You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાઉદી અરેબિયા પાકિસ્તાનની પરવા કર્યા વિના કેમ ભારતની નજીક આવી રહ્યું છે?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ચાલુ અઠવાડિયા દરમિયાન સાઉદી અરેબિયાની સેનાના વડા લેફટનન્ટ જનરલ ફાહદ બિન અબ્દુલ્લાહ મોહમ્મદ અલ-મુત્તૈર ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્રણદિવસીય આ પ્રવાસને ઐતિહાસિક માનવામાં આવે છે, કારણ કે સાઉદી સેનાના કોઈપણ વડાનો આ પ્રથમ ભારત પ્રવાસ હતો.
ત્રણ વર્ષ પહેલાં સાઉદી અરેબિયાના પાટવીકુંવર (ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ બિન સલમાન પ્રથમ વખત ભારતયાત્રાએ આવ્યા હતા, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકૉલને કોરાણે મૂકીને તેમને આવકારવા માટે પોતે ઍરપૉર્ટ પહોંચી ગયા હતા અને ઉત્સાહભેર તેમને આવકાર્યા હતા.
મોહમ્મદ બિન સલમાનની આ યાત્રા ઔપચારિકતા માત્ર ન હતી, તેના પડઘા સૈન્ય તથા કૂટનીતિક વર્તુળોમાં પણ સાંભળવા મળ્યા હતા, કારણ કે તેઓ સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી પણ છે.
આના અમુક મહિના પછી ઑક્ટોબર-2019માં મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. જે દરમિયાન 'સ્ટ્રૅટજિક કૉર્પોરેશન કાઉન્સિલ'ની સ્થાપના કરવામાં આવી હતી.
આમ તો ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો મુખ્યત્વે ક્રૂડઑઇલની જરૂરિયાત આસપાસ કેન્દ્રિત રહ્યા છે. છતાં વ્યૂહાત્મક બાબતોના જાણકારને લાગે છે કે હવે તેમાં વ્યૂહાત્મક બાબતોનું પાસું પણ ઉમેરાયું છે.
પોતાની સાઉદી અરેબિયાની યાત્રા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના અંગ્રેજી અખબાર 'અરબ ન્યૂઝ' સાથે વાત કરતા કહ્યું હતું કે 'સુરક્ષા સંબંધે સાઉદી અરેબિયા તથા ભારતની ચિંતાઓ સમાન જેવી છે.' તેમણે સુરક્ષા ઉપક્રમોની સ્થાપનાની વાત કરી હતી અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક બાબતોમાં ભાગીદારી ઉપર ભાર મૂક્યો હતો.
ડિસેમ્બર-2020માં ભારતીય સેનાના વડા એમએમ નરવણેએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. ભારતના કોઈપણ સેનાધ્યક્ષની આ પ્રથમ સાઉદી મુલાકાત હતી.
મુલાકાતના અર્થ અને ગૂઢાર્થ
વ્યૂહાત્મક બાબતોના જાણકાર તથા લંડનની કિંગ્સ કૉલેજમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિભાધ્યક્ષ હર્ષ વી. પંતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે આજની તારીખમાં ભારતની સૌથી સફળ વિદેશનીતિ ખાડી દેશો કે મધ્ય એશિયાના દેશો સાથે રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સાઉદી ગૅઝેટ'ના રિપોર્ટ પ્રમાણે, કોરોનાની મહામારી છતાં ભારત અને સાઉદી અરેબિયાના સૈન્યઅધિકારીઓ એકબીજાના દેશોની સૈન્ય સંસ્થાઓમાં તાલીમ લઈ રહ્યા છે.
સાઉદી અરેબિયા તથા ભારત વચ્ચેના રાજકીય સંબંધોને ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. જેના અનુસંધાને બંને દેશોનાં પાયદળ દ્વારા સંયુક્ત સૈન્ય-અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ પહેલાં ગત વર્ષે બંને દેશોના નૌકાદળે સંયુક્ત કવાયત હાથ ધરી હતી.
ક્રૂડઑઇલથી લઈને શરૂ થયેલા સંબંધોમાં આટલું પરિવર્તન કેવી રીતે આવ્યું?
પરિવહનના પ્રવાહનાં પરિબળ
પંત જેવા વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં મધ્યપૂર્વની સ્થિતિ ત્રણ પરિબળો ઉપર આધાર રાખી રહી છે - ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા.
અનેક ખાડી દેશોએ ઇઝરાયલસંબંધિત પોતાની નીતિમાં પરિવર્તન લાવ્યું છે અને તેની સાથે રાજકીય સંબંધ પુનઃસ્થાપિત કર્યા છે.
પંત કહે છે :"પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા મુદ્દે પશ્ચિમી દેશો અને તેમાં પણ ખાસ કરીને અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ, મધ્ય પૂર્વના દેશોમાં પણ ધ્રુવીકરણ થઈ રહ્યું છે - ઈરાન અને સાઉદી અરેબિયા તેની બે મુખ્ય ધરીઓ છે. આથી સાઉદી અરેબિયા વ્યૂહાત્મક રીતે ખુદને મજબૂત કરી રહ્યું છે. તેના માટે ભારત શ્રેષ્ઠ વિકલ્પ છે."
પંતનું કહેવું છે કે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષાસંબંધિત બાબતોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જેમ કે, ગુપ્ત તથા આતંકવાદવિરોધી માહિતીઓનું આદાનપ્રદાન અને સાઇબર સિક્યૉરિટી.
રાજકીય વર્તુળોના કહેવા પ્રમાણે, બંને દેશો વચ્ચેના સંબંધમાં આવેલા પરિવર્તનને કારણે જ વર્ષ 2019માં જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવવાની જાહેરાત કરી હતી, ત્યારે સાઉદી અરેબિયા ભારતની પડખે ઊભું જણાયું હતું. આ સિવાય પણ અનેક કિસ્સામાં સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ભારતની આંતરિક બાબતોમાં દખલ નહીં દે.
માત્ર સાઉદી અરેબિયા જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમિરાત સાથેના ભારતના સંબંધોમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આથી, જ યુએઈએ કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરની અનેક યોજનાઓમાં નાણાં રોકવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનની પરિસ્થિતિ
હર્ષ પંત કહે છે કે એક સમય એવો હતો કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેની નિકટતા અજોડ હતી. તેમણે કહ્યું :
"પાકિસ્તાનની પરવા કર્યા વગર સાઉદી અરેબિયાએ પોતાના વ્યૂહત્મક સંબંધ ભારત સાથે વધારવાની શરૂ કર્યું છે અને તે ભારતની નજીક આવી રહ્યું છે. તેનો યશ મોહમ્મદ બિન સલમાન તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ આપવો પડે."
અગાઉ બંને દેશ વચ્ચે માત્ર ધંધાદારી સંબંધ હતા, કારણ કે ભારતની ક્રૂડઑઇલની 18 ટકા જરૂરિયાત સાઉદી અરેબિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે. હવે બંને દેશો વચ્ચેના સંબંધ 'કાળા સોના'થી આગળ નીકળી ગયા છે.
સાઉદી અરેબિયાના પાયદળના વડા લેફટનન્ટ જનરલ ફાહદ બિન અબ્દુલ્લાહ મોહમ્મદ અલ-મુતૈયરને ભારતમાં નિર્મિત મિસાઇલ, ડ્રોન, હેલિકૉપ્ટર, આર્ટિલરી તથા બખ્તરબંધ ગાડીઓ દેખાડવામાં આવ્યાં છે.
સાઉદી સેનાધ્યક્ષની સાથે આવેલા સૈન્ય પ્રતિનિધિમંડળને જણાવવામાં આવ્યું કે ભારત દ્વારા ચાલુ વર્ષના દેશ સૈન્ય બજેટનો 25 ટકા હિસ્સો સ્ટાર્ટ-અપ તથા સંરક્ષણવિભાગ સંબંધિત શોધ તથા વિકાસનાં કામો માટે નક્કી કરવામાં આવ્યો છે.
જાણકારોના કહેવા પ્રમાણે, મધ્યપૂર્વની સ્થિતિ ઉપર નજર કરીએ તો અમેરિકાથી દૂર રહીને પણ સાઉદી અરેબિયા ખુદને વધુ મજબૂત કરવા ઇચ્છે છે. આ સંજોગોમાં ભારત સાથેના સંબંધ મજબૂત કરવામાં તેને કોઈ અવરોધ નથી જણાતો.
વિદેશ તથા વ્યૂહાત્મક બાબતોના જાણકાર વરિષ્ઠ પત્રકાર મનોજ જોશીનું કહેવું છું કે, "બંને દેશ વચ્ચેના સંબંધમાં પરિવર્તનના પ્રવાહની શરૂઆત સાઉદી અરેબિયા તરફથી થઈ હતી. એક સમયે પાકિસ્તાનની સેનાની એક બ્રિગેડ જેટલા જવાન હંમેશાં સાઉદી અરેબિયામાં તહેનાત રહેતા."
જોશી કહે છે, "મોહમ્મદ બિન સલમાને અનેક પરિવર્તન હાથ ધર્યાં છે. પાકિસ્તાનની બ્રિગેડને હઠાવી દેવામાં આવી છે અને પોતાની સેનાનું આધુનિકીકરણ હાથ ધર્યું છે. એટલે સુધી કે અમેરિકા દ્વારા ત્યાં તહેનાત કરવામાં આવેલી વિમાનવિરોધી 'પેટ્રિયટ' મિસાઇલને પણ દૂર કરી દેવામાં આવી છે. આ સિવાય પોતાના દેશના અર્થતંત્રને મજબૂત કરવાની દિશામાં પણ કવાયત હાથ ધરી છે."
જોશીનું માનવું છે કે, "મુસ્લિમ દેશોમાં પણ અંદરોઅંદર પંથ-પંથનો ટકરાવ છે, એટલે સાઉદી અરેબિયા ઇસ્લામિક દેશો ઉપર ખાસ વિશ્વાસ નથી કરતું. આ સંજોગોમાં ભારત તેના માટે વ્યૂહાત્મક સંબંધ વિકસાવવા માટે એક ઉપયુક્ત વિકલ્પ બની રહે છે."
વ્યૂહાત્મક બાબતોના જાણકારોનું માનવું છે કે, "અમેરિકા તથા સાઉદી અરેબિયાના સંબંધ ખૂબ જ જટિલ બની રહ્યા છે, જ્યારે ભારત સાથેના તેના સંબંધ હંમેશાં જ ઉદાર રહ્યા છે."
"આથી જ સાઉદી અરેબિયા તેના ભારત સાથેના સંબંધને વધુ આગળ ધપાવશે. તે આવનારા સમયમાં ભારતમાં મોટાપાયે રોકાણ કરવા માગે છે."
"ભારત સરકાર તથા સાઉદી અરેબિયાની સરકારી ઑઇલ કંપની અરામકોની વચ્ચે કરાર પણ થઈ ગયા છે."
ભારતના પૂર્વ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અરવિંદ ગુપ્તાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "સાઉદી અરેબિયા પોતાનો 'પ્રોફાઇલ' બદલવા માગે છે અને આ દિશામાં ઝડપભેર કામ કરી રહ્યું છે. તેણે 14થી 15 વિવિધ ક્ષેત્રોની તારવણી કરી છે અને ત્યાં વૈવિધ્ય લાવવા ઇચ્છે છે. "
અરવિંદ ગુપ્તા કહે છે, "મોહમ્મદ બિન સલમાન આ દિશામાં ઝડપભેર કામ કરી રહ્યા છે. માત્ર સાઉદી અરેબિયા જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમિરાત અને કુવૈત, ઓમાન તથા બહરીન જેવા ખાડી દેશો પણ ભારત સાથે સંબંધ વિકસાવવા તરફ આગળ વધી રહ્યાં છે. ભારત પણ તેનો હકારાત્મક પ્રતિસાદ આપી રહ્યું છે. જે તેનો વ્યૂહાત્મક વિજય છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો