You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ્રોલનું ઉત્પાદન કરનારા દેશો ભાવો કેમ ઘટાડતા નથી?
દુનિયાભરમાંથી ભાવો ઓછા કરવા માટે માગણી થઈ રહી છે ત્યારે પાંચમી મેના રોજ વિશ્વના ખનીજતેલના નિકાસકાર દેશોની બેઠક મળવાની છે.
જોકે ઓપેક+ (ઑપેક-પ્લસના સભ્યો જેમાં રશિયા પણ સામેલ છે) તે ખનીજતેલ ઉત્પાદક દેશો કોઈ રાહત આપે એવું લાગતું નથી.
ઓપેક+ 23 ઈંધણઉત્પાદક દેશોનું સંગઠન છે, જે દર મહિને વિયેનામાં મળે છે અને દુનિયાની બજારમાં કેટલું ક્રૂડ મોકલવું તેનો નિર્ણય કરે છે.
આ દેશોમાં કેન્દ્ર સાથે 13 સભ્યો છે (ઑર્ગેનાઇઝેશન ઑફ ઑઇલ ઍક્સપોર્ટિંગ કન્ટ્રીઝ), જેના સભ્ય તરીકે મુખ્યત્વે મધ્યપૂર્વ અને આફ્રિકાના દેશો છે. 1960માં એક કાર્ટેલ તરીકે આ સંગઠન બન્યું હતું, જેનો હેતુ વિશ્વમાં ખનીજતેલના પુરવઠા અને ભાવોને નિર્ધારિત કરવાનો હતો.
હાલમાં ઓપેક દેશો વિશ્વની જરૂરિયાતનું લગભગ 30% ઑઇલ ઉત્પન્ન કરે છે, જે રોજનું લગભગ 2.8 કરોડ બેરલ થાય છે. ઓપેક દેશોમાં સૌથી મોટો ઉત્પાદક દેશ સાઉદી અરેબિયા છે, જે એકલો જ રોજનું એક કરોડ બેરલ ઑઇલ ઉત્પન્ન કરે છે.
2016માં ખનીજતેલના ભાવો ઓછા થઈ ગયા હતા ત્યારે ઓપેક સંગઠને પોતાના સભ્યો ના હોય તેવા 10 દેશો સાથે પણ જોડાણ કર્યું અને તે રીતે ઓપેક+ સંગઠન બન્યું.
તેમાં રશિયાનો પણ સમાવેશ થાય છે, જે પણ રોજના એક કરોડ બેરલનું ઉત્પાદન કરે છે.
આ બધા દેશો ભેગા મળીને વિશ્વને લગભગ 40% ક્રૂડઑઇલ પૂરું પાડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍનર્જી ઇન્સ્ટિટ્યૂટનાં કેટ ડોરિયન કહે છે, "ઓપેક+ બજારને સંતુલિત રાખવા માટે માગ અને પુરવઠાનો નિર્ણય કરે છે. માગ ઓછી થાય ત્યારે આ દેશો પુરવઠો ઘટાડીને ભાવો ઊંચા રહે તેવું કરે છે."
ઓપેક+ ભાવો ઘટાડવા હોય ત્યારે બજારમાં વધારે પુરવઠો ઠાલવે છે. અમેરિકા અને યુકે જેવા મોટા આયાતકાર દેશો આ રીતે પુરવઠો વધારીને ભાવો નીચા રહે તેમ ઇચ્છે છે.
ક્રૂડઑઇલના ભાવો આટલા કેમ વધી ગયા?
2020માં કોરોના રોગચાળો ફેલાયો તે સાથે વિશ્વભરમાં લૉકડાઉન લદાયું હતું અને માગ ઘટી ગઈ એટલે ખનીજતેલના ભાવો તળિયે પહોંચી ગયા હતા.
ડોરિયન કહે છે, "ઉત્પાદકો પોતાને ત્યાંથી પુરવઠો લઈ જવા માટે સામેથી ચૂકવણું કરવા લાગ્યા હતા, કેમ કે તેમની પાસે સ્ટોર કરવાની પૂરતી જગ્યા પણ નહોતી."
આ સ્થિતિ પછી ઓપેક+ના સભ્ય દેશોએ રોજના એક કરોડ બેરલ જેટલો પુરવઠો ઘટાડવાનો નિર્ણય કર્યો, જેથી ભાવો ફરી વધવા લાગે.
જૂન 2021થી ખનીજતેલની માગ ફરી વધવા લાગી અને ઓપેક+ દેશોએ ધીમેધીમે પુરવઠો વધારવાનું પણ શરૂ કર્યું. એવી રીતે તેણે રોજના વધારાના 400,000 બેરલનું ઉત્પાદન વધાર્યું.
હાલમાં રોજના 1.5 કરોડ બેરલ જેટલું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જે કોરોના પહેલાંની 2020ની સ્થિતિ કરતાં હજી ઓછું છે.
જોકે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પછી ખનીજતેલનો ભાવ ફરીથી વધી ગયો અને એક બેરલ 100 ડૉલરને પાર કરી ગયો. આના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવો પણ વધી ગયા.
આર્ગસ મીડિયાના ચીફ ઇકૉનોમિસ્ટ ડેવિડ ફાયફે કહે છે કે "ઓપેક+ દેશોએ મે 2020માં પુરવઠામાં એક કરોડ બેરલનો ઘટાડો કર્યો ત્યારે તેમણે વધારે પડતો કાપ મૂકી દીધો હતો."
"હાલમાં પુરવઠો ધીમી ગતિએ વધારી રહ્યા છે અને રશિયા-યુક્રેનની અસરને ધ્યાનમાં લઈ રહ્યા નથી."
ફાઇફે કહે છે કે ખનીજતેલના ખરીદદાર દેશોને ભય છે કે યુરોપિયન યુનિયન અમેરિકાના પગલે ચાલીને રશિયામાંથી આયાત થતાં ખનીજતેલ પર પ્રતિબંધો મૂકશે. હાલમાં યુરોપ રશિયામાંથી રોજ 25 લાખ બેરલની ખનીજતેલની આયાત કરે છે.
તેઓ કહે છે, "રશિયન ઑઇલ પર પ્રતિબંધો મુકાશે તેવા જોખમને કારણે બજારમાં તેજી આવી ગઈ છે, કેમ કે પુરવઠા પર મોટી અસર થઈ શકે તેમ છે."
ઓપેક+ દેશો પુરવઠો વધારતા કેમ નથી?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વારંવાર સાઉદી અરેબિયાને ખનીજતેલનું ઉત્પાદન વધારવા કહ્યું છે, પણ તેનો અમલ થયો નથી.
યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને પુરવઠો વધારવા કહ્યું છે. તેમની વાતની પણ અવગણના થઈ છે.
ડોરિયન કહે છે, "સાઉદી અને યુએઈ પાસે ઉત્પાદન વધારવાની ક્ષમતા છે પણ તેઓ પોતાની રીતે પુરવઠો વધારવા માગતા નથી. પશ્ચિમના દેશોનું કહ્યું તેઓ કરવા માગતા નથી."
"આ દેશોનું કહેવું છે કે માગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઓછું થઈ રહ્યું છે અને અત્યારે જે ઊંચા ભાવો થયા છે તે ખરીદદારોના ગભરાટને કારણે છે."
ઓપેક+ના બીજા સભ્ય દેશો માટે ખનીજતેલનું ઉત્પાદન વધારવું મુશ્કેલ છે.
ડેવિડ ફાઇફે કહે છે, "નાઇજિરિયા અને અંગોલા બંને મળીને તેમના ક્વોટા પ્રમાણે એકાદ વર્ષથી રોજના 10 લાખ બેરલ જેટલું ઓછું ઉત્પાદન કરી રહ્યા છે."
"કોરોના રોગચાળા દરમિયાન રોકાણ ઘટી ગયું હતું અને કેટલાક ઑઇલ ઇન્સ્ટોલેશનની બરાબર જાળવણી થઈ નહોતી. હવે આ દેશોને ખ્યાલ આવ્યો છે કે તેઓ પૂર્ણ કક્ષાએ ઉત્પાદન કરી શકે તેમ નથી."
રશિયાનું વલણ શું છે?
ઓપેક+ના સભ્ય દેશોએ રશિયાની ઇચ્છાને પણ માન આપવું પડે છે, કેમ કે આ સંગઠનના સૌથી મોટા બે ઉત્પાદક દેશોમાંનું એક રશિયા જ છે.
ક્રિસ્ટોલ ઍનર્જીના સીઈઓ કેરોલ નેકલ કહે છે, "આ સ્તરના ભાવોથી રશિયા ખુશ છે. ભાવો ઘટે તેનાથી તેમને કોઈ ફાયદો થવાનો નથી."
"ઓપેક રશિયા સાથે સારા સબંધો જાળવી રાખવા માગે છે. તેના કારણે ગયા વર્ષે આ દેશો વચ્ચે જે કરાર થયા છે તેનું પાલન તેઓ કરતા રહેશે. એનો અર્થ એ થયો કે અત્યારથી સપ્ટેમ્બર સુધી ધીમેધીમે જ પુરવઠો વધવાનો છે."