You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન : ઇમરાન ખાનનો દાવો, હાફિઝ સઈદના ઘર બહાર બ્લાસ્ટમાં ભારતનો હાથ
પાકિસ્તાનના લાહોરમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના ઘર પાસે થયેલા બ્લાસ્ટ પાછળ ભારતનો હાથ હોવાનો દાવો પાકિસ્તાને કર્યો છે.
પાકિસ્તાનના નેશનલ સિક્યૉરિટી એડવાઇઝર, પંજાબ પોલીસના ચીફ અને માહિતી પ્રસારણ મંત્રીએ યોજેલી એક સંયુક્ત પત્રકારપરિષદમાં 4 જુલાઈએ હાફિઝ સઈદના ઘર પાસે થયેલા બ્લાસ્ટને 'ભારત પ્રેરિત ચરમપંથ' ગણાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન પોતાની ભૂમિ પર ચરમપંથી હુમલાઓ બાબતે એક-બીજા પર આરોપ મૂકતા રહે છે. પાકિસ્તાનના આ આરોપ પર ભારત તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ઉલ્લેખનીય છે કે 23 જૂનના રોજ લાહોરના જોહર ટાઉન વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતા, જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા.
એ સમયે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પોલીસના આઈજી ઇનામ ઘનીએ જણાવ્યું છે કે હાફિઝ સઈદના ઘર પાસે સુરક્ષા હોવાના કારણે હુમલાખોર ઘર સુધી પહોંચી નહોતા શક્યા.
પાકિસ્તાનમાં હાજર બીબીસીનાં સવાદદાતા શુમાઇલા જાફરીનાં જણાવ્યા અનુસાર આઈજી ઘનીએ મીડિયાને જાણકારી આપી, "વિસ્ફોટ હાફિઝ સઈદના ઘર પાસે થયો. ઘરની પાસે પોલીસ હોવાના લીધે હુમલાખોર ત્યાં સુધી પહોંચી નહોતા શક્યા."
બીબીસીને એક અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ જે જગ્યાએ થયો, ત્યાંના એક ઘરનો ઉપયોગ હાફિઝ સઈદ પણ કરે છે અને આ જ ઘર તરફ જનારા ચાર રસ્તામાંથી એકમાં વિસ્ફોટ થયો છે. આ ઘરે પોલીસ હંમેશાં હાજર રહે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હાફિઝ સઈદનાં તમામ ઘરો અને ઠેકાણાં સરકારી તાબા હેઠળ છે અને પોલીસ દિવસરાત તેનો પહેરો ભરે છે.
પત્રકારપરિષદમાં પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર મોઇન યુસૂફે કહ્યું કે, 'બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ ભારતીય હતો અને અને તેનો સંબંધ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી રૉ સાથે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોઇન યુસૂફે કહ્યું, આરોપીઓ પાસેથી જે ફોન અને અન્ય ઇલેકટ્રોનિક સામાન મળ્યો છે તેની ફૉરેન્સિક તપાસથી સાબિત થાય છે મુખ્ય માસ્ટર માઇન્ડનો સંબંધ ભારત સાથે છે.
પત્રકારપરિષદમાં તાજેતરમાં ભારતમાં જમ્મુમાં થયેલા ડ્રોન હુમલા અંગે પણ પૂછવામાં આવ્યું કે શું તેમાં પાકિસ્તાનનો હાથ છે તો એનો ઇનકાર કરી મોઇન યુસૂફે કહ્યું કે, આ ફક્ત આરોપ છે.
એમણે દાવો કર્યો કે, 'હું કોઈ શંકા વગર કહેવા માગુ છું કે આ આખો હુમલો ભારત પ્રેરિત ચરમપંથનો છે.'
સમાચારપત્ર ડૉન મુજબ મોઇન યુસૂફે એવો પણ દાવો કર્યો કે 'પાકિસ્તાનમાં સાયબર ઍટેક પણ આ બ્લાસ્ટની તપાસને અવરોધવા માટે જ થયો અને સાયબર હુમલાઓ અને આ બ્લાસ્ટ બેઉ સંલગ્ન છે.'
આ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ ટ્વિટ કર્યું અને ભારત પર ચરમપંથનો આરોપ મુકી વિશ્વ સમુદાયને મોબીલાઇઝ થવાની અપીલ પણ કરી.
એમણે કહ્યું, મેં મારી ટીમને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આજે જોહર ટાઉન બ્લાસ્ટની જાણકારી રાષ્ટ્રને આપે. પંજાબ પોલીસની આતંકવાદ વિરોધી શાખાએ ખૂબ ઝડપથી કરી અને ખૂફિયા સંસ્થાઓની મદદથી મજબૂત પુરાવાઓ ખોળી કાઢ્યા છે.
મોઇન યુસૂફે કહ્યું કે, 'આ કેસમાં અમારી પાસે પુરાવાઓ છે, માસ્ટર માઇન્ડ અમે ઓળખી લીધો છે જે ભારતીય છે, ભારતમાં જ રહે છે અને રૉ સાથે સંબંધિત છે.'
એમણે એવો દાવો કર્યો કે આ કેસમાં એક સંદિગ્ધ મૂળ અફઘાનિસ્તાનની અને હાલ પાકિસ્તાનમાં રહેતી ઇદ ગુલ નામની વ્યક્તિ પણ છે.
પાકિસ્તાનના આરોપો બાબતે હજી ભારતે પ્રતિક્રિયા આપી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો