અમદાવાદ કરતાં ઓછી વસતી ધરાવતો એ મુસ્લિમ દેશ જે યુક્રેન યુદ્ધથી માલામાલ થઈ જશે

    • લેેખક, સિસિલિયા બેરિયા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

30 લાખ કરતાંય ઓછી વસતિ ધરાવતો દેશ કતાર યુરોપ માટે રશિયાની જગ્યાએ ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે અગત્યનો દેશ બની ગયો છે.

ઑસ્ટ્રેલિયાની સાથે જ મધ્ય પૂર્વનો આ નાનકડો દેશ લિક્વિફાઇડ નેચરલ ગૅસ (LNG)નો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે અને યુરોપિયન સંઘ માટે અગત્યનો સાથી દેશ બની શકે તેમ છે. અત્યાર સુધી યુરોપના દેશો તેમની જરૂરિયાતનો લગભગ 40 ટકા ગૅસ રશિયાથી આયાત કરે છે.

યુરોપ અત્યાર સુધી રશિયા પર ઊર્જા માટે આધારિત હતું તેનાથી કોઈ સમસ્યા થઈ નહોતી, પરંતુ રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કર્યો તે પછી સ્થિતિ બદલાઈ ગઈ છે અને આ વેપારી સંબંધો જાળવવા મુશ્કેલ બની ગયા છે.

યુરોપે અન્ય દેશોમાંથી ગૅસની આયાત કરવા માટેના લાંબા ગાળાના કરાર પર સહી-સિક્કા કરવાનું શરૂ પણ કરી દીધું છે, પરંતુ રશિયામાંથી ગૅસ આવતો અટકે તેની ભરપાઈ કરવા માટે આ કરારો હજી પૂરતા સાબિત થયા નથી.

જર્મનીનો દાખલો લો કે જ્યાં 55 ટકા ગૅસની આયાત રશિયાથી થાય છે.

નાણામંત્રી રૉબર્ટ હૅબેકે હાલમાં જ આહ્વાન કર્યું હતું કે અપૂર્વ પગલાં લેવાં જરૂરી બન્યાં છે અને તેમણે જેને "ક્રેમલિનનું એનર્જી બ્લૅકમેઇલ" ગણાવ્યું તેને દૂર કરવા, રશિયા પર આધાર છે તેને હઠાવવાની વાત કરી હતી.

જોકે જર્મની માત્ર બીજા દેશોમાંથી એલએનજી ભરેલા જહાજો આયાત કરી લે તેનાથી કામ પૂર્ણ થવાનું નથી. તેને સલામત રીતે બંદર પર ઉતારવાની અને સ્ટોર કરવાની વ્યવસ્થા ઊભી કરવી પડે, જેના માટે સરકારી અંદાજ અનુસાર ત્રણથી પાંચેક વર્ષ લાગી જાય તેમ છે.

આ રીતે માળખું ઊભું કરવાની મુશ્કેલી છે અને તાકિદની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે હૅબેકે કહ્યું છે કે, "અવ્યવહારુ લાગતો હોય તે ઉપાય પણ આપણે અપનાવવો પડશે."

તેથી જ જર્મનીએ તાકિદના ધોરણે ફ્લોટિંગ એલએનજી ટર્મિનલ્સ ઊભા કરવા માટે ફંડની ફાળવણીની શરૂઆત કરી દીધી છે. આ ટર્મિનલ્સ પર અમેરિકા અથવા કતારથી આવેલા મહાકાય ટૅન્કરોને ખાલી કરી શકાશે.

આ તબક્કે હવે કતારનો પણ વાટાઘાટોમાં પ્રવેશ થાય છે અને યુદ્ધ પછીની સ્થિતિમાં તેની ગરજ ઊભી થઈ છે. કતારે પહેલેથી જ ગૅસના ઉત્પાદનમાં અને તેને માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રોકાણ કરી દીધું છે.

વૉશિંગ્ટન ખાતેની મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના એનર્જી પ્રોગ્રામના ડિરેક્ટર કેરન યંગ કહે છે, "કતાર માટે ખરેખર તક ઊભી થઈ છે."

વિસ્તરણની યોજના

કતાર 2027 સુધીમાં દેશમાંથી ગૅસની નિકાસની ક્ષમતામાં 60 ટકા જેટલો વધારો કરવાની યોજના ધરાવે છે.

યુદ્ધની પહેલાં જ આ આયોજન થઈ ગયું હતું અને તેના કારણે મધ્યમ ગાળે યુરોપમાં એલએનજી પહોંચાડવાની તકને કારણે "સારો એવો ફાયદો થાય તેમ છે, પરંતુ તે માટે આર્થિક રીતે યોગ્ય ભાવ નક્કી કરવો પડે અને રાજકીય રીતે પણ તેની સાનુકૂળતા થવી જોઈએ," એમ યંગ કહે છે.

કતાર અર્ધબંધારણીય રાજાશાહી છે અને દેશના વડા તરીકે અમીર છે, જ્યારે સરકારના વડા તરીકે વડા પ્રધાન છે. તેથી કતારે નિર્ણય કરવા માટે બહુ પ્રક્રિયા કરવાની જરૂર નથી અને જુદાં-જુદાં રાજકીય પક્ષોના સમર્થનની પણ જરૂર નથી.

કતારની રાજકીય વ્યવસ્થાને પશ્ચિમની સંસ્થાઓ "આપખુદ શાસન" સમાન ગણે છે, જે વ્યાખ્યાને કતારની સરકાર નકારી કાઢે છે.

ઍમનેસ્ટી ઇન્ટરેશનલે કતાર માટે માઇગ્રન્ટ કામદારોનું શોષણ થાય છે તે નીતિનો વિરોધ કરેલો છે.

કતારની મહત્ત્વાકાંક્ષા

ગૅસને પ્રવાહીમાં ફેરવીને એલએનજી તૈયાર કરવામાં આવે છે, જે કુદરતી ગૅસ કરતાં વધારે કિંમત ધરાવે છે. પણ તેનો એક ફાયદો એ છે કે ઓછા ખર્ચે તેનું પરિવહન થઈ શકે છે. જહાજોમાં ભરીને તેને મોકલી શકાય છે અને તેના વહન માટે ખર્ચાળ પાઇપલાઇનો બીછાવાની જરૂર પડતી નથી.

ગૅસનો બિઝનેસ વધારવાની મહત્ત્વાકાંક્ષાના ભાગરૂપે 2019માં કતારે જાહેરાત કરી હતી કે 2027માં એલએનજીની નિકાસમાં 64 ટકા જેટલો વધારો કરવાની યોજના છે.

આ યોજનાના ભાગરૂપે સરકારી માલિકીની કતાર ગૅસ કંપનીએ નૉર્ધ ફિલ્ડ રિઝર્વને વિકસાવવા માટેનો કરાર કર્યો છે.

આ વિસ્તાર દરિયામાં આવેલો વિશાળ વિસ્તાર છે અને છેક ઈરાનના દરિયાકાંઠા સુધી ફેલાયેલો છે. અહીં વિશ્વનો સૌથી મોટો કુદરતી ગૅસનો ભંડાર ધરબાયેલો છે.

ઉત્પાદન વધારવાના કારણે કતાર હાલમાં 7.7 કરોડ ટન એલએનજી ઉપ્તાદિત કરે છે તેમાં વધારો કરીને 2025 સુધીમાં 11 કરોડ ટન જેટલું ઉત્પાદન કરતું થઈ જશે. ગૅસની માગ વધવા સાથે આ રીતે પુરવઠો વધતો રહેશે.

કતારમાંથી ગૅસની આયાત માટે માત્ર જર્મની જ ચર્ચા કરી રહ્યું છે એવું નથી. જર્મનીના અન્ય પડોશી દેશો પણ વાટાઘાટો કરી રહ્યા છે.

યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાએ પોલૅન્ડ અને બલ્ગેરિયાને મળતો ગૅસનો પુરવઠો અટકાવી દીધો હતો. આ સ્થિતિને કારણે વૈકલ્પિક ઊર્જા સ્રોતની શોધ માટેની તાકિદ ઊભી થઈ છે.

સમૃદ્ધ દેશ વધારે ધનિક બનશે

સ્વિટ્ઝર્લૅન્ડ અને અમેરિકા કરતાંય માથા દીઠ વધારે સંપત્તિ ધરાવતો દેશ કતાર હવે વધારે સમૃદ્ધ બને તેવું લાગી રહ્યું છે.

શું દુનિયાના અન્ય દેશોમાંથી પણ ગૅસ માટેની માગ વધી રહી છે ખરી?

હાલમાં કતારમાંથી નિકાસ થતો 80 ટકા એલએનજી એશિયામાં જાય છે. તેમાં મુખ્ય ખરીદદાર દેશો તરીકે દક્ષિણ કોરિયા, ભારત, ચીન અને જાપાન છે.

બજાર મૂલ્યની દૃષ્ટિએ ચીન વિશ્વનો સૌથી મોટો એલએનજી આયાત કરનારો દેશ છે. ચીને 15 વર્ષ સુધી કતારમાંથી ગૅસની આયાત માટેનો કરાર કર્યો છે.

એશિયા અને યુરોપની પણ બજારમાં માગ વધી રહી છે ત્યારે તેના કરારો મેળવવા માટે કતાર સૌથી સારી સ્થિતિમાં છે એમ જાણકારોનું કહેવું છે.

જોકે તાત્કાલિક મોટા પાયે નિકાસ થવા લાગશે એવું નથી, પરંતુ સરકારી જંગી કંપની કતાર એનર્જી પૂર્ણ કક્ષાએ ઉત્પાદન કરી રહી છે અને કરારો હેઠળ હાલમાં ગેસ રવાના કરવામાં આવી રહ્યો છે. કતારે જણાવ્યું છે કે જૂના કરારો પ્રમાણે પુરવઠો આપવાનું ચાલુ જ રહેશે અને તેને યુરોપ તરફ વાળવાની યોજના નથી.

આમ છતાં મોર્ગન સ્ટેનલી જેવી કેટલી કંપનીઓને લાગે છે કે યુરોપ દ્વારા અન્ય દેશોમાંથી ગેસ આયાત કરવા માટેનો નિર્ણય લેવાશે તેના કારણે 2030 સુધીમાં એલએનજીના વપરાશમાં 60 ટકા જેટલો વધારો થઈ શકે છે.

માગમાં વધારો થતો થશે તો કતારનું અર્થતંત્ર પણ આ વર્ષે 4 ટકા કરતાં વધારે દરથી વિકસશે એમ સિટી ગ્રૂપનું માનવું છે.

2015 પછી કતારના આર્થિક વિકાસ દરમાં આ સૌથી મોટો વધારો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો