અમેરિકામાં તાપમાન 54.4 ડિગ્રી સુધી પહોંચ્યું, ભયંકર ગરમી અને જંગલોમાં આગ

ભયાનક ગરમીનો સામનો કરી રહેલા અમેરિકાના પશ્ચિમી વિસ્તારોનાં જંગલોમાં આગ લાગી ગઈ છે.

અમેરિકાના પશ્ચિમી ભાગોમાં ભયંકર ગરમી પડી રહી છે અને કેટલાંક સ્થળોએ તાપમાન રેકૉર્ડ સ્તરે પહોંચી ગયું છે.

અહીં રહેનાર કેટલાક સમુદાયોને તેમની જગ્યાએથી ખસી જવાનું કહેવામાં આવ્યું છે કારણ કે આગને ઓલવવામાં અગ્નિશમન વિભાગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લાસ વેગાસમાં તાપમાન રેકૉર્ડ 47.2 ડિગ્રી સેલ્સિયલ નોંધાયું છે. ત્યારે કૅલિફોર્નિયાની ડૅથ વૅલીમાં શુક્રવારે રેકૉર્ડ 54.4 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે

યુરોપિયન સંઘનો અર્થ ઑબ્ઝર્વેશન પ્રોગ્રામ મુજબ આ વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી વધારે ગરમી પડી રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ભયાનક ગરમીની મોસમના આ વિકરાળ રૂપનો સામનો આવનારા સમયમાં વારંવાર કરવો પડશે અને આ પર્યાવરણમાં આવતા પરિવર્તનનું પરિણામ છે.

જોકે, નિષ્ણાતો એવું પણ કહે છે કે કોઈ એક ઘટનાને ગ્લોબલ વૉર્મિગ સાથે જોડવું મુશ્કેલ છે.

એક અન્ય શોધમાં સામેલ સંશોધકે જણાવ્યું હતું કે જૂનના અંતમાં પશ્ચિમ કૅનેડા અને અમેરિકામાં જે ગરમી પડી તે ગ્લોબલ વૉર્મિંગ વગર શક્ય નથી.

અમેરિકામાં લાખોની સંખ્યામાં લોકો ભયાનક ગરમીને કારણે પરેશાન થઈ રહ્યા છે.

અમેરિકાની નૅશનલ વેધર સર્વિસે પ્રભાવિત વિસ્તારોમાં રહેનારા લોકોને કહ્યું કે તેઓ ખૂબ પાણી પીએ, સાથે જ તેમને ઘરની અંદર રહેવા અથવા પોતાની ઇમારતોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે જ્યાં એસી લગાવેલું હોય.

નેશનલ વેધર સર્વિસ મુજબ નેવાડા અને કૅલિફૉર્નિયામાં તાપમાનના અત્યાર સુધીના રેકૉર્ડ તૂટી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં પણ ગરમી વધવાની શક્યતા છે.

કૅલિફૉર્નિયામાં શુક્રવારે રેકૉર્ડ 54.4 ડિગ્રી તાપમાન નોંધાયું, આની પહેલા ઑગસ્ટમાં પણ તાપમાન આ સ્તરે પહોંચ્યું હોવાનું કહેવાય છે.

1913માં અહીં 56.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું પરંતુ પર્યાવરણ બાબતોના નિષ્ણાતોમાં આને લઈને અલગ-અલગ મત છે.

હવામાન નિષ્ણાતોએ કૅનેડામાં પણ તાપમાન વધવાની ચેતવણી આપતાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.

અમેરિકામાં અનેક સ્થળોએ એસી ધરાવતાં કૂલિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યાં છે જેથી લોકોને ગરમીથી રાહત મેળવવા માટે અમુક જગ્યા મળી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો