ધોળાવીરા : પાંચ ધોરણ ભણેલા એ ગુજરાતી જેમને 'સૌથી પહેલા' ખંડેરમાંથી 'નગર મળ્યું'

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

દેશના પશ્ચિમ સીમાડે રણ, દરિયો અને ડુંગરની ત્રિવિધ વિશેષતા ધરાવતા કચ્છ જિલ્લામાં 'ખડીર બેટ' નામે ઓળખાતો રણદ્વીપ આવેલો છે. અત્યારે અહીં બારેક ગામ વસે છે પણ પાંચેક હજાર વર્ષ પહેલાં આ ભૂખંડ પર એક 'સ્માર્ટ સિટી' વસતું હતું.

હડપ્પીય નગર ધોળાવીરાને ગત અઠવાડિયે યુનેસ્કોએ વિશ્વવારસાની યાદીમાં સમાવ્યું છે, આની જાહેરાત થઈ ત્યારે ધોળાવીરાની સાઇટથી દોઢેક કિલોમીટરના અંતરે આવેલા ધોળાવીરા ગામના મોટા ભાગના લોકો આ વાતથી અજાણ હતા.

શંભુદાન ગઢવીનું નામ ગુજરાત અને દેશમાં ઓછું જાણીતું છે પણ ગામના લોકો તેમને 'ધોળાવીરાના શોધક' ગણાવે છે.

પુસ્તકો અને પુરાતત્ત્વ વિભાગના દસ્તાવેજો પ્રમાણે હડપ્પાકાળનું નગર ધોળાવીરા 1967-68માં પુરાતત્ત્વવિદ ડૉ. જગતપતિ જોશીએ શોધ્યું હતું અને 1990માં પુરાતત્ત્વવિદ ડૉ. રવીન્દ્રસિંહ બિષ્ટે આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા વતી ધોળાવીરામાં ઉત્ખનન શરૂ કરાવ્યું હતું.

'ઇન્ડિયન્સ: અ બ્રીફ હિસ્ટ્રી ઑફ સિવિલાઇઝેશન' પુસ્તકમાં નમિત અરોરા ધોળાવીરાના સ્થાનિક ગાઇડ સાથે થયેલી વાતચીત વિશે લખે છે કે "મોટા ભાગના ગાઇડ્સનું કહેવું હતું કે ધોળાવીરા શોધવાનો શ્રેય જે. પી. જોશીને મળ્યો છે પણ અહીંના સ્થાનિક શંભુદાન ગઢવી અને સરપંચ વેલુભા સોઢાનાં નામોનો ઉલ્લેખ સુદ્ધાં કરાયો નથી."

સ્થાનિકોના મતે કચ્છમાં દટાયેલું ધોળાવીરા બહાર આવ્યું, એમાં શંભુદાન ગઢવીનું બહુમૂલું યોગદાન છે, પણ સમયનાં વહાણાં વીત્યાં અને તેમનું પ્રદાન ભુલાઈ ગયું.

ઠીકરાં સાચવનારા 'ઠીકરિયા' શંભુદાન ગઢવી

શંભુદાન ગઢવી પુરાતત્ત્વવિદ નથી, તેઓ પાંચ ધોરણ ભણેલા એક નિવૃત્ત કર્મચારી છે.

શંભુદાન ગઢવી ધોળાવીરા ગામની નાની પોસ્ટઑફિસના બ્રાન્ચ પોસ્ટમાસ્તર હતા, સાથે જ સૂકી ખેતી અને પશુપાલન પણ કરતા હતા.

ધોળાવીરાને હડપ્પા સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાણ મળી અને ત્યાં ઉત્ખનન થયું, એ માટે ગામના લોકો શંભુદાન ગઢવીને શ્રેય આપે છે.

આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા અહીં ઉત્ખનન કરાયું એના લગભગ બે દાયકા પહેલાં ગઢવીએ હડપ્પા સંસ્કૃતિના મળેલા અવશેષો તેમના ઘરે સાચવી રાખ્યા હતા અને સરકારી વિભાગોને પત્ર લખીને આ અંગે જાણ પણ કરી હતી.

ગઢવી માટીનાં વાસણોનાં ઠીકરાં એકત્ર કરતા હતા, એટલે ગામલોક તેમને 'ઠીકરિયો' કહીને બોલાવતા હતા.

દુષ્કાળમાં ખોદકામ કરતાં 'દટાયેલો વારસો' મળ્યો

વર્ષ 1971-72ની વાત છે, કચ્છમાં દુષ્કાળ પડ્યો હતો અને માણસો તથા ઢોરો પાણી માટે ટળવળતાં હતાં.

કચ્છમાં ઠેર-ઠેર રાહતકામગીરી શરૂ થઈ ગઈ હતી અને ધોળાવીરામાં વેકળો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું.

જિંદગીના સાડા સાત દાયકા જોઈ ચૂકેલા શંભુદાન ગઢવીએ બીબીસી ગુજરાતી સાથે ફોન પર વાત કરતાં કહ્યું, "એ વખતે રાહતકામગીરીમાં મજૂરોની હાજરી પૂરવાનું કામ હું કરતો હતો. આજે જેને અંગ્રેજીમાં માસ્ટર કારકૂન કહેવાય છે, એવું જ મારું કામ હતું."

ગઢવી કહે છે કે ખોદકામ દરમિયાન એક ભાગમાંથી વાસણો, મોતી, ઠીકરાં જેવાં અવશેષો મળી આવ્યાં, જે ઘણાં જૂનાં હોય એમ લાગતું હતું.

શંભુદાન ગઢવીએ આ અવશેષો પોતાની ઘરે સાચવી રાખ્યા હતા.

ગઢવી કહે છે, "એ પછી જ્યારે રાહતકામની તપાસ કરવા તાલુકા વિકાસ અધિકારી આવ્યા, તો મેં એમને જાણ કરી અને આ અવશેષો પણ બતાવ્યા."

ગઢવી ઉમેરે છે કે "અધિકારીએ મને કહ્યું કે રાહતનું કામ તો રોકી ન શકીએ પણ હું તમને રાજકોટનું એક સરનામું આપું છું, તમે ત્યાં પત્ર લખીને જાણ કરો."

રાજકોટના સરનામે પત્ર લખ્યો એના થોડાં અઠવાડિયાં બાદ એક અધિકારી ત્યાં આવ્યા અને ગઢવીની મુલાકાત લીધી.

ગઢવી કહે છે કે એ અધિકારી આવીને ગયા એ પછી ત્યાં વેકળો ખોદવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

દાદીમાની વાર્તાઓમાં ધોળાવીરા

ઉત્ખનન થયું ત્યાં સુધી પુરાણું નગર જ્યાં વસતું હતું એ જગ્યા 'કોટડા ટિંબા'ના નામે ઓળખાતી હતી, એ ભાગ ટેકરા જેવો હતો એથી લોકો તેને 'ટિંબો' કહેતા હતા.

શંભુદાન ગઢવી કહે છે કે "ગામના લોકોને તો ખબર જ હતી કે અહીં ખંડેરો આવેલાં છે અને એથી એની સાથે તરેહ-તરેહની વાતો જોડાયેલી હતી."

ગઢવી કહે છે કે તેમનાં દાદીમા જે વાર્તાઓ કહેતાં હતાં, તેમાં પણ 'કોટડા ટિંબા'ના ઉલ્લેખ આવતા હતા.

તેઓ કહે છે, "બાળપણથી વાતો સાંભળી હોવાના કારણે આ જગ્યા અંગે કુતૂહલ રહેતું હતું."

ગઢવીએ સાચવી રાખેલાં વાસણો અને અન્ય ચીજો તાલુકા વિકાસ અધિકારીની મદદથી ભુજસ્થિત કચ્છ જિલ્લા મ્યુઝિયમમાં પહોંચાડાઈ હતી.

જે અંગે મ્યુઝિયમના પૂર્વ ક્યુરેટર દિલીપ વૈદ્ય ખરાઈ કરે છે અને તેઓ કહે છે કે એ પૈકી મોટા ભાગના અવશેષો મ્યુઝિયમમાં હજી સચવાયેલા છે.

નાનું 'ઠીકરું' બન્યું ઇતિહાસનો 'પુરાવો'

શંભુદાન ગઢવીને ત્યાંથી એક 'ઠીકરું' મળ્યું, તેઓ એ ઠીકરું લઈને ગામના શિક્ષક પાસે ગયા.

ગઢવી કહે છે કે "શિક્ષકે પાંચમા ધોરણની સમાજવિદ્યાની ચોપડી કાઢી અને એની તસવીર સાથે ઠીકરાની છાપને સરખાવી. શિક્ષકનું કહેવું હતું કે આ સિંધુ સભ્યતાના વખતની છાપ હોય એવું લાગે છે."

શંભુદાન ગઢવીને ભુજ જવાનું થયું ત્યારે તેઓ જિલ્લા મ્યુઝિયમમાં ગયા અને ત્યાંના એ વખતના ક્યુરેટર દિલીપ વૈદ્યને મળ્યા અને આ ઠીકરા વિશે વાત કરી.

દિલીપ વૈદ્ય અત્યારે 84 વર્ષના છે અને ભુજમાં રહે છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "ગઢવીએ જે ચીજને ઠીકરું સમજીને સાચવી રાખી હતી, તે હકીકતે હડપ્પાકાળની સીલ હતી."

"આછા કાળા રંગની આ સીલમાં કાણું કરેલું હતું અને પાછળ યુનિકૉર્ન એટલે કે એક શિંગડાવાળા ઘોડા જેવા પ્રાણીની છાપ હતી."

વૈદ્ય કહે છે કે "મેં પુરાતત્ત્વ વિભાગના ડિરેક્ટર જે. એમ. નાણાવટીને સીલ વિશે માહિતી આપી અને ઉત્ખનન કરવાનું સૂચન પણ કર્યું હતું."

દિલીપ વૈદ્યે આ સીલની તસવીરો અને આ અંગેના અહેવાલો અખબારોમાં પ્રકાશિત કરાવ્યાં હતાં. આમ ધોળાવીરામાંથી હજારો વર્ષ જૂની ચીજો મળી હોવાની વાતનો પ્રચાર થવા લાગ્યો હતો.

સાથે જ તેમણે સીલની રેપ્લિકા તૈયાર કરાવીને શાળાઓમાં મોકલી આપી હતી, જેથી બાળકો તેને જોઈ શકે.

ધોળાવીરામાં ઉત્ખનન કરનાર પુરાતત્ત્વવિદ અને આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના પૂર્વ જૉઇન્ટ ડિરેક્ટર જનરલ ડૉ. રવીન્દ્રસિંહ બિષ્ટ કહે છે કે "ત્યાં હડપ્પાકાળનું નગર હોવા અંગે પહેલાંથી જ જાણ હતી પણ ગઢવીને મળી આવેલી સીલથી વાત પ્રમાણિત થઈ ગઈ હતી."

દટાયેલું ઐતિહાસિક નગર

દિલીપ વૈદ્ય કહે છે કે "મેં જાણ કરી એ પછી પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ ધોળાવીરા ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું."

પુરાતત્ત્વ વિભાગમાંથી આવેલા અધિકારીને શંભુદાન ગઢવીએ એકઠી કરેલી વસ્તુઓ બતાવી અને જે જગ્યાએથી અવશેષો મળ્યા હતા, એ જગ્યાની તપાસ પણ અધિકારીએ કરી હતી.

ગઢવી કહે છે કે ધોળાવીરામાં અનેક અધિકારીઓ આવ્યા પણ ઉત્ખનનની શરૂઆત ડૉ. બિષ્ટ આવ્યા, એ પછી જ થઈ હતી.

ડૉ. બિષ્ટ આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાનાં વિવિધ પદો પર રહી ચૂક્યા છે અને તેઓ ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને બિહારમાં ઉત્ખનનની કામગીરી સાથે સંકળાયેલા હતા.

વર્ષ 1990થી 2005 સુધી ડૉ. બિષ્ટે ધોળાવીરામાં ઉત્ખનનની કામગીરી હતી.

ડૉ. બિષ્ટ એ વર્ષો વિશે વાત કરતાં કહે છે, "હું ધોળાવીરા પહેલી વખત 1984માં ગયો હતો. હડપ્પાકાળના નગર વિશે સાંભળ્યું હતું પણ જ્યારે જોયું ત્યારે તે કલ્પના કરતાં મોટું અને ઘણું સુંદર હતું."

ડૉ. બિષ્ટની વડોદરામાં બદલી થઈ ત્યારે તેઓ ગુજરાતની અલગ-અલગ સાઇટ્સની મુલાકાત લઈ રહ્યા હતા. તેઓ ધોળાવીરા પહોંચ્યા ત્યારે તેમણે એ પછીનો પ્રવાસ સ્થગિત કરીને ત્યાં જ રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો.

ડૉ. બિષ્ટ ધોળાવીરામાં રોકાયા ત્યારે શંભુદાન તેમના યજમાન બન્યા અને તેમના ઘરે જ રોકાયા હતા.

દોરડાથી માપ લઈને ધોળાવીરાનો નકશો તૈયાર થયો

ધોળાવીરામાં સાઇટનું સર્વે કરવાનું આગોતરું આયોજન ન હોવાથી ડૉ. બિષ્ટ અને તેમની ટીમ પાસે પૂરતાં સાધનો ન હતાં.

ડૉ. બિષ્ટ કહે છે, "માપણી કરવા માટે અમે ગામની દુકાનમાં જેટલી પણ દોરડીઓ હતી, તે ખરીદી લીધી હતી. એની મદદથી માપ લઈને અમે એક નકશો તૈયાર કર્યો હતો."

તેઓ કહે છે, "વડોદરા પરત જઈને અમે જ્યારે નકશો બનાવીને તેનો અભ્યાસ કર્યો, ત્યારે અમને થયું કે સાઇટ તો બહુ મોટી છે અને કદાચ અમારી કંઈક ભૂલ થાય છે."

ડૉ. બિષ્ટ અને તેમની ટીમ પૂરતાં સાધનો સાથે ફરી વખત સર્વે કરવા માટે ધોળાવીરા ગયાં, એ વખતે જે નવો નકશો બન્યો તે જૂના નકશા જેવો જ હતો.

1989ના વર્ષના અંતે ઉત્ખનન કરવાની પરવાનગી મળી અને 1990ના જાન્યુઆરી મહિનામાં ધોળાવીરામાં ઉત્ખનન શરૂ થઈ ગયું.

ધોળાવીરામાંથી નીકળ્યું 'અણધાર્યું નગર'

ડૉ. બિષ્ટ કહે છે કે "આ સાઇટ 1967-68માં ડૉ. જગતપતિ જોશીએ શોધી હતી અને તેઓ આ વિશે કૉન્ફરન્સમાં પણ કહી ચૂક્યા હતા પણ એ સાઇટ આટલી વિશાળ અને વ્યવસ્થિત આયોજનપૂર્ણ હશે, એવી કલ્પના નહોતી કરી."

"ઉત્ખનન થતું ગયું, એમ-એમ નવી બાબતો બહાર આવતી ગઈ."

ડૉ. બિષ્ટ કહે છે કે "ત્યાં ઉત્ખનન વખતે અમને દટાયેલાં બે તળાવ મળ્યાં હતાં. બંને તળાવને દીવાલ અલગ પાડતી હતી. આ તળાવ પણ પુરાણા નગરનો ભાગ હતાં કેમકે કિલ્લેબંધી કરતી દીવાલો તળાવથી પણ બહાર હતી."

તેઓ કહે છે કે "એ પછી ત્યાં મોટું કબ્રસ્તાન પણ મળી આવ્યું. ત્યાંથી થોડે દૂર પથ્થરની ખાણ મળી આવી હતી."

અહીં ડૅમ, નહેર, જળાશયો, વાવ, કૂવા જેવા જળસ્રોતો હતા એટલું જ નહીં અહીં મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો અને ગટરવ્યવસ્થા પણ હતાં.

શંભુદાન ગઢવીનું યોગદાન

ગામના લોકો કહે છે કે ધોળાવીરાના નગરને શોધવાનો શ્રેય ડૉ. જગતપતિ જોશીને મળે છે પણ ખરેખરમાં તે શંભુદાન ગઢવીને મળવો જોઈએ, તેમને સૌથી પહેલાં અહીં નગર શોધ્યું હતું.

ડૉ. બિષ્ટ આ વાત સાથે સહમત નથી. તેઓ કહે છે કે "ડૉ. જોશીએ આખા કચ્છનો સર્વે કર્યો હતો અને તેમને 1967-68માં ધોળાવીરામાં નગર હોવા અંગે કહ્યું હતું."

સાથે જ ડૉ. બિષ્ટ શંભુદાન ગઢવીના યોગદાનને નકારતા નથી, તેઓ કહે છે કે "તેમને જે સીલ મળી અને તેમને જે અવશેષો સાચવી રાખ્યા એ મહત્ત્વની બાબત છે. અમે ઉત્ખનનનું કામ કરતા ત્યારે શંભુદાન અને તેમના ત્રણ સાથીઓ અમારી સાથે રહેતા હતા અને બનતી તમામ મદદ કરતા હતા."

તેઓ એવું પણ કહે છે કે "1971-72ના વખતમાં જે વેકળો ખોદાઈ રહ્યો હોવાની વાત શંભુદાન કરે છે, તે ધોળાવીરાના નીચલા નગર પાસે છે."

દિલીપ વૈદ્ય કહે છે કે "હડપ્પાકાળનું નગર ઊંડે દટાયેલું નહોતું, એથી વરસાદ પડે ત્યારે અવશેષો સપાટી પર આવી જતા અને ગામના લોકોને મળતા હતા, પણ કોઈએ સાચવી રાખવાની તસ્દી ન લીધી."

"ધોળાવીરામાંથી હડપ્પાકાળની સીલ પહેલી વખત શંભુદાનને જ મળી હતી. ગઢવીને જેટલા અવશેષો મળ્યા, એ તેમણે સાચવી રાખ્યા અને મ્યુઝિયમ તથા પુરાતત્ત્વ વિભાગ સુધી જાણ પણ કરી."

"એ દૃષ્ટિએ શંભુદાન ગઢવીનું યોગદાન ભૂલી ન શકાય."

ધોળાવીરા પહેલી વખત કોણે શોધ્યું એ અંગે વિવાદ હોઈ શકે પણ અવશેષો શોધવામાં અને એને સાચવી રાખીને પુરાતત્ત્વ વિભાગ સુધી પહોંચાડવામાં શંભુદાન ગઢવીની ભૂમિકા હતી, એ વિશેના પુરાવા મળી રહે છે.

શંભુદાન ગઢવી કહે છે, "મારું નામ આવે કે ન આવે, એ બીજી વાત છે. અવશેષો મેં મારી પાસે દબાવી રાખ્યા નથી કે વેચ્યા નથી, તે યોગ્ય જગ્યાએ પહોંચે અને લોકો એ વિશે જાણે એવી મારી દિલી ઉમેદ હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો