ઉત્તર પ્રદેશ : કોરોના પૉઝિટિવ મૃતકની અઢી મહિને થઈ અંતિમક્રિયા

    • લેેખક, શહબાઝ અનવર
    • પદ, બિજનૌરથી બીબીસી હિન્દી માટે

ઉત્તર પ્રદેશના સરકારી શબગૃહમાં એક મૃતદેહના અંતિમસંસ્કાર માટે અઢી મહિના સુધી રાહ જોવી પડી, કેમ કે સરકારી હૉસ્પિટલના કર્મચારીઓએ ગરીબ પરિવાર પાસે કથિત રીતે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી અને મૃતકના સ્વજનો એ આપી ન શક્યા.

કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા 39 વર્ષીય નરેશના અંતિમસંસ્કાર એક સ્વયંસેવી સંસ્થાની મદદથી ગુરુવારે હાપુડમાં થયા હતા.

નરેશનાં પત્ની ગુડિયાએ રડમસ અવાજે મીડિયાના સવાલ પર કહ્યું કે "મોતના સમાચાર મળ્યા બાદ અમે જ્યારે મૃતદેહ લેવા હૉસ્પિટલ પહોંચ્યા તો અમારી પાસે 15 હજાર રૂપિયા માગવામાં આવ્યા, જે અમે આપી ન શક્યા અને ઘરે જતા રહ્યા."

જોકે મેરઠ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ જ્ઞાનેન્દ્ર કુમાર લાંચ માગવાનો આરોપ પાયાવિહોણો ગણાવે છે.

તેઓ કહે છે કે પરિજન કોરોના સંક્રમિતથી મોત થયાનું જાણ્યા બાદ હૉસ્પિટલ આવ્યા હતા, પરંતુ મૃતદેહ લીધા વિના જ ત્યાં પાછા જતા રહ્યા હતા અને તેમનો મોબાઇલ નંબર પણ સતત બંધ આવતો હતો.

પતિના અંતિમસંસ્કાર

ગુડિયાનું કહેવું છે કે તેઓ 15 હજાર ભેગા ન કરી શક્યાં તો તેમની પાસે બીજો વિકલ્પ પણ શું હતો? તેમનું એ પણ કહેવું હતું કે તેમને કહેવાયું હતું કે તેમના પતિના અંતિમસંસ્કાર હવે સરકાર કરશે.

બસ્તી જિલ્લાના મૂળનિવાસી નરેશ કુમાર હાપુડમાં લારીમાં મીઠાઈ વગેરે વેચતા હતા.

એપ્રિલમાં તેમની તબિયત બગડતાં પહેલાં તો તેમને હાપુડની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા અને બાદમાં મેરઠ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમને કોરોના થયો હોવાનું નિદાન થયું અને ભરતી થયાના બે દિવસ બાદ 15 એપ્રિલે તેમનું મોત થયું.

મૃતદેહ કેટલાક દિવસો સુધી શબગૃહમાં પડી રહ્યો તો મેરઠ હૉસ્પિટલે હાપુડ પ્રશાસન અને સરકારી હૉસ્પિટલનો સંપર્ક કર્યો, કેમ કે કેસ ત્યાંથી રિફર થયો હતો.

હાપુડનાં ચીફ મેડિકલ ઑફિસરે જણાવ્યું કે, "મેરઠથી મૃતદેહ હાપુડ લાવીને તેને મડદાઘરમાં રાખી દેવાયો અને નરેશના સ્વજનોની શોધ માટે પ્રશાસનની મદદ લેવાઈ."

ઇન્સ્પેક્ટર ઉત્તમકુમાર શર્માએ કહ્યું કે લારીવાળાને પૂછતાં કડી મળતી ગઈ અને પોલીસ નરેશના મકાનમાલિક અને પછી તેના પરિવારજનો પાસે પહોંચી શકી.

આ દરમિયાન પરિવારજનો ગામમાં તેમની આર્થિક સ્થિતિ અનુસાર, મૃત્યુ બાદની વિધિ કરી ચૂક્યા હતા.

હાપુડ પ્રશાસનની મદદથી તેમને શહેરમાં લાવવામાં આવ્યાં, જ્યાં તેઓ પતિના મુખાગ્નિના સમયે સ્મશાનમાં હાજર રહી શક્યાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો