાની ટીમે બાજી મારી લીધી છે. દુનિયાના મહાન ફૂટબૉલ ખેલાડીઓમાં જેમનો સમાવેશ થાય છે એવા લિયોનેલ મેસ્સી માટે પોતાના દેશની ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ખિતાબ અપાવવામાં સફળ થયા. તેમના પ્રશંસકો માટે પણ આ એક ખાસ અવસર બની રહ્યો છે.

ત્યારે યુરો કપની વાત કરીએ તો 55 વર્ષ પછી ઇંગ્લૅન્ડ ફૂટબૉલની કોઈ મોટી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધાની ફાઇનલ મૅચ રમવા જઈ રહ્યું છે. ત્યારે યુરો કપના ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ટીમના પ્રવેશને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે.

બ્રિટનનાં ક્વીન ઍલિઝાબેથ દ્વિતીય અને વડા પ્રધાન બૉરિસ જૉન્સને ઇંગ્લૅન્ડની ટીમને યુરો 2020ની ફાઇનલ મૅચ પહેલાં શુભેચ્છાઓ આપતા સંદેશ પાઠવ્યા છે.

ઇંગ્લૅન્ડની ટીમે પ્રથમ વાર યુરો કપની ફાઇનલમાં જગ્યા મેળવી છે, તે વર્ષ 1968 અને 1996માં ત્રીજા સ્થાન પર રહી હતી. યુરો કપની વાત કરીએ તો ઇટાલી ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે.

ઇંગ્લૅન્ડ માટે હવે તેના સ્થાનિક દર્શકો સામે પહેલી વાર યુરો કપ જીતવાની તક છે.

ઇટાલી અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનાર ઐતિહાસિક મૅચ પહેલાં ઇંગ્લૅન્ડ ફૂટબૉલ ટીમના ચાહકો લંડનના લૅસેસ્ટર સ્ક્વેર પર મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે.

વેમ્બલેમાં રમાનાર આ મૅચને જોવા માટે 60 હજાર જેટલા દર્શકો સ્ટેડિમમાં હાજર હશે એવું કહેવામાં આવી રહ્યું છે.

લંડનના પબ્સની બહાર લાંબી લાઇનો લાગી છે અને મૅચને કારણે પબ્સને 45 મિનિટ સુધી પોતાનો સમય લંબાવવાની પરવાનગી આપવામાં આવી છે.

લંડનમાં ફૂટબૉલના ચાહકોમાં આ મૅચને લઈને એટલી હદે ઉત્સાહ છે કે શહેરમાં અલગઅલગ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે.

ડ્યૂક ઑફ કૅમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ્સે કહ્યું કે 'તેમને માનવામાં નથી આવી રહ્યું કે આ થઈ રહ્યું છે.'

ત્યારે બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સને કહ્યું કે ઇંગ્લૅન્ડની ફૂટબૉલ ટીમે આખા દેશના ઉત્સાહ વધાર્યો છે.

મેસ્સીનું સપનું પુરૂં થયું

બ્રાઝિલના રિયોના મારાકાના સ્ટેડિયમમાં રમાયેલી કોપા અમેરિકા કપની ફાઇનલ મૅચમાં આર્જેન્ટિનાની ટીમે બ્રાઝિલને માત આપી હતી.

કોપા અમેરિકા કપની વાત કરીએ તો 14 વખતના ચૅમ્પિયન આર્જેન્ટિનાએ 29મી વખત ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં પ્રવેશ કર્યો હતો.

આર્જેન્ટિનાની ટીમની આ જીતથી લિયોનેલ મેસ્સીનું એ સપનું પુરૂ થઈ ગયું જેમાં તેઓ પોતાની સુકાનીમાં પોતાના દેશની ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી પ્રતિસ્પર્ધામાં ટોચ પર લઈ જવા માગતા હતા.

મૅચનું પરિણામ આવતાંની સાથે જ 34 વર્ષના મૅસીની ટીમમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને ટીમના સભ્યોએ મેસ્સીને ખભ્ભા પર ઉપાડીને ઉછાળ્યા હતા.

લિયોનેલ મૅસીએ આર્જેન્ટિનાની ટીમને 28 વર્ષ પછી કોપા અમેરિકા કપ જીતવામાં મદદ કરી અને તેમને પ્રતિસ્પર્ધામાં ચાર ગોલ બનાવવા બદલ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 1993 બાદ આર્જેન્ટિનાએ પહેલી વખત કોપા અમેરિકાની ટ્રૉફી પોતાને નામ કરી છે.

લાંબા સમય બાદ મળેલી આ જીતની ખુશી આર્જેન્ટિનાની ટીમ અને ફૅન્સ મનાવી રહ્યા છે. ખિતાબ જીત્યા બાદ મેસ્સીએ ગ્રાઉન્ડથી ફોન પર પોતાના પરિવાર સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો